ગુજરાતનો આસામ સાથેનો સંબંધ છેક આજ સુધીનો છે, એટલે ગુવાહાટી (ગૌહતી એ અંગ્રેજોએ બગાડેલું નામ છે. એવું જ નૌગાંવનું છે, તે ‘નોગોંગ’ નથી. ‘બ્રહ્મપુત્રા’ નહીં, પણ ‘બ્રહ્મપુત્ર’ સાચું નામ છે. એક ‘સુભાનસિરી’ નદી-નામ વપરાય છે, તે વાસ્તવમાં ‘સુબંસરી’ છે!)થી એક ગુજરાતી વેપારી મિત્રે ફોન પર જણાવ્યું કે અમારે ત્યાં આજકાલ બાંગ્લાદેશ સાથેના સરહદી કરારોની ભારે ચર્ચા છે.
જનઆંદોલનની ભૂમિ
‘ગુજરાત સમાચાર’ના વાચકો જાણે છે કે આસામમાં લાંબા સમય સુધી બાંગ્લાદેશ (પૂર્વે પૂર્વ પાકિસ્તાન)માંથી હજારોની સંખ્યામાં ઘૂસપેઠિયાઓ આવીને આસામમાં વસી ગયા અને જમીન, ભાષા, પાણી, નોકરીમાં ભાગ પડાવીને ઘાતક અસરો પેદા કરી. એટલું જ નહીં, પણ ચૂંટણીમાં ‘મતદાર’ થઈને રાજકારણને ય ડહોળી નાખ્યું. ગેરકાયદે આવીને વસી ગયેલા આ ‘બિદેશી’ઓની સામે ૧૯૮૦થી જે આંદોલન ચાલ્યું તે અભૂતપૂર્વ હતું. અસમીઓને પોતાના માથા પર આવા બે પ્રકારના ‘આઉટસાઇડર’નો ભય છે, એક ‘બહિરાગત’, એટલે અસમની બહારથી આવેલા પડોશીઓ, બીજા બાંગ્લાદેશી ‘વિદેશી ઘૂસણખોરો.’ ગુજરાતે નવનિર્માણ આંદોલન કરેલું તેમાંથી પણ અસમી છાત્રોએ પ્રેરણા મેળવી હતી.
આ જનઆંદોલને આસામનાં રાજકારણ પર ભારે અસર કરી. ૧૯૮૦માં આંદોલનના અભ્યાસ માટે આસામ જવાનું થયું ત્યારે કોટન કોલેજના મેદાનમાં જુવાન નેતાઓનો જોસ્સો નિહાળ્યો હતો, તેમાંથી જ પ્રફુલ્લ મહંતો, ભૃગુ ફુકન વગેરે પછીથી ચૂંટણીમાં જીતીને સરકાર બનાવવામાં સફળ થયા હતા. પણ જેમ આંદોલનકારી જનતા પરિષદ - ઇન્દુચાચા જેવા મહારથી નેતા હોવા છતાં - ગુજરાતમાં રાજ્ય રચના પછી યે મજબૂત પ્રાદેશિક પક્ષ ન બની શકી કે સત્તા પર ન આવી શકી તે જ રીતે અસમ ગણ પરિષદ - આવાં અભૂતપૂર્વ આંદોલન પછી - મેળવેલી સત્તાને લાંબો સમય સાચવી ન શકી, અત્યારે તેનું અસ્તિત્વ અસરકારક નથી.
એલબીએ કરાર
આવા સંજોગોમાં - એકાદ વર્ષ પછી આસામ વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે - ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એલબીએ (લેન્ડ બાઉન્ડરી એગ્રીમેન્ટ)ને લોકસભામાં મંજૂરી અપાઈ તે મહત્ત્વની ઘટના છે. ૧૯૭૪માં આ વિધેયક માટે મંત્રણાઓ થઈ હતી, તેમાં બાંગ્લાદેશમાં સરહદ પર આવેલા ૧૧૧ સ્થાનો અને ભારતની સરહદે આવેલાં ૫૧ બાંગ્લાદેશી સ્થાનોમાં જે પ્રજાનો વસવાટ હતો તેમને કોઈ પણ પ્રકારની - બેમાંથી એકેય દેશની - નાગરિક સગવડો મળતી નહોતી. અરે, કાયદો-વ્યવસ્થામાં યે તેઓ ત્રિશંકુ હતા એટલે ત્યાં અસામાજિક અને ઘૂસપૈઠના દલાલોનું સામ્રાજ્ય રહેતું. ભારતનો બાંગ્લાદેશ હેઠળનો ૧૭,૧૬૦.૬૩ એકર વિસ્તાર અને ભારતમાં બાંગ્લાદેશનો ૭૧૧૦.૦૨ એકર વિસ્તાર આવી અરાજકતામાં વર્ષોથી સંકટ સહન કરતો હતો તેનો હવે નિવેડો આવ્યો છે. આમાં પશ્ચિમ બંગાળ, મેઘાલય, આસામ, ત્રિપુરાનો કેટલોક હિસ્સો આવી જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કરાર માટે પ્રથમ અભિનંદન શ્રીમતી સોનિયા ગાંધીની કોંગ્રેસ અને આસામની સરકારના મુખ્ય પ્રધાન સાઇકિયાએ આપ્યાં છે!
સરહદ પરનો શાંતિપૂર્વકનો ઉકેલ એ કુશળ રાજનીતિનો ભાગ છે. દૂધમાંથી પોરા કાઢવાની કાયમી દુકાન ચલાવનારા કેટલાક ‘આપડાહ્યા’ઓ એવું જણાવશે કે અગાઉ જે બેરુબારી માટે જનસંઘે આંદોલન કરેલું તે બેરુબારી પણ આ કરારમાં બાંગ્લાદેશને પરત કરવાનું થાય છે! બેરુબારીના બે હિસ્સા છે, તેમાંનો એક ભારતીયો હેઠળ છે, બીજો બાંગ્લાદેશીઓનો છે તે તેમને આ કરારમાં સોંપાશે.
એકંદરે આ સમજૂતી ભારતના પડોશી દેશો સાથેના સરહદી કરાર માટે એક ઉદાહરણરૂપ થઈ પડશે. એટલું જ નહીં, પણ પૂર્વોત્તર ભારતમાં ઘૂસણખોરીના પ્રશ્ને આંશિક રાહત પણ આપશે. ગુજરાતી વડા પ્રધાનના શાસનમાં એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે તેમની રણનીતિનો આ એક સારો પ્રયોગ અને પરિણામ ગણાશે. આસામ-ગુજરાતના નાગરિકો તેનાથી જરૂર હરખાયા છે.
લંડનવાસી ગુજરાતીઓ...
લંડનમાં ગુજરાતી પુસ્તક મેળો અને ગુજરાત વિશે સાહિત્યકારો - લોકગાયકો - કવિઓ - ચિત્રકારો અને અભિનેતાઓ-નાં સરસ સહજ વ્યાખ્યાનોનો ઉત્સવ થઈ શકે ખરો? ગુજરાતીઓની વસ્તી, એનસીજીઓ જેવી માતબર સંગઠના, જુદી જુદી જ્ઞાતિ-સમુદાયોની સંસ્થાઓ, ચારથી વધુ ‘લોર્ડ’ ગુજરાતી વિદ્વાનો, ‘ગુજરાત સમાચાર’ જેવું પ્રથિતયશ સાપ્તાહિક, ભારતીય વિદ્યાભવનની પ્રવૃત્તિઓ, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાનો અને શાળાઓ... આ બધું જોતાં ‘સાહિત્યમેળો’ જેવો પ્રયોગ અશક્ય નથી, થવો જોઈએ એવો વિચાર, હમણાં પહેલી મેથી સાતમી મે સુધી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળો જોયા પછી આવ્યો!
ઘણા બધાં પુસ્તકોની સાથોસાથ વાચકોને તેમના પસંદના લેખકો - ગીતકારો - લોકગાયકોને માણવાનો યે લહાવો મળી ગયો. જુવાન છોકરાં છોકરીઓને નર્મદ - મેઘાણી - ઉમાશંકર - સુંદરમનાં ચિત્રો પાસે ઊભા રહીને કેમેરા ‘ક્લિક’ કરતાં જોઈને આનંદ પણ થયો. એક સાંજે મારે બોલવાનું આવ્યું ત્યારે મેં આંતરરાષ્ટ્રીય પત્રકાર અને કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી અને ‘સૌરાષ્ટ્ર’ અખબારના શાયર-પત્રકાર ઝવેરચંદ મેઘાણીનાં જીવનની કેટલીક અ-જાણ અને રસપ્રદ ઘટનાઓ કહી. આ ઘટનાઓ સાંભળતા કેટલાક શ્રોતાઓની આંખોમાં આંસુ હતા. કોણ કહેશે કે ઊંચાઈ ધરાવતા સર્જકો આપણા મનને સ્પર્શી જતા નથી?
વિદેશોમાં ગુજરાત-ઉત્સવો યોજાય ત્યારે તેમાં આવું પણ પ્રયોજન હોય તો સાચુકલાં ગુજરાતીપણાની આત્મીયતાનો અહેસાસ થતો રહેશે, અને ગરવી ગુજરાત માટે આ પણ એટલું જ જરૂરી છે!