આજકાલ કોરોનાના પડછાયે નજર પુસ્તકો તરફ જાય અને તરેહવારની દુનિયા આપણી આંખો સામે ખૂલી મૂકી દે તેનો અનુભવ ઘણાને થતો હશે.
અઢી હજાર પુસ્તકો હોય ત્યાં કોને પસંદ કરવું તે મોટો નિર્ણય બની જાય એવા અનુભવમાંથી મળેલાં એક પુસ્તક વિશે વાત કરવા માંગું છું, જેણે ઈતિહાસ અને દંતકથાની ભેદરેખા જ ભૂંસી નાંખી છે!
કેટકેટલાં અને કેવાં ઐતિહાસિક પાત્રોની પ્રતિમા પાસે જઈએ અને સંશોધનના ત્રાજવે તરાસીએ ત્યારે આઘાત અને આશ્ચર્ય થાય કે અરે, આમને તો આપણી વચ્ચે ઈતિહાસકારોએ કેવા ‘મહાન’ ચીતર્યા હતા, પણ આ તો...
પ્રતિમાખંડન અને પ્રતિમાભંજનનો આવો સીલસીલો ચાલતો જ રહ્યો છે, તો આજે ‘પ્રિયદર્શી અશોક’ ચક્રવર્તીની જ વાત કરીએ.
થોડાક સમય પૂર્વે જૂનાગઢના એક પરિસંવાદમાં કહ્યું હતું કે ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ છે એ વાત તો છેક બચપણથી આપણે શીખતાં આવ્યા છીએ, પણ તેની પાછળ ખરા અર્થમાં પ્રજાપ્રેમી રુદ્રદામનનો શિલાલેખ છે તેના વિશે ભાગ્યે જ જાણીએ છીએ. એ રાજવીએ - અશોકની જેમ બડીબડી વાતો, દયાની, કરુણાની, અહિંસાની નહોતી કરી પણ નગરજનો પર નદીનાં પ્રચંડ પૂર આવ્યાં અને આખો બંધ તણાઈ ગયો ત્યારે કેવી મદદ કરી તેની વિગતો આપી છે.
- અને અશોક?
કથા તો એવી છે કે કલિંગ-વિજય પછી પશ્ચાતાપ કરીને તે મનુષ્ય અને માનવતાપ્રેમી બન્યો, જીવહિંસાનો ત્યાગ કર્યો, કરાવ્યો, પ્રાણીમાત્ર પ્રત્યે દયા-માયા-કરુણા રાખવી એવો ‘આદેશ’ કર્યો. સમ્રાટ અશોક કરુણાવતાર ભગવાન બુદ્ધનો પરમ અનુગામી બની રહ્યો.
ખરેખર એવું બન્યું હતું?
વાત તો સાચી કે કલિંગ-યુદ્ધ થયું હતું. ઈતિહાસકારો તિથિ પણ નોંધે છે ઈસવી સન પૂર્વે ૨૬૨માં અશોકની વિશાળ મૌર્ય સેનાએ કલિંગ તરફ કૂચ કરી. ભૂવનેશ્વરની પાસે ધોલીમાં દયા નદીના મેદાનમાં બે સૈન્યો ટકરાયાં. નજીકનું મેરુડા ગામ પણ તેવું રણમેદાન બન્યું. આ યુદ્ધમાં એક લાખ લોકો મર્યાં. (બિચારા અજાણ-અનામ સૈનિકો, તેનાં વળી સ્મારક શાનાં હોય?) એટલા જ લોકો ભૂખમરામાં મર્યા અને દોઢ લાખ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી દીધા.
... અને પછી, બૌદ્ધ ગ્રંથો પ્રમાણે અશોકને આ લોહીલુહાણ ઘટનાનો પારાવાર પશ્ચાતાપ થયો, તે ‘બૌદ્ધ’ધર્મી બની ગયો અને હિંસાચાર વિનાનું શાસન કર્યું.
બસ, આ જ મોટી દંતકથા! અશોક બૌદ્ધધર્મી તો બન્યો, પણ ‘અહિંસક રાજવી’ નહીં. કલિંગ-વિજય પછી પણ તેણે કેટલાંય યુદ્ધો કર્યાં, લોહી રેડાયું અને ‘ચક્રવર્તીત્વ’ને આંચ આવી નહીં.
મજાની વાત એ છે કે કલિંગ-વિજય પછી તેને પશ્ચાતાપ થયો હતો તેવું અશોકના શિલાલેખોમાં એ સ્થાને ક્યાંય નોંધાયું જ નથી, જ્યાં આ રણસંગ્રામ થયો. ઈતિહાસકાર નયનજિત લાહિરી સરખા પ્રબુદ્ધોને નવાઈ એ વાતની છે કે અહીંના શિલાલેખોમાં એવું કશું નથી, અને જ્યાં નોંધવામાં આવ્યું તે અભિલેખો સામાન્ય માણસ વાંચી શકે નહીં તેવા છે. અર્થ એટલો કે અશોકને ‘મહાન’ લખાવવા માટે પછીથી આવા શિલાલેખો ઊભા કરી દેવાયા.
તો આ અશોકનું ચરિત્ર હતું કેવું? એક આધિકારિક પુસ્તક છેઃ ‘ધ ઓશન ઓફ ચર્નઃ હાઉ ધ ઈન્ડિયન ઓશન શેપ્ડ ઈન્ડિયન હિસ્ટ્રી’. લેખક સંજીવ સાન્યાલ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય નામના ધરાવે છે. ‘લેન્ડ ઓફ સેવન સિસ્ટર્સ’, ‘ઈન્ડિયન રેનેસાં’ તેમના બીજા ખ્યાત પુસ્તકો છે. રોયલ જ્યોગ્રાફિકલ સોસાયટી - લંડન, ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઈન્સ્ટિટ્યુટ ઓફ પોલિસી સ્ટડીઝ વગેરેમાં અધ્યાપન કામ કરે છે. તેમનો મુખ્ય રસનો વિષય તો આંતરરાષ્ટ્રીય બજાર છે, પણ તેમનો બીજો પ્રિય વિષય ઈતિહાસ છે.
મંથનનો સમુદ્ર અર્થાત્ હિંદ મહાસાગરના કારણે મનુષ્યજીવન, સામ્રાજ્યો, વેપારવાણિજ્ય, આક્રમણ અને પ્રતિ આક્રમણના કેવાં પરિવર્તનો આવ્યા છે તેની સંશોધનાત્મક અને રસપ્રદ કહાણી આ પુસ્તકમાં આપી છેઃ સમગ્ર સંશોધન તો અનેક નવા નિષ્કર્ષો સુધી આપણને પહોંચાડે છે, તેમાંનો જ એક ભાગ રાજવી અશોક વિશેનો પણ છે. આ રાજાએ શ્રીલંકા અને અન્યત્ર બૌદ્ધ ધર્મની ધજાપતાકા લહેરાવી, પણ એ ધ્વજારોહણના પડછાયે બીજું શું શું બન્યું?
પહેલાં ચંદ્રગુપ્ત આવ્યો. પછી તેનો પુત્ર બિંદુસાર. એક વિશાળ સામ્રાજ્ય - અને તેમાં ભારત વિશેની પરિકલ્પના વિષ્ણુગુપ્ત કૌટિલ્યે ઉમેરી. બિન્દુસાર ૨૭૪ ઈસવી સન પૂર્વે બીમાર પડ્યો અને હવે યુવરાજ સુશીમનો અધિકાર હતો. ઉત્તર-પશ્ચિમ સરહદે તે આક્રમણો હઠાવી રહ્યો હતો ત્યાં પિતાના મૃત્યુનાં ખબર મળતાં પાટલીપુત્ર આવ્યો. તેના સૌતેલા ભાઈ અશોકે યુનાની સૈનિકોની મદદ લઈને શહેર પર કબજો કરી લીધો હતો. સુશીમ પૂર્વના દરવાજે આવીને પ્રવેશ કરે તે પહેલાં જ અશોકે તેને મારી નાંખ્યો. ચાર વર્ષ સુધી ખૂની ગૃહયુદ્ધ ચાલુ રહ્યું.
અશોકે પોતાના પરિવારમાં જેટલા હરીફ લાગ્યા તેનો ખાત્મો કરાવ્યો. ૯૯ સૌતેલા - સાવકા - ભાઈઓ પણ તેવી જ રીતે મરાયા. બસ એક તિસ્સા નામે ભાઈ બચી ગયો! કહાણી તો એવી પણ એવી છે કે ખુદ અશોકે ૫૦૦ લોકોની હત્યા કરી. છેવટે ઈસવી પૂર્વે ૨૭૦માં તેને રાજગાદી હાથ લાગી.
પછી કલિંગ વિજયે તેને ‘પશ્ચાતાપ’ કરાવ્યો, ને બૌદ્ધ બન્યો તે પણ દંતકથા જ છે! ખરેખર તો કલિંગ વિજયના બે વર્ષ પહેલાં જ તેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો હતો. છેક દસેક વર્ષથી બૌદ્ધ બનવા પાછળ યુદ્ધમાં હૃદયપરિવર્તન નહીં, રાજકારણ અધિક હતું!
બૌદ્ધ ગ્રંથ ‘અશોકાવદાન’માં પણ નોંધાયું છે કે શાંતિપ્રિય અશોકના, કલિંગ વિજય પછી પણ તેણે ઘણા રક્તરંજિત યુદ્ધો કર્યાં. ૧૮,૦૦૦ ‘આજીવક’ આસ્થા ધરાવનાર પણ તેને હાથે મરાયા. તે સફળ રાજવી હતો જ નહીં. લગાતાર બીમાર રહ્યો. નજર સામે આંતરિક ઝઘડા અને આર્થિક પ્રશ્નો રહ્યા. ચંદ્રગુપ્તે જે સાહસપૂર્વક મેળવ્યું હતું તે ગુમાવ્યું. ૨૩૨ ઈસવી પૂર્વે તેનું મૃત્યુ થયું. સાન્યાલ લખે છે કે સ્વતંત્રતા પછી ‘સમાજવાદી સપનાં’ સાથે સમ્રાટ અશોકને જોડી દેવાયો અને ‘ધર્મચક્ર’ને પસંદ કરાયું!