સમજૂતીના દરવાજે જીદ અને ઈરાદાના પડછાયા?

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 19th January 2021 10:53 EST
 
 

પંજાબ અને હરિયાણાના કિસાનોનું આંદોલન અડતાળીશમા દિવસે સમેટાઇ જશે એવો ભરોસો છેતરામણો નીકળ્યો અને સર્વોચ્ચ અદાલતે ચીલો ચાતરીને નિયુક્ત કરેલી નિષ્ણાત સમિતિને આંદોલનકારીઓએ ઘસીને ના પાડી દીધી તે વાતને ય એક સપ્તાહ વીતી ગયું, અને અટપટા આટાપાટા ચાલુ રહે ત્યારે મોટો સવાલ સામાન્ય નાગરિકને હજુ સુધી રહ્યો છે કે આવું કેમ બન્યું?
અદાલતે સમિતિ નિયુક્ત કરી અને સંસદે પસાર કરેલા ખેતી કાનૂનને મુલતવી રાખ્યો એ પણ ભારતીય બંધારણની એક મોટી ઘટના છે. અગાઉ પણ કેટલીક વાર અદાલત સર્વોપરી કે સંસદ એ સવાલ અથડાતો રહ્યો છે. જેમાં મૂળભૂત અધિકારનો છેદ ઊડી જતો હોય તેવી બાબતોમાં અદાલત નિર્ણાયક બની શકે તેવી આશા અને અપેક્ષાએ આંતરિક કટોકટી દરમિયાન મિસા અટકાયતી ધારા હેઠળ ૧,૧૦,૦૦૦ નેતા, કાર્યકર્તા, શિક્ષક, પત્રકારોને જેલ ભેગા કરવામાં આવ્યા તેની સામે હેબિયસ કોર્પસનો રસ્તો નામાંકિત ધારાશાસ્ત્રીઓએ લીધો તેમાં પણ નિષ્ફળ ગયા અને જસ્ટિસ ખન્નાને બાદ કરતાં બાકી ન્યાયમૂર્તિઓએ સરકારના ગલત ‘અધિકાર’ને માન્ય રાખ્યો હતો. આજે સરકારને ધન્યવાદ આપવા ઘટે કે અદાલતે પોતાના કાર્યક્ષેત્રની સીમા પાર કરવાનું સાહસ કરીને કાનૂન સ્થગિત કર્યો અને સમિતિ નિયુક્ત કરી દીધી છે. તેમાં અદાલતનો ઇરાદો સ્પષ્ટ છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી પરિસ્થિતિ પેદા કરવી. ખુદ કેન્દ્ર સરકારે પણ અભિપ્રાય-ભેદ હોવા છતાં અદાલતનો નિર્ણય માન્ય રાખ્યો છે.
પણ કિસાન નેતાઓએ તો સમિતિ પાસે અમે નહિ જઈએ એવું કહીને પોતાના આગલા કાર્યક્રમોની જાહેરાત કરી દીધી છે. તેમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીના રાજપથ પર ટ્રેકટર માર્ચ કાઢવાનો પણ સમાવેશ થાય છે. પ્રજાસત્તાક દિવસના કાર્યક્ર્મમાં ભાગ લેવાનો દરેક નાગરિકને અધિકાર ખરો પણ તેનો હેતુ શો છે તે પણ જોવું જોઈએ. જો આ આંદોલનકારીઓની પાછળ કેનેડાના ખાલિસ્તાનીઓ હોય, તેના નાણાથી દિલ્હીની સરહદ પર ડેરાતંબુ તાણવામાં આવ્યા હોય, ડાબેરી અને અર્બન નક્સલનો ટેકો હોય, તો વિચારવું પડે કે પ્રજાસત્તાક પર્વમાં તેમની સામેલગીરી કેવી હોય? મૂળભૂત અધિકારોના નામે કાશ્મીરમાં જે હાલત પેદા કરવામાં આવી હતી તેનું પુનરાવર્તન કિસાન આંદોલનમાં થવાનું હોય તો તે માત્ર અને માત્ર અરાજકતા ઊભી કરીને લોકતંત્રની વિશ્વાસનીયતા ખલાસ કરવાની હિકમત છે તે એકદમ સ્પષ્ટ છે.
આ દેશમાં અરાજકતા અને વિભાજન દ્વારા હાલની લોકશાહીને સમાપ્ત કરીને પોતાને ઇચ્છિત ડાબેરી શાસન ઊભું કરવાનો ઇરાદો આજકાલનો નથી, સ્વતંત્રતાના વર્ષો શરૂ થયા ત્યારે હૈદરાબાદના નિઝામને આવા ડાબેરી તત્વોએ ટેકો આપ્યો હતો તે વાત કનૈયાલાલ મુનશીના હૈદરાબાદ અનુભવોના પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. આસામમાં વિગ્નાનિક સમાજવાદી દેશ રચવાની આવી પ્રવૃત્તિ ચીન અને બાંગ્લાદેશના નાણાં અને તાલીમ સાથે ઘણા સમય સુધી ચાલી હતી. નક્સલવાદનો અને માઓવાદનો ઉદ્દેશ પણ તેવો જ રહ્યો છે. ખેડૂતના ખભે બંદૂક મૂકીને નિશાન તાક્વાના મેલા ઈરાદાને પારખવામાં હવે વિલંબ કરવો જોઈએ નહિ.
આ આંદોલનનો કોઈ ઉપાય નથી જ એવું પણ નથી. એક વાર સંસદે પસાર કરેલા ખરડામાં જેટલા સુધાર કરવાના લાગતા હોય તે માટે ત્રણ વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓની વારંવાર મંત્રણાઓ થઈ. રાજનાથ સિંહ, દુષ્યંત ચૌટાલા અને બીજાઓએ પણ તૈયારી બતાવી. અમિત શાહે આંદોલનકારીઓને બોલાવ્યા. કેટલાંક ખેડૂત સંગઠન સમ્મત થયા. પણ આંદોલનનો દોર જેમના હાથમાં છે તેઓ ટસથી મસ થતાં નથી. કેન્દ્ર સરકારે કાનૂનમાં ૫૦ ટકા સુધારા તો માન્ય રાખ્યા છતાં આંદોલન ચાલુ રાખવાની જિદ્દ શા માટે હશે?
આના જવાબ મળી રહ્યા છે. મુખ્ય મુદ્દો ખેતી કે એપીએમસી નથી, કોઈક બીજો ડર છે કે ઉદ્યોગપતિઓ અને બીજા સ્થાપિત હિતો અમારી જમીન ખૂંચવી લેશે, અમે બેકાર થઈ જશું એવી એક ભીતિ છે તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ. આ માનસિક ભય ડાબેરી તત્વોએ નિપજાવી કાઢ્યો છે કેમ કે આ અંગે અનેક સ્પષ્ટતા સરકારે કરી છે એટલું જ નહિ, પણ આ કાનૂનથી દેશભરમાં ખેતી, ખેડૂત અને બજારનું એક મજબૂત માળખું તૈયાર થશે અને દુનિયા આખીમાં આપણે ઉત્પાદન ક્ષેત્રે મોટી ભૂમિકા ભજવી શકીશું એવો ભરોસો આપવામાં આવ્યો છે. પણ આંદોલનકરીઓને ત્રણે કાયદા પાછા ખેંચી લેવા સિવાય બીજો કોઈ ઉપાય માન્ય નથી!
હવે આશંકા એ જાય છે કે કલ્પિત ભયથી ઘેરાયેલા ખેડૂતોનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? સંગઠન પર પોતાનો દબદબો કાયમ રહે તેવું ઇચ્છતા તેના નેતાઓ? આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખનારા રાજકીય નેતાઓ? આ સંગઠનના કેટલાક નેતાઓને ટિકિટ મળે અને સરકારમાં પ્રધાનો બને તેવી આશા રાખનારા અને તેમની સાથે પડદા પાછળ દોરી સંચાર કરનારા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ? જેમના રાજકીય અસ્તિત્વ સામે જોખમ છે તેવા પક્ષો તો આ આંદોલનના સહારે સંયુક્ત વિરોધ પક્ષની રચના કરીને ભાજપને પરાસ્ત કરવાની યોજનાઓ ઘડી રહ્યા છે તેમાં કેટલાક લિબરલ્સ અને ડાબેરી પક્ષો પણ જોડાઈ જશે. આવું થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવું જોઈએ એવી તેમની વ્યૂહરચના છે.
એમાં પણ જો પ્રજાસત્તાક દિવસની ટ્રેક્ટર માર્ચમાં હિંસા ફાટી નીકળે તો અસંતોષની આગ વધુ ફેલાય. અદાલતે તો ‘ગાંધી માર્ગે સત્યાગ્રહ’ની આશા સેવી છે, કિસાનો એવી જ રીતે વર્ત્યા છે પણ સોશિયલ મીડિયામાં અરાજકતાવાદીઓ તરેહવારના આક્ષેપો અને અફવાઓ ફેલાવી રહ્યા છે તે રોજેરોજ આ આંદોલનને તદ્દન ગલત દિશા તરફ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે.
આ દેશે સ્વતંત્રતા પૂર્વે અને પછી ઘણા આંદોલનો જોયા છે. ચંપારણ, બારડોલી, બોરસદ જેવા કિસાન આંદોલનોમાં તો ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. બારડોલી સત્યાગ્રહમાં પણ તત્કાલિન બ્રિટિશ સરકારે સમિતિ નિયુક્ત કરી હતી અને વિઠ્ઠલભાઈ પટેલ તથા ભૂલાભાઈ દેસાઇએ ખેડૂત તરફી દલીલો અને રજૂઆત કરી હતી, કોઈ પણ પ્રકારની જિદ્દ વિના એ સત્યાગહો સફળ થયા હતા.
અત્યારે તો આપણા મતોથી સ્થાપિત સરકાર છે, લોકતંત્ર છે, વાજબી ચિંતાનો પ્રયાસ કરતી અદાલત છે, મીડિયા છે તો આવી અનર્થકારી જિદ્દ સાથે પંજાબ - હરિયાણાના ખેડૂતનો એક વર્ગ અન્ય ઈરાદાઓ સાથે અરાજકતા તરફ જવાનો ઇરાદો રાખતો હોય તો દેશના બીજા પ્રદેશોનો ખેડૂત તેને ટેકો નહિ આપે તે સ્પષ્ટ થઈ ગયું છે.


comments powered by Disqus