વાયબ્રન્ટ કચ્છથી સરદાર સ્મૃતિ...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 04th March 2015 10:41 EST
 

કચ્છમાં ૨૭-૨૮ ફેબ્રુઆરી અને પહેલી માર્ચ - એમ ત્રણ દિવસો માટે ‘કચ્છ વાયબ્રન્ટ’નો એક સરસ પ્રયોગ થયો. ઇન્ડેક્સ-બી, જીજીઆઇકે, ગ્લોબલ નેટવર્ક અને બીજી કેટલીક સંસ્થા સંગઠનોના સહયોગથી આ પરિષદ યોજાઈ તેમાં વિશ્વ ગુજરાતી સમાજ પણ સામેલ થયો. કચ્છના વ્યાપારી મહામંડળે આયોજન કર્યું હતું.

તેમાં બેઠકો, પ્રદર્શન, બી-ટુ-બી મીટ, વીડિયો મીટ, માર્કેટ રિપોર્ટસ, બજેટ ટેલિકાસ્ટ, ફેક્ટરી વિઝિટ્સ, એવોર્ડ નાઇટ, કલ્ચરલ ઇવનિંગ વગેરે ભરચક કાર્યક્રમો રહ્યા. વાયબ્રન્ટના અનુભવી નિષ્ણાત જગત શાહે પરદા પાછળ રહીને સમગ્ર પ્રસંગને કુશળતા અને પૂરી સજ્જતાથી પાર પાડ્યો. દક્ષિણ એશિયાના વ્યાપાર-વાણિજ્ય (ઓસ્ટ્રેલિયા) મહિલા પ્રધાન નિકોલા વોટસ્કિન, નેધરલેન્ડ સરકારના બિઝનેસ સપોર્ટ ઓફિસના જોબ ગ્લાસ, જર્મન-ઇન્ડિયા બિઝનેસ સેન્ટરના વોલ્ફગેગ હોલ્ટગન, ઇન્ડોનેશિયાના મુંબઈ ખાતેના કોન્સલ જનરલ સોઉટ સિરિગોરિંગો, યુએસ-ઇન્ડિયા ઇમ્પોર્ટર્સ કાઉન્સિલના ક્રિષ્ણા રોહિત, બીડીઓ ઇન્ડિયાના ભાગીદાર પિયુષ વોરા, ભારત સરકારના નગર વિકાસ વિભાગના સલાહકાર આનંદ ભાલ, એએમડબ્લ્યુના કર્નલ જોહર, સરકારી સચિવ સીએસઆરના મહેશ્વર સાહુ, ભારત સરકારના એન્જિનિયરીંગ એક્સપોર્ટ વિભાગના રજત શ્રીવાસ્તવ, એઆરડી રેડિયો અને જમ્મુ-કાશ્મીર ડેવલપમેન્ટ સેન્ટરના શેખ ખાલિદ જહાંગીર સહિતના ઘણા બધાએ કચ્છ-વિકાસ અને સંન્નિવેશ (ઇન્વેસ્ટમેન્ટ) વિશે વિગત સભરસભર માર્ગદર્શન પૂરું પાડ્યું. એક બેઠકમાં માંડવી-કચ્છના શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થની સાફલ્યગાથાને કેન્દ્રમાં રાખીને મે કચ્છમાં પ્રવાસનનો વર્તમાન અને ભાવિ સંભાવનાઓ વિશે વક્તવ્ય આપ્યું.

આનંદીબહેન પટેલ ૨૮મીએ સાંજે આવ્યાં અને કચ્છની ગતિ-પ્રગતિનો અંદાજ આપ્યો. શંકર ચૌધરીને સ્વાઈન ફ્લુ થવાથી ના આવી શક્યા. તારાચંદ છેડા - વાસણ આહિર - નીમાબહેન આચાર્ય ના હોય તો કેમ ચાલે, કચ્છમાં? જયંતીભાઈ ભાનુશાળી પણ થોડાક અસ્વસ્થ હોવા છતાં પહોંચી ગયા હતા.

એકંદરે લાલન કોલેજનાં મેદાનમાં ત્રણ દિવસનો આ મુખ્યત્વે ઉદ્યોગ-શક્યતા અને વ્યાપાર-વિનિમયનો મેળાવડો રહ્યો. બીજા જિલ્લાઓ આને અનુસરશે એવી આશા રાખવામાં આવી. દુનિયાના વિવિધ દેશોના ‘કચ્છી માડુઓ’ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

... અને, ‘જીવંત’ સ્મૃતિ સરદારની!

અમદાવાદના આંગણે રોજેરોજ કોઈને કોઈ ભાતીગળ અને વિચારોત્તેજક કાર્યક્રમો થતા રહે છે. કથા, ભજન, સત્સંગ, યજ્ઞ, પુસ્તક વિમોચન, ગોષ્ઠિ, પરિસંવાદ, પદયાત્રા અને નગરદોડ, ઉદ્ઘાટનો... હજુ બીજું ઘણું તેમાં સમાવી શકાય આમાંનું કેટલુંક રાબેતા મુજબનું હોય તો કેટલુંક ખરેખર ભાગ લેવા જેવું!

નિવૃત્ત મુખ્ય સચિવ પ્રવીણ ક. લહેરી (સરકારમાં હતા ત્યાં સુધી પી. કે. લહેરી જ હતા. તેમણે કહ્યું, ‘આ તંત્રી-પત્રકાર અજય ઉમટે મને લખતો કર્યો એટલે હવે પ્રવીણ ક. લહેરી નામ જાણીતું થયું છે!!)નાં બે પુસ્તકો ‘સરદાર વલ્લભભાઈ’ અને ‘રંગેચંગે રાજુલા’નું લોકાર્પણ વિશ્વકોશના ઉપક્રમે યોજાયું હતું. સ્વાઈન ફ્લુને લીધે લગભગ તમામ દર્શકોના મોં પર સફેદ ‘બુકાની’ હતી, પણ તમામ વક્તા ખુલ્લા ચહેરે - અને ખુલ્લા દિલે - બોલ્યા.

લખાયું - બોલાયું તો ઘણું, પણ...

સરદાર પટેલ વિશે ગુજરાત અને ગુજરાત બહાર ઘણું લખાયું છે, બોલાયું છે અને બોલાતું રહેશે. આ ધરતીપુત્રની જિંદગીના ન જાણે કેટલા બધા રંગ છે. સરદાર પોતે સુરજ સરખા, એટલે તેમના વિવિધ રંગો નજરે ચડે નહીં અને તે વિશે કોઈ ખાસ પ્રયાસ પણ નથી થયો. હા, રાજમોહન ગાંધીનું (મૂળ અંગ્રેજીમાં લખાયેલું) પુસ્તક કે દર્શક નિધિ તરફથી પ્રકાશિત અધ્યયન ગ્રંથ તેમ જ બલરાજ ક્રિષ્ણાનું સરદાર-જીવનીનું પુસ્તક અપવાદ છે. સરદારના અમૃતલાલ શેઠ તેમ જ તત્કાલીન રાજસ્થાન પરિષદ - કાઠિયાવાડ રાજકીય પરિષદ સાથેના મતભેદોની વિગતો પણ રસપ્રદ છે.

આરઝી હકુમત અને સરદાર, સોમનાથ અને સરદાર વિશે વી. પી. મેનન્ કે એન. વી. ગાડગીળનાં પુસ્તકોમાં જેટલું છે તેનાથી આગળ વધ્યાં નથી. હમણાં ધારિણી વાઘેલાએ ‘જમ્મુ કાશ્મીર અને સરદાર પટેલ તેમ જ કલમ ૩૭૦’ વિશે સંશોધનાત્મક પુસ્તક લખ્યું તે સરદારનાં સંપૂર્ણ જીવનને નહીં, પણ આંશિક રીતે પ્રકટ કરે છે.

જ્યારે એચ. એમ. ગુસ્સે થયા!

એચ. એમ. પટેલ સરદાર વિશેના આધિકારિક જાણકાર હતા. જેમ આઈ. જી. પટેલે વિઠ્ઠલભાઈ પટેલ વિશે સરસ જીવનચરિત પૂરું પાડ્યું તેવું એચ.એમ. કરી શક્યા હોત. હા, તેમણે ‘સરદાર’ ફિલ્મ બનાવડાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ફિલ્મ તૈયાર થઈ રહી હતી ત્યારે એચ.એમ. સાથેની એક મુલાકાતમાં મેં પૂછયું હતું કે તેંડુલકર નાટ્ય-ફિલ્મકાર ખરા, પણ સરદારને ન્યાય આપી શકે ખરા? પટકથા માટે બીજું કોઈ ના મળ્યું?

વિદ્યાનગરનાં તેમના કાર્યાલયમાં તે સમયે તેમનો જરાક જ ગુસ્સૈલ ચહેરો મેં જોયો હતો. ‘બીજા કોઈ ન હોય તો પછી...’ આવો તેમનો જવાબ કાં તો તેમણે કરેલી પસંદગીને વાજબી ઠેરવવા માટેનો હતો અથવા તો ખરેખર, સરદારને ન્યાય આપે તેવો કોઈ લેખક ગુજરાતમાં નથી એવી ફરિયાદ સાથેનો હતો!

પ્રવીણભાઈએ અગાઉ ગાંધીજી પર એક પુસ્તક લખ્યું છે, હવે સરદાર અને તેમના પ્રિય વતન રાજુલાને લઈને આવ્યા તેની ચર્ચા અજય ઉમટ (પત્રકાર-તંત્રી-‘નવગુજરાત સમય’) અને હસમુખ શાહે કરી.

હસમુખ શાહનો વિચારપ્રેરક પ્રશ્ન

હસમુખ શાહ એક સમયે મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન હતા ત્યારે તેમના અંગત સચિવની સેવા આપતા. દિલ્હીમાં રહેલા એટલે રાજકીય વાતાવરણના પૂરા જાણકાર. તેમણે પોતાનું આત્મકથ્ય પુસ્તક સ્વરૂપે આપ્યું છે. ઇકોલોજી કમિશનના અધ્યક્ષ હતા ત્યારે અમે વારંવાર મળતાં. તેમના પત્ની નીલાબહેનના પિયર ભાવનગર - પરિવાર સાથે મારો કટોકટીકાળનો સંબંધ રહ્યો હતો.

હસમુખભાઈએ વિચારપ્રેરક વક્તવ્યમાં એક મહત્ત્વનો સવાલ ઊઠાવ્યો કે પચાસ-સો વર્ષ પછી સરદારને ગુજરાત - ભારત - દુનિયા કઈ રીતે નિહાળશે? આનું મંથન થવું જોઈએ અને તે માટેનું સંશોધન એક મોટો પડકાર છે. અત્યારે તો વિદ્યાર્થીઓ એમ.ફિલ. નિમિત્તે સરદારને માટે પાંચ-સાત પુસ્તકોમાંથી પસંદગીના ફકરા ગોઠવીને ‘સંશોધન’ કરી રહ્યાની વાત એક મિત્રશિષ્ય અધ્યાપકે કરી તો હું ચોંકી ગયો હતો! જોકે, હાલની યુનિવર્સિટીઓમાં લખાતા મહાનિબંધો કે શોધપત્રોમાં થોડાક જ અપવાદ બાદ કરતાં ખાસ કંઈ ભલી વાર જણાતી નથી એટલે નવાઈ લાગવી જોઈએ નહિ.

પ્રવીણ પ્રકાશનના પ્રકાશક ગોપાળભાઈ પટેલ એક વાર કહેતા હતા કે સરદાર વિશે પ્રામાણિક પુસ્તક લખવા માટે દિનકર જોશીએ કેટલી બધી મહેનત કરી હતી. અરે, દિલ્હીમાં તેઓ જે મકાનમાં રહેતા હતા તે શોધીને, તેનો અંદાજ મેળવવા માટે ય કેટલી મુસીબત પડી હતી? એક લેખક જો આટલું કરતો હોય તો સંશોધન-છાત્રોએ તો તેથી યે અધિક કાર્ય કરવું જોઈએ!

મેં કોલકતામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની સ્મૃતિ સાથે સંકળાયેલું સંશોધન - કેન્દ્ર જોયું છે, આટલાં ઊંડાણથી, અસરકારક પ્રકાશનો કરનારું, એકાદ ઉત્તમ સરદાર - સંશોધન કેન્દ્ર આપણી પાસે કેમ નથી? આ પ્રશ્ન હસમુખ શાહના વક્તવ્ય દરમિયાન મારા મનમાં ઊઠ્યો અને તેનો કોઈ સંતોષકારક જવાબ મારી પાસે નહોતો.


comments powered by Disqus