વર્ષની વિદાય અને એક નવા વર્ષનું આગમન રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કેનવાસ પર કેવુંક રંગીન છે તેનું વર્ણન મુશ્કેલ તો છે પણ ચાલો, પ્રયાસ કરીએ. કેટલાક શબ્દો ૨૦૧૮માં પ્રચલિત હતા અને ૨૦૧૯માં ઉમેરો થશે. એક વિશેષતા દરેક સમાજની રહી છે, તે ભીડમાં ઉછાળવામાં આવતા સારાનરસા પ્રલાપ-વિલાપને વધુ સમય સુધી પકડી રાખતો નથી, ભૂંસી નાખે છે. એક બ્રિટિશ પત્રકારે નોંધ્યું છે કે નવા બ્રિટિશ યુવકને માટે ચર્ચિલ અને ચેમ્બરલીન માત્ર પાઠ્યપુસ્તક પૂરતા મહત્વના છે. આપણે ગાંધીજીના દોઢસો વર્ષની ઉજવણી સાથે એ વાત સારી રીતે જોડી દીધી કે તેમને પ્રિય સ્વચ્છતા પર અધિક ધ્યાન આપવું. આ સારું થયું નહિતર તેમણે લખેલા ‘હિંદ સ્વરાજ’ના દરેક પાનાનું આચરણ કરવા જઈએ તો શું થાય એ કલ્પના કરવી મુશ્કેલ છે. હમણાં એક મિત્રે મજાકમાં પૂછ્યું કે આ ગાંધીજીને પ્રિય ‘વૈષ્ણવ જન...’ ભજન અનેક ભાષામાં ગવાતું થયું એ તો સરસ કામ થયું, ગુર્જરી ભાષા અને વાણી ચોતરફ પરિચિત થયા, પણ આ ભજનમાં વૈષ્ણવ જન એટલે કે વૈશ્વિક નાગરિક કેવો હોવો જોઈએ તેનું વર્ણન છે તે બધી ખાસિયતો જીવનમાં અપનાવી શકાય તેમ છે ખરું? સારું છે કે આપણને સંતુલિત ઇતિહાસ બોધના વડા પ્રધાન મળ્યા છે, નહિતર લાલ કિલ્લા પર નેતાજી સુભાષ ચન્દ્ર બોઝની આઝાદ હિન્દ સરકારનું સ્મરણ કરાવીને ૧૫ ઓગસ્ટ ઉપરાંત ફરી વાર રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે?
ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ૧૯૪૪માં એક યાદગાર ઘટના સર્જાઈ હતી, ભારતના અત્યંત મહત્વના અને ઈતિહાસની દૃષ્ટિએ સંવેદનશીલ ભૂ ભાગ આંદામાન-નિકોબારની ૧૯૪૭ પહેલા જ સ્વાધીનતાનો એ દિવસ ઉજવવા વડા પ્રધાન ત્યાં પહોંચ્યા, તેમણે જે નામ ઘોષિત કર્યા - શહીદ અને સ્વરાજ દ્વીપ - તે નેતાજીએ કરેલું નામકરણ હતું, પણ આપણે એ ભૂલી જ ગયા! હવે ફરી વાર આ નામોથી આંદામાન-નિકોબાર સુપરિચિત થવા જોઈએ કેમ કે અહીં ૧૮૫૭થી કાળ કોટડીમાં વિપ્લ્વીઓને આજીવન કેદની સજા થતી. તાજેતરના કાર્યક્રમનું અહેવાલ કથન કરવા ગયેલી પિન્કી રાજપુરોહિતને મેં કહ્યું કે ગુજરાતના નવ વિપ્લવી પણ આંદામાન ધકેલાયા હતા, આજીવન કેદની સજા સાથે, તે ક્યારેય પાછા ફરી શક્યા નહોતા, ગુજરાતી વડા પ્રધાનને તેનું અચૂક સ્મરણ થયું હશે!
ખરી વાત એ છે કે ઇતિહાસનો મર્મ વર્તમાનને વધુ તેજસ્વી ઇતિહાસમાં બદલાવવા કામ લાગે છે ને તે કાર્ય મોડું મોડું પણ સ્વીકૃત થવા લાગ્યું છે. આના સંદર્ભમાં વીત્યું વર્ષ અને આજથી શરૂ થતું નૂતન વર્ષ બન્નેમાં ભારત માટે કોઈ સમાન શબ્દ હોય તો તે સંકલ્પ છે. ડેટર્મિશન છે. તેની આસપાસ સમસ્યાઓ ઓછી નથી, ચુંટણી દરમિયાન તે વધુ નજરે ચડે છે - અને જો સંસદીય લોકતંત્રને મજબુત બનાવવાની નિયત હોય તો જ વર્તમાન વિશ્વ આપણને યોગ્ય રીતે સ્વીકારશે.
આઝાદી પહેલા ભારતને નગણ્ય માનવામાં આવતું, તેની સેનાનો દુરુપયોગ બ્રિટન અનેક યુદ્ધોમાં કરતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાને બ્રિટિશ સેનાને પરાસ્ત કરી તેમાં મોટા ભાગના ભારતીય સૈનિકો હતા. છેક ૧૮૫૭થી, મંગલ પાંડે નામના સૈનિકે બગાવત કરી ત્યારથી ભારતીય સૈનિકો પ્રત્યે ભેદભાવ શરૂ થયો હતો એવું ભારતીય સેનાના ઇતિહાસમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે. એટલે તો ૧૮૫૭ પછી જેટલી વાર સૈનિકી બગાવત થઇ ત્યારે કોર્ટ માર્શલના બહાના હેઠળ કંઈકેટલાય ભારતીય સૈનિકોને તોપના ગોળે ઉડાવી દેવાયા હતા. આઝાદ હિન્દ ફૌજના ૧૭,૦૦૦ સૈનિકોને એક છાવણીમાં મારી નાખવામાં આવ્યા તેની વિગતો નષ્ટ કરાયેલા દસ્તાવેજોમાં પડી હતી. આપણા અમદાવાદમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ આઝાદી પૂર્વે તોપના ગોળે ઉડાવી દેવાયા હતા, આ બધું એકલા ઇતિહાસની પ્રસ્તુતિ માટે નથી. સ્વાધીન લોકતંત્ર માટે પણ બોધપાઠની બાબત છે.
કાશ્મીરમાં જે રીતે અગાઉ સૈનિકોની સામે ગાલીપ્રદાન થતું હતું, હવે પત્થરબાજી થાય છે અને કેટલીક વાર રાજકીય મંચ પર ભારતીય સૈન્ય વિષે ગલત અભિપ્રાય આપવામાં આવ્યા તે પણ ગંભીર ઘટના હતી. આનો અર્થ જો રાજનીતિ, પ્રશાસન અને સામાજિક ગતિવિધિમાં વિક્ષેપ સાબિત થતા પ્રયાસો હોય તો તે વીતેલા વર્ષની બીમારી હતી તે આ વર્ષે વિસ્તારવી જોઈએ નહીં. આશંકા એટલા માટે છે કે થોડાક મહિના પછી લોકસભાની ચુંટણી આવશે, પ્રદેશોના ઘમાસાણનો અનુભવ તો પાંચ રાજ્યોમાં લઇ લીધો, અને મતદાનના ઓછાવત્તા આંકડાના આધારે ‘જનાદેશ’ જાહેર થઇ ગયો. તેનાથી બીજું કંઈ નહીં તો કોંગ્રેસમાં જોમ આવી ગયું છે. ક્યાંક તેણે ગઠબંધન માટે તૈયારી કરી, ક્યાંક ના પાડી. આ પ્રાદેશિક પક્ષો એક સીમા સુધી તો કામ આવે પણ જો બહુમતી મળે તો વડા પ્રધાન કોણ બને તેના દાવેદારો હોવાના જ. તેનું શું કરવું? ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મમાં એ જ ચિંતા માતાના મુખે પુત્ર માટે કહેવામાં આવી છે.
ચાર દીવાલ વચ્ચેના નાટકો સાર્વજનિક મંચ પર આ ચુંટણી દરમિયાન આવશે. પણ એક વાત નક્કી છે, મોટા ભાગના પ્રાદેશિક પક્ષો અને મુખ્યત્વે કોંગ્રેસનો એક મુદ્દાનો ઢંઢેરો છે કે ભાજપ અને મોદીને સત્તાથી વંચિત કરવા. કારણ તેઓ ‘કોમવાદી છે...’ ‘સરમુખત્યાર છે...’, ‘ભ્રષ્ટાચારી છે...’ અને ‘ચોકીદાર ચોર છે...’ એ વાક્ય તો રાહુલ ગાંધીનું પેટન્ટ બની ગયું.
ભારતીય સંસદમાં વિરોધ પક્ષનો ઇતિહાસ સરસરી નજરે તપાસીએ તો વિપક્ષી નેતાઓમાં શ્યામાપ્રસાદ મુખર્જી, આચાર્ય કૃપલાની, રામ મનોહર લોહિયા, બેરિસ્ટર નાથપાઈ, હિરેન ગુપ્તા, અટલ બિહારી વાજપેયી જેવા નામ યાદ આવે. આમાંના બધા તેજતોખાર નેતા હતા, પણ ક્યારેય આવી વચન-વાણી વદી નહોતી. ખુદ ઇન્દિરા અને રાજીવ પણ આવું બોલ્યા નહોતા. ઇકોનોમિક્સના વિશ્લેષકે કહ્યું છે કે ૨૦૧૯નું વર્ષ એક જ શરતે સંતુલિત અર્થતંત્ર સાથેના રાજકારણને સ્થાપિત કરી શકે, જો તેનું નેતૃત્વ ઉત્તમ હોય. નોબેલવિજેતા માર્ક્વેઝ તો તત્કાલીન સરમુખત્યારોને પણ પીગ્મેલિયન ગણાવતા. ૨૦૧૯માં ચુંટણી, સુરક્ષા, અલગાવની સમાપ્તિ, નૈતિક અર્થકારણ અને રાજનીતિનું શુદ્ધિકરણ - આ પાંચ પડકાર હોવાના. તેમાં કન્ફ્યુઝન નહિ, પણ કમિટમેન્ટ જ સંજીવની પુરવાર થઇ શકે - જેનો મુખ્ય આધાર રાષ્ટ્ર અને રાષ્ટ્રનીતિ હોવા જોઈએ. સ્વાગત ૨૦૧૯.