જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.
ફ્લેમિંગો આવ્યાં...
જાન્યુઆરી, ૨૦૧૫ને હવે કંઈ બહુ વાર નથી. સાઇબીરિયા થઈને કચ્છમાં ‘ફ્લેમિંગો’ પંખીઓ પહોંચવા તૈયાર થઈ ગયાં છે તેવું જ વિવિધ દેશોમાં વસેલા એનઆરજી પણ ગુજરાત તરફ આવવાનું નક્કી કરી ચૂક્યા છે.
એનઆરજી એ એનઆરઆઇનો (નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ) એક ભાગ તો છે, પણ વિશ્વનિવાસી ગુજરાતીઓ માટે ‘એનઆરજી’ શબ્દ વિશેષ રીતે પ્રયોજાય છે. સૌરાષ્ટ્રના જામનગર જિલ્લો, કચ્છ આખું અને ઉત્તર ગુજરાત - મધ્ય ગુજરાતના સાહસિક ગુજરાતીઓ વર્ષો પૂર્વેથી દરિયાઈ સફર ખેડીને વિવિધ દેશોમાં પહોંચ્યા, ત્યાં વસી ગયા. કેન્યા - યુગાન્ડા જેવામાં મુસીબતો સહન કરીને વિસ્થાપિત પણ થવું પડ્યું, પરંતુ તેમાંના ઘણાખરા એક યા બીજા વિદેશે જ સ્થાયી થયા છે.
શબ્દોના સ્વદેશી સાથિયા?
એનઆરજીની પોતાની ખૂબી અને ખામી છે. જેને માટે જરીકે ય ‘ડાયસ્પોરા’ શબ્દ બંધબેસતો નથી (કેમ કે તેઓ વતનવિછોયા નથી, વતન-પ્રેમી જ રહ્યાં છે, તેમના મૂળિયાં ગામડાંની હોસ્પિટલો, શાળાઓ અને મંદિરોમાં જોવા મળે છે. અરે, કચ્છના તો ઘણાં બધાં ગામોના પ્રવેશમાર્ગે સુંદર મજાના દરવાજા બંધાયેલા છે તેમાં પણ તે ગામના મૂળ નિવાસી એનઆરજી અને તેમના પરિવારનું નામાંકન હોય છે!) એટલે આ ‘ડાયસ્પોરિક’ સાહિત્યનું લેબલ મારા ગળે ઉતરતું નથી. ઉદાહરણ જ આપવું હોય તો હું ‘ગુજરાત સમાચાર’ના દીપોત્સવી અંકનું આપું. (સી. બી. પટેલ જરાક નારાજ તો થશે કેમ કે તેમને પોતાના સાપ્તાહિકમાં આવી પ્રશંસા બહુ ગમતી નથી.) તમે પ્રીતિ પટેલ - એમપી, લોર્ડ ડોલર પોપટ (ગવર્ન્મેન્ટ વ્હીપ), વિયાન્કા શાહ, ડો. શીતલ શાહ, શમી દેવાણી, હર્ષદ મહેતા, ધારા નકુમ, કીર્તિ ખત્રીના લેખમાં નવા-જૂના કચ્છી માડૂઓ, દીપક મહેતાની દોઢસો વર્ષ પહેલાંના બે ગુજરાતીઓની દાસ્તાં, કમલ રાવનો ‘સેન્ટ મેરીઝ કેર હોમ’ અહેવાલ, એ. એમ. ધારીની વાર્તા, રેખા મિસ્ત્રીનો વૃદ્ધાવસ્થા વિશેનો લેખ, કોકિલા પટેલનાં ‘મણીબા’નો વૃત્તાંત, રામબાપાની હનુમાનભક્તિ, આમાં ક્યાંય ગુજરાત-ગુજરાતીથી તદ્દન વિખૂટા પડેલાંઓનાં કોઈ ચિહન દેખાય છે? નથી દેખાતાં.
લંડનના ચારેક વર્ષ પૂર્વેના યાદગાર પ્રવાસ સમયે મળેલા અને ‘સહજ સુંદર મિત્રો’ બની ગયેલા પંકજ વોરા-ભારતી પંકજ વોરાનાં કાવ્યો અહીં અમદાવાદની સાહિત્ય પરિષદ કે બીજે થતાં કવિ મેળાવડામાં પીરસાતી કવિતાથી અલગ ‘સુદૂર ગુજરાતી’ની લાગતી નથી!
‘જિંદગી રિક્તતાનો વાંસ હોઈ શકે,
કાવ્યમાં યે ક્યાંક સાવકા પ્રાસ હોઈ શકે,
પણ મારા યકીનમાં એ કશીશ છે,
બે કદમની વચ્ચે ના કૈ કચાશ હોઈ શકે!’
પંકજ વોરા લંડનમાં બેસીને આ અનુભૂતિને શબ્દસ્થ કરે છે. હસમુખા ભારતી પંકજે ‘થેંક્યુ અને સોરી’ બે પ્રચલિત શબ્દો ઉપાડીને છેલ્લી પંક્તિઓમાં ‘સોરી-થેંક્યુ’ બન્નેને આબાદ રીતે જોડી દીધાં છે. આ પંક્તિઓ કોઈને ય મમળાવાનું મન થશેઃ
જગત જીવવા જેવું,
આયખું ઉજવવા જેવું,
કાવ્ય કરવા જેવું,
મારી રિક્તતાને ભરી દેવા માટે,
જીવનને સંવારી દેવા માટે,
શબ્દથી, મૌનથી, સ્મિતથી,
અહોભાવના અભિજાત સંગીતથી,
શબ્દમાં ન છતી થાતી પ્રીતથી,
પ્રતિ ઉષાના સ્વાગતે મમતાથી કહ્યું, ‘થેંક્યુ’,
પ્રતિ સંધ્યાની અલવિદાએ સમતાથી કહ્યું, ‘સોરી’.
આ અદ્લ ગુજરાતીપણાની અભિવ્યક્તિ દૂર બ્રિટનમાં બેસીને, દરેક લેખકની છે. કેટલીક બીજી વાર્તાઓ પણ ત્યાં બેસીને લખાયેલી હશે. એટલે ‘ડાયસ્પોરા’ની જગ્યા ‘વિશ્વનિવાસી ગુજરાતી’ વધુ ઉપયુક્ત છે એમ લાગે છે.
વેલકમ, એનઆરજી
આ વર્ષે - જાન્યુઆરીમાં - પ્રવાસી ભારતીય દિવસ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઊજવાશે. એક કામ કોઈએ કરવા જેવું છે. વિદેશવાસી ગુજરાતીઓએ પોતાની ખૂબી-ખામીઓનું આત્મનિરીક્ષણ કરવા માટેનો એકાદ કાર્યક્રમ કરવો જોઈએ કે નહીં? એટલા માટે ગુજરાતમાં આવું કંઈક ગોઠવાય, કેમ કે વિદેશે રહેતા ગુજરાતીઓ વિશે અહીં સ્થાનિક ગુજરાતમાં અનેક પ્રકારના પ્રતિભાવો છે. વિદેશે જઈને તેમણે ઘણાં ક્ષેત્રોમાં નામ કાઢ્યું છે, નાણાં કમાયાં છે એ તેમની સિદ્ધિ છે, પણ તે ઉપરાંતનું કંઈક જરૂરી છે તે ખૂટતું હોય એવું લાગે છે?
ગુજરાતમાં આવીને વિદેશી ગુજરાતી પરિવારો ક્યારેક ગુરુતાગ્રંથિ (સુપિરિયોરિટી કોમ્પલેક્સ)માં પીડાતા હોય એવું લાગે છે? ‘અહીં તો બધું નકામું, ભ્રષ્ટ, પછાત, ગંદુ...’ આમ કહીને સાચી ખોટી અંગ્રેજીમાં જ ‘વર્તવા’નું (માત્ર બોલવાનું નહીં, વરતવાનું યે!) ઉચિત છે? વ્યક્તિગત અને સામુહિક રીતે આ ખામી જો દેખાતી હોય તો તે નિવારવાનો રસ્તો શોધી કાઢવો જોઈએ કે નહીં? ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, તહેવારો વિશે તેમની નવી પેઢીનું જ્ઞાન કે માહિતી તદ્દન સપાટી પરનાં તો નથીને?અમેરિકાના મેડીસન ચોકમાં નરેન્દ્ર મોદીની સભા થઈ ત્યારે અમેરિકન રાષ્ટ્રગીતનું આપણાં જેટલું જ સન્માન જાળવવું જોઈતું હતું એ અહીં ટીવી પર દેખાયું નહીં. ‘મોદી-મોદી’ કહેવાથી રાષ્ટ્રભક્તિ આવી જ જાય છે એવું ખુદ નરેન્દ્ર મોદી પણ નહીં માનતા હોય. મોદીએ જે કામો ચીંધ્યાં તે માટે સમગ્ર ગુજરાતીએ પછીથી એકત્રિત થઈને કશું નક્કી કર્યું?
આ થોડાંક આકરા લાગે તેવા સવાલો ગુજરાતમાં હમણાં પ્રવાસ કરવાનું બન્યું ત્યારે સાંભળવા મળ્યું છે.
ગાંધી-નેહરુનો પુનરાવતાર?
હમણાં મહાપુરુષોનું સામુહિક સ્મરણ પ્રજાકીય જાગૃતિનું અનુસંધાન બને તે રીતે થઈ રહ્યું છે. જાન્યુઆરી-૧૯૧૫માં ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા અને ૧૯૪૮ સુધી - જીવનના છેલ્લા શ્વાસ સુધી - દેશમાં રહ્યા. આ ૧૦૦ વર્ષ જાણે કે દેશનો યે ઇતિહાસ બની રહ્યાં! કેટકેટલા ઉતાર-ચડાવ, તડકી-છાંયડી, આનંદ-આઘાતના પડાવો! એનઆરજી સમક્ષ ગાંધીનગરમાં સાંસ્કૃતિક મહોત્સવ થાય તેમાં ‘ભારતમાં ગાંધીઃ શતાબ્દીના સાત કીર્તિસ્તંભ’ વિશે સંશોધન અને પટકથા લખવાનું બન્યું ત્યારે ગાંધીવિષયક ઘણા ગ્રંથો પણ ઉથલાવવાનું બન્યું. કેટલાક અતિરેકી છે, કેટલાક પ્રતિક્રિયાથી રંગાયેલા છે, કેટલાક મૂલ્યાંકનલક્ષી છે. બિરાદ રાજારામ યાજ્ઞિકનું ‘એમકેજીઃ ઇમેજિંગઃ પીસ, ટ્રુથ એન્ડ અહિંસા’, નારાયણ દેસાઈનું ‘મારું જીવન એ જ મારી કહાણી’ના ચાર ખંડ, મીરાબહેનનું ‘એક સાધિકાની જીવનકહાણી’, પ્યારેલાલના ત્રણ ગ્રંથો ‘પૂર્ણાહુતિ’, આચાર્ય કૃપલાણીનું ‘ગાંધીજીઃ જીવન અને વિચાર’, મહાદેવ દેસાઈનો ‘બારડોલીનો ઇતિહાસ’, ગાંધીજી લિખિત ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’, ‘ઇન્ડિયાઝ ફાઇટ ફોર ફ્રીડમ’, કાનજી દ્વારિકાદાસ, લૂઇ ફિશરનું ‘ધ લાઇફ ઓફ મહાત્મા’ અને કૃષ્ણલાલ શ્રીધરાણીનું ‘વોર વિધાઉટ વાયોલન્સ’ આટલાં પુસ્તકો પણ ગાંધીને સમજવા માટે પૂરતાં થઈ પડશે.
ગાંધીની જેમ નેહરુને ય યાદ કરાયા! અહો આશ્ચર્યમ્! કોંગ્રેસે તો એક નાનકડી બેઠકથી અચ્યુતમ્ કર્યું, પણ સરકારે બાળસ્વાસ્થ્યના કાર્યક્રમો આપ્યા. કોંગ્રેસનું અરણ્યરુદન એવું છે કે આ નરેન્દ્ર મોદી અમારી વિરાસતને પોતાની ગણાવીને મજબૂત બને છે! સરદાર પછી ગાંધી પછી નેહરુ!! એક આખાબોલા પ્રવક્તાએ કહ્યું કે ડરશો મા... શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને અમે નહીં લઈ જઈએ!
ખરેખર તો ૧૯૫૦ પછી કેટલાક જ મહાપુરુષોને યાદ કરવા અને બીજાને લગભગ હાંસિયામાં ધકેલી દેવા એવી ઇતિહાસવિરોધી માનસિકતાનો યુગ પૂરો થયો છે, એટલે કાટમાળ નીચે દબાયેલી કોંગ્રેસને આવું લાગે છે, તો કેટલાક માર્કસવાદી ઇતિહાસકારો પણ હલબલી ઊઠ્યા છે.
સ્મારક-પુરુષની જન્મશતાબ્દી
સ્વામી વિવેકાનંદ શિલા સ્મારક કન્યાકુમારીના સમુદ્ર વચ્ચે ઊભું છે તેની પાછળ સ્વપ્નદૃષ્ટા એકનાથ રાનડે હતા. આ વર્ષ તેમનું યે જન્મ-શતાબ્દિનું છે. એકનાથ રાનડે આર.એસ.એસ.ના સરકાર્યવાહ (મહામંત્રી) હતા. શ્રી ગુરુજીએ (તે સમયના સરસંઘચાલક) કહ્યું કે વિવેકાનંદ જન્મ-શતાબ્દિએ દેશમાં એક દિવ્ય-ભવ્ય સ્મારક બનવું જોઈએ. એકનાથ રાનડે સંઘના હોદ્દાની જવાબદારી છોડીને કામે લાગ્યા. નેહરુને મનાવવા લાલ બહાદુર શાસ્ત્રીની મદદ લીધી. તમામ સાંસદોનું આવેદનપત્ર તૈયાર કર્યું. ઘનશ્યામદાસ બિરલાથી માંડીને કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ સરકારો પાસેથી ફંડ લીધું. કન્યાકુમારીમાં ઇસાઇ ધર્મપ્રચારકોએ વિરોધ કર્યો તે થાળે પાડ્યો. કટોકટી આવી તો સામે ચાલીને ઇન્દિરાજી પાસે ગયા અને નિર્ભિકતાથી કહ્યું કે તમે સંઘ પર પ્રતિબંધ મૂક્યો છે, તમામને જેલમાં પૂર્યા છે. મને પણ જરૂર બંદી બનાવજો, પણ થોડાક મહિનામાં મારે સ્મારકનું કામ પૂરું કરવું છે એટલા દિવસ મુક્ત રાખશો? શ્રીમતી ગાંધીએ એવું કર્યું પણ ખરું!
સરદાર વલ્લભભાઈને ૧૯૪૮ના સંઘ-પ્રતિબંધ વખતે એકનાથ રાનડે મળ્યા હતા, બિરલા પણ હાજર હતા. એકનાથજીએ સીધો સવાલ કર્યોઃ ‘તમે ગાંધીજીની હત્યામાં આરએસએસનો હાથ હતો તેમ માનો છો?’ સરદારે જવાબ આપ્યોઃ એવું તો નથી, પણ સંઘે હિંસાનું વાતાવરણ સર્જ્યું તેનું આ પરિણામ હોઈ શકે!’ એકનાથજી કહેઃ ‘એમ તો ૧૯૪૨ની ચળવળ દરમિયાન ઘણી હિંસા થયેલી, શું તેને માટે કોંગ્રેસને જવાબદાર ગણશો?’ સરદાર ચૂપ રહ્યા. બીજી મુલાકાતમાં કહ્યું કે સંઘે કોંગ્રેસમાં ભળી જવું જોઈએ! બિરલાને તેમણે કહ્યું કે મને લોખંડી ગણવામાં આવે છે, પણ આ એકનાથ તો પોલાદી માણસ છે!
વિવેકાનંદ સ્મારક અને કેન્દ્રની પ્રવૃત્તિ જોયા પછી એકનાથજી સંકલ્પોના પોલાદી પુરુષ હતા એમ બધાને અનુભવ થશે.