ગુજરાતને માટે છેલ્લા કેટલાક દિવસો સામાન્યથી અસામાન્ય સુધીના રહ્યા છે. શરૂઆત અનામત (તે પણ પાટીદારો માટે)ના ઉપવાસ-શસ્ત્રથી થઈ. હાર્દિક પટેલ લાંબા સમયથી પોતાની પકડ ગુમાવી રહ્યો હતો, રાજ્ય સરકારે સવર્ણ સમુદાયો માટે પણ એક પંચ નિયુક્ત કરીને તેની કેટલીક માગણી સંતોષી હતી. આમેય ઘણીખરી યોજનાઓમાં સર્વસમાવેશી અભિગમ રહ્યો છે. સમાજમાં પણ હવે ‘વધુ અનામત’ માટેની માગણી હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. સૌને લાગે છે કે અનામતની માગણીનો કોઈ અર્થ નથી. કોઈ એક જાતિ કે સમુદાય આવા અધિકારો મેળવે અને બાકીનાને અન્યાય થતા રહે તે સમાજની સમતુલાને ગબડાવે છે.
મુસીબત એ છે કે પોતાનાં નેતૃત્વને બચાવવા અને આંદોલનને આગળ ચલાવવા માટે કોઈને કોઈ સાચા-ખોટા રસ્તા અપનાવવામાં આવે છે. હાર્દિક આમ તો થોડા મહિના પૂરતો નેતા હતો, આંદોલનોમાં આવું ભાગ્ય ઘણાબધાને મળે છે. અમદાવાદની પ્રચંડ સભા થઈ અને તેમાં પોલીસે લાઠીમાર કર્યો તેને લીધે ગયા વર્ષોમાં આંદોલનને વેગ મળ્યો.
ઘણી વાર આંદોલનની મૂળ માગણીને લીધે નહીં પણ પછીથી જે વાતાવરણ ઊભું થાય તેનાથી તેનું જોર વધે છે. આજે એમ લાગે છે કે ૧૯૫૬ની આઠમી ઓગસ્ટે કોંગ્રેસ ભવનમાંથી પોલીસની ગોળી વછૂટી અને પાંચ-છ નાગરિકો મર્યા તે ઘટના જ ન બની હોત તો મહાગુજરાત આંદોલનની દમદાર શરૂઆત થઈ હોત ખરી? નવનિર્માણ લડતમાં છોકરાઓ પરના લાઠી-ગોળીના પગલાંએ વધુ બળ આપ્યું હતું. પાટીદાર આંદોલનમાં પણ એવું જ બન્યું, અને હવે તેમાં કોઈ દમ રહ્યો નથી. ‘નેતા’ થવાની હોંશમાં થોડાક છોકરા-છોકરીઓ બહાર પડે છે, ઉપવાસ ધારણ કરે છે, નિવેદન ફટકારે છે. (ફેસબુક અને ટ્વિટર્સ પર જુઓ તો ખ્યાલ આવે કે શેરીમાં ઝઘડતાં તત્ત્વો જેવી ભાષામાં તું-તાં કરવામાં આવે છે.) પાટીદાર આંદોલનમાં હાર્દિકની સાથે અને સામે એના જૂથ પડી ગયાં છે, અને તરેહવારના આરોપોનો ઉકરડો ઠલવાય છે. તેમાં મુખ્યત્વે આંદોલનના નામે નાણાં ઊઘરાવવાનો આરોપ મુખ્ય રહે છે અને એ વાત સાચી છે કે આંદોલનને નાણાંકીય પીઠબળ પૂરું પાડનારું એપી સેન્ટર સુરતમાં છે. બધાંને રાજકીય વસુલાતમાં રસ છે. આવા સંજોગોમાં હાર્દિક પટેલે આમરણ અનશનનું જોખમી શસ્ત્ર ઉઠાવ્યું. આ લખાય છે ત્યારે નવમો દિવસ ઉપવાસનો છે. ડોક્ટરોની તપાસ જારી છે. કેટલાક સાધુસંતો, રાજકીય નેતાઓ તેને ‘ઉપવાસ છોડાવવા’ પહોંચ્યા, બીજા પણ પહોંચશે.
ઉપવાસ આંદોલનની ખૂબી જ એ છે કે તેમાં આંદોલન કરનારા કરતાં, તે ઉપવાસ છોડાવવા માટેનો વર્ગ બહુ ઉત્સાહી હોય છે. તેને ‘પારણાં પક્ષ’ ગણવામાં આવે છે. તે લીંબુ પાણી તૈયાર રાખે છે. હાર્દિક જ્યાં ઉપવાસ પર ઉતર્યો છે ત્યાં તેમના ટેકેદારો અને મુલાકાતીઓ ભોજન કરીને જ આંદોલનને હવા આપે છે, હાર્દિકની સાથે આંદોલનમાં આમરણ અનશન કરતા નથી. દલીલ એવી છે કે ખુદ હાર્દિકે તેની ના પાડી છે.
નિરર્થક હઠાગ્રહ
હાર્દિકના અનશન એક નિરર્થક મુદ્દા પરનો હઠાગ્રહ છે. ખેડૂતોનાં દેવાં માફ કરી દેવાનો પ્રશ્ન આંદોલનના કેન્દ્રમાં છે. બીજાં રાજ્યોમાં પણ આ સવાલો છે. અગાઉ સબસીડી અપાતી અને તે ભરપાઈ ન થતાં બેંકોની કરોડો રૂપિયાની રકમમાં ખોટ ગઈ. એવું જ કહેવાતું કે સબસીડી લેવાય, તેની ચૂકવણી થોડી થાય? સ્વતંત્ર લોકશાહી ભારતમાં પરસ્પર પ્રામાણિકતાને શીખવાડવામાં જ નથી આવી. દેશી લઠ્ઠો પીને મરનારાઓને સરકારો લાખ્ખો રૂપિયાની સહાય આપે કે મકાનો જિર્ણશીર્ણ હોય છતાં તેમાં રહેવાનું ચાલુ રાખીને અંતે ધ્વસ્ત થતી દિવાલોને લીધે મોત થાય... આ બધું બને ત્યારે સરકારોએ એક જ કામ કરવાનું રહે કે વળતર આપો! આ અસંતુલિત પ્રવૃત્તિ વધતી જ રહી છે. અને અમારા ‘ગરીબ’-પ્રેમી એનજીઓ કે ડાબેરીઓ ‘વંચિત-પીડિત સમુદાયોને થતા ઘોર અન્યાય’ સામે આંદોલનોનો બુંગિયો ફૂંકવામાં આગળ રહે.
હાર્દિકે અનશન ભલે કર્યાં પણ તેને ‘આમરણ’ની પાઘડી પહેરાવવાની જરૂર નહોતી. આઝાદી આંદોલન દરમિયાન માત્ર એક જ સ્વાતંત્ર્યવીરે છેક લગી અનશન કરીને શહીદી પ્રાપ્ત કરી તે સરદાર ભગત સિંહનો સાથીદાર હતો. યાદ રહે કે ભગત સિંહે કોઈ એક સમુદાય માટે આંદોલન કર્યું નહોતું. ગાંધી એમ માનતા કે જો પ્રશ્ન સાચો હોય તો આમરણ અનશનને તેના તાર્કિક અંત સુધી લઈ જવા જોઈએ. જોકે ગાંધીજીના ઉપવાસો પણ કોઈને કોઈ રીતે પારણા સાથેના રહ્યાં હતાં. એકમાં ડો. આંબેડકરે અને બીજામાં દિલ્હીના વિવિધ સંગઠનો (જેમાં રાષ્ટ્રીય સેવક સંઘ પણ હતો) એ તેમને પારણા કરાવ્યા હતાં. એક માત્ર જતીનદાસ - ક્રાંતિકારી યુવક - લાહોરની જેલમાં ૬૧ દિવસના એવા ઉપવાસથી શહીદ થયો કે ડોક્ટરો અને બળવાન પોલીસ બળજબરીથી નળી માટે પેટમાં દૂધ અને પ્રવાહી પહોંચાડે ત્યારે જતીનની દૃઢતા એવી કે તેને પણ ઊલટી કરીને બહાર કાઢી નાખવાની પ્રયુક્તિ શીખી લીધી હતી.
ઓહ, ઉપવાસો! અને બૌદ્ધિકો!
ઉપવાસો - પાંચ કલાકના, સવારના અગિયારથી સાંજના પાંચ સુધીના, ગ્લુકોઝના શરબત સાથેના, રાત પડ્યે પાથરણા નીચેના નાસ્તા સાથેના અને ખરેખર ઉપવાસો - આ સ્વતંત્ર ભારતના આંદોલનનો મહિમા છે. આંધ્ર પ્રદેશની રચના માટે એક આંદોલનકારી રામુલુએ એવા ઉપવાસમાં જીવ ગુમાવ્યો હતો, આજે આંધ્રની સામાન્ય પ્રજાને તે યાદ પણ નથી!
આવી કડવી વાસ્તવિક્તા સાથે હાર્દિકે સમજી લેવું જોઈતું હતું કે ભાઈ, તારા પ્રશ્નો જરૂર છે પણ તેને ઉકેલવાના ઘણા રસ્તા છે. અલ્પેશ ઠોકોરે આંદોલન કર્યું તે પછી કોંગ્રેસમાં જઈને ધારાસભ્ય તરીકે ચૂંટાયો એટલે બંધારણીય રસ્તે તે સાર્વજનિક પ્રશ્નોના ઉકેલ લાવી શકે. જિગ્નેશે ભલે મહારાષ્ટ્રમાં જેએનયુની ટૂકડે ટૂકડે ગેંગની જેમ - સંસદ કે ધારાસભામાં નહીં, પણ સડક પર જઈને અધિકાર મેળવીશું કે સંઘર્ષ કરીશું એવી હાકલ કરી હતી છેવટે તે ય ધારાસભાની બેઠક પર ઊભો રહીને જીત્યો. બંગાળ-ઓરિસામાં જીર્ણશીર્ણ બની ગયેલા નક્સલી આંદોલનના ઘણાખરા લોકો બંધારણીય રીતે ચૂંટણીના પક્ષધર બની ગયાને વર્ષો વીતી ગયાં.
જે સીપીએમ માઓ જૂથ છે તે નક્સલી ક્રાંતિના નામે ૪૦૦ કરોડના તેંદુપત્તાની ધંધાગીરી કરીને નાણાં મેળવે છે, ખંડણી માગે છે, નિર્દોષોની હત્યા કરે છે, સરકારી સસ્તા અનાજનો જથ્થો મેળવીને દુકાનો ચલાવે છે, અને આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને ટેકો આપનારા ‘શહેરી નકસલીઓ’ જે પ્રોફેસરો છે, વકીલો છે, એનજીઓ ચલાવે છે, ગાયકો છે ને મોટી મબલખ કમાણી કરીને ‘નકસલ ક્રાંતિ’ને ટેકો આપે છે. તેમાંના કેટલાકને પોલીસ પકડ્યા તો ‘માનવાધિકાર અને વિચાર સ્વાતંત્ર્ય’ પર જુલમ છે એવું નિવેદન ૧૦૦ જેટલા કર્મશીલો (ખરેખર કર્મશીલો?)એ કર્યું તેમાં તિસ્તા છે, જેએનયુ છે, પ્રશાંત ભૂષણ છે, કાશ્મીરની ‘આઝાદી’ ઇચ્છનારાઓ છે, ડાબેરી ઇતિહાસકારો છે, જિગ્નેશ મેવાણી છે, અને કેટલાક તો કોઈ ઓળખ વિના પણ છે, જે નકલી નામો છે એમ તુરત ખબર પડી જાય છે. આ લોકોને ‘કર્મશીલ’ જેવું છોગું આપીને તેને ટેકો કરનારા, ગુજરાતમાં કથિત ‘બૌદ્ધિક’ અખબારી કોલમનો ઉપયોગ કરીને, વ્યક્તિગત વસુલાત પણ કરી લે છે. એવા એ સજ્જન સમાજશાસ્ત્રીનું પુસ્તક રાજ્ય સરકારે કે ગ્રંથનિર્માણ બોર્ડે ન છાપ્યું તેની પ્રતિક્રિયાઓનો નિરર્થક શબ્દાવલિ અને અભિપ્રાયોનો પ્રયોગ કર્યો તે સામાન્ય વાચકોને તો રમુજ પેદા કરે તેવો જ રહ્યો! એટલે હિન્દી કવિ યાદ આવી જાય કે ‘હમ તટસ્થ તો હૈ પર હમને તટ કો નહીં દેખા!’
હાર્દિકના ઉપવાસ જલદીથી પાછા ખેંચાશે, ખેંચાવા જોઈએ. સમજૂતીનું થીગડું ગમે તે હોય, પણ એક બાવીસ-ત્રેવીસના યુવકને તેનો આ હઠાગ્રહી રસ્તો છોડાવવો જ જોઈએ. ભલે તેના આંદોલનને કોંગ્રેસે સ્વાર્થપરસ્ત ટેકો આપ્યો હોય.