બીજું બધું ભૂલીને ઉત્સવના રંગે રંગાઈ જવાની ખાસિયત ગુજરાતીઓના લોહીમાં વણાયેલી છે. હમણાં ગણેશચતુર્થી અને ગણપતિ-ઉત્સવો રંગેચંગે ઊજવાયા. એ પહેલાં શ્રાવણમાં જન્માષ્ટમી, રક્ષાબંધનના તહેવારો હતા.
લો, આવી નવરાત્રિ!
હવે થોડાક દિવસમાં નવરાત્રિ આવશે. નવ (અને ક્યાંક શરદપૂનમ સુધી) દિવસ લગાતાર ઢોલકની થાપ પર, ગરબે ઘૂમવા નીકળતી નારી - એ સરજાતાં સાહિત્યનો યે પ્રિય વિષય છે. મધ્યકાલીન ફ્રેન્ચ પ્રવાસી રોલાં ડિમેંડે તો આશ્ચર્યચકિત થઈને કહ્યું હતું કે આ-ટ-લા દિવસો નૃત્યોના?
પછી તેણે જાણ્યું કે આ માત્ર રાસ-ગરબા-ગરબીનાં નૃત્ય નથી, તેમાં તો પ્રાચીનતમ હિન્દુ ફિલસૂફીમાં રહેલી ‘માતૃશક્તિ ઉપાસના’નો યે મહિમા છે.
એકલાં ગુજરાતમાં બહુચરાજી, અંબાજી અને પાવાગઢ તો ત્રણ શક્તિસ્થાનો છે. પાર્વતીના મૃતદેહને લઈને નીકળ્યા હતા દેવાધિદેવ શિવ. પાર્વતીનાં અંગો જ્યાં જ્યાં પથરાયાં ત્યાં શક્તિપીઠ સ્થાપિત થઈ. દેશમાં તેવાં ૫૧ શક્તિકેન્દ્રો છે. દરેક જગ્યાએ માતૃશક્તિનું આગવું સ્વરૂપ! પાકિસ્તાનમાં તે હિંગળાજ માતા છે, કૃષ્ણના વૃન્દાવનમાં શક્તિ સ્વરૂપા છે, બાંગ્લાદેશમાં બારી સાલમા છે, રામકૃષ્ણ દેવનું દક્ષિણેશ્વર છે, લદાખમાં શ્રીપર્વત પર છે. કન્યાકુમારીમાં છે તો પંજાબમાંયે છે. પુરી, ઉજ્જૈન, કર્ણાટક... સર્વત્ર પૂજ્યંતે શક્તિ રૂપેણ માતા!
ક્યાં ક્યાં વસી છે મા?
અને ગુજરાતમાં?
ઉત્તર ગુજરાતના ભક્ત કવિ વલ્લભ ભટ્ટનો ‘આનંદનો ગરબો’ આજેય લોકોના હોઠ પર છે. બહુચરાજી ગયો ત્યાં તેમનું નાનકડું નિવાસસ્થાન ઊભું છે. ‘વસિયા સુંવાળ ચોક મારી બહુચરા...’ કિન્નરોની યે દેવી મા છે! બહુચરાજી, પાવાગઢ, અંબાજી...
અને તેનાં જ વિવિધ સ્વરૂપો સર્વત્ર! અરણેજમાં બૂટભવાની છે. રૂપાલમાં વરદાયિની. (રૂપાલમાં તો ઘીથી પૂજનનો મહિમા છે.) ઝાલાવાડમાં સમુદ્રી માતા છે, કચ્છમાં આશાપુરા છે. ચોટીલા પર્વતે ચામુંડા બિરાજે છે. ઉપલેટા પાસે ઓસમ પર્વત પર અને હર્ષદ ગામે હરસિદ્ધિ માનાં દર્શન થશે. પુરાણ પ્રાચીન ઘૂમલી ગુજરાતની સૌથી જૂની રાજધાની. ત્યાં પણ માતૃ મંદિરની છાયા. ગોંડલમાં ભૂવનેશ્વરી છે. ભાવનગર જતાં ખોડિયારનાં દર્શન થાય. ગિરનાર શિખરે અંબા માતા છે. મહી કાંઠે મા શત્રૃઘ્નિ સ્થાપિત છે, અને અમદાવાદમાં ‘કાલી’ પણ ‘ભદ્રકાળી’ બનીને ભક્તોની બેઠાં છે.
ગતિ સ્ત્વમ્ ગતિ સ્ત્વમ્ ત્વમેકા ભવાની! આની તવારિખ કોઈ આજકાલની નથી. સામાન્ય ઇતિહાસનાં છબછબિયાં - કોઈ એકાદ લેખકનાં વિધાનોના સહારે - કરવામાં આવે તેનાથી સાચુકલી તવારિખ પ્રાપ્ત ના થાય. છાપાંનાં બે-પાંચ કટિંગો અને પરંપરામાં ચાલી આવતી કેટલીક ચોપડીઓમાંથી અનુકૂળતા મુજબ ઉઠાવવામાં આવેલાં વિધાનોથી લેખો તો બની શકે, પણ ઊંડાણ વિનાનાં છબછબિયાંથી વધુ તેમાં કશું પ્રાપ્ત થતું નથી.
નવરાત્રિનો રાષ્ટ્રાત્મા સાથેનો સંબંધ હજુ અસરકારક રીતે શોધાયો કે પરખવામાં આવ્યો નથી એટલે નવરાત્રિ ઉત્સવો કે ‘ગુજરાત-ઉત્સવો’ જે વિદેશોમાં થાય છે તે રાસ-ગરબાના ખેલૈયાઓથી આગળ જતા નથી.
એક અનોખો પ્રયોગ
આ વર્ષે રાજ્ય સરકારના અમદાવાદ-ઉત્સવમાં એ ઘટનાને સ્થાન મળ્યું જેના વિશે સંશોધકોને અધિક ખેડાણ કરવાનો મોકો મળશે. વડોદરાનિવાસી અરવિંદ ઘોષે છેક ૧૯૦૫માં, બંગ-ભંગ વિરોધી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. તેનો ભાઈ બારીન્દ્ર ઘોષ પણ કરનાલીમાં ગંગનાથ વિદ્યાલયમાં સક્રિય હતો. ત્યાં જ વસેલા ઉપેન્દ્ર ચટ્ટોપાધ્યાયે આંદામાનથી કાળ કોટડીમાં વિતાવેલા દિવસોની અદભૂત આત્મકથા લખી છે.
અરવિંદ ઘોષે વડોદરામાં એક ભવ્ય કાર્ય કર્યું તે ‘ભવાની મંદિર’ના નિર્માણનું! પોતાના આ લેખમાં તેમણે શક્તિ સ્વરૂપે દેશમાતાનું નિરુપણ કર્યું જેને લીધે અનેક યુવક-યુવતીઓ ‘ભવાની મંદિર’ સમક્ષ લોહી છાંટીને શપથ લેતા અને ફાંસીના માંચડે ચડી જતા!
આ ‘ભવાની મંદિર’ની સંગાથે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’માં આલેખાયેલું વંદે માતરમ્... ગીત ભળ્યું એટલે ‘ભારત માતા’નું દિવ્ય - ભવ્ય સ્વરૂપ નિર્મિત પામ્યું. આજે ‘ભારત માતાની જય’નો જે સૂત્રોચ્ચાર થાય છે તેનાં મૂળિયાં વીસમી સદીના પ્રારંભિક રાષ્ટ્રવાદમાં છે. કમનસીબી એ છે કે ભારતમાં રાષ્ટ્રગીત - જનગણમન - અને રાષ્ટ્રીય વિકલ્પ ગીત - વંદે માતરમ્ - ક્યાંય પૂરેપૂરાં તો ગવાતાં જ નથી. દુનિયાનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જ્યાં અધૂરાં રાષ્ટ્રગીતથી સંતોષનો ઓડકાર ખવાતો હોય!
નવરાત્રિ નિમિત્તે આ ભૂલાઈ જવાયેલી વાતોનો સંદર્ભ ભારતમાં, ગુજરાતમાં અને બ્રિટિશ ગુજરાતીઓમાં યે મહત્ત્વનો બની રહેશે.