વીત્યા સપ્તાહે કેટલાક સવાલો અને કેટલાક જવાબો આપતી ઘટનાઓના સાક્ષી થવાનું બન્યું. ગુજરાત કોઈને કોઈ રીતે પોતાની ખૂબી ખામી દર્શાવતું રહ્યું છે તેનો યે અંદાજ મળ્યો.
શરૂઆત સુરતથી
સુરતથી શરૂઆત કરીએ. જે દિવસોમાં ‘પાટીદાર અનામત’ના નારા સાથે આંદોલનની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે ૨૬ જુલાઈએ, વરાછા રોડ પરના સરદાર ભવનમાં રાતે સાતથી એક વાગ્યા સુધી, ૧૩૦૦ નાગરિકોની ઉપસ્થિતિમાં ‘કારગિલ ગૌરવ દિવસ’ ઉજવવામાં આવ્યો. ‘જય જવાન સમિતિ’નું એ આયોજન હતું. સવજીભાઈ વેકરિયા સુરતના ઉત્સાહી, ભાવનાશીલ અને કુશળ આયોજક છે. લંડનમાં NCGO (નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ)ની એક પરિષદમાં તેમણે સૌરાષ્ટ્રમાં પાણીના પ્રશ્ને વક્તવ્ય આપ્યું હતું તેનું ઘણા બધા લંડનવાસી ગુજરાતીઓને સ્મરણ હશે. તેમણે આગ્રહપૂર્વક આ ‘સમર્પણ ગૌરવ સમારોહ’માં ઉપસ્થિત રહેવાનું કહ્યું હતું એટલે કાર્યક્રમનો રૂ-બ-રૂ અંદાજ મળ્યો. કાનજીભાઈ ભાલાળા, કે. ડી. વાઘાણી, માવજીભાઈ ડી. માવાણી, દેવચંદ કાકડિયા, ડો. મુકેશ નાવડિયા, દેવશીભાઈ ભડિયાદરા, સુરેશ જી. પટેલ આમંત્રકો હતા.
મહત્વની વાત એ હતી કે આ કાર્યક્રમમાં સિયાચીન ગ્લેશિયરમાં સૈનિકી ફરજ બજાવતા મુકેશ ડામોર, કૂચ બિહાર-બંગાળમાં સૈનિક મુકેશ પરમાર, છત્તીસગઢમાં સૈનિક દિલીપકુમાર ચાવડા, કોકરાજાર-અસમમાં સૈનિક નિકેતન પટેલ, ઉત્તરકાશી-ઉત્તરાખંડના સૈનિક વિકાસકુમાર ભનુભાઈ ઠુમ્મર અને પશ્ચિમ બંગાળમાં સૈન્યમાં સેવા આપનાર અરવિંદ છોટાલાલ સેનવા. બધા ગુજરાતના! ક્રમશઃ મોટા કંથારિયા, દિયોદર, હરણા ઓડા, નગરા, વાવડી રોડ અને સનાદરાના રહેવાસી! આ ગામડાં ગુજરાતના નકશામાં યે શોધ્યાં ના મળે એવાં ટપકાં! પણ ત્યાનાં આ જુવાનો સેનામાં દાખલ થયા અને જે તે સ્થળે આંખો મીંચી હતી.
જરા યાદ કરો કુરબાની
તેમના પરિવારોને - દરેક પરિવારને - બબ્બે લાખ રૂપિયા સાથે સન્માનિત કરાયા. તેમણે ખોયેલા ‘ગૃહરતન’ વિશેની નાની દસ્તાવેજી ફિલ્મો પણ દર્શાવવામાં આવી. મુકેશ ડામોર ભિલોડા જિલ્લાના મોટા કંથારિયામાં જન્મ્યો હતો. લેહ-લડાખમાં સૈનિકી ફરજ બજાવતાં, હિમશીલા તૂટી પડી અને બાવીસની વયના મુકેશનો જીવ ગયો. આર્મીમાં એડિશનલ ગનર તરીકે તેની ફરજ હતી. પરિવારમાં માતા-પિતા, ભાઈ અને ૧૯ની વયની બહેન સાંજુ. ચાર દિવસે મૃતદેહ વતન પહોંચ્યો હતો. આ નાનકડાં ગામના ચાર બીજા યુવાનો પણ સૈન્યમાં છે.
મુકેશ પરમાર બનાસકાંઠાના દિયોદરનો. બાંગ્લાદેશની સરહદે ફરજ બજાવતો બીએસએફ જવાન. તેની પત્ની, બે સંતાનો, માતા-પિતાને છોડીને વિદાય લીધી. તેની નિવૃત્તિને ૨૦ દિવસ જ બાકી હતા! ખેતમજુરી કરતા પરિવારનો બીજો દીકરો પ્રકાશ પણ સૈન્યમાં છે.
દિલીપ જશુજી ચાવડા. માણસા તાલુકાનાં હરણા ઓડા ગામમાં જન્મ્યો. પત્ની - ત્રણ સંતાનો - પિતા અને માતાની વિદાય રાયગઢ-છત્તીસગઢમાં નકસલીઓ સામેના સીધા સંઘર્ષમાં લીધી. પરિવાર અત્યંત ગરીબ છે એ ઉપસ્થિત રહેલાઓમાં જણાઈ આવતું હતું. આવડા નાનકડા ગામના ૨૦ યુવાનો લશ્કરમાં જોડાયેલા છે.
સામાન્ય પરિવારની ‘અસામાન્ય’ કહાણી
અર્ધલશ્કરી દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નો જવાન નિકેતન ભૂવા ખંભાત પાસેના નગરાનો વતની. અસમમાં કોકરાજાર પાસે ફકીરપુરામાં ઉગ્રવાદીઓ સામેની અથડામણમાં માર્યો ગયો. પત્ની, બે જોડિયા દીકરા, માતા-પિતા તેમને યાદ કરે છે. ૨૦૧૩માં તેણે હથિયારધારી ઉગ્રવાદીને પકડી પાડ્યો હતો... ઘર પરિવારનો વ્યવસાય મજુરીકામ.
વિકાસકુમાર ઠુમ્મર કુંકાવાવ પાસેના વાવડી રોડ ગામમાં જન્મ્યો. લશ્કરમાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં હતો. લગ્ન કરવા રજા લઈ ઘરે આવ્યો. લગ્ન થયાં અને તેના છવીસમા દિવસે ઉત્તરાખંડની પહાડી પર વાહન ખીણમાં ધસી પડ્યું. વય માંડ ૨૫ વર્ષની. પત્ની શ્રદ્ધા આ સમારંભમાં હાજર હતી, બાકી પરિવાર સાથે. ૨૪ની વય ધરાવતી શ્રદ્ધાએ ટૂંકા સમયમાં પિતા અને પતિ - બન્ને ગૂમાવ્યા.
અરવિંદ સેનવાનું જન્મસ્થાન ખેડાના ગળતેશ્વર પાસેનું સનાદરા. પશ્ચિમ બંગાળમાં આ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) જવાન ઉગ્રવાદી અથડામણમાં માર્યો ગયો. પરિવાર પાસે ‘દો બીઘા જમીન’ છે. (યાદ આવ્યું જૂનું ચલચિત્ર - ‘દો બીઘા જમીન’?) પત્ની છે. બે બાળકો છે. ભાઈ અને પિતા માનસિક આઘાતથી બીમાર છે.
કારગિલ-યુદ્ધ પછી આ ‘જય જવાન નાગરિક સમિતિ’ અસ્તિત્વમાં આવી હતી. કારગિલમાં શહીદ થયેલા ગુજરાતી સૈનિકો અશોકસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, રૂમાલભાઈ રજાત, કાંતિજી કોટવાળ, દિલીપભાઈ ચૌહાણ, મુકેશ રાઠોડ, ભૂલાભાઈ બારિયા, રમેશભાઈ જોગલ, દિનેશભાઈ ભંગી, હરેન્દ્રગિરી ગોસ્વામી, શૈલેન્દ્ર નિનામા, છગનભાઈ બારિયાની તસવીરોને સમારંભના પ્રવેશદ્વારે ગોઠવવામાં આવી હતી. આ સમિતિએ ગુજરાતના ૧૨ વીર શહીદો સહિત ૧૬૪ જવાનોના પરિવારોને અત્યાર સુધીમાં રૂ. ૨,૪૬,૭૦,૭૦૦નો નિધિ અર્પણ કર્યો છે. હવે ૨૦૧૪-૧૫નાં વર્ષના આ બીજા છ જવાનોનો પરિવારનો ઉમેરો થયો.
ગુજરાતની અજાણ તવારિખ
સમારંભમાં એર કોમોડોર અમૃત પટેલ, બ્રિગેડિયર બી. એસ. મહેતા, કુમાર નિત્યાનંદ, બકુલ પટેલ, મનહર આસપરા, ભરત શાહ અતિથિ વિશેષ હતા.
જય જવાન સમિતિએ કારગિલ-સ્મૃતિમાં મિગ વિમાન-૨૩ સાથેનું એક સ્મારક વરાછા ગેટ પાસે બનાવ્યું છે. ગુજરાતમાં ૨૬મીએ આ પ્રકારની શહીદ-સ્મૃતિનો સુરતનો કાર્યક્રમ ખરેખર વીરલ રહ્યો.
આ નિમિત્તે ‘ગુજરાતનો અ-જાણ ઇતિહાસ’ વિષય પર મારે બોલવાનું આવ્યું. મેં સુરતમાં ૧૮૫૭ના વીર વિપ્લવીઓ, તેનો ગાયક મણિલાલ, સિંગાપોર-વિપ્લવમાં ફાંસીએ દેવાયેલો સુરતનો કાસિમ ઇસ્માઇલ મન્સુર, ગદર ચળવળમાં ૧૯૧૪માં સાન ફ્રાન્સિસ્કોથી પહેલું ગુજરાતી અખબાર ‘ગદર’ શરૂ કરીને ફાંસીએ ચઢનાર પોરંબદરનો છગન ખેરાજ વર્મા વગેરેને વિગતે સ્મર્યા... ઘટનાઓ અને પ્રવાહોનું અવલોકન કરાવ્યું.
‘ક્રાંતિકથા’ થઈ શકે
એક વિચાર એ પણ મૂક્યો કે આ અ-જાણ ઇતિહાસમાં ૧૮૭૫થી ૧૯૪૭ સુધીમાં જે ૬ લાખ શહીદો થયા, તેનાં એક પછી એક આયોજનો થતાં રહ્યાં, ‘વિચારનો અગ્નિ’ ફેલાવવામાં આવ્યો તે બધાંનું સ્મરણ ‘ક્રાંતિકથા’ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે તો કેવું? સત્યાગ્રહ અને અસહકારને વણી લેતી ‘ગાંધીકથા’નો સરસ પ્રયોગ સ્વ. નારાયણ દેસાઈએ કર્યો હતો. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીમદ્ ભાગવત વગેરેની સત્સંગ કથા રમેશભાઈ ઓઝા, મોરારીબાપુ વગેરે કરી રહ્યા છે. આપણા દેશમાં અલગાવવાદ આતંકવાદની નાબૂદી અને મહાન દેશના મહાન લોકતંત્ર માટે અજાણ્યા ઇતિહાસમાં છૂપાયેલા અસંખ્ય બલિદાનોની ‘ક્રાંતિકથા’ ગોઠવવામાં આવી શકે?
સુરતના નાગરિકોએ આ પ્રયોગની શરૂઆત કરવાની પહેલ કરવાનું નક્કી કર્યું છે. સૌરાષ્ટ્રના બગસરામાં (જે ઝવેરચંદ મેઘાણીનું વતન સ્થાન છે) આવી ‘ક્રાંતિકથા’ આગામી દિવસોમાં યોજાશે. બ્રિટિશ ગુજરાતીઓ - બ્રિટનમાં ૧૦૦ મહાન દેશભક્તોના મહાપ્રયાસો સહિત - અ-જાણ ઇતિહાસ કહેતી ‘ક્રાંતિકથા’ માટે તૈયાર છે? હોય તો કહેજો! ઇતિહાસમાં મહત્ત્વના પ્રદાનના રસ્તે આગળ વધવાનું વિચાર્યું છે. ઇતિહાસ સ્મૃતિની હવા તો જરૂર શરૂ થઈ છે.
હમણાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર ભાષા ભવનોના વિદ્યાર્થીઓ, વિભાગાધ્યક્ષો, અધ્યાપકો અને મેઘાણી લોકસાહિત્ય સંશોધન કેન્દ્રના ઉપક્રમે પુષ્કર ચંદરવાકર વ્યાખ્યાનમાળા યોજાઈ. ‘મેઘાણી - નવી નજરે’ વિશે મારે બોલવાનું હતું તેના આગલા દિવસે કુમાર ઠાકરે એ સીમિત સાધન-સગવડ છતાં ૫૩૬ ક્રાંતિકારીઓની તસવીર અને પરિચયની સીડી તૈયાર કરી તેનું લોકાર્પણ પણ કર્યું. બન્ને પ્રસંગો ઇતિહાસ - સ્મૃતિના હતા. ત્યાંથી માંડવી (કચ્છ)માં પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક (જેમનો લંડન સાથે અખૂટ નાતો છે. હાઈ ગેટ પરનું ‘ઇન્ડિયા હાઉસ’ ત્યાં ઊભું છે. મહારાષ્ટ્રની સરકારે તો બાબાસાહેબ આંબેડકરનું લંડનસ્થિત મકાન ખરીદી લીધું. ગુજરાત સરકાર ‘ઇન્ડિયા હાઉસ’ માટે તેવું કેમ કરી ન શકે?)ના ટ્રસ્ટની બેઠક માટે પહોંચ્યો. ૯૦૦ કિલોમીટરની મોટરકાર મુસાફરીમાં સંતોષ એ વાતનો થયો કે આ ક્રાંતિતીર્થની મુલાકાતે છેલ્લા બે જ વર્ષમાં ૧૫ લાખ લોકો સ્વયંભૂ રીતે આવ્યા હતા!