સર્જાતા સાહિત્યનો માહોલ અંતરિયાળ ગુજરાતમાં પહોંચાડવાનું અભિયાન

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 15th May 2018 08:40 EDT
 
 

સામાન્ય રીતે કોલમમાં વ્યક્તિગત પ્રસ્તુતિ કરવાની હોતી નથી. સારા સ્તંભ-લેખક માટેની એ સહુથી મોટી કસોટી પણ છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષપદને એક વર્ષ પૂરું થયું તેના વ્યાપક સાહિત્યકેન્દ્રી અનુભવો કેવા રહ્યા તેની વાત આજે કરવી છે. પદ અહીં માત્ર વ્યવસ્થાનું પ્રતિક છે, પ્રવૃત્તિ અને પરિણામો તેનું વિચાર-દ્રવ્ય છે.

એ તો સર્વમાન્ય તથ્ય છે કે અકાદમી (અને બીજી ચાર કચ્છી, સિંધી, સંસ્કૃત, ઉર્દૂ, હિન્દી એમ પાંચ ભાષા) અને સાહિત્ય વિશે સરકારે પણ સક્રિય રહેવું જોઈએ એવાં વિચારથી આ અકાદમીઓ શરૂ થઇ અને સરસ ચાલી. આ પૂર્વે તેના અધ્યક્ષ તરીકે મોહમ્મદ માંકડ, મનુભાઈ પંચોલી, ભોળાભાઈ પટેલ સાહિત્યકાર તરીકે સેવા આપી હતી. મંત્રીઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચેના સમય દરમિયાન કામચલાઉ વહન કરતાં હતાં.

૧૫ મે ૨૦૧૭ના દિવસે ગાંધીનગરના અભિલેખાગાર ભવનમાં (અહીં પુરાતત્વ વિભાગ બેસે છે અને નામ એવી ઈમારત છે, જૂનીપુરાણી પણ મજબુત) પ્રવેશ કર્યો ત્યારે જ છેલ્લા ૫૦ વર્ષથી પત્રકારત્વ, નિબંધ, નવલકથા, અનુવાદ, જીવનચરિત્ર, રાજકીય વિશ્લેષણ, ઇતિહાસ, સ્મરણકથા એમ વિવિધ પડાવ પસાર થતા રહ્યા છે. અને એટલા માટે જ કદાચ રાષ્ટ્રપતિ દ્વારા માર્ચ ૨૦૧૮માં પદ્મ સમ્માન એનાયત થયું હતું તેને આ નવી જવાબદારી સાથે જોડી દેવાના પડકાર તરીકે એહસાસ થયો.

ગુજરાતી ભાષા અને સાહિત્ય તેમજ સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશે સાહિત્યનું સર્જન કરતા સુપ્રતિષ્ઠિત અને નવોદિતોનું સર્જન... તેને માટે કોઈ સાહિત્ય સંસ્થા શું કરી શકે અને શું કરવું જોઈએ તે વિશે આપણે ત્યાં ઓછું વિચારાયું નથી. રણજીતરામ વાવાભાઈ મહેતાના સ્વપ્નની ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઇ ત્યારથી મુનશી, ગાંધીજી, આનંદશંકર ધ્રુવ, બલવન્તરાય ઠાકોર, રમણભાઈ નીલકંઠ, ઉમાશંકર જોશી, નિરંજન ભગત, રામપ્રસાદ બક્ષી, ધીરુભાઈ પરીખ, ચન્દ્રકાન્ત ટોપીવાલા, રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર સહિતના કવિ, સાહિત્યકારોના અધિવેશનોમાં થયેલા અધ્યક્ષીય વ્યાખ્યાનોમાં સાહિત્યસર્જન અને પ્રભાવની ચિંતા અને ચિંતન થતા રહ્યા છે. જેમને અધ્યક્ષ થવાની તક ના મળી તેઓ પણ (જયંતી દલાલ, ઝવેરચંદ મેઘાણી, સુરેશ જોશી, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરે) પોતાની રીતે ગુજરાતી ભાષા મંથન કર્યું જ હતું.

આ બધા તો લેખક અને કવિઓ હતાં. પણ ઘણા પત્રકારો, સંપાદકો, સ્તંભ લેખકો અને સાર્વજનિક જીવનમાં સક્રિય એવા મહાનુભાવો પણ લખતા રહ્યા. તેમાં વિજયરાય વૈદ્ય, શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ, સ્વામી આનંદ, મકરંદ દવે, શિવકુમાર જોશી, વાસુદેવ મહેતાના નામોનું ઉમેરણ કરી શકાય. આમાંના કેટલાક ઉંચા ગજાના કવિ અને ગદ્યકાર હતા. ગુજરાત સાહિત્ય સભા, પ્રેમાનંદ સાહિત્ય સભા, ફોર્બસ સંશોધન, ભો.જે. વિદ્યાભવન, વિશ્વકોશ જેવી સંસ્થાઓની સાહિત્ય અને પ્રકાશન સેવાઓ નોંધનીય રહી છે.

બીજા પણ નામો ઉમેરી શકાય પણ મૂળ વાત એકવીસમી સદીના સત્તર વર્ષ વીતી ગયા પછીના ગુજરાતીનું સાહિત્યના વાતાવરણ માટે કેવુંક વલણ છે તે પાછલા અનુસંધાને મહત્વની સમસ્યા છે. સ્થિતિ નહીં, સમસ્યા લખું છું. કારણ એ છે કે ઘરઆંગણે શાળા-મહાશાળા, વિશ્વ વિદ્યાલયો, ભાષા ભવનો, સમગ્ર સમૂહ માધ્યમો, શિક્ષણ અને વિદેશે વસી ગયેલા ગુજરાતી પરિવારોમાં ગુજરાતી ભાષા કેમ લડખડતી લાગે છે તેનું સાર્વજનિક ચિંતન મોટા ભાગે થયું નથી.

અંગ્રેજીની બોલબાલા એ વાસ્તવિકતા છે પણ તેની સાથે સ્વ-ભાષાનો પ્રેમ અને જોસ્સો કેમ ઓછો થતો ચાલ્યો છે તેના કારણો એકલા ગુજરાતના નથી, દેશ આખામાં બંધારણ ઘડાયું ત્યારે જ હિન્દીને અગ્રીમતા આપવામાં ન આવી તેમાં પડેલું છે. દક્ષિણ ભારતે હિન્દીને ઉત્તર ભારતની જ ગણી અને તેમાં રાજાજી જેવા વિચારક ભળ્યા ત્યારથી ભાષાની રાષ્ટ્રીય નીતિમાં એક પ્રકારનો ડર પ્રવેશી ગયો એટલે ભાષાના ગૌરવનું મહત્વ જે આઝાદી જંગ દરમિયાન હતું તે બાજુ પર રહી ગયું. ભાષાવાર રાજ્ય રચનાઓ તો થઇ પણ ભાષાને રાજકીય હથિયાર પણ ક્યાંક બનાવવામાં આવે છે.

કર્ણાટકની તાજેતરની ચૂંટણીમાં કર્ણાટકની અસ્મિતાનું રાજકીય શસ્ત્ર અજમાવવામાં આવ્યું તે કેટલાકે નોંધ્યું હશે. ગુજરાતની અસ્મિતામાં ભાષા મહત્વના સ્થાને છે પણ તેનો કોઈ રીતે ક્યાંય રાજકીય ઉપયોગ થયો નથી. મુનશી ગુજરાતની અસ્મિતાના મહારથી હતાં પણ તેમણે અલગ ગુજરાતની ભાષાના આધાર પર રચનાનો વિરોધ કર્યો હતો. ગુજરાતી ભાષા પ્રત્યેનો અનુરાગ અનેક રીતે સ્વીકૃત અને અસ્વીકૃત થતો આવ્યો છે.

પાકિસ્તાનથી થોડાંક સમય પહેલા કેટલાક સિંધી મુસ્લિમ પાકિસ્તાની મહાનુભાવો ગુજરાતના પ્રવાસે આવ્યા હતાં. કરાચીમાં આઝાદી પૂર્વે ગુજરાતીની બોલબાલા હતી, આઝાદી પછી પણ ત્યાં અનેક અખબારો અને સામયિકો પ્રકાશિત થતા રહ્યા છે. તેમનો સિંધી જેવો જ ગુજરાતી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થતો રહે છે. જનાબ પોલાણીના સામયિકમાં મુખપૃષ્ઠ પર લખાતું આવ્યું કે ગુજરાતીમાં વાંચો, ગુજરાતીમાં બોલો અને ગુજરાતીમાં વિચારો.

આ ગુજરાતીપણાને આપણે ત્યાં કઈ રીતે વિકસિત કરી શકાય? એ તો સારું જ થયું છે કે સરકારે ખાનગી શાળાઓ સહિત બધે ગુજરાતીને અનિવાર્ય બનાવવાનો ફેસલો લીધો. તેમાં પણ કેટલીક ખાનગી શાળાઓને માનવાધિકારનો ભંગ લાગ્યો! પરંતુ સરકારે દૃઢતાથી આગળ વધવું જોઈએ અને ગુજરાતી શિક્ષકોની સજ્જતા માટે આયોજન કરીને પાઠ્ય પુસ્તકોમાં પણ ભાષા અને સાહિત્ય બન્નેને પ્રભાવી ન્યાય મળે તેવું થવું જોઈએ.

ગુજરાત સાહિત્ય અકાદમીએ ભાષા અને સાહિત્યની ચિંતા અધિવેશનો અને પરિસંવાદ પૂરતી સીમિત ના રહે તે માટે ગુજરાતના નગરો, ગામો અને ક્યાંક અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચવાનો અભિગમ રાખ્યો. તેવા કાર્યક્રમો થયા, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યથી સૌ પરિચિત થાય, તેની ચર્ચા કરે અને નવા લેખકોનો ઉન્મેષ સર્જાય તે માટે ગોષ્ઠી, શબ્દ યાત્રા, ચર્ચા, પરિસંવાદ, પુસ્તક પરિચય જેવા કાર્યક્રમો શરૂ થયા.

અકાદમી પાસે પ્રકાશિત અઢળક પુસ્તકોનો ભંડાર છે, તેને વધુ વળતર અને વેચાણ કેન્દ્રો દ્વારા વાચકો સુધી પહોંચાડવાનું તો રીતસરનું અભિયાન જ ચાલુ છે. કાર્યક્રમની જગ્યાએ અમારા કર્મચારીઓ તંબુ તાણીને પુસ્તકોના વેચાણ માટે બેસી જાય છે. કોલેજો પુસ્તકાલયો સીધા ગાંધીનગર પહોંચીને પુસ્તકો ખરીદે છે. ૧૬ લાખ રૂપિયાના પુસ્તકોનું આ સમય દ્વારા વેચાણ થયું! અકાદમીના ઇતિહાસમાં આ અનોખી ઘટના છે.

એકલા આ વર્ષમાં ૩૧ પુસ્તકો પ્રકાશિત થયા, જે પુસ્તકોનું પુનર્મુદ્રણ થવું જોઈતું હતું તેવા ૨૩ પુસ્તકો આવ્યા. તેમાં સુરેશ જોશી, ધૂમકેતુ, સરોદ, રાજેન્દ્ર શાહ, ચુનીલાલ મડિયા, નરસિંહરાવ દિવેટિયા, મેઘાણી, કલાપી, જયંત ખત્રી, ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ, રામનારાયણ પાઠક અને લોકસાહિત્યનો સમાવેશ થાય છે. બીજા પુસ્તકો પ્રકાશિત થવામાં છે. ૨૧૭ નવા લેખકોને તેના પ્રથમ પ્રકાશન માટે આર્થિક સહાય આપી છે.

અકાદમીને વિવાદ કે વિતંડાવાદમાં રસ નથી એટલે આ એક જ વર્ષમાં ૧૨૭ સ્થાનોએ સાહિત્યના કાર્યક્રમો યોજવામાં આવ્યા. આંબેડકર વિશ્વ વિદ્યાલયમાં રાષ્ટ્રીય સ્તરનો ચર્ચા યજ્ઞ થયો. તેનો કેન્દ્રવર્તી વિષય હતો: ‘રાષ્ટ્રે જાગ્ર્યમ વયમ!’. સમાજ અને રાષ્ટ્રને માટે આજે જેની તાતી આવશ્યકતા છે તે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ભાવાત્મક માહોલની છે. અકાદમી તેમાં પણ પરિણામ સુધીનો માહોલ રચાય તે માટે પ્રવૃત્ત છે. તેને સાહિત્ય પ્રભાવની કોઈ સરહદ નથી, વૈશ્વિક ગુજરાતી સાહિત્ય અને અન્ય ભાષાના સાહિત્યના અનુવાદનો પણ પ્રયાસ અવિરત છે.

નર્મદના અને મેઘાણીના, શ્રીધરાણી અને ઉમાશંકરના, મુનશી અને સુરેશ જોશીના સાહિત્યિક શિખરોના પડછાયે, કોઈની જરા સરખી દરમિયાનગીરી સિવાય, સંપૂર્ણ સ્વાધીન રીતે અકાદમી આગેકદમ માંડી રહી છે. તેનો એક અવાજ સંવાદ સભા છે, બીજો શબ્દ યાત્રા છે, ત્રીજો પ્રકાશન અને સન્માનનો છે અને ચોથો ‘શબ્દ સૃષ્ટિ’ સામયિકનો છે!


comments powered by Disqus