આજકાલ કેટલાક ‘બૌદ્ધિક’ લોકોને એક નવો મુદ્દો મળી ગયો છે. સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો છે કે સિનેમાઘરોમાં પ્રેક્ષકે ભારતનું રાષ્ટ્રગીત ઉભા થઈને ગાવું ફરજીયાત રહેશે. અગાઉ આવો નિયમ હતો જ, પણ ૧૯૬૮માં એક બિજોય ઇમેન્યુઅલ નામના કેરળના નાગરિકે કોર્ટમાં ફરિયાદ કરી કે તેઓ જેહોવાહ ઉપાસનામાં માને છે અને તેમાં બીજી કોઈ ઉપાસના માટે ઉભા થઈને ગાવામાં તેમની પોતાની ધાર્મિક લાગણી દુભાય છે.
અદાલતે આપેલા ચુકાદામાં બંધારણની ધારા ૧૯(૧), ૨૫(૧)ના ઉદાહરણો અપાયા અને ૧૯૪૩માં પશ્ચિમ વર્જિનિયા સ્ટેટ બોર્ડ વિરુદ્ધ બેરોનેટ ચુકાદો પણ કહેવાયો કે નાગરિકને તેની આસ્થાનો અધિકાર છે! હવે ૩૦ નવેમ્બરે ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને અમિતાવ રાયે સાફસાફ ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રગીત સમયે ઉભા રહીને તેનું ગાન કરવું એ ભારતમાતા પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાનું પ્રતિક છે, તેમાં કોઈ બાંધછોડ થઇ શકે નહીં.
લો ત્યારે, એક વિતંડાવાદી વર્ગ પાસે હમણાં કોઈ ખાસ મુદ્દો નહોતો તેમણે ઝંડો ઉઠાવી લીધો. નાગરિકના મૂળભૂત અધિકારો ખતરામાં છે એ આલાપ-પ્રલાપ શરૂ કરી દેવાયો છે. ભાનુપ્રતાપ મહેતા નામના અંગ્રેજી છાપાઓમાં કોલમ લખનાર એક ‘રાજકીય વિશ્લેષક’એ તો આ ચુકાદાને ‘ગેરબંધારણીય દેશભક્તિ’ ગણાવી છે. બીજા એક ન્યૂ યોર્કમાં વ્યવસાય કરતા નિષ્ણાતે કહી દીધું કે બંધારણ બહુ બહુ તો રાજ્યની સત્તા પર ભાર મૂકી શકે, વ્યક્તિગત સ્વતંત્રતા પર નહીં. અહીં ગુજરાતમાં એક છાપાએ તેને ‘રાષ્ટ્ર-રાજ્ય સત્તાવાદ’ ગણાવ્યો અને એક લેખમાં તો એવું ‘સંશોધન’ કરાયું છે કે મહાત્મા ગાંધી પણ ઉભા થઈને રાષ્ટ્રગીત ગાવાની તરફેણ નહોતા કરતા!
ખરેખર? (દેશને આવા ‘સંશોધકો’થી ઈશ્વર બચાવે!) કોઈ સાચો ‘સંશોધક’ આ વિશે તથ્ય શોધી લાવે એ જરૂરી છે, પણ મોટા ભાગે આપણે ત્યાં કટીંગ-પેસ્ટીંગનું સંશોધન વ્યવહારમાં પ્રચલિત છે. એવા જ એક બડા ઇતિહાસકારે ભગતસિંહ અને ક્રાંતિકારોને આતંકવાદી તરીકે પોતાના પુસ્તકમાં આલેખ્યા હતા, અને ધર્માંધ ટીપુ સુલતાન તેમજ મોહમ્મદ ગઝનવી વિદ્વાન મહાનાયકો હતા એવું તો રોમિલા થાપરથી માંડીને બીજા ઘણા સંશોધક વારંવાર લખી રહ્યા છે.
અને ધારો કે ગાંધીજીએ આવું વિધાન ક્યાંક કર્યું પણ હોય, શક્ય છે કે બીમારીને લીધે ઉભા થઇ શકતા નહિ હોય એટલે અપવાદ ઉભો કર્યો હોય તો પણ રાષ્ટ્રગાનને માટે ઉભા થઈને ગાવું (હા, ગાવું પણ એટલું જ જરૂરી છે) એ નિયમ કે અનુશાસનની ખિલાફ જવું જરૂરી ખરું? આ મોટો સવાલ એટલા માટે પણ છે કે તમે બ્રિટનમાં કે અમેરિકામાં કે પાકિસ્તાનમાં કે ગમેતેવા નાનકડા દેશમાં પણ ત્યાંના રાષ્ટ્રીય આસ્થાના પ્રતીકનું અપમાન કરી શકશો? કરવું જોઈએ?
ભારતની દેશભક્તિ કઈ આકાશમાંથી ટપકી પડી નથી. તેણે પોતાના સ્વાતંત્ર્ય યુદ્ધમાં પ્રેરણા પ્રાપ્ત કરવા માટે કેટલાંક આસ્થા પ્રતિકો સ્થાપિત કર્યા હતા. ૧૯૧૪માં સ્ટુટગાર્ટ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ કામા, સરદારસિંહ રાણા અને બેરિસ્ટર હિંડમેન સાથે મળીને ભારતીય સ્વાતંત્ર્ય ધ્વજ મંચ પર ફરકાવ્યો ત્યારે બધા વિદેશી દર્શકો પણ ઉભા થઈને તેને સલામ આપી હતી. હવે ૨૦૧૬નો કોઈ માનવાધિકારવાદી બૌદ્ધિક એમ કહે કે ના, હું તો રાષ્ટ્રધ્વજને સન્માન નહીં આપું, ઊભો નહીં રહું, રાષ્ટ્રગાન નહીં ગાઉં... તો તેનો ઈલાજ શો?
તેનો એક ઈલાજ તો કાનૂનનું પાલન જ હોઈ શકે. બીજો ઉપાય ૧૯૪૭ પછી આપણા સાર્વજનિક જીવનમાં દેશ અને દેશપ્રીતિ માટે વિધિસર કોઈ પ્રયાસ ન થયા, યોગ્ય રીતે ઈતિહાસ ભણાવ્યો નહિ, સ્વાતંત્ર્ય સ્મારકોની ઉપેક્ષા કરી, કેટલાક ‘ડાબેરી’ અને ‘પ્રગતિશીલ’ કે તિકડમબાજ ‘સંશોધકો’ને છુટ્ટો દોર અપાયો અને રાજકીય ક્ષેત્રે આચરણ દ્વારા દેશદાઝ પ્રકટ થવી જોઈતી હતી તે ના થયું તેના પરિણામો હવે ભોગવી રહ્યા છીએ. અફીણનો છોડ વાવીએ અને તેના પર દ્રાક્ષની આશા રાખીએ તેવી આ હાલત છે.
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને ય વિતંડાવાદનો શિકાર બનાવવાની લજ્જાસ્પદ પ્રવૃત્તિ અને પ્રકૃતિનો વિસ્તાર થતો રહ્યો છે. જે શબ્દે યુવાન દેશભક્તોને શહીદી તરફ પ્રેર્યા હતા તે ‘વંદે માતરમ’ માત્ર એટલા માટે રાષ્ટગીત ના બની શક્યું કેમ કે થોડાક મુસ્લિમ નેતાઓએ તેમાં પોતાની ધાર્મિક લાગણી દુભાય છે એમ જણાવ્યું હતું!
૧૯૨૩માં કાકીનાડા કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમનો વિરોધ થવા છતાં પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે પ્રચંડ સ્વરે પૂર્ણ ગીત ગાયું હતું. બનારસ અધિવેશનમાં સરલાદેવી ચૌધરીએ ગોખલેના વિરોધ પછી એ ગાયું. મૌલાના મહમ્મદ અલીએ પણ વિરોધ કર્યો હતો. બેરિસ્ટર જિન્ના પણ હોમ રુલ આંદોલન સમયે ઉભા થઈને આ રાષ્ટ્રગીત ગાતા. ૧૯૩૦ પછી કોંગ્રેસે મુસ્લિમ નેતૃત્વને રાજી રાખવા ક્રમશઃ આ ગીતનો ત્યાગ કર્યો.
૨૫ ઓગસ્ટ ૧૯૪૮માં પંડિત જવાહરલાલે સંસદમાં જે વક્તવ્ય આપ્યું તે સ્પષ્ટ હતું કે ન્યૂ યોર્ક રાષ્ટ્ર સંઘમાં પસંદ કરાયેલી તર્જ મુજબ જન ગણ મન...ને રાષ્ટ્રગીત તરીકે અપનાવવું. પણ પશ્ચિમ બંગાળ સરકાર આ નિર્ણય સાથે સંમત ના થઇ. રાજેન્દ્ર પ્રસાદે ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના ઘોષિત કર્યું કે ‘જન ગણ મન...’ એ રાષ્ટ્રગીત (national anthem) અને વંદે માતરમ્... (national song) નિશ્ચિત કરાયા છે.
હવે જૂઓ એક બીજી વિડમ્બના. જન ગણ મન... અને વંદે માતરમ્ બન્ને આપણે અધૂરા ગાતા હોઈએ છીએ, સંપૂર્ણ નહીં. સંપૂર્ણ વંદે માતરમ્ સાંભળવું હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને તેના બીજા સંગઠનોના કાર્યક્રમમાં જવું પડે. બીજે આ કે જન ગણ મન... સંપૂર્ણ સાંભળવા મળતું નથી. કોઈ દેશ એવો હશે ખરો કે પોતાનું રાષ્ટ્રગીત પણ સંપૂર્ણ ગાતો ના હોય?
આ સવાલો અણગમતા લાગશે, પણ છે મહત્ત્વના. માત્ર સિનેમા કે બીજે રાષ્ટ્રગીત ગાવા માત્રથી દેશભક્તિ પેદા થતી નથી એ માની લીધું, પણ દેશને પોતાના રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે સન્માન અને શ્રદ્ધા વ્યક્ત થાય તેવા સાર્વજનિક નિયમો હોવા જોઈએ કે નહીં? નહીં તો કાલે કોઈ એવું કહેશે કે લાલ કિલ્લે સ્વાતંત્ર્ય ઉત્સવમાં કે રાષ્ટ્રપતિના પ્રવચન બાદ કે સેનાની પરેડ દરમિયાન પણ રાષ્ટ્રગીત ગાવું જોઈએ નહીં!