(ગતાંકથી ચાલુ...)
તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના છક્કા પણ છોડાવ્યા. તેઓ પાછળ હટ્યા. પણ થોડી વારમાં નવી સંખ્યા સાથે ત્રિકોણિયો હુમલો કર્યો. પંજાબી જવાનો ફરી લડ્યા અને ચોટી પર સંદેશો મોકલ્યો કે ચીનાઓ પર મોર્ટાર અને તોપોથી મારો બોલાવો. ચોકી પરથી બ્રિગેડિયર દલવીએ જવાબ આપ્યો કે ચીનાઓ વધુ તૈયાર અને મજબૂત છે. આ મારાને તેઓ પહોંચી વળે તેમ છે. અમે અહીં કંઈક કરીશું તો લડાઈ ફેલાઈ જશે. માટે તમે પાછા હટીને અહીં પહોંચો. નદી પર પાંચ પુલ હતા, ઘોલાની ચોકી ત્રીજા પુલની સામે હતી. બે બુલની ચોકીની પૂર્વ તરફ હતા. પંજાબી ચોથા પુલથી ગયેલા, તે ઘેરાયા હતા. અને પાંચમા પુલ તરફથી આવી ગયા.
થાગલાની પેલી પાર બેઠેલા ચીનાઓની તાકાત કેટલી? એનો કોઈનીયે પાસે પાકો જવાબ નહોતો. તસંગ-જોગ પરના હુમલાથી ચીની શક્તિઓ પરચો મળ્યો. જનરલ કૌલ દિલ્હી દોડ્યા. નેહરુજીને બતાવ્યું કે આપણી એક ડિવિઝનમાં પણ એક બ્રિગેડની કમી છે, જ્યારે ચીનાઓ પાસે નેફામાં ચાર અને લડાખમાં દસ ડિવિઝન મોજૂદ છે! આપણી પાસે ગરમ કપડાં, જૂતા, શસ્ત્રાસ્ત્રો અને મજદૂરોની કમી છે. રાશન પહોંચાડવાનો પ્રબંધ અપૂરતો છે. એટલે ત્રણ વિકલ્પો છે - એક, ગમે તે થાય ચીનાઓને પાછા હટાવવા પ્રયત્ન કરવો; બીજો, આક્રમણ નીતિ છોડીને ત્યાં પડ્યા રહીએ અને બીજો વધુ સગવડવાળા મોરચે આવી જઈએ. નેહરુ બીજા વિકલ્પ માટે તૈયાર થયા. (‘અનટોલ્ડ સ્ટોરી’, શ્રી કૌલ)
અને લંકા જતાં પૂર્વે નેહરુએ હવાઈ મથકે દિલ્હીમાં જાહેર કર્યું ‘સેનાને ચીની આક્રમણથી ભારતીય ભૂમિ મુક્ત કરવા આદેશ આપી દેવાયો છે. તારીખ નક્કી કરવી એ ફોજનું કામ છે.’
પછીની ઘટનાઓ વધુ તીવ્ર અને વધુ ઝડપી બને છે. ૨૦ ઓક્ટોબરે ચીનાઓએ ઘોલા પર આક્રમણ કર્યું. બીજા અને ત્રીજા પુલ વચ્ચેના બ્રિગેડિયર દલવીના થાણાને ઘેરી લેવાયું, દલવી ગિરફતાર થયા. બાવીસમીએ તવાંગ પર હુમલો થયો. કૌલ બીમાર થઈ દિલ્હી ચાલ્યા ગયા. પૂર્વીય કમાનના કમાન્ડર લેફ. જનરલ સેનના આદેશ પ્રમાણે ભારતીય ફોજ તવાંગથી પાછી ચાલી આવી. ૨૭મીએ તો લડાખ પરના હુમલામાં ઉત્તર અને મધ્યક્ષેત્રની બધી ચોકીઓ ચીનાઓના હાથમાં ગઈ હતી.
ભારતીય ચોકીઓએ નવેસરથી વ્યૂહરચના આદરી, પરંતુ ચીનાઓના હાથમાં ફતેહનો દોર હતો. તવાંગમાં બે ડિવિઝન ફોજ ઉતારીને પોતાના પુરાણા થાણા બૂમ-લાથી તવાંગ સુધીનો સડક બનાવવામાં તેઓ મશગૂલ હતા. આપણા જનરલ કૌલ પાછા સ્વસ્થ થઈ આવી ગયા હતા. તેમણે બે ડિવિઝન ફોજ અને વસ્તુઓની માગણી મૂકી. આર્મી ચીફ થાપર સમક્ષ મુશ્કેલી એ હતી કે તેમને પાકિસ્તાની આક્રમણનો પણ ભય હતો. એટલે પંજાબની સરહદે લાગેલી સેનાને કઈ રીતે નેફા યા લડાખમાં કુમક માટે મોકલવી? નેફા માટે એક જ બ્રિગેડ મોકલી શકાઈ અને બીજીનું આશ્વાસન!
સત્તરમી નવેમ્બરે ફરી વાર ચીનાઓએ વાલોંગ અને સી લા પર એકી સાથે હુમલો કર્યો ત્યારે સડકથી ૧૫૦ માઈલ દૂર વાલાંગમાં ભારતની એક બ્રિગેડ અને ત્રણ બટાલિયનો હતી. ઘમાસાણ લડાઈ પછી ભારતીય ફોજે સુરક્ષિત મોરચા પર હટતા રહેવાની તરકીબને જ મુનાસિબ માની. જોકે ૧૭ નવેમ્બરની લડાઈમાં સી લા પર ચીના કબજો લઈ ન શક્યા અને ગઢવાલી નવયુવાનોએ તેમને બરાબરનો બોધ પાઠ ભણાવ્યો.
પરંતુ સી લાથી હઠીને દિરાંગ જોગ પર શું બન્યું? એ એક અજીબ પણ ધ્યાન ખેંચતી ઘટના છે. સી લા ક્ષેત્રમાં એક ડિવિઝન હતી તે જનરલ એ. એસ. પઠાણિયાના હાથ નીચે હતી. સત્તરમી નવેમ્બરે ચીની હુમલા વખતે પઠાણિયાએ તેજપુર ટેલિફોન કર્યો. બ્રિગેડને દિરાંગ જોગ સુધી ખસેડવાની અનુમતી માગતો. જનરલ કૌલ હજી તેજપુર પહોંચ્યા નહોતા, થાપર અને સેન એમની રાહ જોવી જરૂરી સમજ્યા. કૌલ આવ્યા, ફરી પઠાણિયાનો ફોન આવ્યો. કૌલે એવો ઉત્તર આપ્યો કે ત્યાં જ રહો. કદાચ પાછળ હટશો તો ઘેરાઈ જશો. રાત્રે પઠાણિયાનો ત્રીજો ફોન આવ્યો. કૌલે કહ્યું ઓછામાં ઓછું રાતભર મુકાબલો કરો. પઠાણિયાને આ જવાબથી સંતોષ નહોતો, ત્યારે કૌલે આદેશ આપ્યો! તમારા મોરચે મજબૂતીથી લડો. બોમદી-લા અને દિરાંગ જોગ વચ્ચેની સડક દુશ્મનોએ તોડી પાડી છે. બોમદી-લામાં રહેલી સેનાને ચીનાઓ પર હુમલો કરવા અને તે રસ્તો દુરસ્ત કરવા આદેશ આપ્યો છે. હવે તમારી પાસે લડવાનો રસ્તો જ બાકી છે. ટેન્કો અને બધાં શસ્ત્રોનો ઉપયોગ કરો. સવારે બે બટાલિયન બોમદી-લા પહોંચશે, પણ પઠાણિયાએ સવારે પાંચ વાગ્યે પણ પીછેહઠની અનુમતિ માગી, જ્યારે બ્રિગેડે તો દિરાંગ જોંગનો રસ્તો પહેલેથી જ પકડી લીધો હતો. એ બ્રિગેડ ભયાનક રીતે નષ્ટ પામી.
લોકો જ્યાં ત્યાં ભાગી નીકળ્યા. શસ્ત્રાસ્ત્રો, વાયરલેસ ગમેત્યાં ફેંકી દેવાયાં. ભયંકર ઠંડીના દિવસો, ઉપર આસમાન અને નીચે કડકડતી ટાઢ. ખુદ પઠાણિયાને શોધતાં પણ દિવસો લાગ્યા. બ્રિગેડની ચોથી રાજપૂત બટાલિયનના લેફ. કર્નલ અવસ્થી સુરક્ષિત નીકળી શકે તેમ હતા, પણ સાથીઓને છોડી દઈને આગળ જવા તે તૈયાર નહોતા.
સેંગે અને દિરાંગ જોગના રસ્તા પર, સાથીઓની પ્રતીક્ષા કરતાં કરતાં તે વીરગતિ પામ્યા.
સી લા પછી દિરાંગ જોંગ અને બોમદી-લા પર હુમલો. ત્યાં તો જનરલ કૌલના જણાવ્યા પ્રમાણે ‘ચોથી ડિવિઝનના જનરલ કમાન્ડિંગે રસ્તો છોડી પગદંડી પકડી ત્યારે તેમના દળમાં કેટલાક ચીનાઓ ભારતીય ગણવેશમાં ઘૂસી ગયા હતા!’ (‘અનટોલ્ડ સ્ટોરી’, શ્રી કૌલ) બોમદી-લા જો સમયસર કુમક પહોંચી હતો તો જરૂર બચાવી શકાયું હોત, પણ ગોરખા રાઈફલ્સ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. ૧૮મી નવેમ્બરે ચિશૂલ આસપાસ લડાઈ ખેલાઈ.
નેફાની લડાઈ વિશે મેક્સવેલનો અભિપ્રાય આવો છે. ‘જનરલ કૌલના આદેશ પ્રમાણે છ ઓક્ટોબરે નામકા-ચૌ માટે કૂચ થઈ સુતરાઉ કપડામાં, એક કંબલની સાથે! હરેક સિપાઈ પાસે માત્ર ૫૦ રાઉન્ડ હતા. કેટલાક રસ્તામાં જ મરી ગયા, કેટલાક સ્થાન પર. નામકા-ચૌમાં કાતિલ ઠંડી હતી, ૩૦૦૦માંથી ૪૦૦ની પાસે જ ગરમ કપડાં હતાં. રાશનની કમી હતી...’ (‘ઇન્ડિયા ચાઈના વોર’, મેક્સવેલ)
જનરલ કૌલે પણ આ ખામીઓનો પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. બ્રિગેડિયર જે. પી. દલવી પણ તથ્યોની કડવાશ પેશ કરે છેઃ ‘ગનર પેરાશૂટ બ્રિગેડના કેન્દ્ર આગ્રાથી લાવવામાં આવ્યા અને સીધા ૧૬,૦૦૦ ફૂટ ઊંચે કાર પોલા પહેલી વાર પહોંચાડવામાં આવ્યાં. એ ઠંડીની મુશ્કેલીમાં ખરાબ રીતે ફસાઈ ગયા...’
બિચારા દલવી લખે છેઃ ‘ચીની સૈનિકો પર પહેલી નજર પડી. તેઓ તંદુરસ્ત, ખુશખુશાલ, સશસ્ત્ર અને દૃઢ હતા. ચીની ફોજની સાથે આપણી ફોજની સરખામણી દેશદ્રોહ બની જશે!’ (‘હિમાલયન બ્લંડર’, બ્રિગેડિયર જે. પી. દલવી)
કુલદીપ નાયર ‘બિટવીન ધ લાઈન્સ’માં તત્કાલીન હતાશવૃત્તિનો ચિતાર પણ આપે છે. ‘ચીની કમ્યુનિસ્ટોની સાથે ઉજલતમાં કેટલાક રશિયન સામ્યવાદીઓ પણ પકડાયા હતા, જેનાથી નેહરુજી ઠીક ઠીક પરેશાન હતા... શાસ્ત્રીજી (લાલબહાદુર શાસ્ત્રી)ને ‘સીઝ ફાયર’ની સૂચના સવારે ૭ વાગ્યે વિમાનીમથકે અખબારોમાંથી મળી હતી. તરત તેઓ નેહરુજી પાસે પહોંચ્યા. તેમનેય ખબર નહોતી!’
એ ‘સીઝ ફાયર’ને મેક્સવેલે ભલે ચીનીસૌજન્ય તરીકે વખાણ્યું હોય, પણ યુદ્ધ આગળ ચાલત તો ચીની સૈન્ય માટે પોતાના સ્થાન સાચવવાની યે મુશ્કેલી હતી. અમેરિકન શસ્ત્રસહાય ભારતની મદદે પહોંચી રહી હતી. તેનો સંદર્ભ શ્રી ગાલબ્રેથે પોતાના પુસ્તકમાં આપ્યો છે. ભારતીય નવી ડિવિઝન ફૂટહિલ પહોંચી ગઈ હતી. ઘોલા પર એટલો બરફ પડતો હતો કે ચીનાઓ પાછા ન વળી ગયા હોત તો ત્યાં જ તેમના કફનનો સરંજામ ભારતે કરવો પડ્યો હોત!
આ ચીની નુક્તાચીનીને ભવિષ્યમાં સંબંધ-સુધારવાની દૃષ્ટિએ જોવી જરૂરી નથી? નેહરુજી પણ એ વાસ્તવિકતા રજૂ કરી ગયા હતા. બાળકો સમક્ષના એક ભાષણમાં ‘ભારત-ચીન યુદ્ધ લાંબું ચાલશે. શક્ય છે કે તમારે ય જુવાન બનીને લડવું પડે!’ આ ચીની પરંપરા અને હજી સુધી ચીનાઓના હાથમાં રહેલી ભારતીય ભૂમિ - એ બે વાસ્તવિકતાઓને સ્મરણમાં રાખીને જ ચીની સ્મિતને ભારતીય સ્મિતથી સત્કારવું રહ્યું એમ નથી લાગતું?
૨૦૨૦માં વળી પાછો વિસ્તારવાદી મિજાજ ચીન બતાવી તો રહ્યું છે પણ વાતમાં માલ નથી કે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના જ પાપે ઘેરાયેલા ચીનમાં એવું દુઃસાહસ કરવાની હિંમત હોય. આ ૧૯૬૨નું ભારત નથી! એટલે તેણે પીછેહઠનો સ્વીકાર કર્યો છતાં તેનો ભરોસો કરી શકાય તેમ નથી. (સમાપ્ત)