સરદાર વલ્લભભાઈ વિશે - તેમના જમાનામાં - કોઈ એક શ્રેષ્ઠ કવિતા રચાઈ હોય તો તે કોની?
નવી દિલ્હીથી નર્મદા સુધી
સરદાર સાહેબની જન્મજયંતીના દિવસે દેશઆખો ‘એક ભારત’ માટે રસ્તા પર આવ્યો. એકતા દોટ થઈ. એક ગુજરાતી વડા પ્રધાન પદે આવે તો આટલો ફરક પડે પડે... સરદાર આખ્ખો દિવસ મીડિયા અને કાર્યક્રમોમાં છવાયેલા રહ્યા એમ કોઈકે ટિપ્પણી પણ કરી.
નવી દિલ્હીથી કેવડિયા કોલોની - નરેન્દ્ર મોદીથી આનંદીબહેન પટેલ, અને વળી મહાનગરી મુંબઈમાં વીસ વર્ષે એક જ પક્ષની સરકારના મુખ્ય પ્રધાનનો સોગંદવિધિ સમારોહ... આ તમામ નવાં વર્ષના ભારતીય રાજકારણનો યે અંદાજ આપે તેવી બાબતો રહી. ગુજરાત પોતાના આ મહાપુરુષોને કેમ યાદ ના કરે?
ગુજરાતી ટીવી-૯ની ચેનલ પર તે દિવસે ‘જો સરદાર આજે હોત તો...’ મુદ્દાની ચર્ચા માટે પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી અને પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસની સાથે હું પણ હતો. સરસ ચર્ચા એક કલાક સુધી થઈ ત્યારે ૧૯૪૭ની આસપાસ એક કવિએ સરદાર વિશે નાનકડું કાવ્ય રચેલું તે પણ શ્રોતા - દર્શકો સમક્ષ મેં મુક્યું.
‘બચ્ચન’ની કલમે સરદાર
કવિ હરિવંશરાય બચ્ચન. આજની પેઢીને તેમની ઓળખ આપવી હોય તો અમિતાભ બચ્ચનના પિતા.
બચ્ચનની ‘મધુશાલા’ તો ઘણાને કંઠે છે. ખુદ અમિતાભે પોતાના સ્વરોમાં તે રજૂ કરી છે.
પણ, હરિવંશરાયની સરદાર પરની કવિતા?
હા. સરદારનાં સંપૂર્ણ વ્યક્તિત્વને થોડાક જ શબ્દોમાં કહી દેતી આ રચના -
યહી પ્રસિદ્ધ લોહ કા પુરુષબલ,
યહી પ્રસિદ્ધ શક્તિ કી શિલા અટલ,
હિલા ઇસે શકા ભી ના શત્રુ દલ,
પટેલ પર
સ્વદેશ કો
ગુમાન હૈ!
સુબુદ્ધિ ઉચ્ચ શૃંગ પર કિયે જગહ,
હૃદય ગંભીર હૈ સમુદ્ર કી તરહ,
કદમ છુએ હુએ જમીન કી તરહ
પટેલ દેશ કા
નિગેહબાન હૈ!
હરેક પક્ષ કો પટેલ તૌલતા,
હરેક ભેદ કો પટેલ ખૌલતા,
દુરાવ યા છિપાવ સે ઉસે ગરજ?
કઠોર નગ્ન સત્ય બોલતા!
પટેલ હિન્દ કી
નિડર જબાન હૈ!
કોંગ્રેસનો વસવસો
શું કોંગ્રેસને હવે વસવસો થાય છે કે આપણે તો સરદારને ક્યારેય યાદ ના કર્યા, હવે આ ગુજરાતી વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન ‘અમારા પક્ષના સરદાર’ને ઉપાડી જવા માગે છે. તેમનો જન્મ દિવસ એકતા દિવસ તરીકે ઉજવે છે, તેમની ઊંચેરી પ્રતિમા નર્મદા કાંઠે રચવાની તડામાર તૈયારી ચાલી રહી છે! કરવું શું? આમ જ કરીશું તો આપણી પાસે સોનિયા - રાહુલ - પ્રિયંકા જ રે’શે!
જોગાનુજોગ, શ્રીમતી ઇન્દિરા ગાંધીનો સ્મૃતિ દિવસ પણ ૩૧મી ઓક્ટોબર જ હતો. દેશની એકતા - અખંડિતતા માટે તો ઇન્દિરા લડ્યાં પણ દુનિયાના દેશોમાં તેમની કટોકટી લાદવાની, સેન્સરશિપ રાખવાનું લોકશાહીવિરોધી ‘હિમાલય બ્લંડર’ ચાંદમાં ડાઘની જેમ યાદ રહી ગયું છે. સરદાર વલ્લભભાઈએ ૫૬૫ રજવાડાંનો પ્રચંડશક્તિ અને નિર્ણાયકતા સાથે વિલય કર્યો અને તેમનાં સાલિયાણા માટેનો પ્રસ્તાવ પોતે જ મૂકેલો. તેમણે કહ્યું હતું કે આ રાજાઓએ પણ તમામ ત્યાગ કર્યો છે તે ભૂલવું ના જોઈએ. એ જ સાલિયાણા શ્રીમતી ગાંધીએ ‘પ્રગતિશીલ’ દેખાવાના હેતુથી એક ઝાટકે રદ કર્યા હતા. રાજનીતિક પંડિતોના મતે તો લગભગ તમામ રાજવીઓ રાજાજીના સ્વતંત્ર પક્ષમાં જોડાયા અથવા જોડાઈ જવા માગતા હતા તેમને બોધપાઠ આપવા માટે જ આ સાલિયાણા રદ કરાયાં હતાં.
મોદી નેહરુજયંતી ઊજવશે
ભૂતકાળના પડછાયા ક્યારેક વધુ ગૂંચવતા રહે છે. કોંગ્રેસ ‘નેહરુ લેગસી’ માટે પ્રયાસો કરવાના મંથનમાં છે કે નહીં તે ખબર પડતી નથી, પણ મોદીએ ‘ચાચા નહેરુ’ જન્મજયંતીની ઊજવણી કરવા માટે એક રાષ્ટ્રીય સ્તરની ઊજવણી સમિતિ યે રચી કાઢી છે. સોનિયાજીને તેમાં આમંત્રણ પણ હતું, પણ નેહરુ-ગાંધી પરિવારની ખાસિયત એવી રહી છે કે પોતે જ સર્વોચ્ચ હોય ત્યાં કામ કરી શકે! એટલે સોનિયા ગાંધીએ ના પાડી દીધી છે.
ગુજરાતમાં ફેરફારોની દિશા
ગુજરાતમાં પ્રધાનમંડળમાં કેટલાક ફેરફારો તોળાઈ રહ્યા છે. ખાસ તો કાયદો અને વ્યવસ્થાની બાબતમાં રાજ્ય પ્રધાન ઊણા ઉતર્યા છે એમ ખુદ ભાજપના કેટલાક આગેવાનો માને છે. બીજાં પણ કેટલાંક ખાતાંમાં ફેરફારો થશે તે પહેલાં સચિવ સ્તરે બદલી અને નિયુક્તિઓ થઈ. નવા મુખ્ય સચિવ ડી. પાંડિયન્ બન્યા, વરેશ સિંહા પછી તેમનો વારો આવ્યો છે. ગુજરાતમાં મુખ્ય સચિવોની યે ખાસ્સી બોલબાલા રહી છે. મંજુલા સુબ્રહ્મણ્યમ્, એસ. કે. શેલત, પી. કે. લહેરી, ખાન, વરેશ સિંહા વગેરેએ આ હોદ્દાને ન્યાય આપ્યો હતો.
પાંડિયન્ ‘વાઇબ્રન્ટ સમિટ’ના મુખ્ય સૂત્રધાર રહ્યા છે. સૌરભ પટેલ, આનંદીબહેન અને પૂર્વે નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર અધિકારી છે, એટલે જાન્યુઆરીમાં ગુજરાતના આંગણે ‘પ્રવાસી ભારતીય દિવસ’થી માંડીને વાઇબ્રન્ટ સમિટ સુધીના કાર્યક્રમોનું તેમનું માર્ગદર્શન મળતું રહેશે.
નિલોફર પૂર્વેની સજ્જતા
દીપોત્સવીના તહેવારો હજુ પૂરા થયા, ન થયા ત્યાં ‘નિલોફર’નાં આક્રમણનો પડછાયો પડ્યો. કચ્છ સહિતના વિસ્તારોમાં સમુદ્રી તોફાન અગાઉ સહન કર્યાં જ છે. ૧૯૯૮માં તો કચ્છ લગભગ તબાહ થઈ ગયું ને વળી ભૂકંપ પણ આવ્યો. આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) એ વિકસિત દેશોની સૌથી મોટી અનિવાર્યતા ગણાય છે. અગાઉના વાવાઝોડાં, પૂર, ધરતીકંપ વખતે એવું કોઈ માળખું નહોતું, પણ ‘નિલોફર’ આવે તે પહેલાં જ પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી તે નોંધપાત્ર ગણાય. ‘નિલોફર’ની ભયંકરતા ગુજરાતને ખમવી ના પડી તેને વિક્રમ સંવત ૨૦૭૧માં પ્રભુના આશીર્વાદ જ ગણવો પડે!