મે મહિનાની શરૂઆતમાં જ ‘ગુજરાતનો જય!’ અને ‘સમર્થ સરદાર’ની સ્મૃતિનો એકસાથે યોગાનુયોગ થઈ ગયો, તે પણ ગાંધીનગર-અમદાવાદથી દૂ...ર, આપણા વનવાસી મુલકમાં!
તાપી જિલ્લા તરીકે નવો છે, પણ તેની પરંપરા વર્ષોપુરાણી છે. શબરીનાં બોર અને રાધા-કાનજીનો પ્રેમવિરહ કે ‘વાલિયા’થી ‘વાલ્મિકી’ સુધીની સફર અને વનવાસી પીડા અને પુરુષાર્થનો અરણ્યમાં સંગમઃ આ બધું તેમનું પોતાનું ‘સોનું’ છે, કોઈ લૂંટી શકે તેમ નથી.
તાપીના તીરે...
સુરત-બારડોલી થઈને તાપીમથક વ્યારા જવાનું બને. રસ્તાઓ એકદમ સારા અને વનરાજી હજુ બચી રહ્યાનો અહેસાસ થાય. નાનાં અને મોટાં ગામડાં તેમ જ વનવાસી સમુહો (ભીલ, નાયકડા, દૂબળા, ઢોલી, રાવળ, કુંકણા, ચૌધરી, વસાવા, ગામીત... આવી તો હજુ બીજી ઘણી જનજાતિઓ!)
તેમના બેફિકર નાચગાન, ઉત્સવો અને ઊઘાડાં આકાશે મહોરતાં ગીતો-કથાઓ-રોજિંદા જીવનમાં યે અનોખી શૈલી... આ દુનિયા હજુયે અદ્ભૂત છે, જેટલા પાસે જાઓ એટલા તેના અનેક રંગો મળે. ખાવાપીવાની ચીજવસ્તુથી બોલચાલના લહેકા સુધી! તેમનાં એક નૃત્યમાં એક ઉપર બીજાના ખભે ચડીને, છેક પાંચમી સીડીએ થનગનતી, હસતી આદિવાસી કન્યાને ખભે લઈને નાચતા-ગાતા સમૂહને નિહાળીએ ત્યારે પાક્કો ભરોસો થઈ આવે કે આમને તે વળી ગોઠણના સાંધાના દુખાવા ક્યાંથી હોઈ શકે?
વ્યારામાં ઉચ્છલ-સોનગઢ-નિઝર-વાલોડ તાલુકા ૪૮૮ ગામડાં વસેલા છે. ૭૦ ટકાથી વધુ વસ્તી ભણેલી છે. (તેને માટે છેક ગાંધીયુગમાં અહીં જુગતરામ દવે, સ્વામી આનંદ, નરહરિ પરીખ, ચુનીલાલ મહેતા, મોહન પરીખ, ઝવેરભાઈ શંકરભાઈ પટેલ, છોટુભાઈ દેસાઈ, વેલજીભાઈ ચૌધરી, ચીમનલાલ ભટ્ટ વગેરે સ્વરાજ સેવકો ધૂણી ધખાવીને બેઠા હતાં... ‘દૂબળા’ હવે ‘હળપતિ’ તરીકે ઓળખાય છે. તેનું કારણ ૮૦ વર્ષ પૂર્વે જુગતરામ દવેએ અહીં વેડછી આશ્રમ નાખ્યો તે છે!) શેરડી, કઠોળ, જુવાર, કેરી, કેળાં મબલખ પાકે છે.
‘તાપીના તીરે...’ની નાટ્યકથા લખતો હતો ત્યારે આ સ્પંદિત જમીનનો વિશેષ અનુભવ થયો. સોનગઢના કિલ્લે રખડુ કિશોર સુરેશ જોશીએ પ્રકૃતિનો વૈભવ માણ્યો હશે તે, પછીથી તેમના લલિતનિબંધોમાં છલકાય છે. રમણલાલ દેસાઈની ‘ભારેલો અગ્નિ’ નવલકથાના બીજ અહીં ઊગ્યાં હતાં!
વનવાસી પ્રજાનો ‘રામ’ અને ‘સીતા’, ‘રાધા’ અને ‘કૃષ્ણ’ સા-વ નોખાંઅનોખા છે. સીતાની શોધમાં ભટકતા રામ-લક્ષ્મણને મહુડાનાં ઝાડ પરથી એક ખિસકોલી મહુડાનાં ફળ નીચે ફેંકીને કહે, ‘હું જાણું છું કે તમે બેઉ ભાઈ ભૂખ્યાં થયાં છો એટલે આ ફળ ખાજો. પણ જોજો, એનાથી બળતરા થઈ જાય નહીં તેનું ધ્યાન રાખજો!’
તેમની પોતાની એક ‘ભારથ-કથા’ પણ છે. દેવીદેવતાઓ કાળકા, ઝાંપડી, બારબીજ, ઇદરાજ, સિમરિયો વાઘદેવ, લીમડી ગાહેળી માડી, દેવ શામળી, જોગણી મા, કાળી કાકર... બધાં પ્રકૃતિ અને પેલી પારના ગેબી ચમત્કારો સાથે દેવ! તેનો મેળો જામે...
વ્યારાથી બારડોલી
વ્યારાનાં મેદાનમાં સળંગ એક કલાક. બરાબર ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે. આ નાટ્ય-સંગીત-નૃત્ય-ગીત-દૃશ્યોત્સવને ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો તો પંદર-વીસ હજાર દર્શકો ઝૂમી ઊઠ્યાં; પોતાનો ઇતિહાસ, વૈભવ નજર સામે આવે ત્યારે આંસુ અને હાસ્યથી ચહેરા ઊભરાય, એ ય એક ઇતિહાસ બોધ!
રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી તો મધ્યકાલીન સાહિત્યના માણસ છે, તેમના ચહેરા પર ગરવા ગુજરાતની કળાસૃષ્ટિ માણ્યાનો અહેસાસ દેખાતો હતો; તો મુખ્ય પ્રધાન આનંદીબહેને કલાકારોની વચ્ચે જઈને કહ્યું કે ‘ગુજરાતનું આ અનોખું રૂપ છે, આપણે તેનું જતન કરીને વનવાસીની આંખમાં વધુ ચમક પેદા કરવી છે...!’
ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ રાજ્ય સ્તરના ઉત્સવ તરીકે વ્યારામાં ઊજવાયો, અને બીજા દિવસે વ્યારાથી બારડોલી. બારડોલી એટલે ‘સરદાર સંઘર્ષ ભૂમિ’ ‘બારડોલાઈઝ્ડ ઇન્ડિયા’નું અનોખું ઇતિહાસ પ્રકરણ રચાયું. તેનાં સાક્ષી તરીકે ‘સ્વરાજ આશ્રમ’ ઊભો છે. ત્યાંથી થોડેક દૂર બાબેન ગામમાં સરોવરતીરે મુખ્ય પ્રધાને સરદારની ૩૦ ફૂટની ભવ્ય પ્રતિમા ખૂલ્લી મૂકી. નર્મદાકિનારે ૧૮૨ મીટરની આવી ઊંચી પ્રતિમા રચાશે ત્યારે તે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’થી યે ઊંચેરી હશે! બ્રાઝિલના રિયો-દ-જાનેરોમાં ‘ક્રાઇસ્ટ ધ રીડીમર’ પ્રતિમા ૩૯.૯ મીટરની છે, તેનાથી ઊંચી ‘ધ મધરલેન્ડ ક્રોસ’ રશિયાનાં વોલ્ગોગ્રેડમાં (૮૫ મીટર) છે. તેથી ઊંચી ન્યૂ યોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (૯૩ મીટર), જાપાનમાં ઉશિકુ દાઈબુત્સુ ઇબારાકી પ્રીફેક્ચરમાં ૧૨૦ મીટર, તેનાથી ઊંચી ચીનમાં હેઠનમાં ‘સ્પ્રિંગ ટેમ્પલ’ ૧૫૩ મીટર... આ ક્રમે સરદાર ૧૮૨ મીટરના હશે!
યશપ્રતિષ્ઠ આનંદીબહેન
નર્મદાકાંઠે ‘સાધુ દ્વિપ’માં ૪૨ મહિનામાં તેનું નિર્માણ પૂરું થશે, તેની સાથે સ્મૃતિ ઉદ્યાન, સંશોધનભવન, પ્રતિમા સુધી દોરી જતાં પૂલ, હોટેલ, સભાખંડ, શિક્ષણકેન્દ્ર, તાલીમ કેન્દ્ર, મ્યુઝિયમ વગેરે પણ થઈ રહ્યાં છે. આનાથી પર્યાવરણને ભારે નુકસાન થશે એવો ‘વિરોધ’ વંટોળ કરવાની કોશિશ તો થઈ રહી છે, પણ સરદાર પ્રતિમા સાથેનાં નિર્માણ માટે રચાયેલું ટ્રસ્ટ અને વહીવટીતંત્ર એકદમ સજાગ છે. સ્વરાજ આશ્રમમાં ટ્રસ્ટે ઇતિહાસકારો, સંશોધકો, ઇતિહાસ વિભાગના અધ્યાપકો સાથે કરેલી ગોષ્ઠિમાં આ મુદ્દે સભ્ય સચિવ કે. શ્રીનિવાસને સૌને ધ્યાનપૂર્વક સાંભળ્યા અને વિગતો પૂરી પાડી.
મુખ્ય સચિવ પાંડિયન્ અને સરદાર નર્મદા નિગમના ચેરમેન એસ. એસ. રાઠોર પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં. વ્યારા અને બારડોલી બંને જગ્યાએ આનંદીબહેન પટેલને સાંભળ્યા ત્યારે લાગ્યું કે તેમણે એક મહિલા તરીકે, એક કિસાનકન્યા તરીકે, રાજકારણનાં કુશળ અનુભવી તરીકે અને લોકો સાથેના સીધા સંપર્કની જરૂરિયાત સમજીને તે રીતે આગળ વધનારા મુખ્ય પ્રધાન તરીકે કાઠું કાઢવા માંડ્યું છે. ૧૯૮૦નાં આનંદીબહેન અને ૨૦૧૫નાં આનંદીબહેનમાં ઘણો તફાવત છે. તે સરવાળે તેમની રાજકીય કારકિર્દીમાં વધુ યશ અપાવશે.