એક ભુલાઈ જવાયેલા ગુજરાત-રતન તે શ્રી અમૃત પંડ્યા. પુરાતત્ત્વથી માંડીને અનેક વિષયોમાં તેમણે આધિકારિક કલમ ચલાવેલી. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં તેમણે લખેલો લેખ એવોને એવો પ્રાસંગિક છેઃ
ગુજરાતની મુખ્ય નદીઓ ચારઃ સાબરમતી, મહી, નર્મદા અને તાપી. મહી નદી મુખ્યત્વે ખડકો, પર્વતો, અને વનોના પ્રદેશમાંથી વહેતી હોવાથી નર્મદા વગેરેના કાંઠે જેમ પુરાતનકાળમાં જુદી જુદી પ્રજાઓ વસી અને નગર ઊભાં થયાં તેમ, મહી બાબત એના ચરોતરમાંના ભાગને બાદ કરતાં, બન્યું જણાતું નથી.
ગુજરાતની પૂર્વોત્તરે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તે જ્વાળામુખીના કાળા ખડક, એટલે કે સોપાન શિલાઓ (Deccan traps)નો રચાયેલો છે. માળવાના ઉચ્ચ પ્રદેશમાં વિંધ્યાચલના શિખર ભાગ આગળથી, પૂર્વથી પશ્ચિમ તરફ ગણતરી કરતાં અનુક્રમે આટલી નદીઓ નીકળે છે. - દસાન (પ્રાચીન દર્શાણ નદી); બેતવા (વૈત્રવતી), જેના કાંઠે સાંચી - પ્રાચીન કાકનાદ વિંદશા, હાલનું બેસનગર કે ભેલસા ઇત્યાદિ ઐતિહાસિક ગામો આવેલાં છે; સિંધ પાર્વતી (પ્રાચીન પારા), કાલી સિંધ (પ્રાચીન નિવિન્ધા), ક્ષિપ્રા, ચંબલ (પ્રાચીન ચર્મણ્યવતી) અને મહી.
એમાંની બીજી બધી નદીઓ ઉત્તર તરફ વહી, પછી પૂર્વ તરફ વળી અંતે યમુનાને જઈ મળે છે. આ પ્રમાણે માળવાની આ બધી નદીઓ પૂર્વવાહિની છે. એમાં અપવાદરૂપે એકમાત્ર મહી છે, જે પશ્ચિમવાહિની છે. તે સરદારપુરા પાસેથી નીકળી, પહેલાં તો સવાસો માઈલ જેટલે પશ્ચિમોત્તર તરફ સીધી ચાલી જાય છે, ને પ્રતાપગઢ આગળ એકાએક લગભગ ૩૫ અંશનો વળાંક લઈ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ગુજરાત તરફ વળી જાય છે. આ વિસ્તારમાં મેવાડ પ્રદેશની બધી નદીઓ એક પછી એક તેને મળે છે.
મેવાડની દક્ષિણે મહી જ્યાં આ અસમાન્ય પ્રકારનો વળાંક લે છે ત્યાંથી ગુજરાત શરૂ થઈ જાય છે. પછી તે ડુંગરપુરના પ્રદેશોનો સીમાડો બાંધતી ખંભાતના અખાતની દિશામાં આગળ વધે છે. આ બધો પ્રદેશ જંગલોથી ભરપૂર હોઈ ડુંગરાળ છે અને તેમાં ખનીજો ખૂબ છે. એ ‘વાગડ’ કહેવાય છે. વાગડ એટલે વગડો, કે વન.
ગુજરાતમાં ત્રણ વાગડ છે. એક તો આ વાગડ, બીજો વાગડ ઉત્તર ગુજરાતમાં વઢિયાર પ્રદેશ પાસે અને ત્રીજો કચ્છમાં. આ વાંસવાડા ડુંગરપુરના પ્રદેશો ગુજરાતી બોલનારા છે. તેમનો ભાષાકીય, સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને વ્યાપારિક સંબંધ ગુજરાત સાથે જ છે. આ પ્રદેશમાં મહીને કાંઠે ગલિયાકોટ નામનું વહોરાઓનું તીર્થસ્થાન છે, જ્યાં જાત્રા માટે તેઓ મોટી સંખ્યામાં જાય છે. ગલિયાકોટથી થોડે આગળ મહી લુણાવાડાના પ્રદેશમાં પ્રવેશ કરે છે. બાલાસિનોરને થોડેક છેટે પશ્ચિમે રાખી, મહી જે પ્રદેશમાં આવે છે તે મહીકાંઠો કહેવાય છે.
અહીં તે અરવલ્લી પર્વતમાંથી બહાર નીકળી મેદાનમાં આવે છે. આ મેદાન પ્રદેશ લોએસ (Loess) નામે ઘણી બારીક અને લીસી માટીનો રચાયેલો છે, ને એ પોચી માટીનાં મહીના પ્રવાહે ઘણાં જ ઊંડાં કોતરો પાડ્યાં છે. ગુજરાતમાં આ ‘મહીનાં કોતરો’ તરીકે જાણીતા છે અને તે ધાડુપાડુઓ તેમ જ લૂંટારાઓ સંતાઈ રહેવા માટે આદર્શ સ્થાન ગણાયાં છે. એવામાં જ ઊંડા કોતરો, પૂર્વથી પશ્ચિમ અરવલ્લીની તળેટીએ મહીની જેમ બીજી નદીઓ વાત્રક, મેશ્વો, સાબરમતી વગેરે એ પણ પાડ્યાં છે.
મહાક્ષત્રપ રુદ્રદામનના ઈ.સ. ૧૫૦ના ગિરનારના શિલાલેખમાં તેણે આનર્તને સુરાષ્ટ્ર સાથે જે ‘શ્વભ્રન’ પ્રદેશ જીત્યાની નોંધ આપી છે તે ગુજરાતનો આ કોતરવાળો પ્રદેશ જ હોવો જોઈએ, કારણ કે ‘શ્વભ્રન’નો અર્થ કોતર થાય છે અને સાબરમતીનું મૂળ નામ પણ સ્વભ્રનમતી હતું.
આ પ્રદેશમાં સેવાલિયા પાસે, આણંદ-ગોધરા રેલવેલાઈન પર મહીનો પુલ આવે છે. મહી પર આ બીજો પુલ છે. પહેલો રતલામ અને દાહોદ વચ્ચે પંચપિપલ્યા સ્ટેશન આગળ આવે છે. ત્રીજો આણંદ અને વડોદરા વચ્ચે વાસદનો જાણીતો પુલ છે. સેવાલિયા આગળ મહી પશ્ચિમ તરફ વહે છે અને સાતેક માઈલ ઠાસરાના સાન્નિધ્ય સુધી રેલવે લાઈનની હારોહાર તેનાથી બે માઈલ છેટે રહીને વહે છે.
ડાકોરથી ઠાસરા, આંબાવાવ, અંગાડી, માલવણ થઈ સેવાલિયા સુધી પાકી સડક છે, અને તેના પર દિવસમાં ચારેક વાર ડાકોરથી સેવાલિયા બસ દોડે છે. સેવાલિયાથી બાલાસિનોર પણ બસ જાય છે. ડાકોર-સેવાલિયા સડક પર ઠાસરા અને અંગાડી વચ્ચે જે આંબાવાવ ગામ આવે છે ત્યાંથી એક પાકી સડક સરનાળ થઈ મહીના કાંઠે છેક ગળતેશ્વરના મંદિર સુધી જાય છે. મહીને મળનારી ગળતી નદીને કાંઠે આવેલ ગળતેશ્વર ત્યાંથી અઢી માઈલ થાય છે.
બાલાસિનોર પાસે મહીના કાંઠે તથા સાવલી નજીક મહી ઉપર જૂના દેવાલયો છે. ગળતેશ્વરની સામે વરસડા છે ત્યાંથી ડેસરા સુધી પાકી સડક છે, અને મહાશિવરાત્રીને દિવસે મહીને કાંઠે વરસડામાં મોટો મેળો ભરાય છે. ડેસર અને તેની આસપાસ મહીના તટપ્રદેશે બ્રમફૂટ નામે ભૂસ્તરશાસ્ત્રીને ઈ.સ. ૧૮૯૩માં પ્રાગૈત્તિહાસિક અવશેષો મળ્યા હતા. એ રીતે આ ડેસર મહી નદીની ઉપત્યકા (તટ પ્રદેશ)માં એક અગત્યનું પુરાતન સ્થળ જણાય છે. આ ડેસર મહીની પૂર્વ દિશામાં ટીંબા અને સમલાયા વચ્ચે નાની રેલવેલાઈન પર એક સ્ટેશન છે.
ગળતેશ્વર પાસેથી લગભગ મહી નદી પહોળી થવા લાગે છે ને તેથી ‘મહીસાગર’ કહેવાતી જાય છે. આ મહીસાગર તે ચરોતર પ્રદેશનો પૂર્વસીમાડો. મહી અને ઢાઢરની વચ્ચે આ પછીનો પ્રદેશ વાંકળ કહેવાય છે. ત્યાંથી વહેતી મહી ખંભાત અને દક્ષિણે કાવી બંદરો છે.
કાવી પૂર્વકાળમાં કર્પાશિકા કહેવાતું કારણ, ત્યાંથી ભરૂચના કાનમ પ્રદેશનો કપાસ કે જે હિંદના દેશી કપાસમાં સૌથી સારો ગણાય છે તે, પરદેશ ચઢતો હતો. મહીના ઉદ્દગમથી મુખ સુધીની કુલ લંબાઈ લગભગ ૩૫૦ માઈલ છે.
આપણું પ્રાચીન સાહિત્ય જોતાં મહીનું નામ વાલ્મીકિ રામાયણ કિષ્કિંધાકાંડમાં મળે છે. મહાભારતમાં (ભીષ્મપર્વ, અધ્યાયઃ૯) તેને ‘મહિતા’ કહી છે અને તેની ઉત્તરના પ્રદેશને ‘મહ્યુંતર’ કહ્યો છે. જે મહી-સાગર-સંગમની ઉત્તરના પ્રદેશને કહ્યો હશે. એ મહીકાંઠો હોવો જોઈએ.
પુરાણોમાં પરિપાત્ર પર્વતનું નામ ઘણે સ્થળે આવે છે. પરિપાત્ર એટલે હાલનો અરવલ્લી અને તેની સાથે પૂર્વમાં જોડાયેલો વિંધ્યાચલનો ભોપાળ સુધીનો ભાગ. વૈદિક સાહિત્ય અને મનુસ્મૃતિમાં આર્યાવર્તનો દક્ષિણ સીમાડો આ પરિપાત્ર પર્વતને કહ્યો છે. પુરાણો પ્રમાણે આટલી નદીઓ પરિપાત્ર પર્વતમાંથી નીકળે છેઃ વેત્રવતી (બેતવા), સિન્ધુ (માળવાની સિન્ધ), કાવેરી (ઓમકાર-માંધાત આગળ નર્મદાને મળતી), પારા (પાર્વતી), ક્ષિપ્રા (ઉજ્જૈનવાળી) નર્મદા, મહતી (મહી), વૃત્રદની (વાત્રક) અને પર્ણાશા (બનાસ, પાલનપુર - રાધનપુરવાળી).
પુરાણોમાં મહી પ્રદેશને ‘માહેય’ પણ કહ્યો છે, ને તેની ગણતરી અપરાન્ત (અપાર = પશ્ચિમ અંત = છેડો, એટલે હિન્દનો પશ્ચિમ સાગરકાંઠો)ના એક પ્રદેશ તરીકે આ રીતે કરી છેઃ આનર્ત, અર્બુદ, સૌરાષ્ટ્ર, કચ્છ, સારસ્વત (પાટણવાડો), ભારુકચ્છ (ભરૂચનો પ્રદેશ - કાનમ), માહેય આનર્તનર્મદે (રેવા કાંઠો), શર્ષાટક (સોપારા-મુંબઈ)ને નાસિક્ય (નાશિક), પુરાણોમાં ‘ભારુકછસમાહેયા’ આવો પ્રયોગ બહુ આવે છે. આમ મહીપ્રદેશની ગણતરી પશ્ચિમ સાગરકાંઠાના એક પ્રદેશ તરીકે કરેલી હોવાનું જણાય છે. આ નામ મહીતટના ગુજરાત પ્રદેશ માટે ખાસ કરીને મહીકાંઠાને ચરોતરના પૂર્વ ભાગ માટે પ્રાચીન કાળમાં વપરાતું હતું.
અસુરો અને દેવો વચ્ચે થયેલા દેવાસુર સંગ્રામો તો પ્રસિદ્ધ છે. એક દેવાસુર સંગ્રામમાં અસુરો હાર્યા. તેમની વચ્ચે તારક નામનો જે અસુર થયો અને પરિપાત્ર પર્વત (અરવલ્લી) પર બ્રહ્માનું તપ કર્યું કે તે દેવોને હરાવી શકે. બ્રહ્માએ વરદાન આપ્યું કે નાના બાળક સિવાય તેને બીજું કોઈ મારી શકશે નહીં. તારકે મહીસાગર પાસે પોતાને માટે તારકપુર નામનું નગર વસાવ્યું ને દેવો સાથે યુદ્ધ કરી તેમને હરાવ્યા, દેવો બ્રહ્મા પાસે ગયા એટલે બ્રહ્માએ કહ્યું કે તેને બાળક મારી શકશે. આથી દેવોએ શિવના બાળક - પુત્ર કાર્તિકેયને તારકાસુરને મારવા તૈયાર કર્યો. કાર્તિકેયે તારકનો વધ કર્યો અને દેવો અસુરો પર વિજયી થયા.
આની ખુશાલીમાં તેમણે મહીસાગર સંગમ પાસે વિજયનો સ્તંભ રોપ્યો ને આ સ્થાન સ્તંભતીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. જે પાછળથી ખંભાત થયું. આ જૂનું ખંભાત તે હાલનું નગરા, જે ખંભાતની ઉત્તરે પાંચ માઈલ પર આવેલું છે. તારકપુર તે હાલના પેટલાદ અને ખંભાત વચ્ચેનું તારાપુર. ત્યાં એક શિલાલેખ મળી આવ્યો છે તેમાં એનું મૂળ નામ ‘તારકપુર’ આપેલું છે. વળી તારકપુરમાં હાલ પણ તારકદૈત્યનો એક ટેકરો છે.
મહીની ખાસ અગત્યતા તો એ કે જ્યારે નર્મદાના મુખથી ભરૂચનું પુરાતન બારું પુરાયું ત્યારે હિંદના મુખ્ય બંદર તરીકે તેનું સ્થાન મહીમુખે આવેલા ખંભાતે લીધું. ખંભાત હિંદનું મુખ્ય બારું બનતાં હિંદના જુદા જુદા ભાગોમાંથી ત્યાં આયાત-નિકાસ માટે નવા રસ્તા વિકાસ પામ્યા.
ખંભાતથી સોજિત્રા સુધી મોટો રાજમાર્ગ જતો. અહીં તેમાંથી ત્રણ રસ્તાઓ ફંટાતાઃ પહેલો ખેડક (ખેડા), કર્ણાવતી (અમદાવાદ), મોઢેરા અને પાટણના માર્ગે ભિન્નમાલ જતો. બીજો નડિયાદ, મહુધા, કપડવંજ અને મોડાસા થઈ ચિત્તોડ જતો અને ત્યાંથી પૂર્વ રાજપૂતાના તથા મધ્ય ભારતમાં થઈ કનોજ જતો. ગામ જોત્ર સોજિત્રાથી ફંટાઈ પેટલાદ અને ડાકોર પર રહી ગળતેશ્વર આગળ મહીને ઓળંગતો અને પછી ત્યાં ગોધરા, દાહોદ વગેરેને રસ્તે ઉજ્જૈન જતો અને ઉજ્જૈનથી તે જ રસ્તો વિદશા (ભેલસા), કૌશાંબી, કાશી ને પાટલીપુત્ર વગેરે સ્થળે જતો.
આમ હાલ જ્યાં ગળતેશ્વર છે ત્યાં ખંભાતથી માળવા - મધ્યજ હિંદનો મહામાર્ગ મહી નદીનો ઓળંગતો, અને તેથી અહીં જે શહેર વિકાસ પામ્યું તે સરનાળ. ગળતેશ્વર પાસે જ છે અને ગળતેશ્વરનું મંદિર સરનાળની હદમાં આવેલું છે.
અમૃત પંડ્યાએ જે લખ્યું તેના પરથી અર્વાચીન અને પ્રાચીન અભ્યાસનું સુંદર તારાતમ્ય મળી રહે છે. અને આપણે નદીના પાણીના ઉપયોગ વિશે પણ સભાન બની શકીએ છીએ.