વિભાજીત આઝાદી સમયના સરદાર

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 26th October 2020 08:03 EDT
 
 

ઓક્ટોબરના આતશમાં આપણા કેટલાક વીરલા નાયકોની સ્મૃતિ સ્વાભાવિક છે. આ મહિનો ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી-જન્મનો છે. જયપ્રકાશ નારાયણ ઓક્ટોબરનું સંતાન અને ડો. રામમનોહર લોહિયાની વિદાય પણ ખરી. આપણા પોતાના ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ચોથી ઓક્ટોબરે જન્મ્યા હતા.

અને, બેશક સરદારનું સ્મરણ સદૈવ!

વિભાજિત સ્વતંત્રતા દરમ્યાનના સરદારને જાણવા જેવા છે.

૧૯૪૭થી ૧૯૫૦.

સ૨દારની અગ્નિપરીક્ષાનાં આ જ્વલંત વર્ષો હતાં, પીડાસહિતની જ્વાળાઓની રોશનીનો ઝળહળાટ.

રાજનીતિ અને રાજયશાસન બંને મોરચે તેમણે સ્વાધીન ભારતને કંઈક એવી સજ્જતા અર્પવી હતી, જે દીર્ધકાલીન ઇતિહાસ-બોધ બની જાય. એવું તેમણે કર્યું.

તેમાં અવરોધો આવ્યા. આશંકાઓ નિર્માણ પામી. હિમાલયન બ્લંડર જેવું યે લાગ્યું હશે, ક્યારેક. ગુસ્સો. નિર્વેદ, થાક, વિષાદ અને છતાં સરદાર રાજનીતિની જ્યોતિ પ્રકટાવવાનું અને રાજ્યશાસનને મજબૂત બનાવવાનું ક્યારેય ચૂક્યા નહીં.

એ ઘટનાક્રમ પણ તપાસવા જેવો છે અને તેમાંથી નીપજેલી તેમની વિશેષતાઓનો અંદાજ પણ મળે છે.

• સ્વતંત્ર ભારતની પોતાનાં મૂળિયાં સહિતની રાજનીતિની તેમની પ્રતિજ્ઞા રહી જે રાજકીય ઉબડખાબડ જમીન પર લોહીલુહાણ મુસાફરીને લીધે ઘણાની નજરમાં આવી નથી.

સરદાર સાંગોપાંગ ભારતીય હતા. કોઈ ખાસ રોમાંચ તેમને ક્યારેય વળગ્યો નહીં. ગમેતેવી નબળાઈના વાતાવરણમાંથી યે કંઈક નવું, તેજસ્વી અને આશાવાદી તત્ત્વ શોધી કાઢવું એવી અદ્દલ ભારતીય તરીકેની ખાસિયત તેમનામાં હતી. ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા માટે તે બીજા બધા સાથીઓની જેમ લડ્યા હતા. તેમણે એક વાર સ્વાધીન ભારત વિશે પોતાની ધારણા આવી રીતે બાંધી આપી હતી:

‘આઝાદ ભારતમાં કોઈએ ભૂખમરાથી મરવું નહીં પડે. અનાજની નિકાસ કરવામાં આવશે નહિ. ભારતના શાસકો પરદેશી ભાષા વાપરશે નહીં અને ૭૦૦૦ ફૂટ ઊંચે બેસીને રાજ ચલાવશે નહીં. લશ્કરી ખર્ચ નામનો જ રહેશે અને અન્ય પ્રદેશો અથવા લોકોને કચડવા લશ્કરનો ઉપયોગ કરાશે નહીં. સૌથી ઓછો પગાર મેળવનાર અને સૌથી વધારે પગાર મેળવનારની વચ્ચે આવકનો તફાવત ઓછો રખાશે. ન્યાય મેળવવાનું કામ મોંઘું કે મુશ્કેલ નહીં હોય.’ (૩૦ મે, ૧૯૨૦)

પરંતુ વિભાજિત સ્વતંત્રતા મળવાનાં વાદળાં ઘેરાયાં અને ખંડિત સ્વતંત્ર ભારત માટે સત્તાનું હસ્તાંતરણ થયું ત્યારે સરદારે વિચલિત થયા વિના, વિભાજનની ધગધગતી સમસ્યાઓ એક પછી એક નહીં સમાંતરે ઉકેલવા માંડી: સરહદ પરથી રક્તરંજિત વિસ્થાપિતોની વણઝાર. હિંદુ - મુસ્લિમ કત્લેઆમ. જર, જમીન અને આશ્રમસ્થાનોના મુશ્કેલ પ્રશ્રો. આરોગ્ય અને જીવનજરૂરિયાતની મુશ્કેલીઓ, ચારેતરફ વિસ્તરેલાં નાનાં-મોટાં રજવાડાંઓના વિલિનીકરણનો પ્રચંડ પડકાર, કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢમાં પાકિસ્તાનની ધૂર્તતાભરી દિલચશ્પી. ભારતના નવા પ્રધાનમંડળની રચના, બંધારણ-સભાની ગડમથલ અને બેશક, સત્તાપ્રાપ્તિથી પક્ષની અંદર ઉદ્ભવેલા વ્યક્તિગત, વૈચારિક અને સામુહિક વિવાદો.

વડા પ્રધાન ભલે જવાહરલાલ હતા પણ ગાંધીજીએ સ્વતંત્ર ભારતના પ્રમુખ સુકાની તરીકે જે બે એકસરખી તાકાત ધરાવનારા રાજપુરુષોને કામ સોંપ્યું હતું, તેમાં જવાહરલાલની સાથે મળીને વલ્લભભાઈએ કામ કરવાનું આવ્યું હતું. હતા તો નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન, પણ નેહરુને ય તેમનાં વિના શાસન ચલાવવું ભારે પડી જાય તેવી સ્થિતિ હતી. ખુદ જવાહરલાલે પણ મતભેદના અનેક પ્રસંગોએ એટલું સ્વીકાર્યું છે.

એટલે જે સમસ્યાઓથી ભારત ઘેરાયું હતું ત્યારે દૃઢતા, ધીરજ અને શક્તિની જ ભારે કસોટી હતી. ભારતનું વિભાજન સ્વીકારી લેવાથી કંઈ એવી ઘટના તો નહોતી કે જેમાં સાથીદારો કે સંપૂર્ણ સંગઠનનો અભિપ્રાય નિર્ણાયક હોઈ શકે, એ સાચું છે કે ભાગલાપૂર્વેનાં રોજનાં પ્રાર્થના-પ્રવચનો કરવા છતાં તેઓ જનતામાં ભાગલા વિરોધ માટેનું જોશ સર્જી શક્યા નહીં. તેમનાં ભાષણોમાં આ દ્વિધાનો સ્વર હતો. કોઈ સમસ્યા પર નેતાના વિચારોમાં અને બોલીમાં દુવિધા હોય ત્યારે પ્રજા બેઠી થતી નથી. ગાંધીજીએ તો તેમની શૈલીમાં અમને વારંવાર ઢંઢોળ્યા પણ અમે તેને માટે લાયક પુરવાર થયા નહીં, ગાંધીજીએ ભાગલાનો પ્રતિરોધ ના કર્યો તે માટે એક કારણનું અનુમાન કરું છું. હિન્દુસ્તાનના ઈતિહાસની વિશાળ પુરાણી શક્તિઓ અને ગાંધીજીની વૃદ્ધાવસ્થા જેવી સમસામયિક નાની નાની વાતોની વચ્ચે તે કારણ પડ્યું છે. ખરેખર તો હિન્દુસ્તાનની આઝાદીની લડાઈ લગભગ સંપૂર્ણ આઝાદ થવાની લોકોની વેરવિખેર ઈચ્છાઓ ઉપરાંત ચતુર વાક્યો, બહેતર નારા, બુદ્ધિપૂર્ણ કે આડંબરભર્યા તર્ક પર નિર્ભર હતી. ગાંધીજી આઝાદીની મહત્ત્વાકાંક્ષાને કાયમ રાખવામાં અને બૌદ્ધિક તર્કમાં બેમિસાલ હતા પણ તેવી ઇચ્છાને તેમણે સંગઠિત બનાવી નહીં. તેવું કરનારા સહાયકો પણ નહોતા, આમ તો તેમણે ઘણાં સંગઠનો બનાવ્યાં - ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ, નઈ તાલીમ સંઘ, હરિજન સેવા સંઘ, પણ તેમાંથી કોઈએ સ્વતંત્રતાની એ મહત્ત્વાકાંક્ષાને મજબૂત બનાવી નહીં. ભલે તે બીજી રીતે મહત્ત્વનાં હતાં.

કોંગ્રેસ પણ સંઘર્ષશીલોનું સંગઠન મહદઅંશે નહોતી. તેના મોટાભાગનાં નેતાઓ ખાધેપીધે સુખી, ઊંચી જાતિના અને મધ્યવર્ગીય હતા. તેઓ પોતાના ભવિષ્ય વિશે ચિંતિત અને પરેશાન હતા... ગાંધીજીને ભલે ઈશ્વરનો અવતાર ઠેરવી દેવામાં આવે. ભાગલા અંગે ગાંધીજીના દોષનો અધિક વિસ્તારથી અભ્યાસ થવો જોઈએ. બધું જ બધું નિષ્ફળ હતું પણ તેમના સંકલ્પે તો નિષ્ફળ થઈ જવું નહોતું! (ડો. લોહિયા: સમતા ઔર સંપન્નતા, પૃ. ૨૦૮)

સરદારે ભલે પરિસ્થિતિવશ ભારત-વિભાજનને સ્વીકારી લીધું પણ તે પછીની તેમની જવાબદારી વ્યાપક અને વિષમ હતી તેની તેમને પૂરેપૂરી જાણ હતી. ‘સ્વાધીન પણ વિભાજિત ભારત’ની નિયતિ ન સર્જાય તે માટે તેમણે સાહસિક અને સાર્થક પ્રયાસોથી રાજનીતિ અને રાજ્યશાસન બંનેને સ્થિરતા આપી હતી.

રજવાડાંઓનું વિલીનીકરણ એ સરદારના જીવનનો પરાક્રમી અને દૂરંદેશી કાલખંડ છે. ગાર્ડિયને વાજબી રીતે તેમને નવા રાજ્યના સ્થપતિ કહ્યા. એ ઘણું કપરું કાર્ય હતું. પાકિસ્તાન મેળવી લીધા પછી પણ મુસ્લિમ લીગ અને જનાબ મોહમ્મદ અલી જિન્નાની વ્યૂહરચના એવી હતી કે ભારત-પાકિસ્તાન સરહદ પરનાં રાજ્યોમાં અસરકારક રહેવું અને જોધપુર, ઉદયપુર, ઈંદોર, ભોપાલ, વડોદરાનાં રાજ્યોને જોડી દઈને પાકિસ્તાનને હિન્દુસ્તાનમાં પાથરી દેવાની યોજના ઘડાઈ હતી. ‘સરદારે તેવું કરવા દીધું નહીં’ (ક.મા. મુનશી) અને ‘લોખંડી છતાં સૌજન્યપૂર્વક વર્તીને તેમણે ૫૬૫ રજવાડાઓનું વિલીનીકરણ કર્યું.’ (વી.પી. મેનન) ત્યારે તે ૭૨ વર્ષના જુવાન મુસદ્દી હતા.

ત્રાવણકોર, જોધપુર, ભોપાલ, ઈંદોર, ધોલપુર, ભરતપુર, બિલાસપુર, નાભા, મયૂરગંજ, પટણા, બામરા, નયાગઢ, સોમપુરા, છત્તીસગઢ, કોલ્હાપુર, આકલકોટ, સુધોલ, ફલ્ટન, સાવંતવાડી, ઓધ, ભોર, સાંગલી, ડાંગ, રાજપીપળા, દેવગઢ બારિયા, છોટાઉદેપુર, લુણાવાડા, બાલાસિનોર, ખંભાત, રાધનપુર, બુંદેલખંડ, રિવા, ગ્વાલિયર, રતલામ, અલીરાજપુર, ઝાબુઆ, નરસિંહગઢ, પતિયાલા, જિંદ, ફરિદકોટ, અલવર, ભરતપુર, ઉદયપુર, જયપુર, જેસલમેર, કોચિન, મૈસુર, કચ્છ, ત્રિપુરા, મણિપુર, તેહરી ગઢવાલ, ખાસી પર્વતીય રાજ્યો... આ તો થોડાં જ નામો છે. આવા રજવાડાઓને મનાવી અને જરૂર પડ્યે ચેતવીને વલ્લભભાઈએ કર્યું તે રાજ્યશાસનના ભારતીય ઈતિહાસનો આગવો અને ઊજળો અધ્યાય છે.

આ વિલીનીકરણમાં મુસ્લિમ તેમજ કેટલાક હિંદુ રાજાઓની મહત્વકાંક્ષાએ ભારે અવરોધો સર્જયા હતા. કેટલાંક રજવાડાં તો પાકિસ્તાન સાથે જોડાવાની તૈયારી કરીને બેઠાં હતાં. તેમાંનું હૈદરાબાર-પ્રકરણ હિંસાખોર રઝાકારો અને અલગાવવાદી ફિરકા-પરસ્તોને સરકારે કેવી રીતે પરાસ્ત કર્યા તેનું ઉદાહરણ છે.

૮૨,૦૦૦ ચોરસ માઈલ ધરાવતા નિઝામ શાસનમાં ૧ કરોડ અને ૬૦ લાખની વસ્તીમાંથી ૮૫ ટકા હિંદુ હતા. પહેલાં સમજાવટનો રસ્તો લેવાયો. નિઝામ માન્યા નહીં. રઝાકારોને સામ્યવાદીઓનો ટેકો મળ્યો. સરદારે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કનૈયાલાલ મુન્શીને હૈદરાબાદ મોકલ્યા હતા. છેવટે ‘પોલો જંગ’ નામથી લશ્કરી પગલાં લેવાયાં, તેમાં ૪૨ ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા, ૯૭ ઘાયલ થયા, ૩૪ લાપતા બન્યા. રઝાકારોને ખુવારી અધિક રહી. ૨૭૨૭ રઝાકારો ભારતીય સૈન્ય સામે મર્યા, ૧૦૨ ઘાયલ થયા, ૩૩૬૪ પકડાયા. નિઝામના લશ્કરે ૪૯૦ સૈનિકો ગુમાવ્યા. પાંચ દિવસની લડાઈનો અંત નિઝામીને ભારતમાં ભળી જવાનો આવ્યો.


comments powered by Disqus