રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્વે બન્ને ઉમેદવારો - રામચંદ્ર કોવિંદ અને મીરા કુમાર – સાબરમતી ગાંધી આશ્રમે વંદન માટે આવ્યા હતા. આ આશ્રમનો અને ગાંધીજીના સત્યાગ્રહ ચંપારણનો અત્યારે શતાબ્દિ ઉત્સવ ચાલે છે. શ્રીમદ્ રાજચંદ્રનીયે પૂણ્યતિથિ ઊજવાઈ પણ ગાંધી આશ્રમમાં યોજાયેલા ઉત્સવ ઢાંચાઢાળ રહ્યો. અમદાવાદના નાગરિકોને તો ખબર પણ ના પડી કે ક્યારે અને કેવી રીતે ઊજવાઈ ગયો.
બીજી ઘટના અમદાવાદને યુનેસ્કોએ જાહેર કરેલા વીરાસત નગર (હેરીટેજ સિટી)ની છે. સલામ શહેરે અમદાવાદ તો ૬૦૦ વર્ષ પુરાણું, પણ તે પહેલાં અહીં પાટણના કર્ણદેવની રાજધાની હતી અને તે પૂર્વે આશા ભીલનું શાસન હતું એટલે ‘આશાપલ્લી’થી ‘અમદાવાદ’ની સફર ઘણી લાંબી છે. શ્રેષ્ઠીઓ (શાંતિદાસ ઝવેરી જેવા, જેમની પાસેથી દિલ્હીના મુઘલ બાદશાહો આર્થિક મદદ લેતા) અને પોળ - અર્વાચીન અમદાવાદે આપ્યા. અંગ્રેજી ભાષામાં કામ કરતા અભ્યાસુઓ જ્યારે આ પોળ વિશે લખે ત્યારે પહેલી ભૂલ ઉચ્ચારણની કરે છે. ‘પોળ’ નહીં, પણ ‘પોલ’ લખે છે! બન્નેના અર્થ જુદા છે. પોલ તો નબળાઈ સાથે જોડાયેલી છે અને તેમાંથી ‘પોલંપોલ’ શબ્દ આવ્યો છે. પણ પોળ – પાલનપોષણ કરનારી - જગ્યા છે.
અમદાવાદની પોળો બાહરી આક્રમણોની સામે સુરક્ષા કિલ્લો પૂરવાર થતી. આજે પણ એક પોળમાં પ્રવેશો તો વાંકાચૂકા, સાંકડા રસ્તે થઈને ક્યાંના ક્યાં પહોંચો! પોળના મકાનોની વિશેષતા એ પણ છે કે ત્યાં પર્યાવરણની અદભુત જાળવણી થઈ છે. ઉનાળામાં યે આ ઘરોમાં તાપમાન ઊંચું ના રહે અને શિયાળામાં ઠંડી ન લાગે! ચોમાસે વરસતાં પાણીનો સંગ્રહ ટાંકામાં થાય તે આખું વરસ પીવાના કામમાં આવે. પોળોની એકતા સંગઠિત સૈન્ય ટુકડી જેવી હોય છે. રમખાણો દરમિયાન તેનો ઉપયોગ પણ થાય! એ વાતની નવાઈ ન લાગવી જોઈએ કે મહાનગરની સૌ પહેલી શાળાઓ, ગ્રંથાલયો, હવેલીઓ પોળોમાં જ આવેલી છે! ખાડિયાએ મહાગુજરાત આંદોલનને જન્મ આપ્યો અને જનસંઘ (જે હવે ભારતીય જનતા પક્ષ તરીકે શાસન કરે છે)ની તો સ્થાપના અને કાર્યાલયો પણ પોળમાં જ રહ્યા હતાં! હવે તે શહેર છોડીને ગાંધીનગરના રસ્તે શ્રીકમલમમાં વિરાજે છે.
જયંતિ દલાલ, બ્રહ્મકુમાર ભટ્ટ, અશોક ભટ્ટ, શંભુ મહારાજ, વસંતરાવ ગજેન્દ્ર ગડકર, નાથાલાલ ઝગડા જેવા ઘણા પ્રખર મહાનુભાવોની કર્મભૂમિ આ પોળોમાં જ વિકસિત થઈ. માંડવીની પોળમાં બી. ડી. આર્ટસ કોલેજ અને તેના સારસ્વત પ્રિન્સિપાલ એસ. આર. ભટ્ટ કે ફિરોઝ દાવર સાહેબનું સ્મરણ આ પોળ સાથે જોડાયેલું છે.
માણેકચોકમાં ‘ચાંલ્લાની ઓળ’ એ પોળનો જ એક ભાગ છે. દંતકથા એવી કે જૂનાગઢના રાજવી રા’ગંગાજળિયા તરીકે ખ્યાત રા’માંડલિકની કબર આ ઓળમાં છે. હિન્દુ-મુસ્લિમો તેની કબર પર ફૂલ ચઢાવીને માનતા-બાધા રાખે છે. આ રાજવીએ પરાજિત થઈને બેગડાએ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું તેવી કહાણી છે જે વાસ્તવમાં તદ્દન કલ્પિત છે. માંડલિક તો મોટાં યુદ્ધમાં અમરેલીની પાસે બલિદાન પામ્યો હતો તેનો પાળિયો પણ ઊભો છે. પણ, આપણે ત્યાં ઇતિહાસમાં કોઈએ એક વાર લખી નાખ્યું તે ચાલતું જ રહે છે!
અમદાવાદની વિરાસત તેના પુરુષાર્થી જીવનમાં પડેલી છે. શેઠ રણછોડલાલ રેંટિયાવાળા નામના નાગરે સાહસપૂર્વક નાણાં એકઠાં કરીને પહેલવેલી કાપડ મિલ સ્થાપવાનો મરણિયો પ્રયાસ કર્યો તેમાં સફળ થયા. છેક લંડનથી તેને માટે દાદાભાઈ નવરોજીએ મીલની યંત્રસામગ્રી અમદાવાદ પહોંચાડવામાં મદદ કરી હતી પણ પહેલી વાર તો લંડનથી ખંભાત સુધી પહોંચતા દરિયામાં જ ભારે તોફાનને લીધે ડૂબી ગઈ. રણછોડલાલ હિંમત હાર્યા નહીં. તેમણે ફરી વાર યંત્રો મંગાવ્યા. ખંભાતથી અમદાવાદ બળદગાંડામાં આ સામગ્રી પહોંચી અને કેલિકો મીલ ઊભી થઈ. સવારે અને રાત્રે મીલોનાં ભૂંગળાં વાગે એટલે હજારો કામદારો નીકળી પડે તે દૃશ્યો હજુ ઘણાંને યાદ હશે કેમ કે આ અનેક મીલમાં કોઈને કોઈ રીતે કામ કરનાર અમદાવાદી કુટુંબોની સંખ્યા ઘણી મોટી હતી. પછી તે ‘માંદી મીલ’ બની અને હજારોની નોકરી છીનવાઈ ગઈ. હા, મીલ મજદૂર અને માલિક વચ્ચે મનમેળ સર્જવા માટે ગાંધીજીએ અનસૂયાબેન સારાભાઈના સહયોગથી ‘મજુર મહાજન’ સંગઠનનો પ્રયોગ કર્યો. સમય જતાં, આઝાદી પછી તેમાં સંસ્થાકીય સડો પેઠો એટલે ઇલાબહેન ભટ્ટ જેવા છૂટા થઈને ‘સેવા’ નામે સંસ્થા સ્થાપી તે આજે વિશ્વખ્યાત સ્થાન ધરાવે છે.
અમદાવાદે સાવરકરને ગરજતા સાંભળ્યા છે, હિન્દુ મહાસભાનાં અધિવેશનમાં. અહીં ડો. આંબેડકરનો પ્રવાસ થયો હતો. સ્વામી વિવેકાનંદ ૧૮૯૨માં આબુ-શિરોહીથી અમદાવાદ આવ્યા તે પ્રસંગ મારી ડોક્યુ-નોવેલ ‘ઉત્તિષ્ઠત, ગુજરાત!’માં વર્ણવ્યો છે. દલપતરામ અને બીજા મહાનુભાવોએ ફાર્બસની મદદથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને વિદ્યાસભા સ્થાપી અને ‘વરતમાન’ તેમજ ‘બુદ્ધિ પ્રકાશ’ જેવાં પ્રકાશનો શરૂ થયાં. હરકુંવરબા શેઠાણીએ પ્રથમ કન્યાશાળા સ્થાપી. કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારે મંચ પર ગાંધી-ટાગોર એક સાથે જોવા મળ્યા હતા. ટાગોરે તો તેમની યુવા વયે શાહીબાગના એક વિશાળ નિવાસે (જે હવે સરદાર પટેલ સ્મારકમાં પલટાઈ ગયું છે અને તે પહેલાં રાજ્યપાલ નિવાસ હતો.) પોતાની વાર્તા ‘ક્ષધિત પાષાણ’ રચી હતી!
સરદાર વલ્લભભાઈની બેરિસ્ટરીનાં પરિણામરૂપે વકિલાત અમદાવાદથી પરિચિત બની અને વલ્લભભાઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ સંભાળ્યો તે બાબતો અત્યંત જાણીતી છે, પણ એ વાતની બહુ ઓછાને જાણ હશે કે સરદારે પોતાની ડાયરી લખવાની શરૂઆત અમદાવાદમાં કરી, તે પણ સાબરમતી જેલમાં! આ જેલમાં લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી, ભગતસિંહના સાથી વૈશંપાયન, વલ્લભભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાદેવ દેસાઈ અને બીજા ઘણાએ સજા ભોગવી હતી. તેનો છેડો છેક ૧૯૭૫-૭૬ સુધી પહોંચે છે.
કટોકટીવિરોધી પહેલો સત્યાગ્રહ અમદાવાદમાં સરદાર-પુત્રી મણિબહેન પટેલે કરેલો અને જેલવાસી મીસા-કેદીઓમાંના કેટલાક તો પછીથી મુખ્ય પ્રધાનો બન્યા તેમાં બાબુભાઈ પટેલ, કેશુભાઈ પટેલ પણ ખરા! શંકરસિંહ વાઘેલાને સાબરમતીનો લાભ થોડાક દિવસ માટે જ મળ્યો, જ્યારે ભાવનગર જેલથી કોઈ મુકદમા માટે તેમને લઈ જવામાં આવતા. નરેન્દ્ર મોદીએ તો સફળતાપૂર્વક ભૂગર્ભ-લડત ચાલુ રાખી હતી. પણ, આ બધા મુખ્ય પ્રધાન થયા તે અમદાવાદની ધરતી પરથી!
‘સલામ શહેરે અમદાવાદ’ના આ રૂપ-રંગ છે. તેણે મહાગુજરાત આંદોલન, નવનિર્માણ આંદોલન, કટોકટી વિરોધી સંઘર્ષ, ગૌહત્યા વિરોધી ચળવળ, અનામતની તરફેણ-વિરોધનો જંગ, રથયાત્રામાં તોફાનો, ૧૯૬૯ના રમખાણો, ૧૯૮૫નો હિંસાચાર, ગોધરા પછીની ઘટનાઓ, ધરતીકંપ વગેરેનો ગાઢ અનુભવ કર્યો, સત્તાપરિવર્તનો જોયાં. ભદ્રમાં કોંગ્રેસ કાર્યાલયની સામે જ મહાગુજરાતમાં શહીદ થયેલાઓનું સ્મારક પણ છે અને પોળોના નાકે, ગોળીથી વિંધાયેલા નવનિર્માણના યુવકોની ખાંભીઓ છે. સીદી સૈયદની જાળી, ઝૂલતા મીનારા, રાણી સીપ્રીની મસ્જિદ, મકરબો, જૂમા મસ્જિદ, કાંકરિયા અને બીજાં ઘણાં મુગલ સ્થાપત્યો છે. કર્ણમુક્તેશ્વર કર્ણ-સ્મૃતિ કરાવતું દેવાલય છે.
હવે તો અમદાવાદ – ગાંધીનગર અને અમદાવાદ – નડિયાદ રોડ પર અસંખ્ય નાનાં મોટાં મંદિરો સ્થાપિત થઈ ગયાં છે. મહેમદાવાદ પાસેનું ગણપતિ મંદિર, ગાંધીનગરના રસ્તે છારોડી સ્વામીનારાયણ મંદિર, મારુતિ ધામ, કોબામાં જૈન દેવાલય, અડાલજમાં ત્રિદેવ મંદિર વગેરે સ્થાપત્યની દૃષ્ટિએ પણ મહત્ત્વનાં છે. અમદાવાદ ભરચક વિસ્તારમાં કાળુપુર અને શાહીબાગ સ્વામીનારાયણ મંદિરો છે. કર્ણમુક્તેશ્વર તો કાળુપુર રેલવે સ્ટેશનની પાસે ગીચ વસતિમાં છે.
આ અમદાવાદને વીરાસત નગરનું સન્માન મળ્યું તે એક મહત્ત્વની ઘટના છે.