સાંસ્કૃતિક મંચ પર રાજકીય મહાનુભાવો પણ મળતા થાય તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ઇતિહાસબોધ’ની એક સીડી માને છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમણે એવું ઘણું ઉમેર્યું હતું. ૨૪થી ૨૮ માર્ચ - પાંચ દિવસ સોરઠના રળિયામણા ગામ માધુપુર (મધુપુરી - માધવપુર)માં એવો મહોત્સવ યોજાઇ રહ્યો છે જેમાં ઇશાન ભારતના મુખ્ય પ્રધાનો – રાજ્યપાલોને ખાસ આમંત્રણ અપાયું.
માધુપુરનો મેળો છેક આસામ – અરુણાચલ – મણિપુર – ત્રિપુરા અને નાગાલેન્ડની ભૂમિ સુધીનું સન્ધાન ધરાવે છે. કૃષ્ણ ભીષ્મક પુત્રીને આસામમાં પરણ્યા, અનિરુદ્ધ – ઉષાનો પ્રણયમાંડવો અરુણાચલમાં તેજપુર પાસે મંડાયો. અર્જુનની ઊલુપી અને ચિત્રાંગદા પણ આ પ્રદેશોના. અરે, ભીમે પણ હિડિમ્બાની સાથે અહીં ભરપૂર પ્રેમ કર્યો હતો!
કૃષ્ણ પછીના સમયમાં પણ ઇશાન ભારત – પશ્ચિમ ભારત એટલે કે છેક સૌરાષ્ટ્ર સુધીની ભૂમિ અને લોકો વચ્ચે વિનિમય હતો. અસમ દુનિયા આખીને રેશમ પૂરું પાડતું. લોથલ ૫૦૦૦ વર્ષ પહેલાં - ગુજરાતી બંદરગાહ તરીકે - આંતરરાષ્ટ્રીય મથક હતું. ૧૮૫૭ પછી ગુજરાતમાં અને તે જ રીતે ઇશાનમાં વનવાસી - ગિરિવાસી - આદિવાસીઓએ અંગ્રેજોની સામે પ્રચંડ સંઘર્ષ કર્યો હતો. વડોદરાના અરવિન્દ ઘોષ અને પૂર્વોત્તરના ક્રાંતિકારો વચ્ચે ગાઢ સંબંધ હતો. ૧૯૮૦ પછી અસમ આંદોલન થયું! ઘૂસણખોરી સામેના આ અભૂતપૂર્વ આંદોલનમાં ગુજરાત પણ સામેલ હતું. આ લેખકે દેશની તમામ ભાષાઓમાંથી સર્વપ્રથમ ગુજરાતમાં અસમ આંદોલન વિશે પુસ્તક લખ્યું હતું અને ‘જન્મભૂમિ’માં વિશેષ અહેવાલો આપ્યા હતા.
ઇશાની મહેમાનો ગુજરાતમાં
ગુજરાતમાંથી દિલ્હી પહોંચેલા વડા પ્રધાને, માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે, રાષ્ટ્રીય અધ્યક્ષે અને સંઘ-પરિવારે ઈશાન ભારતમાં મજબૂત મૂળિયાં નાખવાનો પુરુષાર્થ કર્યો એટલે ભાજપ અસમ, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલયમાં સરકાર બનાવવામાં સફળ થયો છે તે માહૌલમાં માધવપુર-ઉત્સવ મહત્ત્વનો બની રહ્યો છે.
આજકાલ ગુજરાતમાં ઇતિહાસ, કવિતા, નાટક, વાર્તાનો માહૌલ છે. મુંબઈમાં ૮ કરોડના ખર્ચે તૈયાર થયેલું ‘મુઘલે આઝમ’ નાટક અમદાવાદે માણ્યું. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગે ‘હેરિટેજ અમદાવાદ’ને નજરમાં રાખીને બે દિવસનો રાષ્ટ્રીય પરિસંવાદ રાખ્યો. તેમાં ઇતિહાસકારો અને અધ્યાપકોએ વિમર્શ કર્યો. સુરેન્દ્રનગર-વઢવાણમાં ‘ઝૂલ ઝાલાવાડ ઝૂલ’ કાર્યક્રમ થયો. વિવિધ નગરોમાં અકાદમીઓએ યોજેલી શબ્દયાત્રામાં સ્થાનિક લેખકો-કવિઓ હોંશે-હોંશે જોડાય છે. રાણાવાવમાં પ્રા. નરોત્તમ પલાણ, પ્રા. પ્રદ્યુમન ખાચર અને બીજા અધ્યાપકો ઇતિહાસ અને સાહિત્ય નિમિત્તે મળ્યા. મુંબઈમાં વેણીભાઈ પુરોહિતની કવિતા, પત્રકારત્વ અને જીવન વિશે સરસ ગોષ્ઠિ થઈ.
મહેસાણા, મોડાસા, પાલનપુર, રાજકોટ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, દાહોદ, વડનગર એમ વિવિધ શહેરોમાં સાહિત્યગોષ્ઠિ થઈ. અકાદમીએ છેલ્લા બે-ત્રણ મહિનામાં ૫૦ સ્થાનો સુધી સંસ્કૃતિ સફર કરી છે. હવે લાઠી કલાપીભૂમિનો વારો છે. સમઢિયાળામાં ગંગાસતીને ય યાદ કરાયાં છે.
સાહિત્યની સૌરભ
આનો અર્થ એટલો જ કે ધારવામાં આવે તો ગુજરાત ફરી વાર સાહિત્યિક આબોહવાનો પ્રદેશ થઈ શકે છે. અમદાવાદમાં એકલી મહિલાઓનાં વ્યાખ્યાન – કાવ્ય – સંગીતનો આખા દિવસનો કાર્યક્રમ થયો. પ્રા. ઉષા ઉપાધ્યાયનાં કુશળ આયોજનમાં આ કામ થયું. એ પૂર્વે ‘ટેરવે ઊગ્યું આકાશ’ નામે એકસોથી વધુ કવયિત્રીઓનો કાવ્યસંચય લોકાર્પિત થયો. રેખા પટેલ અને કોકિલાબહેન પટેલ પણ સન્માનિત થયાં. હવે આંબેડકર યુનિવર્સિટી અને સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ૧૩-૧૪ એપ્રિલે અમદાવાદમાં રાષ્ટ્રીય સંમેલન યોજાશે તેનું શીર્ષક મહત્ત્વનું છેઃ ‘રાષ્ટ્રે જાગૃયામ વયમ્।’ બૌદ્ધિક ચર્ચાઓમાંથી વિસરાતો જતો આ મર્મ આજની પરિસ્થિતિમાં અત્યંત મહત્ત્વનો છે, આપણા માટે. એ વાત નજરમાં રાખવી પડશે, અહીં ગુજરાતમાં, દેશમાં અને વિદેશોમાં.
વડનગરથી જૂનાગઢ
ઓહોહો, આ નાગર બંધુઓ! તેમના વિશે તો ‘નાગરપુરાણ’ જ લખવું પડે! તેમનો ઇતિહાસ, જીવનશૈલી, રજવાડાંઓની વફાદારી, રોજિંદો વ્યવહાર, ભાષા-વૈભવ, અને તેમના વિશેની પારાવારની રમૂજો હજુ સાંભળવા મળે. આપણાં એક ખ્યાત તસવીરકાર (જેમની ગાંધીજીની લાકડી પકડીને દોડતા કિશોરની તસવીર જગજાણીતી છે) જગન મહેતા તો અમદાવાદના મિરઝાપુર સ્થિત ‘જનસત્તા’ની ઓફિસમાં આવે ત્યારે અચૂક પાનની ડબ્બી હોય જ હોય. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં એક વર્ષ ભણ્યો છું એટલે ‘નાગરી નાત’ અને ‘નરસી મહેતા’ મોઢે છે, હવે તો ત્યાં યુનિવર્સિટીને ‘નરસિંહ મહેતા યુનિવર્સિટી’ નામ અપાયું છે અને વ્યવહારે સવાયા નાગર પટેલ (ડો. મૈયાણી) તેના કુલપતિ છે.
વીત્યા સપ્તાહે વડનગર જવાનું થયું. વડનગરા બ્રાહ્મણો અને તેમના ઇષ્ટદેવ હાટકેશ્વર દેવ ત્યાં બિરાજિત છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇતિહાસબોધને લીધે અહીં ઉત્ખનન, જિર્ણોદ્ધાર અને નવાં આધુનિક શિક્ષણકેન્દ્રોથી વડનગર સજ્જ થવા લાગ્યું છે. પ્રવાસન વિભાગ ‘હેરીટેજ વોક’નો વિચાર કરી રહી છે. મોદી જ્યાં ભણ્યા હતા તે શાળા પણ જોઈ... સામાન્ય વિદ્યાર્થીજીવન સમયે તેમણે પોતાનું આ ‘ગામ’ કેવુંક અનુભવ્યું હશે? વિષય રસપ્રદ છે, પણ રાજકીય ધૂરંધર બનેલા વડા પ્રધાનને આવું લખવા-વિચારવાની ફૂરસદ ક્યાંથી મળે? હા, બીજા લેખકો લખે ખરા, પણ તેમાં પેલો આત્મીય અનુભવ અને અનુભૂતિ ક્યાંથી મળે? સ્ટેશન પરની તેની જગજાણીતી થયેલી ચાની કેબિન પણ જોઈ આવ્યો! આ નગરનું નાગરત્વ વિસનગરની સાથે રચાયું હશે. એક સમયે આનંદપુર અને પછી વૃદ્ધનગર અને છેવટે વડનગર... આ તેની કાળ-કથા છે. તેની સાંકડી ગલીઓની બહાર જાઓ એટલે પુરાણું અને અર્વાચીન નગર અનુભવવા મળે છે.
નાગર બંધુઓની નગરી તો જૂનાગઢ પણ ખરી! હમણાં અનુપમ બુચ એક ચોપડી આપી ગયા છે, નામ ‘ધુમાડા વિનાની ધૂણી!’ તેમાં ગાદલાં-ગોદડાંનું ઊંટ, ખૂલ્લું તાળું, પાનનું બનારસ, શેરડીના સાંઠા, ગરીબની ખીચડી, કાળવા ચોક, જટાશંકર, ફર્ગ્યુસન પૂલ, ભૂતનાથ મંદિર, મજેવડી દરવાજો, હવેલીગલી... આ પ્રકરણોમાં નાગરી સુગંધ મળે છે. જૂનાણાનો સાક્ષાત્કાર થઈ જાય!