‘જય જગન્નાથ!’થી ‘ઈદ મુબારક’ સુધી...

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Wednesday 22nd July 2015 06:33 EDT
 
 

અષાઢનો પ્રારંભ ગુજરાતીઓને માટે નિત્યનૂતન અનુભૂતિ છે. કચ્છીમાડુંઓનાં નવાં વર્ષની શરૂઆત અને અહીં અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નીકળે રથયાત્રા. આટલી મોટી સંખ્યામાં નગરજનો એકસાથે જગન્નાથ-બલરામ અને બહેની સુભદ્રાને ‘જય રણછોડ, માખણચોર!’ના લાડ લડાવતા નીકળે તે ઘટના પોતે જ અદ્ભુત છે. આ રથ ઇલેક્ટ્રોનિક તો છે નહીં, ભાવિક ભક્તો જ તેને દોરડાં ખેંચીને આગળ ધપાવે છે. એક આખો દિવસ - સવારના સાતથી, રાતના નવ વાગે - રથ નગરયાત્રા કરીને ‘નિજધામ’ પહોંચે છે.

મારો બીબીસીનો એક મુસ્લિમ પત્રકાર મિત્ર ૨૦૦૨માં અમદાવાદ આવ્યો ત્યારે તેણે પહેલી ઇચ્છા જગન્નાથ મંદિરે જવાની વ્યક્ત કરી. સાથે હોનહાર પત્રકાર રુચિરા શર્મા હતી. મારી સામે આશ્ચર્યપૂર્વક જોઈને તે પૂછી રહી હતીઃ ‘ઇઝ ઇટ પોસિબલ ઇન ધીસ ડેઝ?’ દિલ્હીવાસી મીડિયાકર્મીઓ બીજે - સરખેજમાં - આંટાફેરા કરી રહ્યા હતા, ત્યારે આ મુસ્લિમ પત્રકાર - કલાકારને વળી શું સૂઝયું? પણ અમે ગયા. નિરાંતે મહંતની સાથે વાત થઈ. પ્રસાદ લીધો. તે એટલો ખુશ હતો કે આસપાસની તસવીરો કેમેરામાં ક્લિક કરતો રહ્યો. રુચિરાએ કહ્યું કે હજુ આપણે બીજા ઘણા કામો બાકી છે, ત્યારે તેણે કેમેરાને આટોપી લીધો.

જમાલપુરના મંદિરથી આ રથ સરસપુર, રાયપુર, ખાડિયા, સારંગપુર, ઘીકાંટાના રસ્તા પર ભીડની સાથે તાલ મેળવે છે ૧૮ ગજરાજો અને બાકીના ટ્રકો, ગીત - સંગીત - ભજન - ધૂન - કુસ્તીદાવ - અંગકસરત - વેશભૂષા - મગ-ખીચડી-જાંબુનો પ્રસાદ! ભાવિકોના પગ થાકતા હશે, દિલદિમાગ નહીં! કૃષ્ણભગિની સુભદ્રાના યશગાનનો આ એકમાત્ર પ્રસંગ જગન્નાથ પુરીથી અમદાવાદ સુધી વ્યાપેલાં છે. હવે તો નગરમાં અને ગુજરાતભરમાં બીજે પણ રથયાત્રા નીકળે છે.

રથયાત્રાની ધૂપછાંવ

આ જે મંદિર છે, પાલડી કે ગીતામંદિર અને ખમાસાના રસ્તે થઈને જમાલપુરમાં આવે છે. વડોદરાથી આવનારાઓ માટે ખેડા થઈને નારોલ ચોકડીથી અંદર આવવું પડે. ૪૦૦ વર્ષ પહેલાં રામાનંદી સંત હનુમાનદાસજીએ જગન્નાથ મંદિરની ગાદી સ્થાપના કરી. તેમના શિષ્ય સારંગદાસજીએ જગન્નાથ - બલરામ - સુભદ્રાની પ્રતિમાનું સ્થાપના કર્યું. નરસિંહદાસજીને સપનું આવ્યું એટલે રથયાત્રા શરૂ થઈ. ભરૂચના ખલાસી કોમના ભક્તોએ ત્યારે રથયાત્રાની જવાબદારી સ્વીકારી હતી. ૧૩૭ વર્ષ આ વાતને વીતી ગયાં.

આ રથયાત્રાએ પણ કેવા ઉતાર-ચઢાવ જોયા છે! ૧૯૬૯માં મંદિરથી થોડેક દૂર ઉર્સ ચાલતો હતો ત્યાં ગાયોનું ધણ નીકળતાં, બોલાચાલી થઈ. વાત વણસીને મારામારી સુધી પહોંચી. ગાયો જગન્નાથની ગૌશાળાની હતી. અજંપા અને ઉત્તાપની એ બપોર મેં નજરે જોઈ છે. ‘સાધના’ના તંત્રી - પત્રકાર તરીકે કાતિલ રમખાણોનો એ પહેલો અનુભવ.

મહંતનો ચહેરો લાલઘૂમ હતો. થોડાક લોકો આવી પહોંચ્યા. ટોળાં ઉભરાયાં... તે રાતથી અમદાવાદ રમખાણોમાં ભીંસાઈ ગયું. દૂર પરાંની મીલો, ચાલીઓ, દુકાનો... ચારેતરફ સંઘર્ષ અને આગજની. રિલીફ સિનેમા પાસે આવેલા સલાપોસ રોડની ગલીમાં ત્યારે મનસુરી બિલ્ડિંગના અંધારિયા મકાનમાં ‘સાધના’નું કાર્યાલય હતું. રાત સુધીમાં અંક તૈયાર કરવાનો હતો ત્યાં ચારે તરફ તોફાનોના સમાચાર મળ્યા. ખાડિયાના ગોલવાડમાં નાથાલાલ ઝઘડા એવા જ અંધારિયા - પણ વધુ ઓરડાનાં - કાર્યાલયમાં રહેતા. ત્યાં સુધી પહોંચતા કારંજ પોલીસ ચોકી, ભદ્રનો દરવાજો, ફુવારા, બિસ્કીટ ગલી થઈને જવું પડે!

રાતના અંધારામાં લડાઈ ચાલુ હતી, પથ્થરબાજી, આગના કાકડા, પેટ્રોલ બોમ્બ... કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર લાલવાણી જાતે પોલીસ ટોળીની સાથે અંદરની ગલીઓમાં દોડી દોડીને ગોળીબાર કરી ટોળાંને વિખેરી રહ્યા હતા, પણ આખા રસ્તે દુકાનોના સમાનને એકઠો કરીને બાળવામાં આવી રહ્યો હતો.... વાહન ચલાવવાનો તો સવાલ જ નહોતો. જ્યાંથી ૧૫-૨૦ મિનિટમાં પહોંચાય ત્યાં કલાક થયો!

રથયાત્રા અને ઇદ

જગન્નાથ - નિમિત્તનાં એ રમખાણે ગુજરાતને ૧૯૪૨ પછી ફરી વાર કોમી સંઘર્ષમાં ફેરવ્યું. તત્કાલીન હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી, પછી જસ્ટિસ કોટવાલ તપાસપંચ નિમાયું. કારણો અને પરિણામોની છાનબીન થઈ. સેંકડો નાગરિકોની તેમાં કત્લેઆમ થઈ હતી. ત્યાર પછી ૧૯૮૫માં, માધવસિંહ સોલંકીના શાસનકાળ દરમિયાન તો રથયાત્રાને જ મંજૂરી ન આપવા સુધી વાત પહોંચી તો જગન્નાથ-ભક્ત મહંતે જાતે ગજરાજ લઈને, ૧૪૪મી કલમ વચ્ચે નાની સરખી રથયાત્રા કાઢી હતી!

આ દિવસે - ૨૦૧૫માં - યોગાનુયોગ રથયાત્રા અને ઈદ બન્ને એક જ દિવસે આવ્યા. ત્રીસ વર્ષ પછી આવું બન્યું હતું. મુખ્ય પ્રધાનને માટે આ એક કસોટીનો સમય હતો. પોલીસ તંત્રે બરાબરની તૈયારી કરી અને બીજી મહત્ત્વની વાત એ છે કે સમય જતાં ગુજરાતનો મુસ્લિમ અને હિન્દુ શાણા થયા છે, પુખ્ત વિચાર ધરાવતા થયા છે. રમખાણો કરાવનારા તો મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વો હોય છે એ વાત તેમને સમજાઈ ગઈ છે.

થોડાક જ દિવસ પહેલાં અમદાવાદની ગાયકવાડ હવેલીમાં વસંત-રજબની શહાદતનો ગૌરવપ્રસંગ ઊજવાયો. વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ કોમી એકતાને માટે શહાદત વહોરી હતી તેનું સ્મરણ કરાયું. મુખ્ય પ્રધાને કહ્યું કે હવે લોકો હવેલીનું નામ પડતાં ડરશે નહીં અને તેની મુલાકાતે આવશે!

તેમની વાત સાચી. ‘ગાયકવાડ હવેલી’ તો નામ છે. મરાઠા યુગમાં તે હવેલી હશે પણ પછી તો તે પોલીસ ખાતાનું મથક બની ગયું. ભલભલા ગૂનેગારોને પહેલાં અહીં લાવવામાં આવે, ‘ઇન્ટ્રોગેશન’ થાય ત્યારે મજબુત ગણાતા દાદાઓ પણ ભાંગી પડે!

ગાયકવાડ હવેલી

૧૯૭૬ની ૧૩ માર્ચે ગાયકવાડ હવેલીમાં મારો ‘મીસા’ કેદી તરીકે પ્રવેશ થયો હતો તેનું સ્મરણ આ ‘હવેલી’ની દાસ્તાન સમજવા ઉપકારક થઈ પડે તેવું છે. સવારે નવેક વાગે કારંજ પોલીસોનો કાફલો, મનસુરી બિલ્ડિંગનાં ‘સાધના’ કાર્યાલયમાંથી મને ઊઠાવીને લઈ ગયો ત્યારે જ આ સ્થાનની ભીતરી દુનિયાની ખબર પડી! ઇન્ટ્રોગેશન રૂમ, ઓફિસ, ખુલ્લા ઓરડાની સડી ગયેલી બેંચ, પોલીસોની હેરાફેરી, ગુનેગારોની તપાસ-કવાયત અને રાતે જેલમાં લઈ જતાં પહેલાંની ‘કસ્ટડી’, એકદમ ગંદી, ચારેતરફ પાનની પીચકારીના ડાઘા, માંકડ-મચ્છરનું સામ્રાજ્ય...!

પહેલાં એક બેંચ પર બેસાડ્યો, પછી ‘સ્ક્રિનિંગ રૂમ’માં. ત્યાં પોલીસ કેમેરામેને ફોટા પાડ્યા. હાથમાં સ્લેટ પકડાવી, તેમાં નામ-નંબર લખીને તસવીરો લીધી. અંગુઠો અને હથેળીની છાપ લીધી... પોલીસ વડા દારૂવાલા, પારસી બાવા. વેધક નજરે જોઈને પૂછયુંઃ ‘કેમ પકડાયા?’ સવાલનો મરમ સાચો હતો. ૧૨ માર્ચે જનતા મોરચા સરકારનાં રાજીનામાંથી રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું અને કટોકટી - સેન્સરશિપની ખિલાફ લડી રહેલા તમામને પકડી લેવા ‘મીસા’નું વોરંટ કાઢવામાં આવ્યું હતું... પણ ઘણા બધા તો ભૂગર્ભવાસી થઈ ગયા! એટલે દારૂવાલાને આશ્ચર્ય થયું કે મેં એવું કેમ ના કર્યું?

થોડાક કલાકોમાં બીજો અટકાયતી આવ્યો - લોહિયાવાદી પી. ચિદંબરમ્. આ મજુર-નેતાને કોઈ ખાસ ફિકર નહોતી. જિંદગીમાં ૬૦ વખત જેલવાસી તરીકે જીવ્યા હતા. રાત સુધીમાં નિર્ણય લેવાનો હતો કે આ બધાને કઈ જેલમાં લઈ જવા? અમદાવાદમાં બીજા પોલીસ ખાનાંઓમાં ૩૦૦ જેટલા પકડાયેલા હતા. ગુજરાતભરમાં ૧૨૦૦.

શ્રદ્ધા-સંઘર્ષની જુગલબંદી

રાતે ‘કસ્ટડી’માં રાખવાનું નક્કી કરાયું એટલે ચિદંબરમે ઘસીને ના પાડી.

‘તો ક્યાં જશો?’

‘અમને અમારા ઘેર મોકલી દો.’

‘પછી?’

‘સવારે પાછા આવી જશું!’

પોલીસ આટલો ભરોસો થોડી કરે? પછી નક્કી થયું કે પોલીસ કાર્યાલયના બે બેંચ હતા, ત્યાં ભલે રાત વીતાવે. ગાયકવાડ હવેલીનો એ પહેલો અને છેલ્લો અનુભવ! જ્યારે ‘તહેલકા’નો એક યુગ હતો અને તરુણ તેજપાલનું પત્રકારત્વ ચર્ચા જગાવતું હતું, તે પછી સૌરાષ્ટ્રની એક મુલાકાત દરમિયાન મેં તેમને કહ્યું હતુંઃ ‘એકાદ વાર જેલમાં જઈ આવજો પછી તમારાં કમિટમેન્ટની ધાર અનુભવશો!’ થોડા વર્ષો પછી તરુણ તેજપાલ જેલમાં તો ગયા, પણ આવા કોઈ વૈચારિક કારણોસર નહીં!

તો, અમદાવાદના જગન્નાથનો આ મહિમા છે તેમાં ‘ઇદ મુબારક’નો ઉત્સવ ભળ્યો. રંગેચંગે દિવસ પસાર થયો.

અષાઢનો આ તો પ્રારંભ છે. આષાઢ-શ્રાવણના રંગધનુષો આવનારા દિવસોમાં છલકાશે. રક્ષાબંધન, કૃષ્ણજન્માષ્ટમી, પહેલી અને આઠમી ઓગસ્ટ, પંદરમી ઓગસ્ટ.... શ્રદ્ધા અને સંઘર્ષની જુગલબંદી!


comments powered by Disqus