આમ આદમી પાર્ટી (‘આપ’) દિલ્હીમાં જીતી એટલે તેનામાં ગુજરાતમાં યે ‘કંઈક કરી બતાવવા’નું જોમ આવી ગયું! સામ્યવાદીઓ માટે મજાકમાં - અગાઉના વર્ષોમાં - કહેવાતું કે વરસાદ મોસ્કોમાં પડે અને બિરાદરોની છત્રી માણેક ચોકમાં ખૂલે! કોઈ કોઈ વાર ‘મારે મુઘલ અને ફૂલાય પીંઢારા’ એવી ઊર્દુ કહેવત પણ પ્રચલિત હતી. ઉમેરવા જેવી (ખાસ કરીને કોંગ્રેસ પક્ષ જે રીતે વર્તે છે તે જોઈને) ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ ઉક્તિ યે ખરી! ‘અમે ભલેને હારી ગયા’, પણ ‘આપ’થી ભાજપ હાર્યો એ વાતનો હરખ તેઓ વ્યક્ત કરી રહ્યા છે!’
ગુજરાતમાં ‘આપ’નો પ્રયાસ
વાત ગુજરાતમાં ‘આપ’ની છે. અગાઉ અણ્ણા સાહેબ ભારત ભ્રમણ કરતા હતા ત્યારે અમદાવાદમાં પણ આવેલા. તેમની સાથેની ‘પ્રજાકીય બેઠક’નું સમગ્ર સંચાલન બંગાળ - બિહાર - ઓરિસામાં સામ્યવાદી પક્ષથી છૂટા પડેલા પક્ષના ગુજરાત એકમે કર્યું હતું!
કેજરીવાલ તેમાં હાજર હતા. અણ્ણા પછી તેમણે ય પ્રવચન આપ્યું. ગુજરાતમાં મોદી અને ભાજપ-વિરોધી તાકાત અજમાવવા માટે ‘અણ્ણા-છત્રી’ કામ આવે એવી લાલચથી કેટલીક એનજીઓ (બિનસરકારી સંસ્થાઓ) તેમાં સહયોગી બની હતી. પણ, એ બેઠકમાં ખાસ કશું થયું નહીં. અણ્ણા આવ્યા અને ગયા!
ચૂંટણી દરમિયાન ‘આપ’ની કોશિશ અસરકારક નેતાની શોધમાં રહી. મહુવામાં નિરમા પ્લાન્ટ વિરોધની આગેવાની લેનારા, ભાજપના ધારાસભ્ય કનુભાઈ કલસરિયા તરફ તેની નજર ગઈ. કલસરિયા તેમને મળ્યા પણ ખરા, પરંતુ લોકસભા-ધારાસભાની ચૂંટણીનાં ‘આપ’ની કોઈ અસરકારક જીત દેખાઈ નહીં.
હવે વળી પાછું જોશ આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સિવાયના પક્ષો તેમ જ સંગઠનોના વિવિધ પ્રયોગો થતા રહ્યા છે, પણ અખતરા સિવાય ખાસ કશું તેઓ ઉકાળી શક્યા નથી. લોકસ્વરાજ સંઘથી લોક સ્વરાજ સુધીના, ઉમેદવારો, ચૂંટણી દરમિયાન, ઊભા રહ્યા તેમણે અનામત (ડિપોઝીટ) ગુમાવવાથી વિશેષ કશું કર્યું નહોતું.
હા, ડો. વસંત પરીખે ૧૯૬૭માં વડનગર-ખેરાલુ વિસ્તારમાંથી અને લોકસભામાં પ્રા. પુરુષોત્તમ ગણેશ માવળંકરે અમદાવાદમાંથી વિજય મેળવ્યો હતો. સૌરાષ્ટ્રમાં એવા એક નગીનદાસ શાહ અપક્ષ ચૂંટાઈ આવતા, પણ કોઈ નાગરિક સંગઠન તરીકે ચૂંટણીમાં પ્રભાવ પાડવાનું શક્ય બન્યું નથી.
રાજમોહન ગાંધી જેવા વિચારક લેખકે એક વાર જનતા પક્ષમાંથી પોરબંદરમાં ઉમેદવારી કરેલી. ગઈ ચૂંટણીમાં દિલ્હીમાં એ ‘આપ’ના ઉમેદવાર હતા, આપણા એક ગુજરાતી નેતા મધુ મહેતા મુંબઈમાં મુરલી દેવરાની સામે ‘હિન્દુસ્થાની આંદોલન’ તરફથી ઊભા રહેલા, પણ આ ત્રણે ઉમેદવારોને જીતવાનું નસીબ સાંપડ્યું નહોતું.
ભાજપ-અબાધિત સત્તાના પડકાર
આવાં બીજાં ઉદાહરણો પણ મળી આવે... પરંતુ પ્રજાની ઇચ્છા અને પીડા તેમ જ મજબૂત સંગઠનના મુદ્દે આવાં પરિબળો નિષ્ફળ નીવડ્યાં છે તે એક વાસ્તવિકતા છે. ગુજરાતમાં ‘આપ’ને પોતાનું માળખું અને વિચાર ઉપરાંત તેનો પ્રજા સુધીનો રસ્તો - આ બાબતો મુશ્કેલ છે. દિલ્હીની વાત સાવ અલગ હતી, ત્યાં અપેક્ષાના ‘તત્કાળ’ પરિણામો સાથે પ્રજાએ લાગણીનો ઊભરો કાઢ્યો છે, તેને મજબૂત વિકલ્પમાં બદલવો એ સૌથી મોટી કસોટી છે. એટલે ‘આપ’ આગળ વધે, લડખડિયાં ખાય કે પ્રભાવહીન થઈ જાય તેની સઘળી જવાબદારી કેજરીવાલની જ રહેશે.
ભારતીય જનતા પક્ષ પાસે અ-બાધિત સત્તા છે તો અ-બાધિત પડકારો પણ છે! મોટા પક્ષોને નુકસાન તેમાં આવી ચડેલા જુમલાથી પણ થાય છે. કોંગ્રેસનું એવું નુકસાન ૧૯૫૨ અને ૧૯૬૯માં શરૂ થયું હતું. ‘નેહરુ એટલે દેશ અને દેશ એટલે કોંગ્રેસ’ એ નારાએ લોકશાહીની ગુણવત્તા ઉપરાંત પક્ષને પણ તૂટવા તરફ દોર્યો હતો. ૧૯૬૯ પછી - ૧૯૭૫-૭૬માં તો ખાસ - ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’નો નારો તત્કાલીન પક્ષ પ્રમુખ દેવકાંત બરુઆએ આપ્યો હતો - તે યાદ આવે છે? ૧૯૭૭માં ઇન્દિરા-સામ્રાજ્યને મતદારોએ વેરવિખેર કરી નાખ્યું અને ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’નો નારો આપનારા બરુઆ ખુદ પક્ષ છોડી ગયા હતા!
પ્રથમ વાર લોકસભામાં સત્તાજોગ બહુમતી મેળવનાર ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ય આવી ખુશામતખોરીનો દરેક પળે સામનો કરવો પડે છે. કોંગ્રેસ કે બીજા પક્ષોમાં મહત્ત્વનું સ્થાન ન મેળવી શકનારા એમ. જે. અકબરથી માંડીને તાજેતરમાં શાઝિયા ઇલમી સુધીનાં ઉદાહરણો છે. હરિયાણામાં તો એવા નેતા ભાજપની બેઠક પર જીતીને પ્રધાન પણ બન્યા છે. ઝારખંડમાં આવી ભેળસેળ થઈ, બિહાર બાકી નથી. બંગાળમાં તૃણમૂલ પક્ષમાંથી કેટલાક નીકળી ગયા. આપણા ગુજરાતી સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જઇ રહ્યા હોવાના અહેવાલથી ચમકીને તેમને તૃણમૂલના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવી દેવાયા! શિવ સેનામાં પણ એવું બન્યું. આ રાજકીય વિસ્ફોટ છે, પણ તેનાં મૂળમાં જો બીજાં કારણો પડ્યા હોય તો તેને માટે પક્ષે પોતે જ આત્મમંથન કરવું પડે.
રાજકોટમાં પક્ષના અતિ-ભક્તોએ મોદી-મંદિર ઊભું કરીને તેમાં નરેન્દ્ર મોદીની પ્રતિમા સ્થાપન કર્યાના, અને તેના ઉદ્ઘાટન વખતે રાજ્ય-કેન્દ્રના બે પ્રધાનોને આમંત્રણ અપાયાના અહેવાલ હતા. સારું થયું કે મોદીને આ સમાચારની ખબર પડતાંવેત ‘ટ્વિટ’ કરીને નારાજગી દર્શાવી એટલે પ્રતિમા સ્થાપન અટકી ગયું. પણ આ શું દર્શાવે છે? દક્ષિણમાં કોઈ નેતા-અભિનેતા મૃત્યુ પામે, સજા થાય કે મૃત્યુ પામે તો તેની પાછળ કેટલાક ઘેલાઓ આપઘાત કરી નાખે છે! મોદી પ્રત્યેનો પ્રેમ અને અહોભાવ કે તેનામાં રહેલી શક્તિનો અહેસાસ અને સ્વીકૃતિ એ અલગ વાત છે, પણ આવી ઘેલછાભરી આંધળીભક્તિ? ‘પ્રભુ, તું તેને તેના શુભેચ્છકોથી, બચાવજે’ આવું અગાઉ કહેવાતું આવ્યું છે. નરેન્દ્ર મોદી તેમાં ચેતી ગયા અને ખુશામતખોરીનો રાજકોટી પ્રયોગ અટકાવી દીધો એ સારું જ થયું.
‘જનતા-દરબાર’?
બિહારથી શરૂ થયેલી ‘જનતા-દરબાર’ની ગાડી હજુ તો તેના ચાલકો અને ઉતારુ મુસાફરો સહિત એન્જિનના પૈડાં આગળ વધારવાની ફિરાકમાં છે. જૂના જનતા પક્ષો ભેગા થાય અને મુખ્યત્વે ભાજપને પડકારે તેવા હેતુથી જનતા દળ (યુ), જનતા દળ, સમાજવાદી પાર્ટી (સપા) વગેરેએ ભેગા થઈને સંયુક્ત લડાઈનો ટંકાર તો કર્યો, પણ ત્યાં, તેના એક દલિત નેતા - જીતનરામ માંઝીએ નવી ઘંટડી વગાડી! મુખ્ય પ્રધાન બનેલા માંઝીએ ‘મહાદલિત’ સમુદાયને સાથે લઈને નીતિશ કુમાર - લાલુ પ્રસાદને હંફાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આમાં દરબારનો ઝળહળાટ થાય ક્યાંથી?
ગુજરાતમાં ‘જનતા દરબાર’ની ખાસ સંભાવના નથી. દૂર લગી તેનું કોઈ ભવિષ્ય નથી. એનસીપી, જનતા દળ (યુ), બસપા, સપાનાં પાટિયાં તો છે, પણ પ્રભાવ નથી. કોંગ્રેસ આ બધાંને સાથે લઈને ચાલે કે ન ચાલે કોઈ ફરક પડે તેમ નથી, એ કોંગ્રેસ-નેતાઓ પણ સમજે છે. તેઓ તો ઝાડ પર પુરી લઈને બેઠેલા કાગડાના અવાજની રાહ જોતા, ઝાડ તળેના શિયાળ જેવી હાલતમાં છે - ક્યારે ભાજપમાં આંતરિક સંઘર્ષ થાય અને ક્યારે...
ખરેખર તો કોંગ્રેસને જનાંદોલનની કોઈ ટેવ જ નથી, અને તેવો પિંડ પણ નથી. એટલે આવા રસ્તા સૂઝે છે.