વીત્યું સપ્તાહઃ ઘટનાઓ નાની, મહત્ત્વ અધિક!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 12th March 2018 08:42 EDT
 

‘ભારતીય લોકવિદ્યાનો ઇતિહાસઃ વિવિધ પ્રદેશોમાં તેનાં મૂળિયાં...’ આવા વિષય પર અહીં આણંદમાં એક આખો દિવસ તેના વિદ્વાન અભ્યાસીઓની ચર્ચાગોષ્ઠિ થાય તે સાંસ્કૃતિક ગુજરાતની ઘટના ગણાય કે નહીં?

લોકસાહિત્યનો મેળો

આઠમી માર્ચ આમ તો હતો નારી દિવસ. ગૂજરાત વિદ્યાપીઠમાં ‘જૂઈ મેળો’ કરવાનો નિશ્ચય ગુજરાતી અધ્યાપક–કવયિત્રી-વિવેચક ડો. ઉષા ઉપાધ્યાયે લીધો હતો. તેમનોય આગ્રહ કે ઉદઘાટનમાં આવું! પણ આણંદ એન. એસ. પટેલ કોલેજના લોકવિદ્યા પરિસંવાદમાં ન ગયો હોત તો દેશભરના આટલા લોકસાહિત્યવિદોને મળવાનું ન થયું હોત! તેમાં કર્ણાટક ઓપન યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. બી. ઓ. વિવેકા રાય, કેરળના ડો. એસ. કે. મકબુલ ઇસ્લામ, ડો. રાઘવન્ પેયાનંદ, ડો. કે. એમ. ભારતન્, આંધ્રથી ડો. સુજયકુમાર માંડવ, ડો. એન. ભક્તવત્સલ રેડ્ડી, પ્રા. પી. સુબાચારિ, ઓરિસાથી ડો. કૈલાસ પટનાઇક, ડો. સેમ્યુઅલ દાની, અને હસુ યાજ્ઞિક ગુજરાતના સમગ્ર લોકસાહિત્યના ઊંડા અભ્યાસી.

(આ કાર્યક્રમમાં મેં જોયું કે મહામાત્ર અજયસિંહ ચૌહાણ, જે. એમ. ચંદ્રવાડિયા, ડો. પ્રશાંત પટેલ અને ડો. પ્રતીક્ષા પટેલ જેવા અધ્યાપકો તેમને ‘હસુદાદા’ તરીકે જ બોલાવતા હતા! એંસીથી વધુ વય, સહધર્મચારિણીની વિદાય અને શારીરિક મુશ્કેલીઓ છતાં તેમનું સંશોધન-અધ્યાપન ચાલુ છે એનું આશ્ચર્ય કે આનંદ?) પ્રાચાર્ય મોહનભાઈ પટેલનો દૃષ્ટિપૂર્વકનો પુરુષાર્થ આ કોલેજને આગવી ઓળખ આપી રહ્યો છે.

મઝાની વાત એ થઈ કે આ સમગ્ર શિક્ષણ સંસ્થાના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા. સાહિત્ય અને લોકસાહિત્યની નિસબત ધરાવતા મહાનુભાવ તરીકે તેમણે ટૂંકું અને સરસ પ્રવચન કર્યું. દેશભરની કોઈ પણ સાહિત્યિક પ્રવૃત્તિ માટે અમારી સંસ્થા અને પરિસર ખૂલ્લાં છે એમ પણ કહ્યું.

પ્રણયતીર્થનું પ્રવાસન?

ઉદઘાટન પ્રવચનમાં મેં ગુજરાતી લોકસાહિત્યમાં પ્રણયનાં સ્થાનકો, ઘટનાઓ અને તેની લોકકથાની વાત કરી. મેહ-ઉજળી, માંગડાવાળો, શેણી-વિજાણંદ, જેસલ–તોરલ, હમીરજી લાઠિયા, રાણક દેવડી આવાં તો એટલાં બધાં નામો છે, જેમણે અમર પ્રણયગાથા રચીને બલિદાનો આપ્યાં છે. ઝવેરચંદ મેઘાણી કહેતા કે આ પ્રેમતીર્થો છે, તેની માવજત થાય તો પ્રવાસીઓ ત્યાં ઊમટશે. ભીખુભાઈ કહે કે એ જૂનાં લોક-નાટકોને એક આખી રાત લોકો સુધી પહોંચાડીએ તો કેવું?

છેક મેઘાલય, બંગાળ, કર્ણાટક, સહિતના લોકવિદ્યાધારકો આ ગોષ્ઠિમાં સામેલ થયા હતા. સામાન્યપણે આપણા ‘રાષ્ટ્રીય’ પરિસંવાદો નામ પૂરતા રાષ્ટ્રીય હોય છે. અહીં તેવું નહોતું. ઘણા સમયે એક ઉત્તમ કોલેજની મુલાકાત થઈ.

એવું જ નવસારીમાં સયાજી વૈભવ પુસ્તકાલયનું નિમિત્ત! એકસોથી વધુ વર્ષ પુરાણા ગ્રંથાલયને અદભૂત રીતે સાંચવવામાં આવ્યું છે. અગાઉ મહાદેવ દેસાઈનો આગ્રહ રહ્યો ત્યારે પહોંચી શકાયું નહીં, પણ હમણાં પુસ્તકાલય પ્રમુખ શ્રી પારેખ, માધવીબહેન શાહ, જયપ્રકાશભાઈ અને સમગ્ર ટીમને કારણે વ્યાખ્યાનમાળામાં પહોંચાયું. ‘સાંસ્કૃતિક ગુજરાત’ની વાતો કરી. બીજા દિવસે સમગ્ર અનાવિલ સમાજ તરફથી ‘મોરારજીભાઈ દેસાઈ વ્યાખ્યાનમાળા’નું પાંચમું વ્યાખ્યાન થયું. મોરારજીભાઈને તો ૧૯૭૪થી નજીકથી જોવાનું બન્યું હતું. અટલ બિહારી વાજપેયીએ તેમના પર લખેલો ટચુકડો પણ મઝાનો લેખ હતોઃ ‘મુઝે મોરારજીભાઈ સે મહોબ્બત હો ગઈ હૈ!’ તે સાંભળીને નવસારીના અનાવિલોના ચહેરા પર રંગ લાગી ગયો. એક ૯૨ વર્ષીય પૂર્વ ધારાસભ્ય લાકડીના ટેકે આવ્યા હતા એ પણ પછીથી મળ્યા!

મોરારજીભાઈનું વ્યક્તિત્વ અજબ-ગજબનું હતું. ‘સાધના’ના નિર્ભિક પત્રકારત્વની તેમણે પીઠ થાબડી હતી. બે ‘અનાવલા’ ભેગા મળે ત્યારે શું થાય તે સ્વ. મકરંદ દેસાઈએ ૧૯૭૭માં મોરારજીભાઈ સાથેની મુલાકાતની વાત કરીને મને કહી હતી. વિશ્લેષણ ઓછું અને સંસ્મરણો અધિકઃ એવું આ વ્યાખ્યાન થયું.

ઇતિહાસનું મનોમંથન

ત્રીજી સાંસ્કૃતિક ઘટના અમદાવાદમાં ગુજરાત ઇતિહાસ પરિષદનાં વાર્ષિક સંમેલનની રહી. અધ્યક્ષ ડો. પ્રફુલ્લાબહેન બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ અને એચ. કે. કોલેજના આચાર્ય ડો. સુભાષ બ્રહ્મભટ્ટ, ડો. રશ્મિ ઓઝા, સોલંકી શિલ્પના નિષ્ણાત ડો. થોમસ પરમાર, ડો. ફાલ્ગુની પુરોહિત, અર્થશાસ્ત્ર વિદ્વાન રમેશ શાહ, રાજકીય ઇતિહાસના પ્રતિબદ્ધ લેખક પ્રા. સિદ્ધાર્થ ભટ્ટ (જેમના પિતા નરહરી ભટ્ટની જાણીતી રચના છે - ‘એક જ દે ચિનગારી મહાનલ! એક જ દે ચિનગારી...’) ઇતિહાસના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ... આ ઉદ્ઘાટક તરીકે ગંભીર મિલનમાં મેં ઇતિહાસબોધ અને નવ્ય-ઇતિહાસ (નીઓ-હિસ્ત્રી) વિશેના મુદ્દાઓ મૂક્યા.

ગુજરાતની કવયિત્રીઓનું મેઘધનુષ

હજુ એક કાર્યક્રમની વાત પણ કરવી છે, તે જૂઈ મેળાની. ઉદઘાટન નહીં તો સમાપન સમયે ઉપસ્થિત રહ્યો તો મંચ પર ગુજરાતી કવયિત્રીઓની રચનાઓનું મેઘધનુષ આકારિત થઈ રહ્યું હતું. જૂઈ મેળાના આવાહક ડો. ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, રેખા શુકલ, ગોપાલી બૂચ, ભાર્ગવી પંડ્યા, પારુલ બારોટ, લક્ષ્મી ડોબરિયા, ડો. પન્ના ત્રિવેદી, કાલિન્દી પરીખ, યામિની વ્યાસ, નીલમ દોશી, દિવ્યાશ, ડો. રાજેશ્વરી પટેલ, ડો. મૃણાલીની કામથ, સ્મૃતિ લાખાણી, નયના પટેલ, જીજ્ઞા વ્યાસ, શ્રદ્ધા રાવલ, મલ્લિકા મુખરજી, રાધિકા પટેલ, વર્ષા પ્રજાપતિ, વિનીતા કુમાર, દક્ષા પટેલ, સોનલ મોદી, ડો. અમી ઉપાધ્યાય... આટલાં સાહિત્યિક નામો એક સાથે મંચ પર આવ્યાં. કાવ્યપઠનમાં દસમા ધોરણમાં ભણતી હીર – (દુષ્યંત નિમાવત અને અમી ઉપાધ્યાયની પુત્રી) સરસ અંગ્રેજી કવિતા સાથે પ્રસ્તૂત થઈ હતી.

સમાપનમાં મેં વૈશ્વિક કવિતાની વાત કરી. હંગેરી - રશિયા - પોલેન્ડ – ઇજિપ્ત – બાંગ્લાદેશ – આફ્રિકાના કેટલાક કવયિત્રીઓના ઉદાહરણ આપ્યાં. મારિના ત્સેવાતેયા, સિલ્વયા પાથ, મારિયા વીને અને આપણી વચ્ચે પોતાનો ખુદ્દાર અવાજ સંભળાવતી બાંગ્લાદેશી તસલીમા નસરીનના સંદર્ભથી ઇચ્છા વ્યક્ત કરી કે ગુજરાતી કવિતાના હસ્તાક્ષરોમાં આવી વૈશ્વિક ચેતના પ્રકાશિત થાય.

આમ ગુજરાતના વીત્યા સપ્તાહે આવું - ખુશ થવાય તેવું - પ્રતિનિધિત્વ દર્શાવ્યું!


comments powered by Disqus