શ્રી રામઃ રામકથા, રામાયણ, રાજનીતિ અને ચુકાદા સુધી...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 12th November 2019 04:26 EST
 
 

સર્વોચ્ચ અદાલતે જે દિવસે - સાડા દસના ટકોરે અયોધ્યાની ‘આકરી સમસ્યા’નો ઉકેલ લાવતો ચુકાદો આપ્યો ત્યારે યોગાનુયોગ એક રામકથા ઉત્તર કાશીમાં ચાલી રહી હતી. મહાદેવ-પ્રિય ઉત્તરકાશી છેક દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું, હિમાલયની પર્વતમાળા વચ્ચેનું રળિયામણું અને ઉહાપોહ વિનાનું નગર છે. ઠંડીગાર રાતોની તેને ટેવ પડી ગઈ છે. બજારમાં કોઈ ખાસ કોલાહલ નહીં. હા, જેમને હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી કે બીજાં સ્થાનોએ જવાનું હોય તેમને માટેની પ્રવાસન ટેક્સીઓ મળી રહે. આશ્રમો અને દેવાલયો ખરાં, પણ ઘોંઘાટ નહીં અને નગરવાસીએ વડા પ્રધાનનાં સ્વચ્છતા અભિયાનનું દેખવાજોગ અનુસરણ પણ કર્યું છે.

દરેક આશ્રમની પોતાની કથા-દંતકથા છે, અને ‘કૈલાસ આશ્રમ’ તો મોરારિબાપુના દાદા વિષ્ણુ દેવાનંદ સ્વામીનું સ્થાન. વેદ-વેદાંતનું તેમણે ભાષ્ય કર્યું હતું. સાવ તરુણ વયના વિદ્યાર્થીઓએ આંખમાં ચમકારા સાથે અમને કહ્યું કે હું સંસ્કૃત અધ્યયનમાં પીએચ.ડી. થવા ઈચ્છું છું! એન્જિનિયરિંગ કે તબીબી કોલેજમાં બે-ફામ ફી ભરીને ય કારકિર્દી ઘડવા ઈચ્છનારા યુવકોના પરિવારો કરતાં આ બીજા છેડાની વાત સાંભળીને આનંદ થયો. ઉત્તર કાશીમાં મોરારિબાપુની રામકથા બીજી નવેમ્બરથી આયોજિત હતી. ધર્મ - અધ્યાત્મ અને સાહિત્યને એકબીજાના હાથ મેળવીને ચાલવું ગમે તેવી પરંપરા હમણાંથી વધુ જોવા મળે છે.

થોડાક સમય પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાયે ‘વચનામૃત’ની દ્વિ-શતાબ્દિની સરસ ઊજવણી વડતાલમાં કરી હતી. વચનામૃત આપણાં પોતાનાં ગુજરાતી ગદ્યનો સુંદર નમૂનો છે. જુઓ તો ખરા, છેક અયોધ્યાથી આવેલા એક સંન્યાસીએ ગુજરાતમાં આવીને સ્વામી રામાનંદજીની પાસે દીક્ષા લીધી અને સમુદાયોને માટે એક નીતિશાસ્ત્ર - તે પણ ગુજરાતી ભાષામાં અર્પિત કર્યું, તે નાનોસૂનો ચમત્કાર નથી.

ગુજરાતના મધ્યકાલીન સંતો-ભક્તો-આચાર્યોએ મબલખ ચિંતનાત્મક દરિયો વહાવ્યો છે ને તે પણ નાત-જાત-કોમથી ઉપર ઊઠીને! વાલ્મિકીથી તુલસીદાસ સુધીનાં રામાયણોની વચ્ચે કંઈકેટલાં રામાયણો રચાયાં. આપણાં કચ્છમાં, કચ્છી બોલીમાં ‘રામરાંધ’ અદભૂત રામક-થા છે, જેમાં હનુમાનજી ઢોલીનું કામ પણ બજાવે છે!

મોરારિબાપુ તો પાક્કા સાહિત્યપ્રેમી છે. ‘હું શિક્ષક હતો ત્યારે બચુભાઈ રાવતનાં ‘કુમાર’માં આવતાં લેખો-કવિતાઓનો સંચય કરતો...’ આ કથા દરમિયાન તેમણે કહ્યું અને પછી ગુજરાતના શાયરો બેફામ, ઘાયલ, મરીઝના કાવ્યોથી શ્રોતાઓ પણ છલકાયા! કારણ એ પણ હતું કે આ કથામાં ગુજરાતના ૨૦૦ જેટલા પ્રતિષ્ઠિત-નવોદિત સાહિત્યકારોને ય આમંત્રિત કર્યાં હતા. રોજ સાંજે આકાશી ટાઢમાં કાવ્યપઠન થાય. બાપુ તેમને દાદ આપે. ગુજરાતની કાચીપાકી કવિતાઓની રંગોળી પૂરાય!

કથા પછીના કલાકો ઉત્તરકાશીની આસપાસની સફર માટે ખુલ્લા રહે. પણ મેં જોયું -પહેલીવારના અનુભવ તરીકે કે કથામાં મોરારિબાપુ નૂતન-પુરાતન ભાષ્ય સરસ રીતે કરે છે, ગીત-સંગીતનું પ્રાધાન્ય રહે. લોકગીત, ચોપાઈ, સ્ત્રોત, ફિલ્મી ગીત બધું જ આવે. વાદ્યકારોની નિવડેલી ટીમ સાથે રહે છે એટલે બે-ત્રણ કલાક કથાનો મુખ્ય વિષય ‘આનંદ ભૈરવ’ જરીકે ય ભાર વિનાનો લાગે. જેમ ‘ભાર વિનાનું ભણતર’ તેવું ‘ભાર વિનાની કથા’!

તેમાં ઉમેરાયો અયોધ્યા-ચુકાદાનો દિવસ. ભૂતકાળના પડછાયે, આ ચુકાદો ભારેલા અગ્નિ જેવો બની રહે અને દેશમાં હિંસા-ઉત્પાતનો દાવાનળ ફાટી નીકળશે એવી ભીતિ સર્વત્ર હતી. અયોધ્યામાં સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત હતો. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી વ્યવસ્થા હતી. પણ લોકોને અગાઉના દિવસોનું ભયભીત સ્મરણ હતુંઃ રામશિલા પૂજન, અયોધ્યા-યાત્રા, બાબરી ધ્વંશ... આમાં તો ચુકાદો આવવાનો ત્યારે શું?

એક નવી ‘સંવાદ’-લહેર આ ચુકાદા પૂર્વેથી જ જોવા મળી તેને ભારતીય સમાજજીવનની યાદગાર અને દિશાદર્શક ઘટના ગણવી જ રહી. લગભગ તમામ પક્ષકારો, દાવેદારો, પક્ષો, સંગઠનો, ધાર્મિક સંગઠનોએ ‘ચુકાદો આવે તેને ખેલદિલીપૂર્વક સ્વીકારી લેવો જોઈએ’ એવી અપીલ કરી. સ્વયં વડા પ્રધાને આવી અપીલ દેશ સમક્ષને કરી. જેને કોંગ્રેસ અને ‘લિબરલ’ ટોળી ‘વિભાજક પરિબળ’ તરીકે જ ઓળખે છે તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ચુકાદાને માન્ય ગણીને શાંતિ રાખવાનું નિવેદન કર્યું હતું. ચુકાદો આવે તે પહેલાંની આ લાગણીને, ચુકાદા પછી પણ, મોટા ભાગે કોઈએ ખંડિત કરી નથી. એવું લાગે છે કે ભારતીય લોકશાહીમાં ‘નાગરિક’ તરીકેની ક્ષમતા અને સજ્જતા વધતાં જાય છે.

કથામાં ચુકાદાના પૂર્વ-દિવસે રંગેચંગે શ્રીરામનો જન્મોત્સવ ઊજવાયો, બીજા દિવસે રામજન્મભૂમિ ઉત્સવનો અનાયાસ આરંભ થયો. બાપુએ પણ ખુશી વ્યક્ત કરીઃ તેમના પરમપ્રિય રામને માટે સર્વોચ્ચ અદાલતના એક મુસ્લિમ ન્યાયમૂર્તિ સહિતની ખંડપીઠે અયોધ્યામાં જન્મસ્થાને વિરાજિત કરવાનો ચુકાદો આપ્યો હતો!

તેમણે કહ્યુંઃ ‘જય સીયારામ...’ પછી કહેઃ ‘જય શ્રી રામ આંદોલનનો નારો હતો, આપણા માટે હવે ભાવાત્મક ઘોષ ‘જય સીયારામ’નો છે. આમ ગણો તો બંને ઘોષમાં કોઈ - બે છેડાનો - તફાવત નથી, એવું ઈતિહાસ પણ ક્યાં નથી કહેતો? દેવાધિદેવ મહાદેવનો ઉદ્ઘોષ કરતાં ‘હર હર મહાદેવ’નો ઘોષ કંઈકેટલાય ધર્મયુદ્ધોમાં પ્રયોજાયો જ હતો ને? ભારતીય ‘જનાત્મા’ને જ્યારે, જેની અનિવાર્યતા લાગી, ત્યારે તેની ઉદ્ઘોષણા કરી હશે!


comments powered by Disqus