બ્રિટિશ ગુજરાતીઓમાંથી ઘણા બધા ગુજરાતમાં ભણ્યા છે. એક તો - લોર્ડ ભીખુ પારેખ - અહીં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે એટલે ગુજરાતમાં ભૂતકાળનું શિક્ષણ તેમને અચૂક યાદ હશે. અને કેમ ન હોય? બી. આર. શિનોય, આઈ. જી. પટેલ, એસ. ડી. દેસાઈ, એસ. આર. ભટ્ટ, પ્રા. માવળંકર, ઉમાશંકર જોશી, ફિરોઝ કા. દાવર, રામનારાયણ પાઠક, ડોલરરાય માંકડ, રસિકભાઈ પરીખ, કે. કા. શાસ્ત્રી... અને આવા વિદ્યાપુરુષોથી ગુજરાતની યુનિવર્સિટીઓનાં ‘ભવનો’ અને કોલેજોનો વૈભવ હતો!
આજે પરિસ્થિતિ બદલાયેલી છે અને તેનાં ઘણાં કારણો છે. પણ તેને સુધારી શકાય કે કેમ એ ચિંતા અને ચર્ચા ગુજરાતની હવામાં દેખાઈ રહ્યાં છે. ઉદાહરણ તરીકે ‘ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ’નું વિધેયક. આમ તો તેના વિશે ઘણું લખાયું-બોલાયું છે અને એક વર્ગને માંડ મોકો મળ્યો હોય તેમ, ‘શિક્ષણનો સત્યાનાશ કરવા માટેનો પ્રયાસ’ છે એમ કાગારોળ મચાવી છે.
શું છે શિક્ષણ પરિષદ?
ખરેખર હકીકત શું છે? તેને માટે મને હમણાં પ્રા. મણિલાલ પ્રજાપતિની એક સંપાદકીય નોંધ વાંચવા મળી. મણિભાઈ સન્નિષ્ઠ શિક્ષણવિદ્ છે. અનેક કોલેજોમાં પ્રાચાર્ય રહી ચૂક્યા છે. શિક્ષણનો જ જીવ છે. હમણાં ગાંધીનગરના વિશાળ વિદ્યાસંકુલ ‘કડી સર્વ વિશ્વ વિદ્યાલય’ને સંભાળે છે. તેનાં મુખપત્ર ‘સર્વ વિશ્વ વિદ્યાલય વૃત્ત’ના માર્ચ-એપ્રિલ અંકમાં સંપાદકીયનો વિષય છે - ‘ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદઃ એક અવલોકન’. માંડ સાડા ત્રણ પાનાના આ લેખમાં મણિભાઈ પ્રજાપતિએ જે અવલોકન કર્યું છે તે રાજ્યના શિક્ષણપ્રેમીઓ, શિક્ષણ મંત્રી અને મુખ્ય પ્રધાન તેમજ આ ખરડો તૈયાર કરનારી પરામર્શક સમિતિના કુલપતિએ અવશ્ય વાંચવો જોઈએ. તેમાં જે અવલોકન છે તે સુક્ષ્મ છે, શિક્ષણ સાથે જ નિસબત ધરાવે છે અને જે આલોચના છે તે પણ વાજબી અને સકારાત્મક છે.
વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) અને રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષણ અભિયાન-૨૦૧૩ (રુસા) એ આમ તો દરેક રાજ્યોને આવી તાકીદ કરેલી તેમાં કેટલાકે અમલ કર્યો, કેટલાક વિચારે છે. ગુજરાતે ૩૧ માર્ચ, ૨૦૧૬ના આ વિધેયક પસાર કર્યું, રાજ્યપાલના હસ્તાક્ષર પછી તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.
ચાર પ્રકરણોમાં આલેખિત આ પરિષદની સ્થાપના, ઉદ્દેશ, કાર્ય, કારોબારી અને માળખાંની વિગતો આમાં નિર્દેશિત છે. સામાન્ય રીતે આપણે ત્યાં ઉદ્દેશો તો આદર્શના સિંહાસને જ વિરાજિત હોય છે. (યાદ કરો ડો. આંબેડકરને, ‘સારામાં સારું બંધારણ પણ જો ખરાબ લોકોના હાથમાં હોય તો તે નકામું બની જાય છે...’) એટલે શિક્ષણ પરિષદે હેતુ તો આવકારદાયક જ રાખ્યો છે.
સવાલને ઘેરતી સમસ્યા
પણ તેનાં અમલીકરણમાં શું નડી શકે? એક તો વિદ્યાનું રાજકારણ (યુનિવર્સિટીઓનો છેલ્લાં ૩૦-૩૫ વર્ષનો ઇતિહાસ ઊથલાવો, બાકોરાં અને ગાબડાં જ જોવા મળશે.), બીજું, શિક્ષણને ‘નફાનો ધંધો’માં બદલવાનો વ્યાપારી પ્રયાસ, ત્રીજું, અભ્યાસ-અધ્યયનમાં તદ્દન નબળા અધ્યાપકો. ચોથું, સેનેટ - સિન્ડિકેટમાં ફસાયેલું વિદ્યાર્થી સંગઠનોનું રાજકારણ. આમાં ઉમેરવું હોય તો કુલપતિઓની ક્ષમતા અને સજ્જતા પરનો સવાલ છે. અપવાદ બાદ કરતાં આ કુલપતિ મહોદયો ‘વિદ્યાથી ઇતર’ ફેક્ટરીના નિયુક્ત વહીવટદાર હોય તેવી સ્થિતિ છે. એવું નથી કે અધ્યાપકો સા-વ ગુણવત્તાશૂન્ય છે, પણ તેવો વર્ગ ઝડપથી કરુણ લઘુમતીમાં ફેરવાતો જાય છે અને તેનું સ્થાન તિકડમબાજોએ લીધું છે. અધ્યાપક મંડળોની ભૂતકાલીન પ્રવૃત્તિ તેમાં ઓછી જવાબદાર નથી. તેમને અધિક વેતન જોઈએ છે, ઓવરટાઇમના પૈસા જોઈએ છે, ઇતર વ્યવસાયો કરવા છે, વર્ગોમાં તિક્કડમબાજી કરવી છે, તેવા મંડળોના નેતાઓને નેતાગીરી જાળવવી છે અને કોઈ પક્ષમાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે!
મણિભાઈના તંત્રીલેખમાં આ પરિષદ વિષે કેટલાંક સૂચનો કર્યાં છે. ‘અસરકારક દેખરેખ - નિયંત્રણ’ની વ્યવસ્થા તેમને વાંધાજનક લાગી છે. ગ્રંથાલયની સુવિધાની વાત જ ભૂલી જવાયાની તેમની ફરિયાદ ગંભીર છે અને તેમાં સંમત થવા જેવું છે. જો કોલેજો - ભવનોમાં પુસ્તકોની અસરકારક આધારશિલા ના હોય તો પછી ભણતર ક્યાં રહેશે?
એ તો દેખીતું છે કે રાજ્ય સરકાર આ પરિષદ નિયુક્ત કરે તેની પાછળ હેતુ ઉચ્ચ શિક્ષણ સુધારવાનો છે. કેટલાકને ધારા-૧૫નો ભારે વાંધો છે જેમાં સરકારી નિયંત્રણની આશંકા રહે છે.
ગુણાત્મક પરિણામ ક્યાં?
સવાલ બીજો જ છે. રાજ્ય સરકાર શિક્ષણ પાછળ નાણા ખર્ચે ત્યારે તેની મનેચ્છા શિક્ષણની ગુણવત્તા હોય તે સમજાય તેવું છે. મૂળ સમસ્યા અમલીકરણની છે. આ પરિષદમાં સરકાર, મુખ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન, પાંચ કુલપતિ, ખાનગી યુનિવર્સિટીનો એક વડો, રાષ્ટ્રીયસ્તરની ગુજરાતકેન્દ્રી સંસ્થાના બે વિદ્વાનો, વિવિધ ક્ષેત્રોની પાંચ નામાંકિત વ્યક્તિઓ, યુનિવર્સિટી-કોલેજોના ત્રણ શિક્ષણકારો અને પરિષદના સભ્ય સચિવ તેની જોગવાઈ છે. તેની નિમણૂક કોણ કરે? કેટલાકના અભિપ્રાય પ્રમાણે બિન-સરકારી શિક્ષણસંસ્થાઓને આ કામ સોંપવું જોઈએ. પણ એવી કોઈ બિન-સરકારી શિક્ષણ સંસ્થાઓ પોતાના સ્થાપિત હિત વિના ચાલે છે ખરી? તેઓ પોતાને અનુકૂળ લોકોને જ પસંદ કરે તો શું થાય? એવાં સ્થાપિત હિતો સરકારી ખર્ચે આ પરિષદ ચલાવે એવું જ બને ને? યુનિવર્સિટીના કુલપતિઓ માટેની ‘સર્ચ સમિતિ’ જે કુલડીમાં ગોળ ભાંગે તેવું બને છે એટલે અત્યારે આ શિક્ષણ પરિષદના પાયામાં માત્ર અને માત્ર ગુણાત્મક શિક્ષણનો ઉદ્દેશ અને તેનું અમલીકરણ રાખવાં જોઈશે.
સવાલ એકલા ગુજરાતનાં શિક્ષણનો ક્યાં છે? દેશભરનો છે. પટણાની યુનિવર્સિટીની ખુલ્લેઆમ ખતરનાક સ્થિતિ મેં જોઈ છે. જેએનયુમાં શું ચાલે છે તેનાથી કોઈ અ-જાણ્યું નથી. આ ડાબેરી ગણાતા (ખરેખર તો તેઓ ડાબેરી - જમણેરી - કેન્દ્રસ્થ એવા કોઈ વલણ સાથે નિસબત ધરાવતા હોય છે કે કેમ તે શંકા છે. અરુણ શૌરીનું એક પુસ્તક આ અધ્યાપક ઇતિહાસકારો વિષે પ્રકાશિત થયું હતું તે વાંચી જવું જોઈએ.) અધ્યાપકોની મંડળીએ યુનિવર્સિટીઓને અરાજકતાની છાવણીમાં બદલી નાખવાની હિકમત કાયમ માટે કરી છે. તેમનું અધ્યાપન, તેમનાં પુસ્તકો, તેમનું ‘સંશોધન’ - બધાંનો છૂપો હેતુ છે કે યુનિવર્સિટીઓમાં છોકરાઓ ભણે કે ન ભણે, તેમને ‘કનૈયા’ બનાવી નાખો! હમણાં જેએનયુની એક મહિલા અધ્યાપક શ્રીમતી દત્તે વિદ્યાર્થીઓને જાહેરમાં શિખામણ આપી કે તમારે હિન્દી શીખવી ન જોઈએ. એ રાષ્ટ્રભાષા ભલે હોય, પણ અટપટી છે.
ઢગલાબંધ અભ્યાસ પંચો
‘શિક્ષણના સુધાર’ના નામે આપણે ત્યાં ૨૦૦થી વધુ અભ્યાસ પંચ, સમિતિઓ રચાઈ, ભલામણોનાં થોથાં લખાયાં અને અભેરાઈ પર ચઢાવી દેવાયાં. આવાં થોડાંક નામો અને કામો (?) જાણવાં છે?
રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણનના અધ્યક્ષ પદે ૧૯૪૮-૪૯માં ‘યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન’ સ્થપાયું હતું તેના દળદાર ત્રણ ગ્રંથો કોઈક લાયબ્રેરીમાં મળી આવશે. પછી ૧૯૫૨-૫૩માં મુદલિયાર પંચ આવ્યું. તેને લાગ્યું કે માધ્યમિક શિક્ષણ સુધારવું જોઈએ. ૧૯૫૩માં યુજીસીની સ્થાપના થઈ. એ ‘ગ્રાન્ટ’ તો આપે છે પણ તે શેમાં વપરાઈ જાય છે તેનો કોઈ હિસાબ નથી! ૧૯૬૧માં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ - ટ્રેઇનિંગ (NCERT), ૧૯૬૪-૬૬નું ડો. કોઠારી કમિશન, ૧૯૬૮માં નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન, ૧૯૮૬માં ‘ન્યૂ એજ્યુકેશન’ માટેની પોલિસીનું કમિશન, ૧૯૯૨માં વળી તેની સુધારેલી પોલિસીનું પંચ, ૧૯૯૪માં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ NAAC, પછી સર્વ શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અને... હવે નવી શિક્ષણ નીતિ - ૨૦૧૫-૧૬.
માનવ સંશાધન મંત્રાલયે તેને માટે સોનેરી પંખી જેવા ઉદ્દેશની પૂર્વ નોંધ લખી છેઃ ‘ભારતની પ્રજાની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, નવવિચાર અને સંશોધન સંદર્ભેની પરિવર્તિત થતી જતી ગતિશીલતા - ક્રિયાશીલતાને પહોંચી વળવા તેમજ ભારતને જ્ઞાનસમૃદ્ધ મહાશક્તિ બનાવવાના ઉદ્દેશની પરિપૂર્તિ માટે વિદ્યાર્થીઓને જરૂરી કળા-કૌશલ્યો અને જ્ઞાનથી સુસજ્જ કરીને વિજ્ઞાન - ટેક્નોલોજી - શિક્ષણ - ઉદ્યોગક્ષેત્રે માનવબળની અછતમાંથી છૂટકારો મેળવવો...’
તમે શું ઇચ્છો છો?
અહોહો!! કેવા ઉત્તમ સપનાંઓ! જો આ થાય તો ભારત સ્વર્ગ બની જાય. કોઈ કેબિનેટ સચિવ ટી. એસ. આર. સુબ્રમણ્યમના ચેરમેનપદે આ સમિતિ રચાયેલી છે. (ગુજરાતના પૂર્વ શિક્ષણ સચિવ સુધીર માંકડ પણ તેમાં છે) તેઓએ દેશ આખામાંથી સૂચનો મંગાવ્યા છે. પ્રા. મફતભાઈ પટેલે તો તેને માટે ગુજરાતમાં પરિસંવાદેય કર્યો અને મુસદ્દો બનાવ્યો છે.
સૂચનો, સલાહો, પરિસંવાદો, વિધેયકોની વચ્ચે ‘વિદ્યા’ નામે આપણી સરસ્વતી ઘેરાયેલી છે. ‘વિદ્યા તે છે જે મુક્ત કરે...’ પણ આપણે તો શિક્ષણને ય પીંજરું બનાવવામાં આગળ રહ્યાં. હવે? બ્રિટિશ ગુજરાતીઓ આના વિશે કંઈ કહેવા ઇચ્છશે?