શ્રાવણની જેમ જ ઓગસ્ટની યે ઓળખ કરવા જેવી છે, બચપણમાં એક ગીત ગાતાં, તે હજુ સ્મૃતિમાં જડાઈ ગયું છેઃ
ગોલી સે બિંધા લાલ, મેરા
કિસને પુકારા?
હસતે હુએ મુખ, આજ
કોઈ વીર સિધારા
સરદાર ભગતસિંહ, સદા
યાદ આયેગા,
જલિયાંનવાલા બાગ, નહીં
ભૂલા જાયેગા!
‘જાગૃતિ’ નામની એક ફિલ્મ – ચાળીસેક વર્ષ પહેલાં - આવેલી. અભિ ભટ્ટાચાર્યે તેમાં શિક્ષકની ભૂમિકા ભજવી હતી. રુપકુમાર એક છાત્ર છે, (પછીથી તે પાકિસ્તાન ચાલ્યો ગયો હતો), પરંતુ યાદગાર ભૂમિકાનાં એ પાત્રો, ‘હિન્દુસ્થાનની સેર’ કરવા નીકળે છે અને એક ગીતમાં આપણે દૃશ્ય-શ્રાવ્ય ઇતિહાસનો અનુભવ કરીએ છીએ. ‘આઓ બચ્ચોં, તુમ્હે દિખાયે ઝાંકી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો, યે ધરતી હૈ બલિદાન કી!’
બલિદાન શબ્દ કેવી ભવ્ય અને સમર્પિત સંવેદનાની સાથે જોડાયેલો છે. આજે જ્યારે કોઈ વસોયા નામના ધારાસભ્ય પ્રદૂષણ અટકાવવાનાં નિમિત્તે ‘હું આત્મવિસર્જન કરીશ’ એવું જાહેર કરે છે ત્યારે પેલાં સ્વૈચ્છિક બલિદાનો યાદ આવે છે.
આપણે જાણીએ છીએ કે કોઈ આત્મવિલોપન કરવાનું નથી. ગુજરાતમાં નર્મદા આંદોલન વખતે બાબા આમટેએ પણ ‘નર્મદા બંધ’ની ખિલાફ જળસમાધિ લેવાની ઘોષણા કરી હતી, યાદ છે? બાબાએ બીજાં ઘણાં સેવાનાં કામો કર્યાં હતાં, પણ આ વાહિયાત ઘોષણાથી ગુજરાતના લોકો તેમની ખિલાફ થઈ ગયા હતા, ‘બાબા તે આવા હોય?’
૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં અમર બલિદાનોની પાછળ યાતનાનો પડછાયો હતો. બરફની પાટ પર સૂવડાવીને માહિતી કઢાવવામાં આવતી! ‘વંદે માતરમ્’ બોલો અને એક ઇંચ ઊંડા સોળ પડે તેવા ફટકા મારવામાં આવે. પગમાં દંડાબેડી સાથેની સજા મળે. આંદામાન જાઓ એટલે પાછા ન વળી શકો. (ગુજરાતના આણંદના મુખી ગરબડદાસ પટેલ સહિત નવ વિપ્લવીઓને તેની કારાવાસની સજા થઈ હતી. તેમાં કડીનો શંભુ ત્રિકમ જાની હતો તો દ્વારિકાનો ગુગળી બ્રાહ્મણ પણ હતો. અમદાવાદના વિઠ્ઠલરામ મંદિરના પૂજારીને પણ સજા થઈ હતી.) આંદામાનથી ક્યારેય પાછા ન ફરી શકનારાઓનાં ‘બલિદાન’ સાથે હાલનાં રાજકીય નેતાઓનાં તરકટ સરખાવીએ તો? એક દલિત ધઘારાસભ્યે રેલવે-માગણીમાં કપડાં ઉતારીને સત્યાગ્રહ કરવાની જાહેરાત (માત્ર જાહેરાત) કરી હતી. હમણાં શિક્ષકોની માગણીમાં શિક્ષિકાઓ મૂંડન કરાવીને સરઘસ કાઢશે એવી જાહેરાત કરવામાં આવી છે.
૧૮૫૭થી ૧૯૪૭ - છ લાખ લોકોની આહુતિ. સશસ્ત્ર સ્વાતંત્ર્યજંગમાં અને અસહકાર ચળવળમાં બલિદાન જેવી જ આદર્શની સ્થિતિ સાથે લોકો બહાર આવે. દેશની પેલી પાર જઈને જલાવતન જિંદગી જીવે. શ્યામજી કૃષ્ણવર્મા અને પત્ની ભાનુમતિ તો લંડનમાં રહ્યા, પેરિસ ગયા, જીનિવા પહોંચ્યા. ‘ઇન્ડિયન સોશ્યોલિજિસ્ટ’ અખબાર પ્રકાશિત કર્યું. ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરી, ભારત પાછાં ફરી ન શક્યાં. આવ્યા હોત તો સાવરકરની જેમ આંદામાન યા ફાંસીની સજા તૈયાર હતાં.
મેડમ કામા છેલ્લા દિવસોમાં ભારત આવ્યા અને આ ઓગસ્ટમાં જ, ૧૯૩૧માં મુંબઈમાં મૃત્યુ પામ્યા. અ-નામ, અ-જાણ. તેમની સારવારમાં કેપ્ટન પેરીન હતી, દાદાભાઈ નવરોજીની પૌત્રી અને સાવરકરની સાથીદાર. તેનો જન્મ માંડવી, કચ્છમાં થયો હતો. લાલા હરદયાળ પ્રચંડ બૌદ્ધિક, ‘ગદર’ ચળવળના પ્રેરક. કેનેડામાં યુગાંતર આશ્રમ સ્થાપ્યો. ચાર ભાષામાં ‘ગદર’ અખબાર બહાર પાડ્યાં તેમાંનું એક ગુજરાતી અખબાર હતું. પોરબંદરનો છગન ખેરાજ વર્મા તેનો તંત્રી હતો. સિંગાપોરમાં તેને ફાંસી મળી. લાલા હરદયાળ પણ ભારત પાછા આવી ન શક્યા. અમેરિકામાં ‘રહસ્યમય’ મૃત્યુ પામ્યા.
તારકનાથ દાસ પ્રબળ બૌદ્ધિક ક્રાંતિકારી, તે પણ ભારત પાછા ફરી ન શક્યા. મદનલાલ ધીંગરા અને ઉધમસિંહ તો ત્યાં જ ફાંસીએ ચઢી ગયા (લંડનવાસીઓ, પેન્ટોનવિલા જેલ તેમની શહીદભૂમિ છે). સોહનલાલ પાઠક બર્માની માંડલે જેલમાં ફાંસીએ ચઢ્યા. સુભાષચંદ્ર બોઝની નિયતિ તો રહસ્યના ધૂમસમાં ઘેરાયેલી છે. છેલ્લા તપાસ પંચે જણાવ્યા પ્રમાણે ૧૯૪૫ની ૧૮ ઓગસ્ટે તાઇકોહ વિમાન મથકે થયેલી દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું નહોતું! તો પછી ક્યાં ગયા? રશિયા? સ્તાલિને તેને જેલમાં રાખ્યા? બ્રિટિશ સમજૂતીને લીધે રશિયન જેલમાં જ મારી નંખાયા? (હમણાં આ વિષય પર મારી દસ્તાવેજી નવલકથા પ્રકાશિત થવામાં છે) શું થયું? તેની પત્ની એમિલી અને પુત્રી અનિતા પણ ભારતવાસી ન બન્યાં. એમિલી તો રહ્યાં નથી.
અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય? હોનહાર યુવક. ૨૭ ભાષાનો જાણકાર. ‘બર્લિન કમિટી’નો સૂત્રધાર. રશિયામાં તેને સ્તાલિન સમયે ગોળીથી ઠાર કરી દેવામાં આવ્યો. તેની પ્રથમ પત્ની એગ્નેસ સ્મેડલી પણ ભારત આવી શકી નહીં. રશિયામાં સ્તાલિનશાહીનો શિકાર અવનીકુમાર મુખરજી પણ બન્યા. વીરેન્દ્રનાથનાં બીજાં પત્ની લિડિયાના નસીબે પણ ભારત નહોતું.
સુરતના કાસિમ ઇસ્માઇલ મનસુરીને તો હવે કોણ જાણે? ‘ગદર’ ચળવળમાં તેણે બર્મામાં કામ કર્યું અને ફાંસી મળી. રાસબિહારી બોઝને ‘ક્રાંતિના પિતામહ’ ગણવામાં આવતા. ભારતને પ્રજ્વલિત કરીને જાપાન પહોંચ્યા, આઝાદ હિન્દ ફોજની રચના કરી અને નેતાજી સુભાષચંદ્ર બોઝને સોંપી. રાસબિહારી પણ જલાવતન જ રહ્યા. તેની જાપાની પત્ની તામિકો વહેલાં મૃત્યુ પામી, તેના પરિવારનું ભારતમાં કોઈને સ્મરણ ખરું?
ભારતની બહાર (એ સમયે ભારતમાં) લાહોર અને જલાલાબાદ, ચટ્ટગ્રામ અને ઢાકા પણ ક્રાંતિ કેન્દ્રો હતાં. માસ્ટરદા સૂર્યસેન નામ સાંભળ્યું છે? શરદબાબુની ‘પથેરદાબી’ નવલકથા વાંચી જજો. તેમાં ‘સવ્યસાચી’ પાત્ર આવે છે તે જ માસ્ટરદા. હાલના બાંગ્લાદેશમાં તેને ફાંસી મળી. પ્રીતિલતા વદેદાર ત્યાં જ શહીદ થઈ. સુહાસિની ગાંગુલી, સરલાદેવી, અને બીજા ૧૭ ક્રાંતિકારો. લાહોરમાં ભગતસિંહ – રાજગુરુ - સુખદેવને ફાંસી. એ જેલ તો રહી નથી, પણ તે જગ્યાએ થોડાક લોકો દર વર્ષે અચૂક ૨૩ માર્ચે જાય છે, અંજલિ આપે છે.
લાલા લાજપતરાય પણ લાહોરમાં જ મૃત્યુ પામ્યા હતા. સુભાષ-સાથી હબીબુર રહેમાન પાકિસ્તાનમાં જીવતા હશે? કોણ જાણે... અને મેજર કિયાની? ખબર નહીં. રંગુન-સિંગાપુરમાં આઝાદ હિન્દ ફોજના સૈનિકો, દાનવીરો, અફસરો? મોટા ભાગના ત્યાંના રણમોરચે સિધાવ્યા હતા. બાકી હતું તો દિલ્હી મુકદમો ચાલ્યો ત્યારે આસામ મોરચે બર્મામાં આઝાદ હિન્દ ફોજના સૈનિકોને એકસામટા મારી નાખવાનો અપરાધ બ્રિટિશરોએ કર્યો હતો.
એક છેલ્લું નામ, જલાવતન વિપ્લવીનું તે બહાદૂર શાહ ‘ઝફર’જી. બગાવત કરવાના ગુનાસર તેને બ્રિટિશ સેનાએ ઝફરના બે બેટા - સુલતાનો-ના કપાયેલાં માથાં ‘બક્ષીસ’ ધર્યાં હતાં! દિલ્હી જાઓ તો ‘ખૂની દરવાજો’ અચૂક જોવા જજો. દિલ્હીનો લાલ કિલ્લો હમણાં અનાયાસ જોવાનું બન્યું. તેના મુકદમાની જગ્યા પણ જોઈ. બ્રિટિશ સેનાપતિએ બડાશ હાંકી હતી.
દમદમે મેં દમ નહીં,
અબ ખૈર માંગો જાન કી,
અય ‘ઝફર’ ઠંડી હૂઈ હૈ
તેગ હિન્દુસ્થાન કી!
આના જવાબમાં બુઢ્ઢા શાયરે કહ્યું,
ગાઝીઓ મેં બૂ રહેગી
જબ તલક ઇમાન કી,
તખ્તે લંડન તક ચલેગી
તેગ હિન્દુસ્થાન કી!
દુર્ભાગ્યે, આ બાદશાહના છેલ્લા શ્વાસ દેશથી પેલી પાર લેવાયા. સ્થળઃ માંડલે જેલ, રંગુન.