લો ત્યારે, અમદાવાદ ૬૦૫ વર્ષનું થઈ ગયું! ૨૬ ફેબ્રુઆરીએ તેનો જન્મદિવસ હતો, પણ તેને વળી કોઈ વિસામો કેવો? નવા ધમધમતા પશ્ચિમ વિસ્તારમાં યે ઉમેરો થતો જાય એવાં - એટલાં પરાં (કહોને કે ઉપનગરો) શીલજ, બોપલ, વસ્ત્રાલ, મહેમદાવાદ, નરોડા, સાણંદ તરફ ઊભાં થઈ ગયાં છે. ગાંધીનગર અને અમદાવાદ તો જોડિયા ભાઈબંધ થઈ ગયા. મેટ્રો રેલ આવશે એટલે સરખેજ - થલતેજ - દરિયાપુર - કાળુપુરથી ગાંધીનગરનાં સેક્ટરો તદ્દન નજીક થઈ જશે. આમે ય ગાંધીનગરની આસપાસ સરગાસણ, વાવોલ, ભાડજ, પેથાપુર, વાસણિયા સુધી તો ઇમારતો બંધાવા લાગી છે. કેટલાક તેનાથી દૂર મહુડી સુધી પહોંચ્યા. હોટેલો, ફાર્મ હાઉસો, શાળા-કોલેજો અને મંદિરો હાઇ-વેના બન્ને છેડે સ્થાપિત થયાં છે.
બૃહદ અમદાવાદ
આથી હવે આ ‘બૃહદ અમદાવાદ’નો નકશો જૂનાપુરાણાં નગરને કેટલુંક યાદ રાખી શકે? ‘વારસા’નાં નિમિત્તે ‘હેરિટેજ’ના પ્રયાસો તો થાય છે, પણ જૂનીપુરાણી વિશાળ હવેલીઓનું સ્થાપત્ય તો રહ્યું નહીં, અમદાવાદને બાર દરવાજા હતા, હવે તેમાંથી માંડ ત્રણ-ચાર સારી રીતે બચ્યા છે. ૬૦ જેટલાં તળાવો ક્યાં ગયાં? વસતિવધારાએ તેના પર ધૂળ નાખીને મકાનોનું અતિક્રમણ કરી નાખ્યું! ચંડોળા, કાંકરિયા અને વસ્ત્રાપુર જેવાં કેટલાંક હજુ રહ્યાં છે, બાકીનામાં ધીરે ધીરે મકાન-બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે.
અમદાવાદ એટલે વસતિનગર! ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં પોતાના પ્રદેશ અને વિવિધ પ્રદેશોમાંથી વસતિ કમાણી માટે આવીને સ્થાયી થઈ ગઈ છે. અમદાવાદના બાપુનગરમાં જાઓ એટલે કાઠિયાવાડનાં દર્શન થાય. મારવાડી, સિંધી, દલિત, રાજસ્થાની, બિહારી, મહારાષ્ટ્રીયનોનો મોટો જુમલો છે એટલે સુધી કે હવે રાજકીય પક્ષો તેને ‘જાળવવા’ માટે તે સમુદાયોના નેતાઓને પસંદ કરે છે. જૂહાપુરા-સરખેજમાં મુસ્લિમ સમાજ બરકરાર છે, કાળુપુર તેની જ પાંખ ગણાય. ૧૯૬૯નાં કોમી રમખાણો પછી આ વિસ્તારોમાંથી સ્થળાંતરો થતાં રહ્યાં છે. રથયાત્રા દરમિયાનનાં રમખાણો અને દારૂ-જુગારના અડ્ડાઓ માટે કેટલાક વિસ્તારો કાયમી કુખ્યાત રહ્યા હતા. હવે સ્થિતિ ક્રમશઃ બદલાવા લાગી છે.
કથા-દંતકથાઓનું મહાનગર
વસતિ? આ ફૂગાવો અમદાવાદને દોદળું શહેર બનાવી દેવા માટે જવાબદાર છે. ૧૮૭૨માં અહીંની વસતિ એક લાખ અઠ્ઠાવીસ હજાર પાંચસો પાંચની હતી. આજે તો તેનું નાનકડું પરું (સબર્બ) તેનાથી વધુ જનસંખ્યા ધરાવે છે. છ સદીમાં ૧૨૦૦ ગણો વિસ્તાર અને આજે તો એક મોટા રાજ્ય જેટલી આબાદી છે.
નગર હોય તેની કથા-દંતકથા તો હોવાની જ. સાભ્રમતીના તીરે દધીચિ ઋષિએ દેવાસુર સંગ્રામમાં ઇન્દ્રના વિજય માટે પોતાનાં અસ્થિ આપેલાં, તેમાંથી વજ્ર બન્યું. બોલો, ખોખલાં થઈ ગયેલાં આપણાં હાડકાં એક જમાનામાં કેવાં મજબૂત અને તીક્ષ્ણ હશે?
શોધખોળનું દિમાગ હોય અને ઇતિહાસનો રોમાંચ હોય તો કાળુપુર સ્ટેશનેથી અથવા ગીતા મંદિરના બસ સ્ટેશનેથી કે વડોદરાના સુપર હાઇ-વે પરથી યા રાજકોટથી વાયા બગોદરા થઈને આવો તો પાલડી અચૂક જજો. ત્યાં કોચરબ ગામ તો હવે અમદાવાદનો ભાગ બની ગયો છે. હા, ગાંધીજીનો પહેલો આશ્રમ અહીં કોચરબ નામ સાથે જોડાયેલો છે. પણ આ કોચરબની એક વધુ દાસ્તાં છે! અમદાવાદ અને કર્ણાવતીની પૂર્વે અહીં આશાપલ્લી કે આશાવલ નામે નગરી હતી. તેનો રાજા હતો આશા ભીલ! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બ્રાહ્મણ - વાણિયા - પટેલ - દલિત તો મેયર બન્યા છે, પણ આશા ભીલ પછી કોઈ ભીલનો વારો હજુ આવ્યો નથી! એમ તો અમદાવાદમાં એક ‘ભીલવાસ’ પણ છે.
અહમદાબાદ નામ આવ્યું અહમદશાહ પરથી. ‘જબ કુત્તે પે સસ્સા આયા...’ કહેવત મુજબ અહમદને લાગ્યું કે આ જમીન પર ‘આબાદ’ની ‘આબાદી’ થાય તો કેવું? ત્યારે કર્ણાવતી હતું. (ભાજપ-સંઘના મિત્રોમાંથી કેટલાક હજુ પોતાના વ્યવહારમાં ‘કર્ણાવતી’ શબ્દ પ્રયોજે છે, પણ સલામ શહેરે અમદાવાદમાં કોઈ વહીવટી નામાંતર નથી થયું.) ઇ.સ. ૧૪૧૧માં ચાર ‘અહમદો’એ નગરની પહેલી ઇંટ મૂકી. માણેક બુરજ થયો. માણેક ચોક પણ છે. માણેક બાવાની ગોદડીના તાર ખૂલે અને અહમદશાહનું બાંધકામ તૂટી પડે એવી યે કથા! આજે એ જ માણેક ચોકનું રાત્રિબજાર ધમધમે છે - ગરમ ગાંઠિયા, કૂલફી, આઇસક્રીમની ચટપટી વાનગીઓમાં હવે ભાજીપાઉં, પીત્ઝા, ઇડલીનો ઉમેરો જરૂર થયો છે.
માણેક ચોકની એક ગલીમાં - ‘ચાંલ્લાની ઓળ’માં રા’માંડલિકની કબર છે! જૂનાગઢના આ તેજસ્વી રાજવીને બાદશાહે હરાવીને વટલાવ્યો હતો એવું કહે છે. આજે તેની કબર પર હિન્દુ-મુસ્લિમ માનતા રાખીને ચાદર ચઢાવે છે. જોકે ઇતિહાસકારો કહે છે કે માંડલિક તો અમરેલી જિલ્લામાં ભીષણ યુદ્ધમાં મરાયો હતો, ચાંલ્લાની ઓળની કબર તેની નથી.
માણેક ચોકનો મિજાજ
માણેક ચોકની આસપાસ જ કેટલો ઇતિહાસ પડ્યો છે? આધુનિકતા તો હમણાં આવી, છેક ભદ્રના કિલ્લાથી માણેકચોક ફૂવારો - ઝળહળતા વૈભવનું સ્થાન હતું. ભદ્રના કિલ્લે મોટું મેદાન હતું ‘મેદાને શાહ’. ત્યાં પોલોની રમત રમાતી. રાજા તરીકેનો ભોગવટો માણે તે પહેલાં અહમદશાહ ‘તીસરા’ને તેના અમીર ઇનમાદખાંએ મારી નાખ્યો અને તેના શરીરના ટુકડા સાબરમતીની રેતીમાં ફેંકી દીધા તે મેળવવા બીબીઓ દોડી હતી. બે વરસ પછી ચંગીઝખાને જુજહારખાં હબસી બાદશાહે મારી નાખ્યો. ભદ્રમાં હવે ‘કારંજ પોલીસ ચોકી’ છે, બેગમ નૂરજહાંને સાથે લઈને જહાંગીર ફરવા તો નીકળતો, પણ અમદાવાદ તેને ક્યારેય પસંદ ના પડ્યું. તેને ‘ઝહન્નમાબાદ’ કહેતો!
કેવું હતું અમદાવાદના દિલ સરખું આ ભદ્ર? ૧૬મી-૧૭મી સદીમાં ભદ્રથી માણેક ચોક સુધી ખુલ્લું મેદાન. ૪૩ એકર જમીનમાં ૧૪ બુરજ. શાહી મહેલો અને નગીના બાગ. મિરઝાપુર જતી શેલુરકરની ૩૫૦ બારી-બારણાની હવેલી. ‘મેદાને શાહ’માં એક દિવસે પોલોની રમત શરૂ થઈ. નવાબજાદા આઝમખાન ઘોડા પર સવાર થઈને ખેલ માટે કૂદ્યા. એવા પારંગત કે તેનો ખેલ જોવા બેગમો અને દાસદાસીઓ યે થોભી જતાં. પણ આજની રમત? રહસ્યભરી હતી. ધૂળ ઊડાડતા ઘોડા પર આઝમખાન પોલોનો દાવ અજમાવતા હતા ત્યાં અચાનક, ખેલંદાઓમાંથી બે-ત્રણ બીજા ઘોડેસવારો તેના પર તૂટી પડ્યા. અણીદાર ભાલાં અને તલવારો સુરજના અજવાળે ચમક્યા. ઝરુખે બેઠેલી બેગમોના હોઠ પાનથી રંગીન થાય તે પહેલાં તો નવાબનું શરીર ઘોડા પરથી પટકાયું. તેના પર શમશેર ઝીંકવામાં આવી. જમીન પણ લોહીલુહાણ વફાદારો ‘બેવફા’ થયા હતા.
એ સુલતાની તો ગઈ, પણ આઝાદી પછી એય એક સંકેત છે કે લોકશાહી અને આંદોલનના હથિયારથી રાજ્યમાં વિદ્રોહ જગવનારા ‘મહાગુજરાત આંદોલન’ના પ્રણેતા અહીં જ ઇટાલિયન બેકરી પરના એક નાનકડા ઓરડામાં ૧૯૫૬થી રહ્યા હતા. ઓરડામાં કોઈ ખાસ સગવડ નહીં. એક પથારી પર ઇન્દુચાચા સૂતા હોય, આસપાસ બીજા નેતાઓ આવે તે નીચે ભોંય પર બેઠા હોય. એક ભાંગીતૂટી ખુરશી જેના નસીબે આવે તે મેળવે.
સુલતાની પછીની રાજનીતિ
યોગાનુયોગ મહાગુજરાત આંદોલનનું વિરોધ-નિમિત્ત ‘કોંગ્રેસ ભવન’ પણ અહીં જ છે! ’૫૬ના આંદોલનના દેખાવકારો પર પહેલવે’લી ગોળીઓ ત્યાં છૂટેલી. ચાર શહીદ થયા. હવે તો તે ‘સરદાર ભવન’ નામે બગાસાં ખાતી ઇમારત છે, પણ ૧૯૭૪માં નવનિર્માણ પછી કટોકટી, સેન્સરશિપ, જનતા મોરચાની રચના, જનતા મોરચાની પહેલી સરકાર, બાબુભાઈ પટેલના મુખ્ય પ્રધાન પદે સરકારની રચના, ઉમાશંકર જોશી - ભોગીભાઈ ગાંધી - ચંદ્રકાંત દરૂ જેવા લડવૈયાઓની બેઠકો... આ બધાંનું સરદાર ભવન સક્રિય સાક્ષી રહ્યું.
આ વિસ્તારમાં માણેક ચોકની બીજા માળની એક (જ) ઓરડી તે ભારતીય જનસંઘનું કાર્યાલય હતી! અંધારિયા બે ઓરડાની દિવાલમાં એક બાકોરું, એક ટેલિફોન પે’લી તરફ એક વકીલ વાપરે અને આ તરફ જનસંઘ નેતાઓ! ક્યારેક રાતે મોડું થાય તો અહીં જ અઠે દ્વારિકા! ભૂલેચૂકે સવારે ઊઠતાં સાવધ ન રહેવાય તો સીધી સીડી પરથી નીચે ભોંયભેગા થવાય. નાથાલાલ ઝઘડાએ તો અહીંથી નજીકની ચંદ્રવિલાસ હોટેલના દાળ-ભાત-ગાંઠિયા પર જ વર્ષો ગાળ્યાં હતાં! પછીથી આ કાર્યાલય વાયા ગોલવાડ, ખાનપુરમાં જેપી ચોકમાં બદલાયું અને હવે ગાંધીનગર જતા માર્ગ પર ‘શ્રી કમલમ’માં!
પ્રાર્થના સમાજ ભદ્રથી દૂર નથી, ખંડિત-વિખંડિત સામ્યવાદીઓનું તે થાણું હતું. ફકીર મેયર દિનકર મહેતા રાયખડના ‘ભટ્ટજીની ખડકી’ના બે રૂમના મકાનમાં રહેતા અને અમારું, કટોકટી-સેન્સરશિપ સામે ઝઝૂમેલાં, ‘સાધના’ સાપ્તાહિકનું કાર્યાલય કારંજથી રિલીફ સિનેમા તરફ જતા સલાપસ રોડ પરનાં ‘મનસુરી બિલ્ડિંગ’ના પહેલા માળે, અંધારિયા ઓરડામાં!
હવે ‘સ્માર્ટ’ સિટી
અમદાવાદ વિષે લખવા માટે મોટો ગ્રંથ જ જોઈએ. તેની પોળોની સુરક્ષા - સજ્જતા - સામાજિકતાની ભરપૂર જિંદગી રહી છે. વિવેકાનંદ (થોડા સમય માટે) અને ગાંધી અહીં રહ્યા, દાંડીકૂચ અહીંથી શરૂ થઈ, આઝાદી પછીનું પાટનગર પણ બન્યું, હિન્દનાં ‘માંચેસ્ટર’ તરીકે ય વખણાયું... આ ભૂતકાળ થયો, વર્તમાનમાંથી હવે તે ‘સ્માર્ટ સિટી’ બનશે ત્યારે?
સ્માર્ટ સિટી અને સ્માર્ટ સિટીઝન
રમખાણોમાં ઘવાયેલો-મરેલો, માફિયા-બૂટલેગરોની વચ્ચે રહેલો, ભીડભાડમાં જીવતો અમદાવાદી ઘણા વિશેષણો પામ્યો છે. રેલવેમાં મુસાફરી કરતો હોય ને કોઈ ઊંઘમાંથી જાગેલો મુસાફર વીતી ગયેલાં સ્ટેશનનું નામ પૂછે તો તેની યે લેવડદેવડ કરે તે અમદાવાદી એવી કથા ઘણી જૂની છે. તેને ચૂપ રહેતાં આવડે છે. તે પત્થર ઊગામી શકે છે. તે મોંઘવારીનો માર ઝીલે છે. તેને ગંદકીથી વધુ તકલીફ થતી નથી. ઝુંપડપટ્ટી, ચાલ, જીર્ણશીર્ણ મકાનો, ફ્લેટ, બંગલાઓમાં રહે છે. અપ-ડાઉન કરે છે. રતનપોળમાં હજુ ભાવનો ખેલ રમાય છે. ગુજરી બજારમાં જૂની વસ્તુઓ ફંફોસે છે. યુનિવર્સિટી-કોલેજો યુનિયનોના દંગલમાં ફેરવાય છે. બહારથી આવેલો ગાંધી આશ્રમ જોઈને ગદગદ થઈ જાય છે, પણ ‘બાપુનો આશ્રમ’ પૂછે તો રીક્ષાવાળો આસારામ ‘બાપુ’ના આશ્રમે પહોંચાડે છે. કવિઓની વસતિ ઠીકઠીક વધી છે. અધ્યાપકો બે-ત્રણ કલાક ‘ભણાવી’ને તગડો પગાર મેળવતા થયા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં તેવું થઈ શકે તેમ નથી. મેટ્રોનું બાંધકામ, બીઆરટીએસ અને રસ્તાઓમાં દિવસો સુધી ખાડા અને ખોદકામ રોજિંદી આદતમાં બદલાઈ ગયાં છે અને નગર બહાર કેટલાંક ફાર્મ હાઉસોમાં વિલાયતી શરાબની છૂપી મહેફિલો ક્યારેક પોલીસ પકડી પાડે છે. તહેવારો દરમિયાન ‘ભેળસેળ’ કરતી દુકાનો પર દરોડા તો પડે છે, પણ પછી શું વહીવટ થયો તેની ખબર પડતી નથી. ‘ડોનેશન’ અને ‘એજ્યુકેશન’ એકબીજાની સાથે હાથ મેળવીને ચાલે છે. કોર્પોરેશનની કેટલીક શાળાઓમાં ગોપાલકો પોતાનાં ઢોરઢાંખર પણ સાચવે છે.
અમદાવાદની અસ્મિતા? સંશોધનના આ વિષયને હવે ભાવિ ‘સ્માર્ટ સિટી’નાં આયોજનની સાથે જોડવો પડશે!