હીના મોદી. ગુજરાતી વાચકો માટે પરિચિત નામ. લેખનનાં ક્ષેત્રે તેની પાસે સજ્જતા અને સંવેદના છે. જિંદગીને માણવા અને પામવા જેવી વયે તેના પર અચાનક આફતોનું આસમાન તૂટી પડ્યું. દસ જ મહિનામાં ૧૬ શસ્ત્રક્રિયા! હજુ પણ તેનું સ્મરણ કરતાં જીવ ફફડી ઊઠે. ૧૬ સર્જરી, ૨૨ દિવસ વેન્ટિલેશન, લીવરમાં ખરાબી, પગમાં વિક્ષિપ્ત સ્થિતિ, (ઓપરેશથી સાત સેન્ટીમીટર ટૂંકો કરવો પડ્યો). હવે સારું છે પણ ‘વોકર’ પર ઘરમાં જ ચાલે છે. સોળમી સર્જરી માટે લોકડાઉન પછીનો કોઈ દિવસ નક્કી થશે.
આવી યાતનામય દિવસોમાં પણ હીનાનો જોસ્સો-જીવનના જંગનો અડીખમ છે. સરસ્વતીની પ્રાર્થના, વાર્તા, કવિતા, લેખ... ટેકનોલોજીની મદદથી તેણે વ્યક્ત થવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં લખાયેલાં પુસ્તક માટે તેમણે મને વોટ્સએપ પર જણાવ્યું. નાનકડો ‘વોઈસ કોલ’ પણ આવ્યો. અગાઉ આ ધસમસતી નદી જેવી શક્તિ ધરાવતી લેખિકાને મળવાનું પણ થયું હતું. એક પારિતોષિક પદ્મશ્રી યઝદી કરંજિયાના વરદ હસ્તે મળ્યું છે પણ આ-ટ-લી શક્તિ, શરીરને છિન્નભિન્ન થઈ ગયા પછી કઈ રીત આવી હશે? મેં તેના પ્રાસ્તવિકમાં લખ્યુંઃ ‘કોઈક વાર જ એવું બને કે મન મસ્તિષ્ક એટલું બધું કહેવા મથે પણ કહી ના શકાય. ભીષણ બીમારીના બિછાને હીના મોદીની તીવ્ર ઈચ્છા છે પોતાની અભિવ્યક્તિના આકાશ સુધી દોરી જવાની. પરિસ્થિતિના ખતરનાક અરણ્યમાંથી પાર થઈને પુસ્તક આપણામાં હાથમાં પહોંચી રહ્યું છે ત્યારે તે ઘટના જ અદભૂત અને અનોખી છે. હીનાની કલમમાં જિંદગીના તમામ રંગ વ્યક્ત થાય છે. પણ મારે એક બીજી વાત ઉમેરવી છે. મેઘધનુષના સાત રંગની પેલી પાર એક આઠમો રંગ છે. અદૃશ્ય છે પણ તેના અસ્તિત્વની ખોજ નિરંતર રહી છે. આ લેખિકા શબ્દના માધ્યમથી જીવનને અંકિત કરવા માગે છે, આપણે સૌ ઈચ્છીએ કે વધુ સશક્ત બનીને તે આવે. તેની પાસે શબ્દ છે. નિરીક્ષણ છે, શિલ્પ છે અને મનુષ્યને પારખતી શક્તિ છે.’
આ છે હીનાની કહાણી. મેં કહ્યું હતું કે તારા આ સંઘર્ષ વિશે લખીશ. ‘ગુજરાત સમાચાર’ (લંડન)થી વિશેષ સબળ માધ્યમ બીજું કયું હોઈ શકે?
તેમના જ શબ્દોમાં -
‘૨૭ એપ્રિલ ૨૦૧૯ના દિને મારા પુત્રની એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ આપવા માટે કાર મારફતે અમે કોટા, રાજસ્થાન જઈ રહ્યા હતા. કેકરી મુકામે અકસ્માત થયો. કેકરી હોસ્પિટલમાં જાણ થઈ કે બે પગ અને જમણા હાથમાં ફ્રેક્ચર છે. ત્યાં ટેમ્પરરી કાસ્ટ માર્યો. ત્યાંથી એમ્બ્યુલન્સમાં અજમેર ગયા, જે પીડાદાયક અને ચિંતાજનક બે કલાકનો સમયગાળો હતો. અજમેર હોસ્પિટલમાં ‘ઓબ્ઝર્વેશન’ અને ‘સ્ટેબિલાઈઝેશન’ કર્યું. જેથી બરોડા સુધી આવવામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
વડોદરામાં ડાબા થાપા અને જમણા હાથની સર્જરી થઈ. સર્જરી પછી હાઈગ્રેડ ફીવર અને પેટ ફૂલવા માંડ્યું. આથી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં શીફ્ટ કરી. આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે રાખી ત્યાં ખબર પડી કે રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ છે. તાત્કાલિક સીટી સ્કેન કરવામાં આવ્યું. ડોક્ટરોએ રેક્ટર પરફોરેશન ડાયગ્નોસીસ કર્યું. જે ખૂબ જ રેર હોવાને કારણે ડોક્ટર્સની મૂંઝવણ વધતી ગઈ. ઈમરજન્સીમાં ઓપરેશન થિયેટરમાં શીફ્ટ કરી. આઠ કલાક સુધી ઓ.ટી. ચાલી. રાત્રે બે વાગ્યે સર્જરી પતી છતાંયે તાવ ઓછો થતો ન હતો. અનેક ઈન્વેસ્ટિગેશન પછી ખબર પડી કે ઈન્ફેક્શન બ્લડમાં ફેલાઈ ચૂક્યું હતું અને ફેફસામાં નાનું છિદ્ર પડવાને કારણે ‘થોરેકીક કેવિટી’માં બ્લડ જમા થઈ રહ્યું છે.
૧૨ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી. બ્લડમાં ઈન્ફેક્શન ફેલાઈ ચૂક્યું હતું. ઈન્ફેક્શનમાં કુલ પાંચ પ્રકારના બેક્ટેરિયા આવ્યા. જેમાં બધી જ દવાઓ પણ નાકામ! કોઈ પણ મેડિસીન કામ કરી રહી ન હતી. ઈન્ફેક્શન પગની સર્જરી સુધી પહોંચી ગયું હતું. બે મહિના સુધી દિવસમાં ચાર વખત અલગ અલગ પ્રકારના ખૂબ જ ‘એન્ટિ-બાયોટિક’ આપવામાં આવી રહ્યા હતા, પણ કોઈ અસર દેખાતી ન હતી. ડોક્ટર્સ ટીમ અનેક અલગ અલગ પદ્ધતિઓ અજમાવી રહી હતી. ઈન્ફેકશન ડાબા પગના હાડકાં સુધી પહોંચી જતાં હાડકું કાપવું પડ્યું તેથી ડાબો પગ ૭ સે.મી. ટૂંકો થઈ ગયો. દસ મહિનામાં કુલ ૧૬ સર્જરીમાંથી પસાર થવું પડ્યું. દરેક ઓપરેશન જીવ માટે સટાસટીનો ખેલ રમાડી જતું.
આ સમયગાળા દરમિયાન પારાવાર પીડામાંથી પસાર થવું પડ્યું. હું મારી વેદનાને વાચા આપી શકું એમ નથી. આ સમય દરમિયાન મારે મારા પરિવાર સાથે વાતો કરવી હતી. પણ હું કશું બોલી શકતી ન હતી. મારો અવાજ બહાર નીકળતો ન હતો. આ કારણે હું અંદરોઅંદર ખૂબ ઘૂંટાતી હતી. ડોક્ટર દીકરી મા બનીને માવજત કરતી હતી. ડોક્ટર જમાઈએ સાક્ષાત્ જગદીશ બની મોતના મુખમાંથી ઊગારી લીધી.
ડોક્ટર્સ અને પરિવાજનોની અનેક જહેમત પછી મારી રિકવરી શરૂ થઈ. આ સમય દરમિયાન દીકરીને ડર્મેટોલોજીમાં અને દીકરાને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. જે મારી વર્ષોની મહેનત અને તપશ્ચર્યાનું ફળ હતું. પણ હું મારી ખુશી વ્યક્ત કરવા સક્ષમ ન હતી. કે તેમના ભવિષ્યના જીવનપથની સફળતા માટે આશીર્વાદ આપી શકતી ન હતી. હું બધું સમજતી હતી, અનુભવતી હતી પણ પરિવારની ખુશીમાં સામેલ થઈ શકતી ન હતી. દીકરા-દીકરીની મૂક આંખો હું વાંચી શકતી હતી. પણ મારો રાજીપો દર્શાવી શકતી ન હતી. દીકરા-દીકરીના ગયા પછી બધી જવાબદારીઓ મારા પતિના માથે આવી પડી. પતિ મારા માટે પરમેશ્વર હતા. એમના પોતાના કામોની સાથે પથારીવશ એવી હું, મારી સારસંભાળ એમને રાખવી પડતી હતી. હું શારીરિક પીડા સાથે માનસિક પીડા પણ પારવાર ભોગવી રહી હતી. ઈશ્વર સિવાય કોઈ સહારો ન હતો. શારીરિક અને માનસિક રીતે હું લગભગ ખલાસ થઈ ગઈ હતી. મારે મારા દિવસો કેરટેકરના સહારે પસાર કરવા પડતા હતા. જોકે ઈશ્વરે સારી વ્યવસ્થા કરી હતી.
પરંતુ આ સમયગાળો મારે માટે અગ્નિપરીક્ષાનો રહ્યો. હું તદ્દન અસહાય. હું મારું પોતાનું કશું કરતી શકતી ન હતી. મારો ચીવટાઈ અને સ્વચ્છતા આગ્રહી સ્વભાવથી હું પોતે જ દુઃખી થઈ જતી હતી. આ દિવસોમાં મારી જાતને મારે ધરમૂળથી બદલવી પડી. મારા હોવાપણાને મારા એકાંતવાસમાં જીવતા શીખી ગઈ. પીડાને પચાવતાં ઈશ્વરે શીખવી દીધું.
મેં મનોમન નક્કી કર્યું કે ઈશ્વરે મને નવજીવન બક્ષ્યું છે તો કોઈ કારણ તો હશે જ. હું એ કારણ શોધવા મથામણ કરી રહી હતી અને મને આત્માનો અવાજ આવ્યો. ‘આમ નિઃસહાય જીવનનો કોઈ અર્થ નથી.’ મેં સાહિત્યની આંગળી ઝીલી લીધી અને પુસ્તક બનાવવાનું નક્કી કર્યું. હજી હું બેસી શકું એ હાલતમાં ન હતી. પરંતુ આંતરિક શક્તિ પ્રેરણા આપી રહી હતી. પથારીમાં સૂતાં સૂતાં ટેકનોલોજી અને મિત્રોની મદદથી પુસ્તક બનાવવાનું શરૂ કર્યું. મારું અગાઉનું લખેલું સાહિત્ય મારા પતિ કાઢીને આપતાં. પથારીવશ સ્થિતિમાં હું કામ કરતી અને પુસ્તક ‘એક કટકો કોલાજનો’ બનાવ્યું.
આ કાર્ય મારા માટે ટોનિક સમાન પૂરવાર થયું. હું શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થતી ગઈ. ઘણી વાર એવું પણ થતું કે મારાથી આ કામ ન થાય. મારા હતાશા અને નિરાશાના સમયે મારો ઈશ્વર મારી સાથે ડોક્ટર્સ અને મિત્ર સ્વરૂપે હાજરાહાજૂર સાથે રહેતો. સાહિત્ય અને પુસ્તક જાણે ખુદ ઈશ્વર હોય એવી અનુભૂતિ થઈ.
સંપૂર્ણ સ્વસ્થ થવામાં હજુ સમય નીકળી જશે પણ હર શ્વાસમાં દ્દઢ વિશ્વાસ છે, મારે આ જંગ માંડવો જ પડશે.’