શી જિનપિંગની અમદાવાદ સફરઃ પ્રતિસાદનો અવસર

વિષ્ણુ પંડ્યા Friday 12th December 2014 10:34 EST
 
 

ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય તખ્તા પર દેખાતું થયું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ દિલ્હીને બદલે ગુજરાત આવ્યા અને રંગેચંગે થોડાક કલાકો હયાત હોટેલથી રિવર ફ્રન્ટે હિંડોળા પર ઝૂલીને ગાળ્યા ત્યારે જાણે કે નવી કૂટનીતિ (અ ન્યૂ ડિપ્લોમસી)ની શરૂઆત થઈ હોય તેમ ઘણાને લાગ્યું હતું!

કેટલાક કરારો પણ થયા તેમાંનો એક અમદાવાદને ગોંગઝોહુની સાથે જોડવાનો છે. ભાગ્યશ્રી સોનેજી ગુજરાતનાં એક મહિલા ઉદ્યોગસેવી છે. ટીવી નાઈન પરની અમારી ચર્ચામાં તેમણે કહ્યું કે અમદાવાદને મોસ્કોથી સ્ટ્રટ ગાર્ટ સુધીના આવા કરારો પહેલા પણ થયા છે. મેં કહ્યું કે યુરોપીય ટચુકડા દેશોએ હવે ‘ઇમ્પ્લિમેન્ટેશન!’ શબ્દની પહેલાં એક વધુ શબ્દ જોડી દીધો છે તે ‘રીઅલ ઇમ્પ્લિમેન્ટેશન!’ ગુજરાતનાં વહીવટી તંત્રે આ ‘વાસ્તવિક અમલીકરણ’ તરફ જવું જોઈએ. કાર્યક્રમ અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે ૧૯૯૬-૯૭માં મારો અનુભવ એ રહ્યો કે જિલ્લા-સ્તરે દરેક વિભાગોનું એકબીજાથી સુસંકલન ન રહે તો અમલીકરણ રહેતું નથી. સુરતમાં એવી એક મિટીંગમાં તત્કાલીન કલેક્ટર પોતે જ બોલતા રહ્યા એટલે મારે કહેવું પડ્યું હતું કે આ જે જુદા-જુદા વિભાગો આવ્યા છે તેના અધિકારીઓને બોલવા દો. તેમની મુશ્કેલીઓ સમજવી જોઈશે!
આવું બીજે પણ થાય છે તે નિર્વિવાદ છે. ઉત્તમ યોજના ભેખડે ચઢી જાય તેવું યે બને. અમદાવાદ માટે તેવું ના બને એટલા માટે આનંદીબહેને તુરંત ચીની અધિકારીઓની સાથે બેસીને એજન્ડા નક્કી કર્યો તે સારું જ થયું.

‘પિપલ્સ રિપબ્લિકન’ અને ડેમોક્રેટિક ઇન્ડિયા
શી જિનપિંગને એ યાદ હતું કે હ્યુ એન ત્સાંગ અને બીજા બૌદ્ધ યાત્રિકોએ ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો. પણ તેમને બીજી એ વાતનો રસ પડ્યો કે અમદાવાદથી પાકિસ્તાન બહુ દૂર નથી. કચ્છના સીમાડે પાકિસ્તાન છે અને એ જ કચ્છના નૃત્યકારોએ રિવર ફ્રન્ટ પર કચ્છી બોલીમાં નાચની રંગત જમાવી તે જોઈને જિનપિંગ અને સંગીતકાર પત્ની બન્ને ખુશ થઈ ગયાં હતાં. જોકે જિનપિંગની ‘બોડી લેંગ્વેજ’ ભારતને ચકાસવાની હતી. નરેન્દ્ર મોદી તેમને ગમે છે, પણ હજુ ખુલ્લાપણાની માનસિકતા નહોતી. ઓછું બોલતા હતા, ચહેરા પર વધારે પડતી ખુશી પણ ના આવી જાય તેની તકેદારી રાખી. ગાંધી આશ્રમે જઈને કંઈ ખાસ વરસ્યા નહીં. અગાઉના અલગ રાષ્ટ્રોના નેતાઓ તો ગાંધીજી વિશે પણ કંઈક લખતા. શી જિનપિંગે ખાલી પોતાની સહી કરી અને નીચે લખ્યુંઃ ‘પ્રેસિડેન્ટ - પિપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના.’
‘પિપલ્સ રિપબ્લિકન’ એ ચીનની દુનિયાને દેખાતી લાજવાબ સ્થિતિ છે એ પણ જિનપિંગ બરાબર સમજે છે. પોતે અગાઉના ચીની સત્તાધીશો અને માઓ-પત્ની સહિતની ‘ચંડાળ ચોકડી’ ગણાયેલી નેતાગીરીને દૂર અને નજીકથી અનુભવ લીધો છે. ચીનની લોકશાહી વિચાર-સ્વાતંત્ર્યને ટોપલીમાં પૂરી રાખવાની કસરત કરતું આવ્યું છે અને ટિનાનમેની ચોકમાં ૫૦૦૦ જેટલા યુવક-યુવતીઓ લોકશાહી માંગવા ગયા તેને કચડી નાખ્યા તે જિનપિંગની સ્મૃતિમાં ના હોય એમ તો ક્યાંથી બને?
એટલે ભારતની ‘ખુલ્લી લોકશાહી’ વિશે તેમની ઉત્સુકતા અલગ પ્રકારની રહી. આ દેશમાં તો સેક્યુલરિઝમ, સોશ્યાલિઝમ, રમખાણો, કમ્યુનલિઝમના નામે રોજેરોજ ફટાકડા ફૂટતા હોય છે. અગાઉ ગુજરાતના એક ખ્રિસ્તી માનવાધિકારવાદીએ એક રાષ્ટ્રના વડા મોદીને ના મળે તેવો પત્ર પણ લખ્યો હતો. સારું થયું કે આ વખતે એવું કંઈ ના બન્યું! નહીંતર ‘હિન્દુવાદી સ્વયંસેવક મોદીને ના મળશો’ એવી અપીલ (જેમાં સહી કરવા માટે ગુજરાતમાં દસ-બાર ‘કાયમી’ અપીલકર્તાઓ છે.)
થઈ હોત.

તિબેટી અવાજની વેદના
...પણ, શી જિનપિંગને એ વાતની જરૂર ખબર પડી કે તિબેટને ઓહિયાં કરવાનાં પાપનો પોકાર ભારતમાં હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં તિબેટની અ-સ્થાયી સરકાર ચાલે છે. દલાઈ લામા તેના ધર્મગુરુ માર્ગદર્શક છે. ત્રણ-ચાર પેઢીથી તિબેટીયનોએ ભારતને પોતાનું ઘર બનાવી દીધું છે, પણ આ યુવાનોને પોતાના દેશની સ્વતંત્રતાનો અજંપો છે જ. ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ૫૦૦ જેટલા તિબેટીયન યુવક-યુવતીઓ ભણે છે તેમના પર પોલીસે નજર રાખી અને એક દિવસ પૂરી રાખ્યા. 

અમદાવાદમાં એક યુવક નામે તેનજિંગ શુન્ડયુ સાબરમતી આશ્રમ સુધી પહોંચી ગયો. તેનો તો જન્મ પણ ભારતમાં થયો છે. મા-બાપ રોડ પર કામ કરતા મજદૂર અને તમિળનાડુમાં સ્થાયી થયેલા. આ છોકરો પાંચ વર્ષની વયે જ તિબેટ-મુક્તિ માટે મેદાનો પડ્યો. બીજું તો શું કરે, પણ જ્યાં જાહેર કાર્યક્રમો થાય ત્યાં વિરોધ પ્રદર્શિત કરવા કાળો ધ્વજ હાથમાં ફરકાવે. પોલીસ તેના નીતિનિયમો મુજબ પકડી લે, માર મારે, અટકાયતમાં રાખે. બે જોડી કપડાં સાથે દુનિયાભરમાં ઘૂમ્યો છે. અમદાવાદ આવ્યો, પોલીસને એમ કે આ નેપાળી છે એટલે નજર ચૂકાવી આગલા દિવસે જ ગાંધી આશ્રમમાં પહોંચી ગયો. છૂપાયો પણ પછી પકડાઈ ગયો. એક કાળા ધ્વજ સિવાય તેની પાસે કશું નહોતું.
ચીની રાષ્ટ્રપ્રમુખ સુધી આ બધી ખબર ના પહોંચવાનું કોઈ કારણ નથી. દિલ્હીમાં યે તિબેટીયનોએ ‘વન ચાઇના’નો વિરોધ કરતા દેખાવો યોજ્યા. ૧૯૬૨નું ભારત પરનું આક્રમણ અને તિબેટનો પ્રશ્ન - ચીનને માટે ભારતમાં ‘ક્રેડિબિલિટી ઓફ ડિપ્લોમસી’ના નવા દરવાજા તરફ લઈ જાય છે.
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શી જિનપિંગને ઢોકળાં ખવડાવવાની સાથે કહ્યું કે નાના-મોટા બનાવો દાંતના દુખાવા જેવા હોય છે. દાંતનો દુખાવો આખા શરીરને અને રોજિંદા કામને નડે છે. સરહદ પરના બનાવો તેવા જ છે, તે સમગ્ર મંત્રણાને અસર કરે છે.
જિનપિંગ આ ના સમજ્યા હોય એમ કહેવું ઠીક નથી, પણ ચીન જઈને ભારત સાથેના સંબંધોમાં અનિવાર્ય એવી સરહદ મંત્રણા વિશે કેટલાક તૈયાર છે અને તે દરમિયાન ચુમાંગમાં ઘૂસણખોરી જેવા બનાવો રોકવા માટે ‘પિપલ્સ આર્મી’ને કેટલી રોકે છે, તેના પર આગામી મૈત્રીના માહોલનો આધાર રહેશે.

હવે અમેરિકાનું આરોહણ
આગામી સપ્તાહે મોદી એક વધુ મહાસત્તાના વડાને મળશે તેનો થનગનાટ ભરત બારાઈ અને અમેરિકી ગુજરાતીઓને હોય તે સ્વાભાવિક છે. મોદી-સન્માનની તેઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. ‘અમેરિકામાં ગુજરાત’ એ ઐતિહાસિક પરંપરા છે. છેક ૧૯૧૪માં સાન ફ્રાન્સિસ્કોથી ભારત મુક્તિની જે સશસ્ત્ર લડાઈ ચાલી તેનો એક નેતા ગુજરાતી છગન ખેરાજ વર્મા હતો. ‘ગદર’ ગુજરાતી અખબારનો તંત્રી રહ્યો, કામાગાટામારૂ જહાજ માટે કાનૂની લડાઈ કરી, ઇમિગ્રન્ટ્સના જુલમી કાયદા સામે જીત મેળવી, ૧૯૨૦માં સિંગાપુરમાં સૈનિક વિદ્રોહમાં તેને બ્રિટિશરોએ તોપના ગોળે ઊડાવી દીધો હતો.
૧૯૩૦ પછી ગાંધી-ચળવળના પગલે છ-સાત યોદ્ધા બહાર આવ્યા તેમાં પણ ગુજરાતી પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી અગ્રેસર હતા. ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ પત્ર ચલાવ્યું અને ‘વોર વિધાઉટ વાયોલન્સ’ પુસ્તક તો ગાંધી સત્યાગ્રહને સમજવાનું બાઈબલ બની રહ્યું. મોદી-સન્માનના અવસરે આયોજકો આ ‘ગુજરાત ગૌરવ’નું યોગ્ય સ્મરણ કરે તો કેવું સારું! સવિશેષ છે.


comments powered by Disqus