હમણાં, આ વર્ષે ગુજરાતની સફરનું કોઈ આયોજન કર્યું, તમે?
કરવાના હો તો આ વખતે મુલાકાત-પ્રવાસનો એજન્ડા થોડો બદલાવવો પડશે. ગાંધીનગર – અમદાવાદ – સુરત – વડોદરા - રાજકોટ ભલે જાઓ પણ ત્યાંની બીજી કેટલીક જગ્યાઓને તમારા પ્રવાસમાં ઉમેરજો. મહાત્મા મંદિર, રિવરફ્રન્ટ, કાંકરિયા, સાયન્સ સિટી તો છે જ પણ બીજી કેટલીક નવી અને જૂની જગ્યાઓ છે ત્યાં પણ અનુભવશો કે ગુજરાત ‘પ્રાચીનથી અર્વાચીન’નો કેવો ખજાનો છે! રાજકીય – સામાજિક – આર્થિક – સાંસ્કૃતિક સ્થાનકો!!
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં બેઠેલા પ્રધાનો - સચિવો ગુજરાતનું શાસન ચલાવે છે. ત્યાં જ વિધાનસભા ભવન છે, તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. સરદાર વલ્લભભાઈના જેટલા જ સમોવડિયા રાષ્ટ્રનેતા હતા તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ. બંધારણ, રાજનીતિ, વકીલાત, આંદોલન, પ્રજાકીય પ્રશ્નો... બધામાં તે પારંગત હતા, નિષ્ણાત પણ એવા જ. કોંગ્રેસમાં બેરિસ્ટર મોહમ્મદઅલી જિન્ના પણ તેમને ‘પંડિત’ કહેતા! સ્વરાજ પક્ષ જે થોડાક ધૂરંધર નેતાઓથી કોંગ્રેસમાં બળવાન અવાજ ઊઠાવી શક્યો, તેમાંના એક વિઠ્ઠલભાઈ હતા.
જેમ બાળ ગંગાધર ટિળક ‘લોકમાન્ય’ કહેવાયા, ચિત્તરંજનદાસને ‘દેશબંધુ’નું બિરુદ મળ્યું, મોહમ્મદઅલી ‘કાઇદે આઝમ’ બન્યા, મોહનદાસ કરમચંદ ગાંધી ‘મહાત્મા’ કહેવાયા. દાદાભાઈ નવરોજીને ‘દેશના દાદા’નું સન્માન મળ્યું. લાલા લાજપતરાય ‘પંજાબ કેસરી’ હતા, તો સરદાર ભગતસિંહ ‘શહીદે આઝમ’. સુભાષચંદ્ર બોઝ નામ લેતાં ‘નેતાજી’ અચૂક હોઠે આવી જાય. મદનમોહન માલવિયા સાચા અર્થમાં ‘પંડિત’ રહ્યા. જવાહરલાલને આઝાદી પછી ‘નેહરુચાચા’ની પ્રજાકીય પદવી મળી. સી. રાજગોપાલાચારિ ‘રાજાજી’ કહેવાયા. સરોજિની નાયડુ ‘બુલબુલ’ હતાં. વલ્લભભાઈને બારડોલીએ ‘સરદાર’નો અંદાજ આપ્યો. શ્રી અરવિંદ ‘યોગી’ હતા. દુર્ગાવતી વહોરા ક્રાંતિકારોના આદરણીય ભાભી અને સુહાસિની ગાંગુલી ‘પૂતુદી’ હતાં. ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ જ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ આપ્યું. સૂર્યકાન્ત ત્રિપાઠી ‘મહાકવિ’ નિરાલા બન્યા. રવીન્દ્રનાથ ટાગોર ‘ગુરુદેવ’. મૈથિલીશરણ ગુપ્ત ‘રાષ્ટ્રકવિ’ હતા, વિનાયક રાવ દામોદરરાવ સાવરકરની આગળ ‘વીર’ સંબોધન શોભે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કચ્છીમાંડુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માને ‘પંડિત’ ઉપરાંત ‘ક્રાંતિગુરુ’ કહેવાયા અને તેમની સ્મૃતિમાં માંડવીના મસ્કા ગામે ભવ્ય ક્રાંતિતીર્થ ઊભું છે, યુનિવર્સિટીને પણ તેમનું નામ અપાયું છે. મેડમ કામા તો અમેરિકામાં ‘ક્રાંતિમાતા’ (મધર ઓફ રિવોલ્યુશન) ગણાતા!
આવા બીજા ‘વિશેષ’ નામો સાથેની યાદી પણ થઈ શકે. આ બધાં સન્માન પ્રજાએ આપેલાં, એટલે અધિક પ્રચલિત અને અજર-અમર રહ્યાં છે.
આમાંના વિઠ્ઠલભાઈના નામે ગાંધીનગરમાં વિધાનગૃહ ઊભું છે. હજુ હમણાં જ થયેલી ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ‘જન-પ્રતિનિધિ’ઓ અહીં બેસે છે, પ્રશ્નો પૂછે છે, જવાબ મેળવે છે, અસંતોષ કે સંતોષ વ્યક્ત કરે છે, હોબાળો મચાવે છે, વહેલ સુધી ધસી જાય છે, શબ્દોની પટાબાજી અને ક્યારેક શારીરિક સવાલ-જવાબ પણ વરતાય છે. વિધેયકો આવે છે, મોટાભાગે પસાર થાય છે. અધ્યક્ષ વાણી-વર્તનને કાબુ રખાવવા મથે છે, ગૃહની કાર્યવાહીમાં ભાગ ન લેવાની સજા કરે છે. પોલિટીકલ પંડિતો છાણા થાપે છે કે અરે, આટલી બધી-ત્રણ વર્ષની - તે સજા હોતી હશે? છેવટે અવિશ્વાસની દરખાસ્ત અને ધારાસભ્યોને બાકાત રાખવાનો નિર્ણય એકબીજાથી ટકરાવાને બદલે પીગળી જાય છે...
બંધારણે જે સંસદ અને વિધાનગૃહોનો ‘આદર્શ’ સ્થાપિત કર્યો હતો તે આઝાદી પછીની મુગ્ધતામાંથી પેદા થયેલી કલ્પના જ હતી એવું આજે આપણે સાબિત કરી દીધું છે. આપણે એટલે મતદારોએ, ચૂંટણી પ્રથાએ, પક્ષોએ અને સૌથી વધુ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ. આમાં અપવાદો પણ ઘણા છે. બધા આરોપના પીંજરામાં નથી. ઉત્તમ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, અધ્યક્ષો, વિપક્ષ નેતાઓ અને (કેટલાક) ધારાસભ્યોની ઊજળી પરંપરા પણ રહી છે.
ડો. જીવરાજ મહેતા અને બળવંતરાય શરૂઆતે મુખ્ય પ્રધાનો હતા. અમરસિંહ ચૌધરીના ભાગે માધવસિંહ સોલંકીના શાસક દરમિયાનનું ‘બળતું ગુજરાત’ આવ્યું હતું. બાબુભાઈ જસભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા શાસનમાં પ્રભાવી રહ્યા હતા. નરેન્દ્ર મોદીથી ગુજરાત આખું નવા વળાંકે આવીને ઊભું, તેમના અનુગામીઓએ તે કામ યથાશક્તિમતિ આગળ ધપાવ્યું અને ૨૦૧૮થી વિજય રૂપાણી સંતુલિત રીતે જવાબદારી સંભાળે છે.
ગુજરાતની વિધાનસભાએ બળવાન વિપક્ષ – નેતા - ધારાસભ્યો પણ નિહાળ્યા. ભાઈકાકા, સનત મહેતા, ચીમનભાઈ શુકલ, મનોહરસિંહ જાડેજા, નગીનદાસ શાહ, ધ્રોળ ઠાકોર, વસંત પરીખ, જશવંત મહેતા, બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતિ દલાલ અને બીજા એવાં ઘણાં નામો ઉમેરી શકાય. પછીથી તેમાંના કેટલાકે પક્ષાન્તર કર્યાં અને કોંગ્રેસમાં ગયા...
લગભગ ૫૦ વર્ષથી આ વિધાનસભાને નજીક અને દૂરથી મેં નિહાળી છે. ‘સાધના’ના તંત્રી તરીકે દરેક બાબતમાં સક્રિયતા દાખવવાના એ દિવસો હતા એટલે વિધાનસભા ગૃહની કામગીરી તરાશવા જવાનું બનતું. સાથે ‘ગુજરાત મિત્ર’ના સહાયક તંત્રી ભગવતીકુમાર શર્મા પણ હોય. વિધાનસભાનાં ગૃહે ‘ઇશ્વરે ઘર બદલ્યું’ જેવું નસીબ જાળવ્યું છે. પહેલા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ પછી ગાંધીનગર ટાઉનહોલ અને છેવટે આજે જે વિશાળ ભવન ઊભું છે ત્યાં સરકારો ચાલી, ગબડી, નવી આવી.
સલામ શહેરે અમદાવાદના ભીડભાડવાળા રસ્તે અસારવા તરફ જવાય છે. આજે જ્યાં દેશની મોટી ‘સિવિલ હોસ્પિટલ’માં સારવાર લેવા માટે દર્દીઓની કતાર લાગે છે ત્યાં ‘આઉટડોર પેશન્ટ’ના મકાનને વિધાનસભા ભવનમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. ૧૯૬૮ની આસપાસનાં એ વર્ષો. તેનાથી થોડેક દૂર જ વિધાયકોની હોસ્ટેલ. એક વાર ભારે વરસાદ પડ્યો તો નીચેના માળે રહેતા ધારાસભ્યો (જેમાં વજનદાર ધ્રોળ ઠાકોર પણ હતા, તેમને પાલખી બાંધીને દોરડાંથી ઉપર લઈ જવા પડ્યા હતા!)ને ખસેડાયા.
૧૮ ઓગસ્ટ ૧૯૬૦ના વિધાનગૃહની પહેલી બેઠક મળેલી, સમય સવારના સાડા આઠ. રવિશંકર મહારાજે તેનો આરંભ કરાવ્યો. (૧૯૭૪માં આ જ રવિશંકર મહારાજે તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલની સરકારની ખિલાફ નિવેદન કરવું પડ્યું હતું!) વિધાનગૃહમાં ગાંધીજીનું તૈલચિત્ર અને મયુરીબેન ખરેનું ‘વૈષ્ણવ જન..’ બપોર પછી સત્રારંભ.
દસેક વર્ષ અહીં ગૃહ ચાલ્યું. પહેલી સરકાર વખતે વિપક્ષના પ્રથમ નેતા નગીનદાસ ગાંધી હતા. અધ્યક્ષ કલ્યાણજી મહેતા. વિપક્ષ ‘પાતળી પરમાર’ જેવો. ચાર પ્રજા સમાજવાદીઓ, એક રિપબ્લિકન, બે સામ્યવાદી, ત્રણ અપક્ષો. આજે આમાંના કોઈ પક્ષનું ગૃહમાં અસ્તિત્વ જ નથી!
બીજી વાર પણ ડો. જીવરાજ મુખ્ય પ્રધાન બન્યા. પક્ષની અંદર જ તેમને અપદસ્થ કરવાની પેરવી શરૂ થઈ ગઈ. અત્યારે જે વિપક્ષ અધ્યક્ષની ખિલાફ અ-વિશ્વાસ માટે મેદાને પડ્યો તે જ કોંગ્રેસ પક્ષે પોતાના મુખ્ય પ્રધાનની વિરુદ્ધમાં અ-વિશ્વાસ માટે નિર્ણય લીધો હતો! વિપક્ષે તેનો મોકો મેળવ્યો. ભાઈકાકાએ ડો. જીવરાજ મહેતાની સામે પહેલી અવિશ્વાસ દરખાસ્ત મૂકી ૩૧ વિરુદ્ધ ૧૦૧ મતે તે ઊડી ગઈ. નવમી સપ્ટેમ્બર ૧૯૬૩ના આ ઘટના બની અને દસ દિવસ પછી ખુદ મુખ્ય પ્રધાને જ રાજીનામું આપી દીધું!
અમદાવાદથી ગાંધીનગરઃ ગુજરાતના આ વિધાનગૃહ અને તેનાં પાત્રો વિશે રસપ્રદ રાજકીય કહાણીના અનેક રંગ છે, વળી ક્યારેક તેનો અંદાજ મેળવીશું.