સરદાર પટેલ ગુજરાતીઓમાં બે રીતે જીવંત છે! હમણાં હાર્દિક પટેલે મહાપંચાયત કરી તેમાં જે નેતાઓ હતા એમણે એવું તો કહ્યું કે અમે સરદારના વંશજો છીએ પણ બીજા શ્વાસે ‘ફલાણા નેતાને તેની પાટીદાર માતાએ જણ્યો હતો કે નહીં’ આવો સવાલ ઊઠાવ્યો! લોકો ખુશ. તાળીઓના ગડગડાટ. મોડેથી અંદાજ આવ્યો હશે કે આ તો કંઈક બફાયું લાગે છે. ‘કણબીનો દીકરો’થી માંડીને ‘પાટીદાર એકતા’ સુધીના શબ્દો ફંગોળાયા. હાર્દિક પણ લોકરંજની ભાષા શીખી ગયો છે. આ નવા આંદોલનકારી યુવાન નેતાઓમાં બીજું કંઈ છે કે નહીં એ તો આપણે જાણતા નથી પણ સામે બેઠેલાઓને હલાવી મૂકે તેવા શબ્દોનો ખેલ જરૂર કરી શકે છે.
સવાલ તો એક જ મુખ્ય હોય છે - અનામતનો. જનતા પરિષદ તદ્દન ઘસાઈ ગઈ ત્યારે પણ તે એક બાબત – શહીદ સ્મારક – લઈને વરસે ક્યારેક જુલુસો કાઢતી હતી. પાટીદાર આંદોલનનું યે એવું જ છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવે ત્યારે ‘પટેલ નેતાગીરી’ કોની પાસે રહે તેનો સળવળાટ શરૂ થઈ ગયો. એટલે મહાપંચાયતે ફતવો બાહર પાડ્યો કે જે ખરા પાટીદાર નેતાઓ – ધારાસભ્યો હોય તે આ મહાપંચાયતમાં હાજર રહે! હાર્દિક કરતાં ઘણાં સિનિયર નેતાઓ – ભાજપ અને કોંગ્રેસમાં, તેમજ અન્યત્ર – છે તેઓ આવું શાના માટે માને? હા, કેટલાક કોંગ્રેસ ધારાસભ્યો જરૂર સામેલ થયા.
વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને માટે આ બે કાંખઘોડી - હાર્દિક અને જિજ્ઞેશ – મનગમતી લાગી હતી, પણ પછી તુરંત ખબર પડી ગઈ કે આ કાંખઘોડીમાં ક્યારે જીવ આવે અને જાતે દોડતી થઈ જાય તેનો કોઈ ભરોસો ખરો? દરેકને પોતાની દુકાનનો માલ વધુ વેચાય તેમાં જ રસ હોય છે. ગુજરાતી રાજકારણ લગભગ તેવા રસ્તે છે. અંદર અને બહાર ગુસપુસ ચાલ્યા જ કરે છે.
વચ્ચે એક અફવા આવી કે નીતિન પટેલ ભાજપના ધારાસભ્યોને ભેગા કરીને બળવો કરવાના છે. નીતિન પટેલનો સ્વભાવ બોલકો ખરો પણ મુખ્ય પ્રધાનપદની દાવેદારી સમયે જે કાંઈ બન્યું તે પછી બોધપાઠ લઈને ચાલે તેવું જનસંઘી લોહી ધરાવે છે. પત્રકાર પરિષદ કરીને તેમણે રદિયો આપ્યો કે આવું કંઈ નથી. હું ભાજપમાં જ છું ને રહેવાનો છું. ‘ફુલછાબ’માં તો એટલે સુધી છપાયું કે નીતિન પટેલને ગુજરાતનાં રાજકારણમાંથી ખસેડીને કેન્દ્રમાં લઈ જવાશે. આમ કરવું હોય તો તેમને ૨૦૧૯માં લોકસભાની સીટ લડાવવી પડે. આવું જ રાજકીય ભવિષ્ય મહેન્દ્રસિંહ વાઘેલાનું પણ ગણાય છે. આ બધા ‘ચાના પ્યાલામાં તોફાનો’ છે ખરેખર તો તૈયારી ૨૦૧૯ની છે. ૨૦૧૪માં જેવું ધમાસાણ હતું તેથી અધિક આ ચૂંટણીમાં હોવાનું.
એક મોટી - પણ મજબૂત નહીં તેવી - છાવણી નરેન્દ્ર મોદી-ભાજપ–સંઘ કોઈ પણ ભોગે જીતે નહીં તે માટેની તૈયારી કરી રહી છે. કર્ણાટકે તેને ઓક્સિજનની બાટલી પૂરી પાડી, પણ તેનાથી કંઈક ચાલે? થોડાક સમય પહેલાં ‘જનતા દરબાર’ની પેરવી થઈ હતી. હવે ‘મહાગઠબંધન’ની શરૂઆત કરવી છે. ખાટલે મોટી ખોડ એ છે કે આ પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને પોતાના નેતૃત્વપદે જોવા રાજી નથી અને શાના હોય? કર્ણાટકમાં કોંગ્રેસે - માત્ર અને માત્ર ભાજપ સત્તા પર ન આવે એટલા માટે - જનતા દળ (એસ)ની લઘુમતી શક્તિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાં પડ્યાં!
કોંગ્રેસની હાલત જ એવી છે કે પ્રદેશોમાં તેનો પહેલો ક્રમ તો ગયો, બીજો પણ હાથમાં રહ્યો નથી. નેહરુ-ગાંધી પરિવારની બચીકૂચી ‘અસ્મિતા’ના આધારે તેણે છત્રી ઊઘાડી છે. પ્રાદેશિક પક્ષો જાણે છે કે આ છત્રી પણ હેતુસરની છે. પક્ષોનો ટેકો લેવો ને પછી પોતે સર્વસ્વ થવા તેમને જ ઠેકાણે પાડી દેવા! કેન્દ્રમાં તો આવું વારંવાર બન્યું છે. ચંદ્રશેખરે થોડાક સાંસદો હતા, કોંગ્રેસનો ટેકો લીધો તે વડા પ્રધાન બન્યા પછી જલદીથી ભંગાણ પડ્યું, સરકાર ગઈ. દેવેગૌડા - ગુજરાલમાં યે આવી હાલત થઈ.
ડુમ્મસમાં ૧૯૯૬માં એક ગોષ્ઠિ પીઠાવાલાના નિવાસસ્થાને થઈ હતી. આયોજકોમાં કેટલાક મિત્રો હતા એટલે મને ય બોલાવ્યો હતો. ચંદ્રશેખરનો ૧૯૭૫-૭૭ના સમયનો પરિચય તો હતો, પણ આ નેતાની પાસે ધારદાર તાર્કિક શક્તિ છે તેની ખબર આ ગોષ્ઠિમાં પડી. મેં તેમને પૂછયું હતું કે તમે એવું જાણતા હતા કે રાજીવ ગાંધી ટેકો આપીને ફરી જશે? મને કહેઃ ‘જુઓ હુંયે કોંગ્રેસી છું, કોંગ્રેસની રગ બરાબર પારખું છું. યંગ ટર્ક અને સમાજવાદી કોંગ્રેસી તરીકે મને ખબર હતી કે આ સમજૂતી કાચા સુતરના તાંતણાની હતી. પણ મારે શ્રીમતી ઇન્દિરાજીને એક વાર બતાવવું હતું કે નેહરુ-ગાંધી સિવાયનો કોંગ્રેસી પણ વડો પ્રધાન થઈ શકે છે!’
અદભૂત તર્ક હતો! આજના કોંગ્રેસ પક્ષમાં આવી કોઈ દાવેદારી કરે તેવો વીરલો ખરો? ચિદંબરમ્? મનમોહન સિંહ? ગુલામનબી આઝાદ? અહમદ પટેલ? મલ્લિકાર્જુન ખડગે? બધાંને ખબર છે કે નરસિંહ રાવ અને સીતારામ કેસરીની કેવી હાલત થઈ હતી. અરે, પ્રણવ મુખરજીને તો હાંસિયામાં ધકેલી દેવાયા હતા...
દલીલબાજો કહી શકે કે ભાજપમાં પણ નરેન્દ્ર મોદીનું જ એકચક્રી રાજ ક્યાં નથી ચાલતું? ચાલે છે, પણ મોદી - ગાંધીમાં અને તેમના કાર્યકર્તાઓમાં આસમાન-જમીનનો ફરક છે. નેહરુ-ગાંધી કેવળ પારિવારિક ભૂમિકાથી તૈયાર થયેલા કોંગ્રેસ નેતા હતા. ગાંધીજીનું જવાહરલાલને સમર્થન હતું એટલું જ. પછી એવું રહ્યું નહોતું. ગાંધી થોડું વધારે જીવ્યા હોત અને સરદારનું સ્વાસ્થ્ય કથળતું ન હોત તો નેહરુ વધુ સમય વડા પ્રધાનપદે રહી શક્યા ન હોત. અરે, આઝાદ હિન્દ ફોજની વ્યૂહરચના સફળ થઈ હોત અને સુભાષચંદ્ર બોઝ ભારતમાં પ્રવેશી ચૂક્યા હોત તો યે નેહરુ-ગાંધી પરંપરાથી ભારત બચી ગયું હોત!
પણ આજેય ગાંધી-નેહરુના પડછાયાથી કોંગ્રેસને મુક્ત કરાવવાનું સાહસ કોઈ કરતું નથી, આનું કારણ શું? એ જ કે કોંગ્રેસ આટલાં વર્ષોનાં રાજકારણ પછી થાકી ગઈ છે. વાસના જરૂર છે, પણ ઇન્દ્રાસન શક્ય નથી. આજે પણ ભારતમાં ૩૭ કોંગ્રેસ પક્ષોની હયાતી છે, પણ સર્વોપરિ તો જેમાં ગાંધી પરિવાર છે તે જ ગણાય છે. એટલે તો રાહુલ ગાંધીએ કર્ણાટકની જાહેર સભામાં કહી દીધું છે કે ૨૦૧૯માં હું વડો પ્રધાન હોઈશ. પછી ઉમેર્યું કે જો વિપક્ષો એક થઈ શકે તો!
મૂળ વાત જ ભારતમાં સત્તાપલટા કરતાં, મોદી-વિરોધની છે. ડાબેરીઓ રાહ જુએ છે. પ્રાદેશિક પક્ષોમાં કેટલાક ભાજપની સાથે છે. શિવ સેનાને ‘બાર્ગેનિંગ’ કરવું છે. ચંદ્રાબાબુ નાયડુ પોતાના પૂર્વજ એન. ટી. રામારાવની જેમ સંયુક્ત વિપક્ષોના નેતા બનીને વડા પ્રધાન બનવાની ઇચ્છા ધરાવે છે. માયાવતીને કોંગ્રેસની દાનતમાં આશંકા છે. કેજરીવાલ અને મમતા ભેગા થઈ શકે છે પણ તેથી શું? અત્યારે તો ભાજપની બોલબાલા ઈશાન ભારત સુધી પહોંચી ગઈ છે.
ભાજપનું સાંસ્કૃતિક ભાવજગત યથાવત્ છે. સંસદમાં હોય કે બીજે, તેના ચિત્તમાં ‘નમસ્તે સદાવત્સલે...’નો સ્વર મહત્ત્વનો છે, બાકીનું તેના પછી. એટલે મોદી એ નેહરુ ગાંધીના પરિવારના રાહુલ જેવા નેતા નથી, તેની પાછળ કાર્યકર્તાનો પરમ વિશ્વાસ અને ભાવના છે. વિપક્ષે હતા ત્યારે કાર્યકર્તા માટે વાજપેયી એવા અ-ચલ, અ-ટલ નેતા હતા. નેતૃત્વ અને કર્તૃત્વનો આવો મેળમિલાપ હજુ સુધી તો ભારતના બીજા કોઈ રાજકીય પક્ષમાં દેખાયો નથી. એટલે સેક્યુલર, સોશિયાલિસ્ટ, લિબરલ, લેફિટસ્ટ, તટસ્થ, આ બધા શબ્દો ખરી પડ્યા છે. હા, તેના ‘માસ્ક’ને કેટલાકે પહેરી રાખ્યો છે ખરો... પણ તેમાં જે પૂર્વગ્રહ અને પક્ષપાતના સાપોલિયાં સળવળે છે તે સંઘ-ભાજપને વધુ શક્તિશાળી બનાવે છે!