ઇંગ્લેન્ડમાં બેસીને ભારતની સાચી રીતે ઓળખ અપાવવા મથનારાઓને હું કાયમ સલામ કરું છું. ‘ગુજરાત સમાચાર’ એવી ધૂણીને ધખાવી બેઠું છે એનું શ્રેય તેમના સર્વેસર્વા સી. બી. પટેલ અને સમગ્ર સ્ટાફને જાય છે. તેનો સરસ અનુભવ આ લેખકે થોડાંક જ વર્ષો પર લીધો છે.
સંશોધનની દીવડી
‘ઇન્ડિયા ઇન બ્રિટન’ સચિત્ર પુસ્તક ગાંધીનગરની સરકારી લાયબ્રેરીમાંથી મળ્યું ત્યારે તેને પૂરેપૂરું વાંચવામાં રસ પડ્યો અને ઉત્સુકતા થઈ કે તેના લેખિકા કુસુમ વડગામા કોણ છે? પછી સી. બી. મળ્યા ત્યારે તેમનો વિગતે પરિચય આપ્યો તો આશ્ચર્ય અને આનંદ થયાં કે ચાલો, સંશોધનની દીવડીઓ ઝગમગતી રહી છે. ગાંધી-પ્રતિમા વિશેના કુસુમ વડગામાના નિર્ભિક અભિપ્રાયને દાદ આપવી પડે તેમ છે. નવી બ્રિટિશ રાજકીય પેઢીને દાદાભાઈ નવરોજી કેવા વિકટ સંજોગોમાં લંડનમાંથી એમ. પી. બન્યા હતા તે તવારિખની કાં તો જાણ નહીં હોય અથવા લોકશાહીમાં પણ પાંગરતી રહેતી ઉપેક્ષા દાખવી હોય. તો પછી લંડનમાં જ સ્વાતંત્ર્યયજ્ઞ કરનારા અને અનેક બ્રિટિશ ઉદારવાદી નેતાઓ (જેમ કે હિંડમેન) અને ચિંતકો (જેમ કે હર્બર્ટ સ્પેન્સર) અને પત્રકારો (જેવા કે ગાય-દ-અલ્ડ્રેડ)ને સાથે રાખીને અવિરત સંઘર્ષ કરનારા શ્યામજી કૃષ્ણવર્મા, લાલા હરદયાળ, વીર સાવરકર, મેડમ કામા, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનું તો સ્મરણ ક્યાંથી રહે?
પણ ગાંધી તો અહીં ખૂલ્લાં આકાશમાં ઊભા રહેલા જોવા મળશે. આને મરાઠી ભાષામાં કહેવું હોય તો ‘કૌતુક’ ગણાય! લંડન-મુલાકાત વખતે એક જગ્યાએ ભારતના ૧૮૫૭માં દમનખોર હેવલોકની પ્રતિમા પણ જોવા મળી હતી. હવે ચર્ચિલના વર્ણન મુજબનો ‘ભારતનો અર્ધનગ્ન ફકીર’ હાજર રહેશે! તેના ભારતીય આયોજકો લોર્ડ મેઘનાદ દેસાઈ અને પ્રીતિ પટેલને ગુજરાત તરફથી ધન્યવાદ!
‘ઇંગ્લેન્ડમાં ભારત’
અને કુસુમ વડગામામાં આ પુસ્તકમાં તો છેક ૧૮૩૧થી ૧૯૪૭ સુધીની દાસ્તાન છે. તેમાં પ્રજાકીય અભિયાન અને સંસદીય ચર્ચાની રસપ્રદ વિગતો છે. ઇંગ્લેન્ડમાં ભારતીય સંસ્થા-સંગઠનોની પ્રવૃત્તિનો અંદાજ અપાયો છે. અખબારો - સામયિકો - પત્રિકાઓની સામગ્રી છે. વિદ્યાર્થી-પ્રવૃત્તિમાં ભારતનું કેવું સ્થાન હતું તેનું નિરુપણ છે. અખબારો સાથેનો પત્રાચાર છે. જગતખ્યાત બનેલી ગોળમેજી પરિષદની જિકર છે. અન્ય દેશોના સમર્થનની વિગતો પણ છે. ‘બ્રિટિશ રાજના કાન અને આંખ’ એ વળી ભારતીય રાજકીય બૌદ્ધિકોને આલેખતું રસપ્રદ પ્રકરણ છે. આઝાદી માટેના હસ્તાંતરણનો ચિતાર છે.
બ્રિટનમાં ભારતઃ કેવાં વ્યક્તિત્વોની સંબંધ કથા રહી હતી? રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, રાણી વિક્ટોરિયા, સર વિલિયમ વેડબર્ન, જ્યોર્જ યુલે, દાદાભાઈ નવરોજી, ઉદય શંકર, પ્રિન્સ રણજિતસિંહ, આગાથા હેરીસન, માઇકલ ફૂટ, ગ્લેડસ્ટન, રાજા રામમોહનરાય (બ્રિસ્ટોલમાં તેમની સમાધિ છે) જ્હોન બ્રાઈટ, લાલા લજપતરાય, કેશવચંદ્ર સેન, ચાર્લ્સ બ્રેડલોથ, એલેન ઓક્ટેવિયન હ્યુમ (કોંગ્રેસના સ્થાપક), ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય ટિળક, સરોજિની નાયડુથી જવાહરલાલ અને વી. કે. કૃષ્ણમેનન્ સુધીના વ્યક્તિ વિશેષો બ્રિટિનમાં કેવો ભાગ ભજવી ગયા તે ઇતિહાસરસિકોને માટે રસપ્રદ વાનગીનો થાળ બની જાય છે.
આ પણ જરૂરી હતું
મારું આશ્ચર્ય એ રહ્યું કે ૧૯૦૦થી ૧૯૦૭ સુધી ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’, પંડિત શ્યામજીની સાથે બ્રિટિશ ઉદારવાદીઓની મૈત્રી, લેબર પક્ષની સ્થાપનામાં શ્યામજીનું પ્રદાન, મદનલાલ ધીંગરાને ફાંસી, ૧૮૫૭ની અર્ધશતાબ્દી ઉજવણી, રશિયા, આઇરિશ અને ઇજિપ્શિયન ક્રાંતિકારો સાથેનો સાવરકરનો સંપર્ક, દાદાભાઈ નવરોજીની પૌત્રી કેપ્ટન પેરિન નવરોજી અને મેડમ કામાનું કાર્ય, ઇન્દુલાલ યાજ્ઞિકનો લંડનનિવાસ, આ વિગતો પણ જો આ ગ્રંથમાં હોત તો કેટલું બધું ઊચિત થયું હોત!
તેમ છતાં, બ્રિટિશ શાસન અને માહૌલ વચ્ચે કુસુમબહેન જે રીતે સંશોધન કાર્ય કરતાં રહ્યાં છે તેને આજે - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે - લખી રહ્યો છું ત્યારે સાદર સલામ!
વિદ્યાપીઠમાં મહિલા કુલપતિ
ગૂજરાત વિદ્યાપીઠમાં ‘બીજા કુલપતિ’ બન્યા છે ઇલાબહેન ભટ્ટ. ‘સેવા’ સંગઠન તેમણે મજૂર મહાજાન છોડીને શરૂ કર્યું અને વિશ્વના તખતા પર ગરીબ મહિલાનાં સ્વાભિમાની સ્વાવલંબનનો અવાજ સાર્થક કર્યો એટલે તેમને મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. તેમનાં દિવાનખાનામાં એટલા બધા એવોર્ડની ભરમાર છે કે ઈલાબહેનને ખુદને ય યાદ નહીં હોય કે ક્યારે મળ્યા હતા? અર્થાત્ તેમનાં કામને ભારે પ્રતિસાદ મળ્યો છે.
ગૂજરાત વિદ્યાપીઠનું વળી ‘ગાંધીયન રાજકારણ’ છે, છેલ્લાં કેટલાંક વર્ષથી તે અખબારો સુધી પહોંચ્યું છે. પણ ‘રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા’ના ઉદ્દેશથી ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠનો આગવો ઇતિહાસ છે. આ વિદ્યાપીઠના કુલપતિ તરીકે સ્વયં ગાંધીજી હતા! પછી સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. સુશીલા નાયર, મોરારજીભાઈ દેસાઈ, પ્રા. રામલાલ પરીખ, નવીનચંદ્ર બારોટ, નવલભાઈ શાહ, રવીન્દ્ર વર્મા અને હમણાં સુધી નારાયણ દેસાઈ હતા, હવે અગિયારમા કુલપતિ ઈલા ભટ્ટ છે. ૮૨ વર્ષની વયે પણ તેમની સક્રિયતા આશ્ચર્ય પમાડે તેવી છે. થોડાંક વર્ષ પૂર્વે વિશ્વ ગુજરાતી સમાજે પણ તેમને વિશ્વ પ્રતિભા એવોર્ડ આપ્યો હતો.
સાર્વજનિક જીવનમાં તેમની નજર સર્વત્ર રહી છે. ગુજરાતના રાજ્યપાલના સા-વ અનોખા, પ્રજાલક્ષી પ્રયોગ વિશે મેં લખ્યું તો બીજા દિવસે ઈલાબહેનના હસ્તાક્ષરોમાં અભિનંદન આપતો પત્ર મળ્યો! અગાઉ પણ તેમણે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને એક પત્ર લખીને ગુજરાતના અ-જાણ રહી ગયેલા ઇતિહાસ વિશે ધ્યાન દોર્યું હતું.
અનામિકા શાહના નવોન્મેષી વિચારો, રાજેન્દ્ર ખિમાણીની વ્યવસ્થાયોજન શક્તિ અને ઇલાબહેનનું માર્ગદર્શન - આ ત્રિવેણી ગૂજરાત વિદ્યાપીઠમાં નવો પ્રાણવાયુ પૂરશે એવી ઇચ્છા અસ્થાને નહીં ગણાય.