શિવ મંદિરોની વિશેષ પરંપરા સાચવી રહ્યું છે ગુજરાત

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 01st March 2017 10:33 EST
 

મુંબઈમાં કોર્પોરેશન ચુંટણી કે ગુજરાત વિધાન સભામાં મારામારી જેવા વિસ્ફોટક અહેવાલોની વચ્ચે એક સાંસ્કૃતિક ઉત્સવ જે ભવ્ય આસ્થાથી ઉજવાઈ ગયો તેના સમાચારો તો મીડિયામાં ઘણી સારી રીતે આવ્યા પણ તેની વિશેષતાની નોંધ લેવાઈ નહી. આ વર્ષની મહા શિવરાત્રી કૈંક અલગ રીતે ઉજવાઈ. ભગવાન સોમનાથના પ્રાંગણમાં અઢી લાખ લોકો ઉમટ્યા. જીવંત પ્રસારણ થયું. દૂરદર્શને પણ બિન સાંપ્રદાયિકતાનો છોછ દૂર કરીને પ્રસારણ કર્યું. ટીવી ચેનલ એબીપી અસ્મિતાએ એક કલાક તેના ભૂલી જવાયેલા ઈતિહાસની ઝાંખી કરાવી.

સોમનાથ ટ્રસ્ટ એકદમ સક્રિય છે. વડા પ્રધાનનું માર્ગદર્શન મળે છે અને પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ તેમજ પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ લહેરી સમગ્ર પરિસરને અધિક દિવ્ય ભવ્ય બનાવતા આયોજન પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. લાઈટ એન્ડ સાઉન્ડ શોને નવેસરથી તૈયાર કરાયો તેમાં અમિતાભ બચ્ચનનો અવાજ લેવાયો છે. થોડા સમયમાં તેની પ્રસ્તુતિ થશે.

ગુજરાતમાં શિવ મંદિરોની એક વિશેષ પરંપરા છે. ક્યાંક તે અકિંચન અને સહજ આરાધ્ય છે. દરેક ગામ કે નગરમાં એક શિવ મંદિર તો હોય જ. અશોકના શિલાલેખની ઘણી ચર્ચા થાય છે. તેમાં અશોકે ભગવાન બુદ્ધની આગ્નાઓના ઉપદેશ સિવાય ખાસ કશું કહ્યું નથી, પણ તેની પાછળ શિવભક્ત રાજવી રુદ્રદામનનો શિલાલેખ છે તે જૂનાગઢ પર આવેલી નદીની પ્રચંડ વિનાશક આફતમાંથી કઈ રીતે બચાવ કરીને રાતોરાત સુદર્શન તળાવ બંધાયું તેની ચર્ચા છે!

સોમનાથ એ આચાર્ય ભાવ બૃહસ્પતિ સાથે જોડાયેલું આરાધ્ય સ્થાન છે. હેમચંદ્રાચાર્ય અને ભાવ બૃહસ્પતિ એક જૈન અને બીજા શિવ મહાપુરુષોએ મળીને કુમારપાળ સાથે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શિવ પ્રત્યેની આસ્થાનો એક વિશેષ પ્રસંગ એ પણ છે કે મુસ્લિમ આક્રમણ સામે સોમનાથની રક્ષા કરવા માટે સંઘર્ષ કરનારાઓમાં થોડાક મુસ્લિમો પણ હતા! સોમનાથ એ ઉત્તમ નૃત્યકલા અને સાધનાનું શિક્ષણ કેન્દ્ર હતું અને ચૌલાદેવી જયારે ભગવાન શિવ સમક્ષ નૃત્ય કરતી તો તે સાધનાનું શ્રેષ્ઠ સ્વરૂપ બની જતું. ચૌલાદેવીએ જ ત્યાંના પુજારીને વિશ્વાસમાં લઈને આક્રમક મોહમ્મદ ગઝનવીની સેનાને પાછા ફરતા અલગ રસ્તા પર ચડાવીને વેરવિખેર કરવાની યોજના કરી તેમાં સફળ થઇ. ગઝનવી પોતાના દેશમાં પાછો ફર્યો ત્યારે તદ્દન ભાંગી પડેલો રોગીષ્ટ અને નિર્બળ બાદશાહ બની ચૂક્યો હતો.

કમનસીબે કેટલાક ‘ડાબેરી પ્રગતિશીલ’ ઈતિહાસકારોએ મહમ્મદ ગઝ્નવીના અતિશયોક્તિ સાથેના વખાણ કરતા પુસ્તકો લખ્યા છે. અમદાવાદ આવીને તેવા એક ‘ઇતિહાસકાર’ રોમીલા થાપર તો તદ્દન પક્ષપાતી વ્યાખ્યાન કરી ગયા હતા. મોટે ભાગે તેઓ તત્કાલીન ઉર્દુ અરબી લેખકો, જે આવા જેહાદી આક્રમણના તરફદાર અને બાદશાહના વફાદાર હતા, તેમના લખેલા પુસ્તકોને વધુ મહત્ત્વ આપીને આવી વિકૃતિ પેદા કરે છે.

પરંતુ ભારતીય આસ્થા એકલા તર્ક નહીં, શ્રદ્ધાને સાથે લઈને વૈજ્ઞાનિક રીતે પોતાના ધર્મ આચરણને મહત્ત્વ આપે છે. તેમાં ઈતિહાસ, સાહિત્ય, ફિલસુફી, જીવનશૈલી, લોકસાહિત્ય અને લોકજીવન... એમ બધાનું પ્રયોજન પામીને પોતાની પરમ્પરા બનાવે છે. ભગવાન શિવ તેવા આરાધ્ય ઈશ્વર છે. તેના અનેકવિધ સ્વરૂપો છે તે પશ્ચિમના વિદ્વાનો સમજ્યા નહીં અને કપોળ કલ્પિત આરોપણ કરી દીધું. શિવમંદિરમાં સ્થિત શિવ લિંગને યૌન પ્રતિક માની લીધું શિવસ્વરૂપ વિશે પણ તદ્દન અર્થહીન ભાષ્ય તૈયાર થયા. ખરેખર તો શિવના સાત રહસ્યો છે તે બધા ફિલસુફી, ઈતિહાસ, ચિંતન, વિજ્ઞાન અને આસ્થા સાથે સંકળાયેલા છે.

આદિ શંકરથી માંડીને ઘણા ભારતીય ચિંતન પુરુષોએ તેનું અધ્યયન કરીને જે સાર સર્વસ્વ પ્રસ્તુત કર્યું તેના તરફ આપણું ધ્યાન ઓછું જાય છે. હમણાં તદ્દન અર્વાચીન વિશ્લેષણ સાથે એવું કાર્ય દેવદત્ત પટનાયકે શરૂ કર્યું છે અને તેમના પુસ્તકો, વ્યાખ્યાનો, ટીવી પરના કાર્યક્રમોમાં તે ઉપલબ્ધ છે. પૌરાણિક વિષયો પર તેમનું અર્વાચીન સંશોધન ખરેખર વખાણવા લાયક છે. પંદરથી અધિક પુસ્તકોમાં તેમણે મહાભારત, રામાયણના પાત્રો, ઘટનાઓ અને રહસ્યની પ્રસ્તુતિ કરી છે. આવું એક પુસ્તક સેવન સિક્રેટ ઓફ શિવા છે, હિન્દીમાં પણ તેનો અનુવાદ આવ્યો છે. અને ગુજરાતીમાં આ પુસ્તક ‘શિવનાં સાત રહસ્યો’ નામે પ્રકાશિત થયું છે.

હિંદુ પ્રજા પાસે દેવ-વૈવિધ્ય છે અને દેવી-વૈવિધ્ય પણ છે. તેમાં શિરમોર શિવ અને પાર્વતી તેમજ તેમના પુત્ર શ્રીગણેશ અને કાર્તિક સહિત ગણસમુદાય છે. તે દેવ નથી, મહા-દેવ છે. શિવ, વિષ્ણુ અને બ્રહ્મા ત્રિમૂર્તિને સમજ્યા વિના હિંદુ ધર્મને પામી શકાય નહીં. શિવના કેટલા સ્વરૂપો છે?

એક તરફ કૈલાશના શિખરે બેસીને તપસ્યા કરનાર બ્રહ્મચારી યોગી છે, તો બીજી તરફ ગૌરી પાર્વતી અને પુત્રો સાથે વિચરણ કરતા ગૃહસ્થ દેવતા છે. તે ‘ભોળા મહાદેવ’ છે અને ત્રીજી આંખ ખોલીને ભસ્મીભૂત કરતા પુણ્ય પ્રકોપી છે. તેમના એક નૃત્યનું સ્વરૂપ તાંડવનું છે. જીવ અને શિવ વચ્ચેનું મિલન તેમની કથા છે. તે ચંદ્રને ધારણ કરે છે અને ભગીરથના તપથી રાજી થઈને ગંગાવતરણ કરે છે. મનુષ્ય કલ્યાણ માટે કંઠે વિષ ધારણ કરનાર આ એક માત્ર દેવતા છે. તેમની સાથે જોડાયેલો ‘ઓમકાર’ એ સૃષ્ટિના પ્રારંભનો અનાહત નાદ છે - જેમાંથી સુર, સ્વર અને ભાષાનું નિર્માણ થયું.

આ તમામ વિગતોનું દેવદત્ત પટનાયકે સાત પ્રકરણમાં વર્ણન કર્યું છે અને લિંગનું રહસ્ય, ભૈરવ, શંકર, ભોલેનાથ, ગણેશ, મુરુગન, નટરાજ... એમ સાત સ્વરૂપોનું આલેખન કર્યું છે. કોઈ પણ સાચા અર્થમાં જિજ્ઞાસુએ આ પુસ્તક વાંચવા જેવું છે,

ગુજરાત શિવ આરાધનાનું હિમાલય જેવું જ મહત્વનું સ્થાન છે એ ઐતિહાસિક તથ્ય વિષે અધિક લખાયું નથી. કચ્છનું સમુદ્રકિનારે આવેલું કોટેશ્વર રાવણની તપસ્યા જેટલું જૂનું છે. સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી પહોંચ્યા હતા. સોમનાથ જેટલું જ મહત્ત્વનું એક ઘેલા સોમનાથ મંદિર છે. ખેંગાર પુત્રી મીનલ અને મુસ્લિમ બાદશાહની બેટીએ એક વણિક ઘેલા શાહની સાથે સોમનાથથી આક્રમકો શિવલિંગ તોડે નહીં તે માટે અહીં સુધી લાવ્યા તેની સાક્ષી કબર અને દેહરી બન્ને છે.

ગીરનાર તો પોતે જ નાથ સમ્પ્રદાયનો ગઢ છે. રાજ કારોબારમાં સામેલ નાગરોના ઇષ્ટદેવતા વડનગરમાં હાટકેશ્વર તરીકે વિરાજે છે. ઘુમલી, વાંકાનેર, વડોદરા, પાલનપુર, ભાવનગર, સિદ્ધપુર, પાટણ, કેરા, દ્વારિકા, જૂનાગઢ સહિત અનેક નગરોમાં શિવ માહાત્મ્યના સ્થાનકો છે. આદિ શંકરાચાર્યની શારદા પીઠ દ્વારિકામાં અને અદ્વૈત આશ્રમો પણ અનેક જગ્યાએ.

શિવરાત્રી આ રીતે ગુજરાતમાં લગભગ તમામ સ્થાનોએ ઉજવાઈ તેમાં લોકોની દૃઢ આસ્થા અને સાંસ્કૃતિક પરંપરા બન્નેનું દર્શન થયું. એનઆરજીને મારી સલાહ છે કે ગુજરાત આવો ત્યારે દ્વારિકાના સમુદ્રની વચ્ચે આવેલા ભડકેશ્વર મહાદેવના મંદિરે અચૂક જજો. સમુદ્ર અને ગૌરી શિખરે વિરાજિત શિવનું ત્યાં અદ્દભુત મિલન છે. આવું જ ભાવનગર પાસેના સમુદ્રમાં કોળીયાક શિવ મંદિર છે. નવી પેઢીને પ્રવાસનો રોમાન્સ પણ મળશે જે બીજે નાં મળ્યો હોય!


comments powered by Disqus