વીતેલું સપ્તાહ ગુજરાતને માટે એક રીતે ‘સાહિત્યનું સપ્તાહ’ બની ગયું અને તેનું અનુસંધાન હજુ દેખાય છે!
ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી અને ઉર્દુનાં શ્રેષ્ઠ પુસ્તકોનો પારિતોષિક સમારોહ યોજ્યો, તેમાં ૧૦૦થી વધુ લેખકોને ‘પોંખવામાં’ આવ્યાં. એકમાં અધ્યક્ષ સ્થાને રાજ્ય સરકારના યુવક–સેવા-રમત–સંસ્કૃતિ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હતા. વડોદરામાં તેમણે મલખમ પ્રવૃત્તિનો વિકાસ કર્યો તેનો મેં નિર્દેશ કર્યો તો પોતાનાં ભાષણમાં જણાવ્યું કે મેં પણ કવિતાઓ લખી હતી, પછી રસ્તો બદલાઈ ગયો! બીજા સમારંભમાં રાષ્ટ્રીય શિક્ષણ અધ્યાપન યુનિવર્સિટીના કુલપતિ ડો. શશીરંજન યાદવ આવ્યા. બન્ને કાર્યક્રમોએ ગુજરાતી સાહિત્યની આબોહવાનો તંદુરસ્ત સંકેત પૂરો પાડ્યો.
મેઘાણી-વંદના
અઠ્ઠાવીસમી ઓગસ્ટે ગુજરાતે ઝવેરચંદ મેઘાણીને યાદ કર્યા. ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ શ્રાવણ વદ પાંચમ, વિક્રમ સંવત ૧૯૫૨ના દિવસે આ ‘પહાડનું બાળક’ (તેમના પોતાના જ શબ્દો!) જનમે છે. કેટલું બધું લખ્યું - ગાયું - પ્રમાણ્યું આ માણસે? ‘શબદના સોદાગર’ શીર્ષકે કનુભાઈ જાનીએ ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ગ્રંથ આપ્યો છે. હિમાંશી શેલત – વિનોદ મેઘાણીનાં બે સંપાદન ‘લિખિતંગ હું આવું છું’ (પત્રસંગ્રહ) અને ‘અંતરછબિ’ (સ્મૃતિકથા) મેઘાણી-સર્જનને પામવા માટેનાં મૂલ્યવાન પુસ્તકો છે. જયંત મેઘાણીએ તો ઘણું મોટું કામ કર્યુંઃ અકાદમી દ્વારા પ્રકાશિત ‘સમગ્ર મેઘાણી’ સાહિત્યના દળદાર ૨૦ ગ્રંથોમાં સમગ્ર મેઘાણી આવી જાય છે. તેમાં સોના-નાવડી (કવિતા), નવલકથાઓ (ખંડ ૧-૨), નવલિકાઓ (ખંડ ૧-૨), નાટકો, પરિભ્રમણ (ખંડ ૧-૨), ચરિત્ર લેખન, ઇતિહાસ-દર્શન, ચોરાનો પોકાર, પત્રકારનું લેખન (‘ફૂલછાબ’ના તંત્રીલેખો), સાંબેલાના સૂર (કટાક્ષ), સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, લોકકથા-સંચય, રઢિયાળી રાત, લોકગીત-સંચય, ધરતીનું ધાવણ, લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય, લોકસાહિત્ય સંશોધન–પ્રવાસ, સંતો અને સંતવાણી.... આ તમામ વિષયો સમાવિષ્ટ છે. અધધધ જેટલું લખ્યું છે આ સાહિત્યકાર–પત્રકારે. પણ તેમના કોઈ શબ્દને ઉવેખીને આગળ ચાલી શકાય તેમ નથી. છેલ્લાં વર્ષોમાં આંગળા ઠરડાઈ ગયાં, કંપ-વા થયો ત્યારે મનેચ્છા હતી કે ‘કાળચક્ર’ નવલકથાને પૂરી કરું. એવું થયું હોત તો આઝાદ ફોજથી સ્વતંત્ર ભારતનાં દારુણ વિભાજન વિશે આપણને એક અદભૂત નવલકથા મળી હોત. ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘તુલસી ક્યારો’, ‘પ્રભુ પધાર્યા’ અને ‘નિરંજન’ તેમની યાદગાર નવલકથાઓ. ‘પરિભ્રમણ’ સાહિત્યના સાંપ્રત પ્રવાહોને સમાજ સમક્ષ કઈ રીતે પ્રસ્તુત કરી શકાય તેનું ઉદાહરણ છે. ‘આંતરછબિ’માં જીવનની યાત્રાનો સુપેરે નકશો છે અને એક ઇતિહાસકાર તરીકેનો વલવલાટ અને અજંપો પણ છે.
‘સૌરાષ્ટ્ર’ અખબાર રાણપુરમાં દર સપ્તાહે પ્રકાશિત થાય પછી બાકી રહેલા દિવસોમાં એમનું પરિભ્રમણ ચાલતું... અંતરિયાળ ગામડે જૂનાં લોકગીતો કંઠમાં સંઘરીને બેઠેલી વૃદ્ધા સાથે ય ગોષ્ઠિ કરે, ગીતો શબ્દસ્થ કરે! ઉમાશંકર જોશીએ તેમને કહ્યું હતું કે બે-ત્રણ જિંદગી જેટલું તમે લખ્યું છે, તે કોઈ લેખક ઉતારે કાગળ પર, તો યે પાર ના આવે.
મેઘાણીની ‘રક્ત ટપકતી’ કે ‘કસુંબીનો રંગ’ અને ‘છેલ્લો કટોરો’ તો તેમનાં અત્યંત જાણીતાં કાવ્યો. પણ એક બીજું છે ‘વિદાય’. આ સર્વસામાન્ય વિદાય નથી. દેશની સ્વાધીનતા માટે ખપી જવા આગળ વધેલા ક્રાંતિકારોની ‘છેલ્લી ઘડી’નો શ્વાસ-નિશ્વાસ છે. સાબરમતી જેલમાં મેઘાણી કેદી હતા ત્યારે (૧૯૩૧માં) ભગતસિંહના એક સાથી વૈશંપાયનને પણ ત્યાં રાખવામાં આવેલા. વૈશંપાયન સાહિત્યનો જીવ. પીએચ.ડી પણ કર્યું, તેમણે પોતાની એક ઉર્દુ-હિન્દી કવિતા સંભળાવીઃ ‘હમ ભી ઘર રહ સકતે થે...’
કેવી ઉત્તમ રચના!
મેઘાણીનું હૃદય હલબલી ગયું. વિદાયની આ ખુમારીને શબ્દસ્થ કરવા તેમણે કલમ ઉપાડી અને આ રચના જન્મ પામી.
‘બધી માયા મોહબ્બત પીસતાં વર્ષો વીતેલાં
કલેજાં ફૂલનાં પથ્થર સમાં કરવાં પડેલાં,
ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિશ્વાસ છેલ્લા,
વહ્યા’તા રોમરોમે હજારો સ્વેદ રેલા.
અહોહો! ક્યાં સુધી પાછળ અમારી આવતી’તી
વતનની પ્રીતડી, મીઠે સ્વરે સમજાવતી’તી,
ગળામાં હાથ નાંખી ગાલ રાતા ચૂમતી’તી,
વળી પાછા વદીને વ્યર્થ નલવલતી જતી’તી.
ઓ દોસ્તો! દરગુજર દેજો દીવાના બાંધવોને
સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશકોને?
દિલે શું શું જલે, દેખાડીએ ઉરદાહ કોને,
અમારી બેવકૂફી યે કદિ સંભારશો ને?
અગર બહેતર, ભૂલી જજો અમારી યાદ ફાની,
બૂરી યાદે દૂભવજો ના સુખી તમ જિંદગાની,
કદી સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ ઘાની!
અમોને યે - સ્મરી લેજો - જરી પળ એક નાની.
(૮ માર્ચ, ૧૯૩૧)
આગમન-ગમન
ઓગસ્ટ તો આ, ગયો! સપ્ટેમ્બર આવશે. ઓગસ્ટમાં લોકમાન્ય ટિળક, અરવિન્દ ઘોષ, ખુદીરામ બોઝ, મેડમ કામાની પૂણ્યતિથિનો ઉજાશ હતો. આઠ-નવ ઓગસ્ટ અને પંદરમીનો અંદાજ હતો. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી અમૃતલાલ યાજ્ઞિક (જન્મદિવસ), અમૃતલાલ શેઠ (જન્મદિવસ), બકુલ ત્રિપાઠી (અવસાન), ભોળાભાઈ પટેલ (જન્મદિવસ), ચુનિલાલ મડિયા (જન્મ), ચંદ્રકાન્ત બક્ષી (જન્મ), ‘દર્શક’ (અવસાન), દયારામ (જન્મ), દિગંત ઓઝા (અવસાન), ડોલરરાય માંકડ (અવસાન), ધનસુખલાલ મહેતા (અવસાન), ફાર્બસ કિનલોક (અવસાન), ગની દહીંવાળા (જન્મ), અમૃત ઘાયલ (જન્મ), હરસુખ સંઘાણી (અવસાન), જયંતિ દલાલ (અવસાન), મહાદેવભાઈ દેસાઈ (અવસાન), કવિ નર્મદ (જન્મ), નવલરામ પંડ્યા (અવસાન), સિતાંશુ યશશ્ચદ્ર (જન્મ), સુંદરજી બેટાઈ (જન્મ), સુરેશ દલાલ (અવસાન), ‘શનિ’ (અવસાન)... આ યાદી પણ અધૂરી છે જેનો ઓગસ્ટ-નાતો છે.
પર્વની પ્રતિષ્ઠા
વીતેલા દિવસો તહેવારોના પણ હતા. સંસ્કૃતિના દોરે બંધાયેલું ગુજરાતીપણું તેમાં પણ વિશેષતા ધરાવે છે. જન્માષ્ટમીએ દ્વારિકા અને વેરાવળ–પ્રભાસ કૃષ્ણને કેમ યાદ ના કરે? તેની સાથે જ ઠેર ઠેર મેળા ભરાય છે. હવે તેનું આધુનિકીકરણ થયું છે પણ તો યે ગામડાની સુગંધ પ્રસરેલી રહે. તરણેતર ઝાલાવાડનો એવો જ મઝાનો મેળો છે. ગુજરાતમાં ભવનાથનો ગિરનારની કંદરામાં થતો મેળો, ભાદરવી પૂનમે ડાકોરમાં રણછોડરાયનો, કચ્છમાં આશાપુરા મેળો, કૃષ્ણપ્રેમની યાદ કરાવતો માધવપુરનો મેળો... આ બધાં હજુ પરંપરાની લકીર દોરી આપે છે.
ગણેશ અને શક્તિમાતાનો ક્રમ હવે આવશે! ગણેશોત્સવ તો શરૂ થઈ ગયો, નવરાત્રિનો આનંદ થોડાક દિવસોમાં દરેક ચોકમાં ખીલશે. દુનિયામાં નવરાત્રિઓ એકધારી ઉત્સવમય બને તે પોતે જ વીરલ ઘટના છે. પછી વિજયાદસમીએ રામ–રાવણનું - એટલે કે તમસથી ઉજાસનું સ્મરણ! અને દશ-હરા જતાં પૂનમની રાત્રિ આવશે. ભક્ત કવિ દયારામની ગરબી રેલાય છે. શરદ પૂનમની રાતડીને ચાંદો ચડ્યો આકાશ રે... આવેલ આશાભર્યાં!
કૃષ્ણભક્તિ ગુજરાતની ઝળહળતી પરંપરા છે. કહેવાયું છે કે આ ‘રાસ’ અને ‘ગરબો’ એ દ્વારિકાધીશની દેન છે. ‘હલ્લીસક નૃત્ય’થી તેની શરૂઆત થઈ હતી અને કૃષ્ણનો ‘મહા-રાસ’ સરજાયો હતો. ‘ગર્ભદીપ’માંથી ગરબો અને પછી ગરબી આવ્યાં. મેર, આયર કોમનો તેમાં ‘વિશેષાધિકાર’ રહ્યો હતો. કચ્છમાં વ્રજવાણી નામનું ગામ છે. એક હરિજન ઢોલીના ઢોલ-નિનાદે ગામની આહીરાણીઓ મન મૂકીને નાચી તો પુરુષ પરિવારોને ઇર્ષ્યા આવી, તેમણે પેલા ઢોલીને મારી નાખ્યો. આયરાણીઓ નૃત્ય કરતાં કરતાં આ ઢોલીની પાછળ સતી થઈ તેની ખાંભીઓ કચ્છનાં વ્રજવાણી ગામના પાદરે ઊભી છે.
આ કથા - દંતકથા - ઇતિહાસનો અંદાજ ગુજરાતમાં પર્વ બનીને આવે છે. આનંદ ભટ્ટનો ગરબો હજુ ઘણાના હોઠ પર છે. વલ્લભની વંદના આરતી સ્વરૂપે પ્રગટે છે... આ બધું ગુજરાતીતાનું ઘરેણું છે. સાહિત્ય અને સંસ્કૃતિની જય એ અહીંની કહાણી બને છે.