વળી પાછી સુભાષચંદ્ર બોઝના કહેવાતા વિમાની અકસ્માત અને તે પછીનાં જીવન વિશેની, સરકાર પાસે પડેલી ‘ફાઇલો’ની ગુપ્તતાનો પ્રશ્ન વાવંટોળે ચડ્યો છે.
સુભાષચંદ્ર જેવા મહાનાયકને તો સ્વતંત્રતા પૂર્વેનાં અને આઝાદી પછીનાં ભારતીય રાજકારણમાં ઉપેક્ષા અને અન્યાય તો થયાં જ છે અને ગાંધી-નેહરુના પ્રખર સૂર્ય જેવાં નેતૃત્વ હેઠળ, આ ખરેખરા બલિદાની મહાનાયકની સ્મૃતિને એક યા બીજી રીતે ઢાંકી દેવામાં આવી તે આપણા ઇતિહાસ લેખકોની લજ્જાસ્પદ બાજુ છે. પરિણામ એ આવ્યું કે એકાદ-બે સમર ગુહા કે હરિ વિષ્ણુ કામથ જેવાને બાદ કરતાં, સ્વાતંત્ર્યબાદના નેહરુ-યુગમાં સુભાષને ભૂલાવી દેવાયા. છેક એટલે સુધી કે લાલ કિલ્લે આઝાદ હિન્દ ફોજના ત્રણ સેનાપતિ અને બીજાઓની સામે રાજદ્રોહનો ખટલો ચલાવવામાં આવ્યો ત્યારે જવાહરલાલે તેમના બચાવમાં વર્ષો બાદ વકીલનો કોટ પહેર્યો તેના પર આપણા લોકો વારી ગયા હતા. પણ તત્કાલીન પત્રકાર અમૃતલાલ શેઠનું તે સમયનું વિધાન માનીએ તો ‘એક તો, નેહરુએ કોઈ દલીલો કરી જ નહોતી, ખાલી વકીલ તરીકે હાજર રહ્યા હતા. સમર્થ દલીલો તો એક ગુજરાતી ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈએ જ કરી હતી. છેલ્લે બીમાર હોવા છતાં લગાતાર તર્કબદ્ધ રજૂઆત કરતા રહ્યા અને તે ભારે પરિશ્રમને લીધે પછી શરીર પર અસર થઈ ને વધુ સમય જીવ્યા નહીં!’
કારણો ઘણા બધાં છે
આઝાદ હિન્દ ફોજના મુકદમામાં કોંગ્રેસ શા માટે સામેલ થઈ તેનું કારણ પણ તે સમયને આલેખતાં પુસ્તક ‘ટુ બ્રધર્સ’માં અપાયું છે કે ‘કોંગ્રેસને માટે છૂટકો જ નહોતો. દેશઆખામાં નેતાજી અને આઝાદ હિન્દ સેનાની તરફેણમાં એટલો વાયરો ફૂંકાયો હતો કે કોંગ્રેસ તેને સમર્થન ન આપે તો પ્રજામાનસમાંથી ભૂંસાઈ જાય તેવો ડર હતો!’
જવાહરલાલને પૂર્વ મિત્ર સુભાષ કરતાં પછીના મિત્રો - લોર્ડ માઉન્ટબેટન અને એડવિના-માં વધુ ભરોસો હતો. જુઓને, ૧૯૪૬માં જવાહરલાલ રંગુન-સિંગાપુર ગયા ત્યારે આઝાદ હિન્દ ફોજનાં સ્મારક પર ફૂલહાર ચઢાવવા ગયા નહીં કેમ કે માઉન્ટબેટને ‘તેમ કરવાથી બ્રિટિશ-ભારતના સ્વાતંત્ર્ય વિશેના માહોલને નુકસાન થશે’ એવું જણાવ્યું ને નેહરુ માની ગયા એ ઘટના જગજાણીતી છે. એમ તો જર્મન - જાપાન આક્રમણની ખિલાફમાં ‘રંગદર્શી જવાહરલાલ’ તો એવું પણ ભાષણ કરી ચૂક્યા હતા કે ‘બર્મા મોરચેથી જો સુભાષ લડવા આવશે તો તે ફોજની સામે લડનારાઓમાં હું પહેલો હોઈશ!’
‘જાસુસી’ એટલે જાસુસી!
ઘણી વાર લાગે છે કે ઇતિહાસનાં મોટાં મોટાં કબાટોમાં રંગબેરંગી છબીઓની જેમ હાડપીંજરો પણ જળવાયેલાં છે - ક્યારેક તે બહાર દેખાય કે તરત હાહાકાર મચી જાય છે. નેહરુ મહાન નેતા હતા, ખાનદાન પરિવારના કુળદીપક હતા, એશિયન નેતા માટેની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા, પ્રથમ વડા પ્રધાન હતા, બાળકોના પ્યારા ‘નેહરુચાચા’ હતા એની સાથોસાથ જો કોઈ તેમની નબળાઈનું નિરીક્ષણ-વિવેચન થાય તો તેમાં બહાવરા બનવાની શી જરૂર છે?
નેહરુએ સુભાષ પરિવારની હિલચાલને ગુપ્તચર તંત્રની નજર હેઠળ રાખી હતી એવા અહેવાલ માત્રથી જાણે કે નેહરુ પ્રત્યે ધિક્કારનું ‘કાવતરું’ કરાયું હોય તેવો ઊહાપોહ શરૂ થઈ ગયો છે. આ ઘટના ‘જાસુસી’નો પર્યાય તો હતો જ અને આજે પણ છે. જમાના જૂની બ્રિટીશ રીતરસમ પ્રમાણે તે ચાલે છે. ૧૯૭૫-૭૬માં તો મારા જેવા સામાન્ય તંત્રી-પત્રકારની આસપાસ આઇબીની દેખરેખ રહેતી! નેહરુની વાત જરાક જુદી એટલા માટે છે કે દેશનો ઘણો મોટો વર્ગ આજેય એમ માને છે કે ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે સરદાર અથવા સુભાષ બહેતર નીવડ્યા હોત!
આ સંજોગોમાં પ્રજાસમાજવાદી નેતા સમર ગુહાનું પુસ્તક ‘નેતાજીઃ ડેડ ઓર એલાઇવ?’ આજેય પ્રસ્તુત છે. નેહરુ દ્વારા પસંદ કરાયેલાં તપાસ કમિશનોએ છબરડો વાળ્યો, ફાઈલો તપાસી નહીં, દુર્ઘટના સ્થળે ય ગયા નહીં અને જવાહરલાલ માનતા હતા તેવો જ અહેવાલ લખી નાખ્યો. છેલ્લા તપાસપંચે એવું ના કર્યું તો તેનો અસ્વીકાર કર્યો! આવું થાય તો શંકાનાં વાદળો ઘેરાયાં વિના થોડાં રહે?
નેતાજીનું ગુજરાત-કનેકશન આજના સંજોગોમાં યાદ કરવા જેવું છે. બર્મા-સિંગાપોરમાં મણિભાઈ દોશી, પ્રાણજીવન મહેતા, બેટાઈ-દંપતી અને બીજા સેંકડોએ આઝાદ હિન્દ ફોજ, સરકાર અને બેન્કમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અમૃતલાલ શેઠે બધા દસ્તાવેજો જીવના જોખમે મેળવીને પ્રકાશિત કર્યા હતા. (એ સમયનું ‘જય હિન્દ!’ પુસ્તક વાંચવા જેવું છે પણ હવે ઉપલબ્ધ નથી.) જર્મનીમાં આઝાદ હિન્દ રેડિયો પર ગુજરાતી પ્રવક્તા એમ. આર. વ્યાસ હતા, જે પછીથી મુંબઈ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. એક દાણી નામના સજ્જન (જેમની પાછલી જિંદગી ચંદ્રવિલાસ હોટેલના સફાઈકામ અને વૃદ્ધાશ્રમમાં વીતી)ની પુસ્તિકા મુજબ કોલકતાથી કાબુલ છુપાવેશે સુભાષ નાસ્યા ત્યારે તે સાથે રહ્યા હતા.
વડા પ્રધાન સાહસ દાખવે
બારડોલી પાસેના હરિપુરામાં ૧૯૩૭માં કોંગ્રેસ અધિવેશન યોજાયું તેમાં અધ્યક્ષ સુભાષ હતા એટલે થોડાં વર્ષ પર તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં જઈને રાજ્ય વ્યાપી ઈ-ગ્રામ યોજના જાહેર કરી, નેતાજીની લાંબા સમયથી ઉપેક્ષિત પ્રતિમાને ફૂલહાર ચઢાવ્યા અને જ્યાં સુભાષ રહ્યા હતા તે મકાનમાં જઈ આવ્યા. એક સ્મારકની યે જાહેરાત કરી.
હવે મોદી વડા પ્રધાન છે. ઓફિશ્યલ સિક્રેટ એક્ટ (OSA) છેક ૧૯૨૩થી ચાલે છે. બ્રિટીશ સામ્રાજ્યને માટે તો તે ગુલામ વ્યવસ્થા માટે જરૂરી હતો, પણ સ્વતંત્ર ભારતમાં આ કાયદાના નામે નેતાજીવિષયક ૩૯ અને ૪૧ ફાઇલોને દબાવી રાખવાનો અર્થ શું છે? ડિ-ક્લાસિફાઇડ કરવાથી નેતાજીના અંતિમ દિવસો વિશે લોકોને સાચેસાચી માહિતી તો મળે! ‘બીજા કેટલાક દેશોની સાથે સંબંધો બગડશે’ એ દલીલ તો આપણા સ્વાતંત્ર્યજંગના મહાનાયકનું ઘોર અપમાન જ ગણાય. ધારો કે કોઈ દેશને વાંકું પડે, સંબંધો બગડે તો બગડે. આપણો દેશનાયક વધુ મહત્ત્વનો કે બીજા દેશોના સંબંધો? આ મોટો સવાલ રાષ્ટ્રીય સ્વાભિમાનનો છે.
ઇંગ્લેન્ડમાં યે આ કાયદામાં સુધારો કરીને ૩૦ વર્ષ જૂની કોઈ પણ ફાઈલને જાહેરમાં મુકવાનો સુધારો અમલમાં છે. ભારતમાં હજુ બ્રિટીશકાલીન કાયદો જ પ્રવર્તે છે અને એમ કહેવામાં આવે છે કે આ ફાઈલો જાહેર કરવાનો અધિકાર વડા પ્રધાનને ય નથી! બ્રિટીશ ‘ક્રાઉન પ્રિવિલેજ’ને અનુસરીને અમેરિકાએ ‘સ્ટેટ સિક્રેટ્સ પ્રિવિલેજ’નો કાયદો કર્યો તેમાં કોર્ટ અને પાર્લામેન્ટથી યે સર્વોપરિ પરિસ્થિતિને મહત્ત્વ અપાયું હતું. શક્ય છે કે બીજા વિશ્વયુદ્ધનું તેમાં કારણ હોય. આજે તો એવું કશું નથી. અમેરિકાએ સરકારને તેના અધિકારો સોંપી દીધા છે. હવે ‘રાજ્ય’ જ ત્યાં નિર્ણય કરે છે કે ગુપ્ત શું રાખવું અને ન રાખવું?
‘સમિતિ’ એ ઉપાય નથી
સો વાતની એક વાત. વડા પ્રધાને આ કાનૂની જંગલમાં અટવાયા વિના સુભાષ-ફાઇલો જાહેર કરી દેવી જોઈએ. ૧૯૬૨ના ચીન-ભારત યુદ્ધનો ‘હેન્ડર્સન-બ્રૂક્સ’ અહેવાલ આવી જ રીતે ગુપ્ત રખાયો, પણ તેમાંની વિગતો બહાર આવી જ ગઈ છે. નેતાજીને દેશભક્ત સરકારે અંજલિ આપવા માટે ય ફાઇલો જાહેર મુકવાનું આવું પગલું લેવું જ જોઈએ. ગુજરાતી વડા પ્રધાન પાસે એવી અપેક્ષા વધારે પડતી નથી. હાલની સમિતિ એ આનો ઉપાય નથી. અધિકારીઓ તેમાંયે પોથીનું પીંજણ કરશે અને તે માટે લાંબા સમય સુધી કામ કરશે ત્યાં સુધીમાં આખી વાત જ પાતળી થઈ જતી હોય છે. એક્ટમાં ધરમૂળથી સુધારો એ લોકશાહી સરકાર માટે અઘરી વાત નથી. અનેક બાબતોમાં જો વટહુકમ થતા હોય તો આ તો સુભાષ નિમિત્તનો નિર્ણાયક અવસર છે.