‘રામ’ ચંદ્ર અને ‘મીરા’ કુમારનું ગુજરાતમાં સ્વાગત!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 04th July 2017 08:29 EDT
 
 

રાષ્ટ્રપતિપદના બે ઉમેદવારો ગુજરાતમાં ન આવે એ તો કેમ બને? યુપીએ (કેટલાકને બાદ કરતાં) પક્ષોના મીરા કુમાર આમ તો દલિત નેતા જગજીવનરામનાં પુત્રી તરીકે વધુ જાણીતાં છે, પણ સ્વબળે સંસદ સભ્ય અને અધ્યક્ષા પણ બન્યાં હતાં. કહેવામાં તો આવ્યું છે કે ખુદ ભાજપ પણ અગાઉ તેમનાં નામનો વિચાર કરી રહ્યો હતો, પણ સીપીએમ ઘણા સમય પહેલાં, વિરોધ પક્ષને એક મંચ પર લાવવાના પ્રયાસના ભાગરૂપે મીરા કુમારને સમજાવી આવ્યો અને કોંગ્રેસ મોવડીઓને સમજાવ્યાં.

આ કસરત અઘરી હતી કેમ કે સોનિયાજીને પાક્કી ખબર હતી કે સાસુજીને ઇમર્જન્સી દરમિયાન અને બાદમાં સત્તા પરથી હઠાવવાના પ્રયાસોમાં જગજીવનરામ અને હેમવતીનંદન બહુગુણા બન્ને સક્રિય હતા. જગ્ગુબાબુએ તો ‘કોંગ્રેસ ફોર ડેમોક્રેસી’ પક્ષ પણ બનાવ્યો અને જનતા પક્ષને ટેકો આપ્યો. જનતા પક્ષમાં ભાજપના નેતાઓ માનતા હતા કે નવા વડા પ્રધાન તરીકે જગજીવનરામને પસંદ કરી શકાય. ચૌધરી ચરણસિંહ તેમાં આડા આવ્યા અને મોરારજીભાઈને મોકો મળી ગયો! જગજીવનરામ વડા પ્રધાન બન્યા હોત તો? આ ‘તો’નો જવાબ માત્ર અનુમાનની દુનિયા તરફ દોરી જાય પણ એટલું નક્કી કે તો મીરા કુમાર પિતાની સાથે રહ્યાં હોત! આજે જે ઉમેદવારી કરી છે તેવી ભૂલ ન કરી હોત.

મીરા કુમાર જોકે આને ‘ભૂલ’ નથી ગણતા અને દલિત વિરુદ્ધ દલિતની લડાઈ છે એવું પણ માનતા નથી. તેમના પતિદેવ અ-દલિત છે એ એક વાત અને બીજી, મીરા કુમારના મતે આ તો બે વિચારધારા વચ્ચેની (આઇડિયોલોજી વચ્ચેની) લડાઈ છે!

કઈ વિચારધારા? અને કોની? કોંગ્રેસ પોતાને સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને ગાંધી-વિચારને વરેલી, ‘લોકશાહી-પ્રેમી’ વિચારધારાની પ્રતિનિધિ માનતી હોય તો ઇતિહાસનો એ સૌથી મોટો ભ્રમ છે. અરે, મુસ્લિમ લીગના મોહમ્મદઅલી જીન્નાહ પણ કોંગ્રેસને ‘કટ્ટર હિન્દુ’ પક્ષ જ માનતા! પછી સેક્યુલિરઝમના મતે તુષ્ટિકરણની નીતિ સ્વીકારી. ‘સમાજવાદ’ નામનો રહ્યો અને તેની જગા ‘સત્તાવાદ’ લીધી.

બિચારા ગાંધી! એ તો ર. વ. દેસાઈએ તેમની નવલકથા ‘ઝંઝાવાત’માં લખ્યું છે તેમ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસેથી જ કોંગ્રેસ દૂર ધકેલી દીધા હતા! ‘અમે બાપુ તણા પગલે, બધા એવા છીએ ચાલ્યા, હવે બાપુ તણા પગનું પગેરું શોધવું પડશે!’ એવું કવિએ કહેવું પડ્યું. રામધારી સિંહ દિનકર આપણા હિન્દી પ્રખર સાહિત્યકાર અને ચિંતક. ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ તેમનું જગજાણીતું પુસ્તક છે. ૧૯૪૨માં જયપ્રકાશ વિશેનાં કાવ્યમાં તેમણે ગાયેલુંઃ ‘સેનાની કરો પ્રયાણ અભય, સારા આકાશ તુમ્હારા હૈ!’ આ દિનકરે એક વાર સનાતન સચ્ચાઈ દર્શાવેલીઃ ‘મહાપુરુષોની નિયતિ એવી જ રહી છે કે તેમના અનુગામીઓ – પૂજકો - ભક્તો એ મહાન પુરુષની પૂજા કરી કરીને તેને મારી નાખે છે, પણ વિરોધીઓ તેની નિંદા કરીને, આલોચના કરીને, મારી નાખીને જીવાડે છે!’

મીરા કુમાર જે પક્ષોના ટેકાથી ચૂંટણી લડે છે તેમની આઇડિયોલોજી રાજકીય રીતે અસ્તિત્વ જાળવવાની છે. તેમાં મૂડીવાદીઓ, કોમવાદીઓ, સ્વતંત્રતા જંગના વિરોધીઓ, મહાત્મા અને શ્રીમતી ગાંધીના વિરોધીઓ, કમ્યુનિસ્ટોનો મેળો છે. આમાંથી કોઈ નિશ્ચિત વિચારધારા શોધવી અર્થહીન છે. માત્ર તેઓ એકસમાન શત્રુ - નામે નરેન્દ્ર મોદી અને ભાજપ-ની સામે લડવા એકત્ર થયા છે.

મીરા કુમારે આ ઘટનાની સરખામણી ઇન્દિરાજીના સમયે બે કોંગ્રેસ (ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ)ના ગજગ્રાહ સમયે પેદા થયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીની સાથે કરે છે. ઇન્દિરાજીએ પોતાના જ પક્ષના ઉમેદવાર સંજીવ રેડ્ડીની સામે વી. વી. ગિરીને ઊભા કરી દીધા અને તેમને જીતાડ્યા હતા. ઇન્દિરાજીએ ત્યારે ‘અંતરાત્માના અવાજ’ પ્રમાણે મત આપવા જણાવ્યું હતું.

મીરા કુમારે પણ ‘અંતરાત્માનો અવાજ’ શબ્દપ્રયોગ કર્યો છે ત્યારે સવાલ એ થાય કે કોનો અંતરાત્મા? અને કયો અવાજ? કોઈ કટાક્ષકાર એમ કહે કે અરે ભાઈ, અંતરાત્મા જેવું હવે રાજકારણમાં બચ્યું છે ખરું? તો પણ એ કટાક્ષને ઘડીભર બાજુ રાખીને તપાસવું જોઈએ કે યુપીએ અને એનડીએ શા માટે અંતરાત્માના અવાજ સાથે માત્ર મીરા કુમારને જ પસંદ કરે? શું તેઓ જગજીવનરામનાં પુત્રી છે એટલા માટે? એવું હોત તો મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ આ દેશમાં સૌથી વધુ પૂજાને પાત્ર થયા હોત!

વિપક્ષોએ ગાંધી-વેશમાંથી ગોપાળચંદ્ર ગાંધીને પસંદ કરવાનું યે નક્કી કર્યું હતું, પણ જેવું એનડીએ તરફથી રામચંદ્ર કોવિંદનું નામ જાહેર થયું કે તેમણે ઘસીને ના પાડી દીધી! કેટલાકે મજાકમાં કે ગંભીરતાથી એવું સૂચવ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીએ પોતે જ રાષ્ટ્રપતિપદ માટે ઝૂકાવવું જોઈતું હતું, તો રાજકીય ધ્રૂવીકરણ સ્પષ્ટ થઈ ગયું હોત. સોનિયાજીને એક વાર પ્રતિભા પાટીલ નામે સાવ અપરિચિત ચહેરાને રાષ્ટ્રપતિનાં પદ પર બેસાડીને આ પદનું અવમૂલ્યન કરવા છતાં કોઈ તે વિશે બોલી શક્યું નહોતું. આજે હવે બે ઉમેદવારો ‘દલિત’ છે તે મુદ્દે ચર્ચાનો માંડવો રચાય છે!

એટલું તો સાબિત થઈ જ ગયું કે નરેન્દ્ર મોદી અને ભાજપ તેમજ અન્ય પક્ષો હવે અંતરિયાળ સ્થાનોએથી, પ્રમાણમાં અજાણ્યા પણ રાજકીય રીતે ગુણવત્તા ધરાવનારી વ્યક્તિને પસંદ કરવાનું સાહસ કરી રહ્યા છે. રામચંદ્ર વિશે ભલે ગમે તેટલાં માછલાં ધોવાય પણ ઉત્તર પ્રદેશમાં દલિત અને અન્યત્ર ઓબીસીના પ્રતિનિધિ રામચંદ્ર વર્ગ - વર્ણ વિનાના પ્રતિનિધિ પણ છે એમ દેખાઈ રહ્યું છે. એ દૃષ્ટિએ મીરા કુમારની એ વાત એકદમ સાચી કે આ સંઘર્ષ દલિત વિરુદ્ધ દલિતોનો નથી.

જુલાઈમાં તો દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. પ્રણવ મુખરજી હવે કદાચ નિવૃત્ત વયે, નવા સંસ્મરણો લખવામાં ગાળશે. આ ભદ્ર રાજકીય પુરુષને કોંગ્રેસમાં ભારે ઉપેક્ષિત કરાયા હતા કેમ કે શ્રીમતી ગાંધીની હત્યા બાદ તેઓ સૌથી વરિષ્ઠ નેતા હતા (એવું તેમણે કોલકતા વિમાન મથકે પત્રકારોને કહ્યું એટલે તો બાજી પલટાઈ ગઈ!) અને શ્રીમતી ગાંધી પછી વડા પ્રધાન તરીકે વરિષ્ઠતાના ક્રમે તેમનો અધિકાર હતો, પણ છેક મોતીલાલ નેહરુના જમાનાથી (અને તેમાં મહાત્મા ગાંધી જવાબદાર છે એમ તવારિખનાં પાનાં પર ઘણું બધું નોંધાયું છે.) નેહરુ-ગાંધી વંશનો સત્તા માટે સૌથી અધિક અધિકાર છે તેવું સ્થાપિત થઈ ગયું તેને કારણે પ્રણવ વંચિત રહી ગયા અને રાજીવ ગાંધી ફાવી ગયા. આજે પણ કોંગ્રેસને નવા પ્રાણની જરૂર હોવા છતાં માતા-પુત્રનું સામ્રાજ્ય ચાલે છે. આવા ભૂતકાળ પછી રાષ્ટ્રપતિ બન્યા પણ પ્રણવદાએ ક્યાંય પક્ષપાત કે પૂર્વગ્રહ દાખવ્યા નહોતા. લોકતંત્રની આ એક ઊંચાઈ છે.

આગામી ચૂંટણીમાં સંખ્યાબળની દૃષ્ટિએ પણ કોઈ ચમત્કાર થવાનો નથી. હા, યુપીએમાંથી નિતીશ કુમારનો પક્ષ કોવિંદને ટેકો આપશે અને જેની હાર નિશ્ચિત છે તે મીરા કુમારની સાથે નહીં રહે. મુલાયમ સિંહની સપા પણ તેને અનુસરે તેવા સંજોગો છે. યુપીએની નજર શિવ સેના તરફ હતી પણ શિવ સેના અંદરખાને શરારતો કરનારા સંતાન જેવી છે, તેને ય સત્તા છોડવી નથી, વધુ મેળવવી છે એટલે કોવિંદનું સમર્થન જાહેર કર્યું તે પ્રમાણે અનુસરશે.


comments powered by Disqus