તમારામાંના ઘણા વિદેશવાસી મિત્રો જૂનાગઢ કે તેની આસપાસના નગર કે ગામડાઓના હશો. ક્યારેક ત્યાં જવાનું થાય ત્યારે બદલાતા સોરઠનું ચિત્ર તમારી નજર સામે દેખાશે. આઝાદીની પહેલા કે આસપાસના વર્ષોના જૂનાગઢ, માંગરોળ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, કુતિયાણા, બાંટવા, માણાવદર કે વંથલી, મેંદરડા અને પાજોદ હવે બદલાયા છે. મોટા રાજમાર્ગો, ઈમારતો, વ્યવસાય અને ઉદ્યોગો તેમજ ખેતીની તસ્વીર બદલાયેલી છે. એ કેટલું સારું ચિત્ર છે કે નથી તેની ચર્ચા પણ થઇ શકે. શાળા, મહાશાળા, કોલેજમાં ભણતા યુવક અને યુવતીઓને માટે આધુનિક જિંદગીની અલગ પહેચાન છે.
સમય બદલાય છે અને થોડુંક જૂનું પુરાણું અને મોટાભાગનું નવું ઉમેરાય છે. મેળા, યાત્રા, પરિક્રમા, ઉત્સવોના રંગ પણ બદલાય છે. અને આથી જ વીતેલા જમાનાનો બોધપાઠ લેવા માટે ક્યારેક પાછલા દિવસો તરફ જવું પડે છે.
એમ તો સોમનાથ, ગીરનું અરણ્ય, સતાધારનું મંદિર, ગિરનારના શિખરો, સાસણના સિંહ અને વંથલીની પૌરાણિક જાહોજલાલી... આ બધું તો છે જ. ભવનાથનો મેળો આજેય નાગા બાવાઓની સાથે જામે છે, નરસિંહ મહેતાના દામોકુંડમાં ભક્તિ ઝબોળાય છે, ઉપરકોટમાં તેજસ્વિની રાણકનો પીડા સમેતનો પુણ્યપ્રકોપ દુહા સ્વરૂપે કાનમાં સંભળાય છે, માંડલિક નામ પડતા મેઘાણીએ આલેખેલ રા ગંગા જળિયો સામે દેખાય છે. ગિરનારમાં ગોરખનાથની ટૂંક પર ચેત મછંદર ગોરખ આયાનો સાવધાન કરતો સ્વર સંભાળશે. ગુરુ દત્તાત્રેય અહીં વિરાજે છે ને બીજા છેડે મીરા દાતારની જગ્યા. સતાધારમાં મધર ટેરેસાથી અધિક સેવાવ્રતી બનેલા સ્ત્રી-પુરુષ સાધુસંતો થયા હતા અને કનરા ડુંગર પર ૮૨ બહાદુર મહિયા રજપૂતો નિઃશસ્ત્ર બનીને ન્યાય માંગવા એકઠા થયા તેના માથા નવાબી સૈનિકોએ વાઢી લીધા હતા.
ગાંધીજીએ શરૂ કરેલા સત્યાગ્રહ પૂર્વેની આ ઘટનાની ખાંભીઓ આજે પણ આ ડુંગર પર ઉભી છે. જોકે ત્યાં જવું આસાન નથી, વેરણ રસ્તા પર વનરાજો પણ ઘૂમતા દેખાય. અમે અમારા પુસ્તક ‘ગુજરાતના ક્રાંતિતીર્થો’ માટે ત્યાં પહોંચવા માટે મેંદરડાથી નીકળ્યા ત્યારે જંગલમાં દેવ વીરડા સ્થાન સંભાળતા બાપુએ પણ કહ્યું કે જાઓ ભલે પણ રસ્તામાં સિંહના ટોળા મળે એવું બને. આ જોખમ સાથે કનરા સુધી પહોંચ્યા હતા. (આ પુસ્તકનું વિમોચન ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે અમદાવાદમાં રાખ્યું ત્યારે તેમાં આદરણીય મોરારીબાપુ અને તે સમયે મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તે કાયક્રમમાં મોકળા મને બોલ્યા હતા.)
સોરઠના આ મહિમા સાથે એક દિવાળીનો તહેવાર જોડાયેલો છે તેની વાત આજે કરવી છે. જોગાનુજોગ ૬ ડિસેમ્બરના દિવસે જૂનાગઢ મુક્તિ દિવસ ઉજવાઈ રહ્યો છે, તેમાં વડા પ્રધાન મોદી પણ આવશે એવી જાહેરાત થઇ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ જવાનું નક્કી કર્યું છે. ૧૯૪૭મા આ દિવસો દિવાળીના હતા. જૂનાગઢના નવાબ મહાબત ખાને પાકિસ્તાનની સાથે જોડાવાનું પસંદ કરતા ૧૫ ઓગસ્ટે દેશ આખો સ્વાધીનતાનો ત્રિરંગો ફરકાવીને ઐતિહાસિક ઉત્સવ મનાવી રહ્યો હતો. આ સમયે જૂનાગઢમાં પાકિસ્તાની ઝંડા અને હિંદુ હિજરતના દૃશ્યોનો માહોલ હતો.
આવું જ માણાવદરના નવાબે પણ જાહેર કર્યું એટલે બહુમતી હિંદુ વસ્તીમાં ભયની સ્થિતિ હતી. બાબરિયાવાડ અને સુરગભાઇ વરુએ નવાબનો હુકમ માનવાની ના પાડી અને ભારતમાં જોડાવાની જાહેરાત કરી તો જૂનાગઢનું લશ્કર તેને કબજે કરવા ધસી ગયું. પાજોદ દરબાર રુસ્વા મઝ્લુમીએ કહ્યું કે અમે પાકિસ્તાનની સાથે જોડાવા માગતા નથી.
આ સંજોગોમાં જૂનાગઢની મુક્તિ માટે મુંબઈમાં ‘આરઝી હકુમત’ની સ્થાપના થઇ. શામળદાસ ગાંધી સરસેનાપતિ બન્યા, કનૈયાલાલ મુન્શીએ બંધારણ ઘડી આપ્યું. અમૃતલાલ શેઠે વ્યૂહરચના ઘડી આપી. આરઝી હકુમતમાં રતુભાઈ અદાણી, ગુણવંતરાય પુરોહિત, કનુભાઈ લહેરી, જશવંત મહેતા, વવાનીયા દરબાર, સનત મહેતા, હરિસિંહ ગોહિલ, પુરુષોત્તમ લાલ મહારાજ, મયારામ દાસજી, વિજયદાસ મહંત, નરેન્દ્ર નથવાણી, દુર્લભજી ખેતાણી, મણિલાલ દોશી અને બીજા અનેકોએ ભાગ લીધો અને છેવટે જૂનાગઢના નવાબે ભાગી જવું પડ્યું. માણાવદરના નવાબે પણ કરાચીનો રસ્તો પકડ્યો.
નાટ્યપ્રવૃત્તિ સાથે જોડાયેલા જૂનાગઢ નવાબે તેના દરબારી શાહનવાઝ ખાન ભુટ્ટો અને બેગમના કહેવાથી આ મૂર્ખ પગલું ભર્યું હતું. માણાવદરનો નવાબ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હતો. હમણાં પાકિસ્તાનમાં પ્રકાશિત ‘પાકિસ્તાનમાં ક્રિકેટનો ઈતિહાસ’ પુસ્તકમાં તેની નોંધ લેવાઈ છે. પાકિસ્તાનના સત્તાધારીઓએ બન્ને નવાબોની જરા સરખી દરકાર કરી નહીં એ કમનસીબ હકીકત છે.
જૂનાગઢની મુક્તિના દિવસો દિવાળી અને નૂતન વર્ષના હતા... સરદાર પટેલ આવ્યા, બહાઉદ્દીન કોલેજમાં સભા થઇ અને નૂતન વર્ષે સોમનાથ ગયા. સમુદ્રનું પાણી હથેળીમાં લઈને સંકલ્પ લીધો કે સોમનાથના ભગ્ન ખંડિયેરોનો જીર્ણોદ્ધાર કરીને નૂતન ભવ્ય મંદિર બાંધીશું... એ સંકલ્પ પણ પૂર્ણ થયો... આજે ભગવાન સોમનાથની ધ્વજા ઊંચા આકાશમાં ફરકે છે.
દીપોત્સવીના આ ઉત્સવ સમયે આપણા ગુજરાતના જ સોરઠે આઝાદીની છેલ્લી લડાઈ સાથે નૂતન વર્ષે મુક્તિની મહેફિલ માણી હતી તેનું આ ઐતિહાસિક સ્મરણ!