વિજય રૂપાણીઃ ‘તાજ’ નહીં, પણ ‘પાઘડી’!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 24th February 2016 06:43 EST
 
 

છેવટે ભાજપ પ્રદેશ પ્રમુખનો નિર્ણય લેવાયો અને દસમી પાઘડી વિજય રૂપાણીના શિરે મઢવામાં આવી. (‘તાજ’ને બદલે ‘પાઘડી’ શબ્દ એટલા માટે કહ્યો કે અમદાવાદ-ગાંધીનગરની વચ્ચે આવેલા ભાજપ-કાર્યાલયનાં પ્રાંગણમાં ગુજરાતમાંથી ઉમટેલા નેતા - નેત્રી - કાર્યકર્તા - કાર્યકત્રી વચ્ચે વિજય રૂપાણીને કેટલાકે પાઘડી પહેરાવી હતી.) આનો સીધો સાદો અર્થ એવો પણ થાય કે ભગતસિંહના જમાનામાં જે ગીત અલગ રીતે ગવાતું હતું તે ૨૦૧૬ના ગુજરાતમાં ભાજપ-પ્રમુખ માટે જુદી રીતે ઉપયુક્ત થઈ ગયુંઃ ‘પગડી સંભાલ જટ્ટા...’

વિજય રૂપાણી પોતાના માથે પહેરાવાયેલી પાઘડી સાચવવા માટે પૂરા તૈયાર છે એ તો તેમનાં પ્રમુખીય પ્રવચનમાં જ સાબિત થઈ ગયું. આ ભીડભર્યા કાર્યક્રમની એક બાજુ હું જ્યાં બેઠો હતો અને નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં ભૂતકાળમાં ચમકેલા તારલિયા જેવા સંસદસભ્યો, ધારાસભ્યો, પ્રધાનો અને સંગઠન-નેતાઓ નજરે ચડતા હતા. વર્તમાન માળખામાં અનુકૂળ થયેલા, થવા કોશિશ કરનારા અને ન થઈ શકેલાઓના ચહેરાઓ પર અલગ-અલગ ‘ભાષા’ નજરે ચડતી હતી. મંચ પર સારું થયું કે કોઈ ખાસ ભીડ નહોતી, આઠ-દસ સંગઠક નેતાઓ, પ્રભારી, મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ઉપરાંત વિજય રૂપાણી હતા. સામે શ્રોતાઓની અગ્રીમ હરોળમાં પ્રધાનો અને જેમનાં નામ પ્રમુખ તરીકે ચમકતાં રહ્યાં તેઓ પણ ખરા!

વિજય રૂપાણીએ પોતાનાં વક્તૃત્વમાં જૂના જનસંઘનો ‘સ્પિરિટ’ બરાબર જાળવ્યો. તેમણે - આ દિવસ શિવાજી મહારાજ અને આરએસએસના સરસંઘ ચાલક શ્રી ગુરુજીનો જન્મ દિવસ છે - તેમ કહીને શરૂઆત કરી. ‘રાજનીતિ’ પછીની વાત છે, ‘રાષ્ટ્રનીતિ’ અમારે માટે અગ્રીમ છે એમ કહ્યું. અટલ બિહારી વાજપેયીનાં હૃદયસ્પર્શી વિધાનો ટાંક્યાં, દીનદયાળ ઉપાધ્યાય અને ‘એકાત્મ માનવદર્શન’ના અનુસરણનો નિશ્ચય કહ્યો. ‘ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી’ છે એમ કહીને સાવધાનીપૂર્વક જણાવ્યું કે અનેક કાર્યકર્તાઓનાં લોહી-પસીનાથી પક્ષ બેઠો થયો છે. રાજકોટથી શરૂઆત કરનારો મારા જેવો સામાન્ય કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ બની શકે તે ભાજપમાં જ બની શકે, બીજે વંશવારસાનું રાજ ચાલે છે એવી ટકોર કરીને કોંગ્રેસનાં રાજકીય અપલક્ષણો તારવી આપ્યાં.

પ્રમુખ થતાં પહેલાં તેમણે ગાંધીનગરમાં કેશુભાઈ પટેલનાં નિવાસસ્થાને જઈને આશીર્વાદ માગ્યા હતા. તેમના પ્રવચનમાં - ભૂતકાળમાં થોડો સમય નારાજ કે અલગ થયેલા - કેશુભાઈ, ચીમનભાઈ શુકલ, કાશીરામ રાણાને તો યાદ કર્યા, પણ પૂર્વ પ્રમુખોમાં - મુખ્ય પ્રધાનોની સ્મરણયાદીમાં શંકરસિંહ વાઘેલા નામ જ ના આવ્યું તે ઘણાએ નોંધ્યું.

રાજકોટ ભાજપ-જનસંઘના ‘જિયો-પોલિટિકલ’ પ્રભાવકેન્દ્ર તરીકે ૧૯૫૨થી જાણીતું છે. શરૂઆતનું સૌથી મજબૂત સંગઠન રાજકોટનું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મઝદૂર સંઘ, વિદ્યાર્થી પરિષદ, સહકારી ક્ષેત્ર... બધે રાજકોટ અને સૌરાષ્ટ્રે જનસંઘ સાથે મજબૂતીથી પાયા નાખ્યા હતા. ચીમનભાઈ શુકલ, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા, અરવિંદ મણિયાર, પી. વી. દોશી, યશવંતભાઈ ભટ્ટ, હરીસિંહજી ગોહિલ... બધાનું મૂળ રાજકોટમાં. સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખોની સંખ્યા પણ છ જેટલી રહી છે. નવા પ્રમુખની પૂર્વભૂમિકા વિદ્યાર્થી પરિષદની છે.

અમદાવાદમાં ૧૯૭૦ની આસપાસ વિજય રૂપાણી વિદ્યાર્થી પરિષદના પૂર્ણકાલીન કાર્યકર્તા હતા. (તેમની સાથેના એક ચંદ્રકાંત શુકલ હવે લંડન-નિવાસી છે, ‘યોગાચાર્ય’ બન્યા છે!) પાલડીમાં શ્રીલેખા ભવન કાર્યાલયમાં રહેતા. સાઇકલ પર નગરમાં કામ કરવા નીકળતા. બક્ષી-પરિવારની પુત્રી અંજલિ પણ પરિષદમાં સક્રિય. બન્નેનો પરિચય લગ્નમાં પરિણમ્યો તે સમારોહનું આ લેખકને ય સ્મરણ છે.

વિજય રૂપાણીએ પોતે જ પ્રથમ પ્રવચનમાં કહ્યું તેમ સંઘ, જનસંઘ, પરિષદનાં વિચારથી પ્રેરિત છે. તેમણે શ્રી ગુરુજીનાં એ વાક્યનો રણટંકાર કર્યો કે ‘વિજય હી વિજય હૈ’. પરાજય અને પછડાટના સંદર્ભે અટલજીને યાદ કર્યાઃ ‘હમ જીતેંગે યા શિખેંગે!’ ગંગામાં અસ્થિ વહેશે ત્યારે ય અમારાં હાડકાં ‘ભારત માતા કી જય’ પોકારશે એ યાદ દેવડાવ્યું. ગુજરાત-દેશમાં ભાજપની સત્તાએ નિપજાવેલાં પરિણામો ગણાવ્યાં. વિજયની વિશેષતા એ પણ છે કે ૧૯૭૫-૭૬ના કટોકટીકાળમાં યુવા વયે તેમણે ‘મીસા’ હેઠળ કારાવાસ વેઠ્યો હતો.

૨૦૧૭ની ચૂંટણી ભાજપે ગુજરાતમાં મોટી બહુમતીથી જીતવી જોઈએ એ વાત પક્ષને માટે પ્રાથમિક લક્ષ્ય હોય એ સ્વાભાવિક છે. કોંગ્રેસ પણ પોતાની રીતે તૈયારી કરી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાં ક્યાંક કાચું કપાઈ ગયું એટલે વાતાવરણ બગડ્યું તે દેખાય છે. હાર્દિકની સામેના કેસ - બહુ બહુ તો ૧૪૪ના ભંગના - હોઈ શકે, ‘રાજદ્રોહ’ના કઈ રીતે એ સમજાતું નથી. આવા કિસ્સા ભલે પોલીસ સ્તરે તૈયાર થતા હોય અને કાનૂની દાવપેચ થતા હોય પણ તે ‘બૂમરેંગ’ સાબિત થઈ શકે. આંદોલનોને સમાપ્ત કરવાના બીજા ઘણા રસ્તા હોઈ શકે છે, પણ જે રીતે પોલીસ-દમન થયું અને ધરપકડો થઈ તેણે અજંપો સર્જ્યો છે, અનિશ્ચિતતા સર્જી છે.

મૂળ સમસ્યા અનામતની નથી, પ્રજામાં આર્થિક અને શૈક્ષણિક સુરક્ષાની ભાવના પેદા થવી જોઈએ તેમાં છે. આનંદીબહેન કાં તો આમાં એકલાં પડી જાય છે, અથવા નિર્ણયોમાં ભૂલ કરી બેસે છે અથવા પ્રધાનમંડળની ટીમનું સંકલન નથી અને વહીવટી તંત્ર પોતાની રીતે તેનો અમલ કરતું હોય તેમ દેખાય આવે. આમ તો આ ‘સરકારી જવાબદારી’ ગણાય, પણ ૨૦૧૭ની દૃષ્ટિએ પક્ષ અને સરકાર બન્નેએ વધારે પ્રભાવશાળી બનવું જરૂરી છે એ વાત મુખ્ય પ્રધાન અને પ્રદેશ-પ્રમુખ સહિયારી રીતે વિચારશે એવું દેખાય છે.

શ્યામજી કૃષ્ણવર્માનાં જીવનથી પ્રભાવિત થયા અમિતાભ બચ્ચન
ખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનની સાથેની, તેમાં કાર્યાલય ‘જનક’, જૂહુ મુંબઈ ખાતે થયેલી એક મુલાકાતમાં લેખક - પત્રકાર - ઇતિહાસ સંશોધક વિષ્ણુ પંડ્યાએ સોમનાથ, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને સ્વામી વિવેકાનંદ વિશે ચર્ચા કરી હતી. તેમનાં લખેલા બે પુસ્તકો ‘લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ અને સ્વામી વિવેકાનંદની ૧૮૯૨માં ગુજરાત-યાત્રા પર આધારિત ડોક્યુ-નોવેલ ‘ઉતિષ્ઠત, ગુજરાત!’ સપ્રેમ આપ્યાં હતાં. અમિતાભ બચ્ચને માંડવીમાં સ્થપાયેલાં ‘ક્રાંતિતીર્થ’ વિશે ઉત્સુકતા દાખવી અને ભવિષ્યે મુલાકાત લેશે એમ પણ જણાવ્યું હતું. સોમનાથ મહાદેવના પ્રાંગણમાં ‘ધ્વનિ અને પ્રકાશ’ના શોમાં અમિતાભ બચ્ચનનો અવાજ પ્રસ્તુત કરવાનું સોમનાથ ટ્રસ્ટ અને પ્રવાસન નિગમે નક્કી કરીને આમંત્રણ આપ્યું છે.


comments powered by Disqus