એપ્રિલના બીજા-ત્રીજા સપ્તાહમાં ગુજરાતને શોભે તેવા કેટલાક મહત્ત્વના કાર્યક્રમો છવાયા. આ અંક તમારા હાથમાં પહોંચશે ત્યારે જુદાં જુદાં સ્થાનોએ તેનો માહોલ જામ્યો હશે.
૧૦મી એપ્રિલે અમદાવાદે પુરાણા ક્રાંતિકાર બેરિસ્ટર સરદારસિંહ રાણાને ભાવભેર યાદ કર્યા. રાણા-પરિવારના રાજેન્દ્રસિંહ રાણાએ તે ફરજ બજાવી, કહો કે પૂર્વજ ઋણ અદા કર્યું. સરદારસિંહની તમામ વિગતો, તસવીરો, દસ્તાવેજોની સાથે હવે વેબસાઇટ જોવા મળશે. આ કામ ઘણાં વહેલાં, ૧૯૪૭માં આઝાદી કાળે થઈ જવું જોઈતું હતું.
રાણા અને શ્યામજી કૃષ્ણવર્મા ગાઢ મિત્રો હતા. ૧૯૦૦થી આરંભાયેલાં વર્ષોમાં બન્ને માટે લંડન અને પેરિસ અલગ જ ના રહ્યાં! ૧૯૦૫ પછી તો શ્યામજી પણ લંડન છોડીને પેરિસ આવીને વસ્યા તેનું કારણ સ્વાતંત્ર્ય-પ્રચાર જ હતું. લંડનમાં ઇન્ડિયા હાઉસ, રોયલ એશિયાટિક ઇન્સ્ટિટ્યૂટ, લંડન-ઓક્સફર્ડ યુનિવર્સિટીઓ, વિક્ટોરિયા રેલવે સ્ટેશન, એક જૂની રેસ્ટોરન્ટ, શ્યામજીના નિવાસસ્થાન પાસેનો પૂલ... આ બધાં એવાં સ્થાનો છે જ્યાં મુક્ત ભારતનાં સપનાંને સાકાર કરનારી એક ટીમ હતી.
સરદાર સિંહ રાણા, શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા, વી. વી. એસ. અય્યર, મદનલાલ ધીંગરા, લાલા હરદયાળ, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, બેરિસ્ટર હિંડમેન, ગાય-દ-અલ્ફ્રેડ, પ્રાણજીવન મહેતા, પી. ગોદરેજ, દાદાભાઈ નવરોજી, દાદાભાઈની પૌત્રી કેપ્ટન પેરિન અને તેની બહેનો, જે. એમ. પારિખ, અમીન... હજુ આ યાદી અધૂરી છે. તેમાંના શ્યામજી કૃષ્ણવર્માનું તો માંડવી-કચ્છમાં ભવ્ય ક્રાંતિતીર્થ ચાર વર્ષ પર થઈ ગયું. હવે રાણાસાહેબ પર વેબસાઇટ થઈ.
શ્યામજીનું જીવનચરિત્ર લંડનમાં ૧૯૩૫માં, ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યું તેમાં બેરિસ્ટર રાણાએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ૧૯૩૫નાં એ અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન તો છેક ૧૯૫૦માં થયું! સુભાષબાબુના ભાઈ શરતચંદ્ર બોઝે તેની પ્રસ્તાવના લખી હતી. ઇન્દુચાચાને ૧૯૭૮માં હું મળ્યો. અમદાવાદના ભદ્ર ચોક પાસે ઇમ્પિરિયલ બેકરીનાં મકાનના ઉપલા માળે તેમની રૂમ હતી. એક પથારી, પીવાના પાણીની માટલી અને થોડાંક કાગળિયાં. મુલાકાતી આવે તે તેમની પથારી પર અથવા એક નાનકડાં ટેબલ પર બેસે!
ચાચા તે સમયે મહાગુજરાત આંદોલન પછીની જનતા પરિષદના વિરવિખેર અસ્તિત્વના સાક્ષી હતા. શાયદ, પાછલા વર્ષો પર ઘેરાં ચિંતનમાં હતાં. હું શ્યામજી કૃષ્ણવર્મા વિશે વાતો કરવા ગયો હતો. સ્મારકની વાત કરી. નીરુભાઈ દેસાઈ, અશોક હર્ષ, માનસિંહ બારડ વગેરે સક્રિય હતા. પણ ચાચા જરાક ઉદાસ-નિરાશ લાગ્યા. ‘કોણ સ્મારક કરશે? સરકાર? એવું માનવું નહીં!’ પછી જીવનચરિત્રની વાત નીકળી. ‘મને રાણાસાહેબે આપ્યું તેના આધારે લખ્યું. પછી તો ઘણું ઉમેરી શકાય તેમ છે.’ મેં કહ્યુંઃ ‘તમારે લખવું જોઈએ.’ કહેઃ ‘હું તો થાકી ગયો છું. બીજા કોઈએ આ કામ કરવું જોઈએ.’ ‘હું લખું?’ મેં પ્રશ્ન પૂછયો. સ્વાભાવિક રીતે ‘સાધના’ સાપ્તાહિકનો હું તંત્રી હતો. બાવીસની વયનો આ છોકરડો.... તેમણે મારી સામે જોયું ને કશો પ્રતિભાવ ન આપ્યો. તે પછી ૨૦૦૮માં પ્રચંડ ક્રાંતીતીર્થ થયું અને ૨૦૧૨માં મેં ‘પંડિત શ્યામજી કૃષ્ણવર્માઃ ક્રાંતિની ખોજમાં...’ આધિકારિક જીવન ચરિત લખ્યું, ત્યારે જીવિત હોત ચાચા, તો તેમના વરદ હસ્તે લોકાર્પણ કરાવ્યું હોત!
શ્યામજી વિશેની લંડન-ઘટનાઓનું પત્રકારત્વ પુસ્તક થયું તેને તો સી. બી. પટેલે ખાસ અમદાવાદ આવીને બે મહાનુભાવો - મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય મોરારિબાપુ-ના હાથે લોકાર્પણનો સરસ કાર્યક્રમ રાખ્યો હતો અને લંડનમાં આ અંગે વ્યાખ્યાન માટે એનસીજીઓના અધિવેશનમાં બોલાવ્યા ત્યારે લોર્ડ ભીખુ પારેખે મને વ્યાખ્યાન પછી કહ્યુંઃ ‘તમે ઘણી અ-જાણ માહિતી લાવ્યા...’
અંધારે અટવાયેલાઓનું સ્મરણ પણ જીવંત સમાજની ઓળખ છે. રાણાસાહેબ વિશેના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવજી ભાગવત અને રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીનું ઉદબોધન સર્વથા સમુચિત છે.
૧૩મી એપ્રિલે માતૃભાષા ગૌરવ સમારોહ છે. બ્રિટનવાસી વાચકો જાણે જ છે કે ગુજરાત સરકારે ધોરણ એકથી દસ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ અનિવાર્ય (ફરજિયાત) કર્યું તેનો અમલ નવાં સત્રથી શરૂ થઈ જશે. મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ નિર્ણય માટે સ્વાગતના અધિકારી છે. ૧૩ એપ્રિલે સાંજે અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીએ યોજેલા સમારંભમાં ૧૦૧ સંસ્થા બન્નેનું અભિવાદન કરશે અને માતૃભાષા - સંવર્ધનના ભાવિ માટેનો પ્રસ્તાવ થશે.
એ દિવસો - ૧૩ અને ૧૪ એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિ સાથે જોડાયેલા છે. આંબેડકર માત્ર પ્રચંડ વિદ્વાન નહીં, પણ સમાજને એકરૂપ કરવા માટેના દીર્ઘદર્શી મહાપુરુષ પણ હતા. આ ભારત જ એવું છે જ્યાં નાત – જાત – કોમ – સંપ્રદાયથી ઊઠીને તમામ સમુદાયોમાં મહાપુરુષો જન્મ્યા છે. સમાજજીવન, અર્થકારણ, સાહિત્ય, સંગીત, ફિલસુફી, અધ્યાત્મઃ સર્વક્ષેત્રે છેક નીચેની કહેવાતી જાતિથી સ-વર્ણ... સર્વ સ્તરે ઝળહળતા સૂરજ પાક્યા. તેમણે દેશ બચાવ્યો, અખંડિત અને સુસંગઠિત રાખ્યો છે. વિભાજન જેની ગળથૂથીમાં છે તેવું સામ્યવાદી કે જૈહાદી રાજકારણ ભારતમાં ફાવ્યું નથી, ફાવશે નહીં. તેની ચર્ચા - રાષ્ટ્રે જાગૃયામ વયમ્ – વિષયવસ્તુ સાથે આંબેડકર યુનિવર્સિટીમાં બે દિવસ સુધી થવાની છે. દેશભરના અધ્યાપકો, શિક્ષણકારો, સમાજસેવીઓ, સાહિત્યકારો તેમાં એકત્રિત થશે અને એક મુસદ્દો પણ તૈયાર કરશે.
રાજનીતિ અને સાર્વજનિક જીવનના શોરબકોરની વચ્ચે રાષ્ટ્રીય ભાવવિશ્વને સદાબહાર રાખવાના આવા પ્રયાસો માટે યુનિવર્સિટીના કુલપતિ પંકજ જાની, પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ નીતિન પેથાણી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, પ્રા. અમી ઉપાધ્યાય અને તેમની ટીમ વગેરેની પીઠ થાબડવા જેવી છે!
•••
ઇન્ડોનેશિયન ‘લક્ષ્મી’ અને પદ્મશ્રી નિયુમા
એનું નામ નિયુમા. પત્ની લક્ષ્મી. બન્ને ઇન્ડોનેશિયન મુસ્લિમ. શિલ્પ-સ્થાપત્યમાં એવી પ્રતિભાશાળી રચનાઓ, કે ભારતની બહારના વિદેશી મહાનુભાવને ‘પદ્મશ્રી’ મળ્યાની આ પહેલી ઘટના. ઇન્ડોનેશિયામાં રણભૂમિ પર શ્રીકૃષ્ણ અને અર્જુનના રથનું ભવ્ય અને વિશાળ શિલ્પ આ શિલ્પકારે કર્યું છે. ગરુડ તો તેનો પ્રિય વિષય. ‘પદ્મશ્રી’ સન્માન બીજી એપ્રિલે નવી દિલ્હીમાં મળ્યું ત્યારે ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિયુમા - પત્ની લક્ષ્મીએ જણાવી જ દીધું. સાહેબ, મારા પૌત્રનું નામ પણ નરેન્દ્ર જ છે! આજકાલ સમસ્યાગ્રસ્ત જાહેરજીવનને સરખું કરવામાં ચિંતન કરતા વડા પ્રધાનનાં ગંભીર ચહેરા પર ત્યારે સ્મિતની રેખા જરૂર આવી ગઈ!
પતિ - પત્ની - પુત્રી ત્રણે બે દિવસ માટે અમદાવાદ પણ આવ્યાં તો આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક પરિષદે મળવાનો મોકો આપ્યો. બાંડુંગ સહિતનાં શિલ્પકાર્યો, ઇન્ડોનેશિયામાં વિષ્ણુ અને મહાભારતનાં પાત્રોની પરંપરા, જીવનશૈલી અને કળાની ઘણી વાતો થઈ. મારું નામ સાંભળીને લક્ષ્મી ઉછળી પડી અને હસીને કહેઃ ‘સો યુ આર વિષ્ણુ!’ પછી ઉમેર્યુંઃ ‘મિટ માય વિષ્ણુ નિયુમા!’ પુરાણની રજેરજ કહાણી તે જાણતી હતી.
નિખાલસ દંપતી અને પુત્રી. ખ્યાત કળાકાર તૃપ્તિ દવે, સાંસ્કૃતિક પરિષદના વિકાસ સિંહ, કનોરિયા આર્ટ સેન્ટરનાં નિહારિકા શાહ, ડો. પ્રજિતા વગેરે પણ ગોષ્ઠિમાં ઉપસ્થિત હતાં. ગુજરાતમાં આવી સાંસ્કૃતિક મુલાકાતો વધતી રહે છે એ કેવું સારું!