શંકરસિંહ, સીબીઆઈ અને ફરજિયાત મતદાન

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 22nd June 2015 09:47 EDT
 

બન્ને ઘટનાઓની પ્રતિક્રિયા લગભગ રાજકીય છે. એક, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ‘ફરજિયાત’ મતદાનનો નિર્ણય અને બીજી, પૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ગુપ્તચર સંસ્થા સીબીઆઈના દરોડા.

નવો પ્રયોગ

ગુજરાતમાં જે વિધેયકનો અમલ થવા જઈ રહ્યો છે તે હમણાં થોડાક દિવસો પછી તાલુકા - ગ્રામ - જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભારે અસર પેદા કરશે કેમ કે મતદાનને ફરજિયાત બનાવાયું છે. બેશક, આ શરૂઆત છે એટલે તેમાં મતદાન ન કરનાર માટેની સજા (દંડ)ની રકમ વધારે નહીં રાખવામાં આવે. તે જ રીતે બીમારી - લગ્ન - પ્રવાસ વગેરે કારણોને માન્ય રખાશે. ૭૦ની વયથી વધુ ઉંમરના અશક્તોને ય છૂટ અપાશે. આમ છતાં મતદાનની ટકાવારી તો જરૂર વધશે.

આ પ્રયોગ કેટલોક વ્યવહારુ છે? દલીલ એવી છે કે મોટા ભાગે આપણે ત્યાં મતદાન ૬૦થી ૭૦ ટકા જેટલું થાય છે. મતદારના ૩૦ ટકા જેમાં બાકાત રહે તે ‘સંપૂર્ણ શાસન’ કઈ રીતે કહેવાય?

મૂળમાં આ સવાલ મતદારની જાગૃતિનો છે. ભારતની ચૂંટણીનો નકશો જુઓ તો કેટલીક વાર આક્રોશ અને કેટલીકવાર સહાનુભૂતિ - આ બે મોટા કારણોએ મતદાનમાં વૃદ્ધિ કરી છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા પછીની ચૂંટણી કે પછી કટોકટી પછીની ચૂંટણી અને રામમંદિર આંદોલન પછીની ચૂંટણી તેના દેખીતાં ઉદાહરણો છે, પરંતુ ત્યારે ય કંઈ ૯૦-૯૫ ટકા મતદાન તો થયું જ નથી!

ઓછું-વધારે મતદાન

બીજી તરફ, ‘ઓછા મતદાન’થી સત્તા મેળવવાનાં અસંખ્ય ઉદાહરણો છે ૧૯૮૦ પછી અસમમાં વિધાનસભાની જે ચૂંટણી થઈ તેનો હું સાક્ષી છું. આંદોલનકારોએ પ્રજાને સાથે રાખીને ચૂંટણીનો બહિષ્કાર કરેલો. પણ તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને ચૂંટણી પંચના અધ્યક્ષ આર. કે. ત્રિવેદી (જે ગુજરાતમાં રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા)એ ‘ધરાર ચૂંટણી’ કરાવી! પરિણામે કુલ સરેરાશ મતદાન ૧૦થી ૨૦ ટકા જ થયું! ૮૦ ટકા લોકોએ મત ન આપ્યો એટલે જેટલા મતે સામાન્ય રીતે અનામત પણ ગુમાવવી પડે એટલા મતે ઉમેદવારો ‘ધારાસભ્ય’ તરીકે ચૂંટાઈ આવ્યા! અને ‘પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતી’ સરકાર પણ રચાઈ!

મતદાર તેના અધિકારનો ઉપયોગ ન કરે ત્યારે ‘ફરજિયાત’ રસ્તો ખૂલે છે! ઘણી વાર ઊજળિયાત - શિક્ષિત વર્ગ મત આપવા નથી જતો (અને પછી સરકારની આલોચનાના વચનોથી તરબતર રહે છે!) જ્યારે દલિત અને ગરીબ વર્ગ મત આપવા માટે ધસી જાય છે તેનાં બે કારણો છે. એક તો, તેની ગરીબી હઠે અને સામાન્ય સવાલોનો ઉકેલ આવે એવી અપેક્ષાથી મતદાન કરે છે. બીજું કારણ, ‘નાતજાત-કોમ-સંપ્રદાય-નાણા’નું યે પ્રભાવી પરિબળ રહે છે. મતદાનની પૂર્વે, છેલ્લી રાતે દારૂની રેલમછેલ, સાડીઓનું વિતરણ, વાવ-કુવા પાણીની સગવડોના વાયદા... આ બધું કામ લાગે છે.

બીજી વાત મતદાન ન થવા પાછળની, જે સત્તા પર આવશે તે સારી રીતે કામ કરશે તેવા વિશ્વાસ નથી હોતો, તે છે. કૃશ્ચોફે એક વાર કહ્યું હતું કે જ્યાં નદી જ ન હોય ત્યાં ડેમ બાંધીશું એવો વાયદો આપવામાં આવે અને પ્રજા તેને વધાવી લે તો તે સાચો રાજકારણી ગણાય. ગાનારો ભલેને ગાતો ફરે કે ‘કસ્મે વાદે પ્યાર, વફા કે, બાતેં હૈ, બાતોં કા ક્યા?’ પણ આ નિયતિ છે. એટલે અ-વિશ્વાસના કારણે ય મતદાન ઓછું થતું હોય છે.

કોઈ ખાસ કારણને બાદ કરતાં, મોટા ભાગે તો દરેક પક્ષના નક્કી થઈ ગયેલા મતદારો જ મતદાન કરે છે, જેને પ્રચલિત ભાષામાં ‘વોટ બેન્ક’ ગણવામાં આવે છે. બહુ ઓછી ચૂંટણી એવી હોય છે જેમાં મતદાર ‘વોટ બેન્ક’ને બદલે પોતાની લાગણી-માગણીના આધારે જ પરિવર્તન લાવવા માટે મતદાન કરે છે.

અનેક દેશોના પ્રયોગો

ગુજરાતમાં ફરજિયાત મતદાન તો માત્ર સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી પૂરતું છે. (પ્રયોગ સફળ થાય તો વિધાનસભા-લોકસભા માટે થઈ શકે.) પણ આ પ્રયોગો વિવિધ દેશોમાં મુખ્ય સત્તા માટે થયા તો છે જ.

કુલ ૨૨ દેશોમાં ફરજિયાત મતદાન છે, તેમાંથી ૧૦ દેશોમાં અમલ થયો છે. ઓસ્ટ્રિયા, ફિજી, ઇટલી, ચિલી, સ્પેન, વેનેઝુએલા, નેધરલેન્ડમાં આ પ્રયોગો સફળ ન થયા. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સાયપ્રસ, ઇક્વાડોર, લક્ઝમ્બર્ગ, મલેશિયા, નોર્થ કોરિયા, પેરુ, સિંગાપોર, ઉરુગ્વે, સ્વિત્ઝર્લેન્ડ, થાઈ દેશ, તુર્કી, બેલ્જિયમ, બોલિવિયા, કોસ્ટારિકા, ઇજિપ્ત, કોંગો, ગ્રીસ, લિબિયા, મેક્સિકો, પનામા વગેરેમાં આ પ્રયોગની આધાર ભૂમિકાનો અભ્યાસ કરવા જેવો છે.

ગુજરાતમાં આ પ્રસ્તાવ ૨૦૧૧માં આવ્યો. ૨૦૧૪માં વર્તમાન રાજ્યપાલે તેને સંમતિ આપી એટલે હવે તેનું અમલીકરણ થશે. વહીવટી તંત્ર તેમાં કેટલું સફળ થાય છે તે મોટો પડકાર બની રહેશે. કોંગ્રેસે આ વિધેયકનો વિરોધ કર્યો છે, પણ ખરેખર તો ૧૦૦ ટકા મતદાનમાં તે પણ મતદારને ગળે પોતાની દલીલ ઉતારી શકે તો સફળ થઈ શકે. પરંતુ અત્યારે તો એક કોંગ્રેસી યુવા નેતાની વાત મનીએ તો ‘વો દિન કહાં, જબ...’ ટીવી પરની ચર્ચામાં મેં સૂચવ્યું કે લોકશાહીમાં ‘ફરજિયાત’ શબ્દ અનુકૂળ નથી, આને ‘સંપૂર્ણ મતદાન’ કેમ ન કહી શકાય? સમરસ ગ્રામ પંચાયતનો એક સરસ પ્રયોગ ગુજરાતમાં થયો જ છે ને?

વસંત વગડે દરોડા અને સીબીઆઈ

બીજી ઘટના શંકરસિંહ વાઘેલાના ગાંધીનગરથી વાસણ જતા રસ્તા પર ‘વસંત વગડો’ નિવાસે પડેલા દરોડાની છે. ‘બાપુ’ ત્યારે હાજર હતા, ૬-૭ કલાક ઘરને ઘમરોળવામાં આવ્યું, પણ કંઈ મળ્યું નહીં. કેન્દ્રમાં યુપીએ સરકારમાં શંકરસિંહ ટેક્સટાઇલ પ્રધાન હતા ત્યારે આ તપાસનો નિર્ણય લેવાયેલો હતો તેમાં કોંગ્રેસના આંતરિક કાવાદાવાની શંકા જાય છે.

અત્યારે પણ બાપુ પરના દરોડાથી ભાજપ કરતાં કોંગ્રેસમાં અધિક મિશ્ર પ્રતિક્રિયાઓ છે. બાપુએ સીધો સવાલ કર્યો કે આટલાં વર્ષે આ તપાસ કેમ શરૂ થઇ? પણ આ સીબીઆઈ નામે પોપટલાલ ભારતીય રાજકારણની તપાસક્રિયાનું એક અદ્ભુત નંગ છે.

૧૯૭૭માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની સામે સીબીઆઈએ મજબૂત પુરાવા સાથેની ફરિયાદો દાખલ કરી હતી. મુકદમો પણ ચાલવાનો હતો ત્યાં તખતો બદલાયો, જનતા પક્ષને સ્થાને શ્રીમતી ગાંધી ફરી વાર સત્તા પર આવ્યાં એટલે પેલા બધા કેસ પાછા ખેંચાયા!

લોકશાહીમાં આપણે ‘સ્વતંત્ર’ ન્યાયિક અને તપાસનીશ સંસ્થાઓ વિશે ગુણગાન તો ગાતા ફરીએ છીએ, પણ તેમાં જે બાકોરાં છે તેનું શું? સીબીઆઈને શંકરસિંહ સામેની તપાસનું આટલાં વર્ષે સૂઝયું તે ઘણા પ્રશ્નો પેદા કરે તો તે સ્વાભાવિક છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે એક અમરસિંહ ચૌધરી સામે તત્કાલીન લોકાયુક્તમાં તપાસ થઈ હતી. બાબુભાઈ જશભાઈને ઇમર્જન્સીના વિરોધમાં જેલવાસી બનાવાયા હતા. ભાવિ મુખ્ય પ્રધાનો - કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરે પણ - જેલવાસી બન્યા એ તો સીધેસીધું કટોકટીનું રાજકારણ હતું. અત્યારે તેવું નથી, એટલે આ ઘટનાનાં વમળ વર્તાયાં છે.

બીજી વાત એ પણ છે કે આવી તપાસ અને જો તપાસ પછી કોર્ટમાં ફરિયાદ થાય તો તે કાર્યવાહી ઘણી લાંબી ચાલે છે. ત્યાં સુધીમાં તો સીબીઆઈને બીજા ઘણા બધાના સાચા કે ખોટા કિસ્સાઓની તપાસ કરતા રહેવાનો મોકો મળતો રહેશે!


comments powered by Disqus