અગાઉ એક વાર લખ્યું હતું તે પ્રમાણે રાજ્યપાલની લોકાભિમુખતાએ એક નવું કદમ માંડ્યું છે. કેટલાક પ્રબુદ્ધોને તેમણે ગુજરાત અને તેની આવતીકાલ માટે ચર્ચાચિંતન કરવા નોતર્યા છે. મહેંદી નવાબ જંગ ગુજરાત રાજ્ય સ્થાપનાના સાક્ષી રાજ્યપાલ હતા. શ્રીમન્નારાયણ શુદ્ધ ગાંધીવાદી અને તેમનાં પત્ની મદાલસા શ્રીમન્નારાયણે અઢારમા વર્ષમાં પ્રવેશતા નવા મતદારનાં અભિવાદનનો કાર્યક્રમ શરૂ કરેલો. ૧૯૭૫-૭૬માં કે. વિશ્વનાથન્ રાજ્યપાલ હતા. તેમને કટોકટીકાળનાં ગુજરાતને જાળવવાનું આવ્યું હતું.
ભાવનગર જેલમાંથી, ‘મીસા’ના અટકાયતી (અટકાયત ખરી, પણ એકાદ-બે દિવસ કે મહિનાની નહીં, પૂરા અગિયાર મહિનાની!) તરીકે અસંખ્યો (બાબુભાઈ જસભાઈ પટેલ, ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નવલભાઈ શાહ, રામલાલ પરીખ, દિનેશ શાહ, બ્રહ્મકુમાર ભટ્ટ, સી. ટી. દરૂ, ચીમનભાઈ શુકલ, અનંતરાય દવે, સૂર્યકાંત આચાર્ય...). આ બધા ભવિષ્યે રાજધૂરા સંભાળનારા કે વિવિધ ક્ષેત્રે જાણીતા ચહેરાઓને એક સાથે જેલમાં, સવારની પ્રાર્થના પછી ‘ચાની સાથે ચર્ચા’ કરતા નિહાળવાનો યે લહાવો હતો!
એ જ સમયે, એ જ સંઘર્ષને આગે ધપાવનારા નરેન્દ્ર મોદી અને સંખ્યાબંધ પ્રચારકો ભૂગર્ભમાં ચાના પ્યાલા પર રણનીતિ નક્કી કરતા હતા! અને વિદેશે જઈને વસેલા રામ જેઠમલાણી, મકરંદ દેસાઈ તેમ જ ડો. સુબ્રહ્મણ્યમ્ સ્વામી વિદેશોના નોબેલ વિજેતાઓનો મત એકત્રિત કરી રહ્યા હતા. તમારાં લંડનના હાઇડ પાર્કમાં કવિ-નવલકથાકાર બર્નાર્ડ કોપ્સે જેલબંદી જયચપ્રકાશની જન્મતિથિ પર એક કવિતા લખી હતી, તેનો ઉમાશંકર જોશીની સાથે બેસીને મેં કરેલો અનુવાદ ‘સાધના’માં છપાયો તો પોલીસતંત્રે મારા પર ઇન્ડિયન પીનલ કોડની ૧૯૭૧-૧ નિયમ પ્રમાણેની કલમ ૪૩-૧-એ, ૪૩-૨, ૩૪-સી, ૪૩-૫-૪૬-બી, ૪૬-૨, ૪૬-૫, ૪૮-૧ અને ૪૮-૩ આટલા ‘ગુના’ લગાડ્યા! આ બધા સાબિત થાય તો પંદર-વીસ વર્ષ જેલવાસી રહેવું પડ્યું હોત!
ભાવનગર જેલમાં, મને મારા નિબંધ-સંગ્રહ ‘હથેળીનું આકાશ’ને રાજ્ય સરકાર તરફથી પારિતોષિક અપાયાના સમાચાર પણ જેલમાં છેક સાંજે મળતા દૈનિક અખબારમાંથી જ મળ્યા હતા! ત્યારે સેન્સરશિપના વિરોધમાં એ પારિતોષિક પરત કરતો પત્ર રાજ્યપાલને લખ્યો. આશ્ચર્ય સાથે કે. વિશ્વનાથને તેનો જવાબ પણ જેલમાં મોકલી આપ્યો હતો.
ગુજરાતી રાજ્યપાલોમાં વર્તમાન રાજ્યપાલ પોતે પણ કટોકટી દરમિયાન દિલ્હીની તિહાર જેલની હવા ખાઈ આવ્યા છે એટલે ‘જેલવાસી’ ગવર્નર પહેલવે’લા ગણાય. મધ્યકાલીન સંતોના અભ્યાસી કોહલીજીને ગુજરાત સમજવાનો મોકો મળ્યો તેનો યે આનંદ! આનંદ!
ઉત્સવોનો રંગ અને ગાંધીજી
દિવસો ઉત્સવોના છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ભલે અંગ્રેજી શબ્દાવલિનો ઉપયોગ હોય, હેતુ તો ગુજરાતી સાહિત્ય (સંગીત, નાટક, નવલકથા, કવિતા, ફિલ્મ સહિત)ની સાથે નવી પેઢીનું તાદાત્મ્ય વધે તે માટેનો છે. આ ઉત્સવમાં ગાંધી અને ગાંધીગીરી પણ સામેલ રહ્યા. ગાંધીને સમજવા-સમજાવવાનો ઇરાદો હમણાંથી ગુજરાતમાં વેગીલો બન્યો છે. ‘સંપદા’ના પિયાલી રાય અને એબીપીએલના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલના સંયુક્ત ઉપક્રમે કોચરબ આશ્રમે નાનકડો પણ સુંદર કાર્યક્રમ થયો તેનો પ્રતિસાદ પણ ઘણી રીતે મળતો રહ્યો.
હમણાં નવજીવન કાર્યાલયમાં એક વધુ ઉત્સવ થયો. ‘કર્મ’ અને ‘સત્ય’ શબ્દો સાથે જોડાયેલી ગેલેરી અને કાફેટેરિયાનાં સાહસની પાછળ વિવેક દેસાઈનું દિમાગ જ હશે. આ વિવેકની ઓળખાણ કરવા જેવી છે. એક સમયે ગુજરાતમાં બે ‘ઠાકોરભાઈ’ની બોલબાલા હતી. ગુજરાતી માધ્યમ માટે પાંચમા ધોરણથી કે આઠમા ધોરણથી - તે જાહેર ચર્ચામાં ઠાકોરભાઈ પાંચમા અને ઠાકોરભાઈ આઠમા ચમકતા રહેતા! ઠાકોરભાઈ દેસાઈ ગુજરાતની અવિભાજિત કોંગ્રેસના પ્રમુખ, આખાબોલા અનાવિલ એટલે મહાગુજરાત આંદોલન દરમિયાનના ગોળીબાર વિશે તેમણે કહ્યું હતુંઃ ‘ગોળી પર કોઈનાં નામ-સરનામાં થોડા હોય છે?’ ઠાકોરભાઈ ૧૯૬૦માં નવાં ગુજરાત રાજ્યની રચના પછી પ્રથમ પ્રધાનમંડળના મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતા સાથે બાખડ્યા હતા. સરકાર અને સંગઠન પાંખની તે લડાઈનો ભોગ ડો. મહેતા બન્યા પણ ખરા! ઠાકોરભાઈના પૌત્ર વિવેક દેસાઈ નવજીવનને સંભાળે છે અને ‘જીવંત’ બનાવવા મથામણ કરે છે.
નવજીવનમાં લખેલા તંત્રીલેખો માટે મોહનદાસ કરમચંદ ઘાંડી (તહોમતનામામાં આ રીતે લખાયું હતું)ને ૧૦ માર્ચ, ૧૯૨૨ના દિવસે અમદાવાદની અદાલતમાં ૬ વર્ષની સજા ફટકારાઈ હતી. આ મુકદમો જ્યાં ચાલ્યો તે હવે સરકીટ હાઉસ છે અને ગાંધી-સંઘર્ષથી પ્રાપ્ત સ્વ-રાજના, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અફસરો ત્યાં થોડાક દિવસ માટે રહેવા આવે છે.
૧૯૭૫માં તે સમયના કેન્દ્રીય પ્રધાન પી. સી. શેઠી અહીં રોકાયા અને મોડી રાતે અરધી ચડ્ડી પહેરીને બહાર રસ્તા પર દોડવા લાગ્યા. તેને મેનેજર ભાવસારે માંડ સમજાવીને પાછા વાળવા પડ્યા હતા. સેન્સરશિપનો જમાનો એટલે આવા રોચક સમાચાર દૈનિકોમાં તો ક્યાંથી છપાય? પણ મારાં સાપ્તાહિકમાં તે છપાયા અને ખાડિયામાં ફેરિયો તેના વેચાણ માટે રસ્તા પર બૂમો પાડતો નિકળ્યો કે શેઠી ગાંડા થઈ ગયા..! થઈ ગયા..!! તો લોકો પણ આ સમાચાર જાણવા તૂટી પડ્યા’તા... નવજીવનની બીજી યાદગાર તવારીખ પણ એ સમયની. કટોકટી-વિરોધી કેસનું પુસ્તક છાપવા માટે તેને તાળાં લગાવવાનું ફરમાન થયું હતું!
‘નવજીવન’ના પ્રાંગણમાં
વિવેક દેસાઈ ઉત્તમ તસવીરકાર છે. પિતા જિતેન્દ્ર દેસાઈ પ્રિન્ટિંગ ટેક્નોલોજીના નિષ્ણાત. વિદ્યાપીઠના કુલનાયક બન્યા હતા. વિવેક દેસાઈએ તાજેતરમાં ગાંધીજીનાં કેટલાંક પુસ્તકો છાપ્યાં તેમાં મુખપૃષ્ઠ પર ‘ચક્ર’નું ચિહન જોતાં વિદ્યાપીઠના તત્કાલીન કુલનાયક સુદર્શન આયંગરનો આત્મ કકળી ઊઠ્યો ને કહ્યું, ‘અરે! આ ચક્ર તો હિંસાનું પ્રતીક ગણાય. અ-હિંસક ગાંધીનાં પુસ્તક પર તે શોભે?’ હવે જો વિવેક દેસાઈ ‘નવજીવન’ના કોઈ પુસ્તકમાં એ વાતનો સમાવેશ કરે કે ૧૯૩૪ના ડિસેમ્બરની ૨૫-૨૬ ડિસેમ્બરે વર્ધા નજીક યોજાયેલી આર.એસ.એસ.ની શિબિરમાં ગાંધીજી, જમનાલાલ બજાજ, મહાદેવ દેસાઈ, આપ્પાજી જોશી, મીરાબહેને સ્વયંસેવકોની સાથે નિખાલસ ચર્ચા કરી હતી. ગાંધીજીએ સંઘનું શિસ્ત, ભેદભાવ વિનાનું સ્વયંસેવકત્વ અને સંગઠનની પ્રશંસા કરી હતી તો કેવી પ્રતિક્રિયાનાં વાદળાં ઊમટે? સંઘ-ગાંધીજીની આ ઘટના ગાંધીનગરનાં ‘મહાત્મા મંદિર’માં દૃશ્યશ્રાવ્ય તવારીખમાં નોંધાયેલી છે અને મારાં તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ’માં શબ્દશઃ અપાઈ છે.
મુખ્ય પ્રધાનની હાજરીમાં યોજાયેલા નવજીવન સમારોહમાં વિવેક દેસાઈએ ‘દંભ’નાં સાર્વજનિક આવરણથી મુક્ત વિચારોની આપ-લે કરવાના ગાંધીચીંધ્યા રસ્તાની યે વાત કરી. તેમણે કહ્યું કે જાહેર કાર્યક્રમોમાં, મંચ પર રેંટિયો કાંતતા નેતાઓ ખાલી પ્રદૂષણ જ પેદા કરે છે!
ઉમેરાયાં બે ભક્તિ-સ્થાનો
અમદાવાદથી મહેમદાવાદ થઈને ડાકોર સુધી જતો માર્ગ ભાવિક પદયાત્રીઓ માટે જાણીતો છે. તેને ‘યાત્રી પથ’ નામ અપાયું છે. લીલીછમ વનરાજીની વચ્ચે પસાર થતા આ રસ્તે ડાકોર જતા યાત્રાળુઓ પગપાળા પહોંચે છે એટલે ઠેર-ઠેર તેમને માટેના વિસામા અને નાસ્તા-ભોજનના સ્થાનો પણ જોવા મળે.
હમણાં અનાયાસ એ રસ્તે જવાનું બન્યું અને આશ્ચર્ય થયું. સમેતશિખરની યાત્રા કંઈ બધા તો કરી શકે નહીં. આ માર્ગે રાસ્કા ગામ પાસે સુંદર સોહામણું સમેતશિખર સર્જાયું છે. તમામ તીર્થંકરો સહિતનાં જૈન-અધ્યાત્મનાં ગુરુશિખરો અહીં વિરાજમાન છે. સરસ અને સ્વચ્છ દેવાલયમાં સ્થાપત્ય સાથેની આધ્યાત્મિકતા અનુભવાય છે.
રાસ્કાથી આગળ જાઓ તો મહેમદાવાદ આવે. તેની ભાગોળે હમણાં ‘સમગ્ર દેશમાં સૌથી ભવ્ય’ ઊંચાઈ ધરાવતું ત્રણ માળનું શ્રીગણેશ દેવાલય રચાયું છે. દૂરથી જ પર્વતાકારે શ્રીગણેશ દેખાય અને ગુફામાં સીડી ચડતાં ત્રણે માળ પર ગણપતિ વિવિધ સ્વરૂપે વિરાજમાન છે. શ્રી પુરોહિતે આ સાહસ સહિયારા પ્રયાસોથી કર્યું તે વ્યક્તિમાં રહેલી શ્રદ્ધાનો રણકાર સંભળાવે છે. અમદાવાદ આવતા બ્રિટિશ ગુજરાતીઓએ આ યાત્રિકપથ પર પોતાની કાર હંકારવા જેવી ખરી.
હા, અહીં જ ઇન્દુલાલ યાજ્ઞિકથી જાણીતું નૈનપુર પણ આવે છે. રાજકીય ઝંઝાવાતોમાંથી પસાર થઈને નિવૃત્ત ઇન્દુલાલ આ ગામમાં એક નાનકડો દલિતાશ્રમ સ્થાપીને રહેતા હતા, પણ ૧૯૫૬માં મહાગુજરાત ઇચ્છતા લોકો પર અમદાવાદમાં ગોળીબાર થયો કે ઇન્દુલાલનો આત્મા કકળી ઊઠ્યો. નૈનપુરથી પસાર થતી લોકલ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા. કાળુપુર રેલવે સ્ટેશન પાસે રેવડી બજારમાં ‘જનસત્તા’ દૈનિકનું કાર્યાલય હતું. ગુજરાતી પત્રકારત્વમાં રમણલાલ શેઠ અને ‘જનસત્તા’નું એટલું જ મોટું પ્રદાન છે જેટલું મેઘાણીનાં ‘સૌરાષ્ટ્ર’ અને ‘જન્મભૂમિ’ તેમ જ શામળદાસ ગાંધીનાં ‘વંદેમાતરમ્’નું છે.
મહાગુજરાત આંદોલનમાં ઇન્દુલાલના અડીખમ સાથી રમણલાલ શેઠ હતા. છેલ્લા દિવસો આ પત્રકાર યોદ્ધાના અત્યંત ખરાબ ગયા. નૈનપુરથી રેવડી બજાર થઈ, ‘જનસત્તા’નો કરફ્યુ પાસ લઈ ઇન્દુલાલ ભદ્રનાં કોંગ્રેસ ભવન પહોંચ્યા - જ્યાં ગોળીબારમાં કેટલાક મોત થયેલાં. બસ, પછી ઇન્દુલાલથી ‘ઇન્દુચાચા’ સુધીની ઐતિહાસિક સફર શરૂ થઈ ગઈ! નૈનપુર ગ્રંથાલય અને આશ્રમશાળાને ધનવંત ઓઝા હતા ત્યાં સુધી સાંચવેલાં. હવે? વિસ્મૃતિના અભિશાપનું એ પણ એક ખંડિયેર બની ગયું છે, પણ મહેમદાવાદ જતાં - રેલવેમાં કે મોટરકાર રસ્તે - નૈનપુર આવતાં ઇન્દુલાલ યાજ્ઞિકનું સ્મરણ થઈ આવે.