બેઠો તો છું અહીં અમદાવાદમાં, પણ મારું મન પાંચમી ઓગસ્ટથી પશ્ચિમ લંડનના ડેનહામમાં યોજાયેલી ભગવદ્ કથામાં છે. ‘ભાઈશ્રી’ના લાડકાં સંબોધનથી ખ્યાત રમેશભાઈ ઓઝા અનુપમ મિશનના ઉપક્રમે એક આખું સપ્તાહ લંડનના ગુજરાતી પરિવારોને ‘જીવ’થી ‘શિવ’ સુધીના મારગને ચીંધશે; એ સામાન્ય વાત નથી. ગુજરાતે જે કેટલાંક આધ્યાત્મિક વ્યક્તિત્વો આપ્યાં તેમાં રમેશભાઈ પણ છે.
લંડનમાં વસી ગયેલા આપણા આ-પ્રવાસી (એનઆરજી) પોતાના મેળાવડા કરતા રહે છે અને તેની વિગતો અહીં ‘ગુજરાત સમાચાર’નાં પાનેથી જાણવા મળે છે. આપણો ગુજરાતી દરેક ક્ષેત્રમાં - મેઘાણીએ પ્રયોજેલો એક શબ્દ કહું તો - ‘બડકમદાર’ની ભૂમિકા ભજવતો થઈ ગયો છે. થોડાક સપ્તાહ પૂર્વે બ્રિટનમાં થયેલી ચૂંટણીમાં એનઆરજી અને એનઆરઆઈએ વ્યાપક અસર કરી તેનો પરિસંવાદ લંડનમાં થયો તેનો અહેવાલ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’માં છપાયો હતો. તેના આધારે અહીંના ‘દિવ્ય ભાસ્કર’ની મારી કોલમમાં બ્રિટિશ ગુજરાતીઓ વિશે લખ્યું તેનો અહીં પણ પ્રતિસાદ મળતો થયો છે. એક સચિવે તો મને એમ પણ કહ્યું કે દરેક દેશમાં એક ગુજરાતી ફોરમની સ્થાપના કરવી જોઈએ, જે સાંપ્રત પ્રવાહોની ચર્ચા કરે.
જેવું સાર્વજનિક જીવનનું, તેવું આ આધ્યાત્મિકનું ક્ષેત્ર છે. લંડન મુલાકાત દરમિયાન અનુપમ મિશન અને ભારતીય વિદ્યાભવનમાં જવાનું રહી ગયું, પણ સ્વામીનારાયણ સંકુલમાં અમે પહોંચ્યા ત્યારે માધવપ્રિયદાસજીની સાથે ધર્મ, ઇતિહાસ અને સાહિત્યનો સત્સંગ (બેશક, આ બ્રહ્મદેવતાને પસંદ પડે તેવા અખંડ મંડલાકાર મોદક સહિતનાં ભોજન પછી) કરવાની તક મળી હતી.
પોરબંદરની પ્રતિભા
રમેશભાઈને મેં કથા-પ્રવચનમાં ઓછા સાંભળ્યા છે, પણ તેમના કંઠે શિવવંદનાના સ્તોત્ર અનેકવાર સાંભળ્યા હશે. પુષ્પદંતે તેની હૃદયપૂર્વક રચના કરી હતી એટલા જ હૃદયપૂર્વક શુદ્ધ ઉચ્ચારણ અને છંદશાસ્ત્ર મુજબ ભાઈશ્રીએ કંઠ આપ્યો છે, કોઈનું યે એ સાંભળતાં મન વૈભવી બની જાય. આ સાત દિવસમાં એકાદ વાર શ્રોતાઓને તેનો લાભ મળે એવી આશા કેમ ન રાખીએ?
સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે આપણું પોરબંદર નગર વસેલું છે. મૂળ તો એ કૃષ્ણપ્રિય સુદામાની નગરી. રમેશભાઈનો સાંદીપની આશ્રમ અને હરિ મંદિર - આજે તો ગુજરાત જ નહીં, ભારત વર્ષ અને દૂર દેશાવરના ભારતીયોને માટે ‘અનિવાર્યપણે મુલાકાત’નું પવિત્ર સ્થાન ગણાય છે. તેના સ્વપ્નદૃષ્ટા રમેશભાઈ વિશે એટલું તો અવશ્ય જાણવું રહ્યું કે મનુષ્યત્વમાં ભંડારાયેલાં અધ્યાત્મને સાંસ્કૃતિક ધરા પર શતદલ કમળ પુષ્પની જેમ ખીલવવાની જીવનયાત્રા કેવી અદ્ભુત હોય છે!
ભગવદ્ કથાનો માર્ગ
જન્મ્યા હતા ૩૧ ઓગસ્ટ, ૧૯૫૭ના. લંડનની કથા પૂરી થયા પછી અઢાર દિવસે તેમને ‘હેપ્પી બર્થ ડે’ કહેવા કે ‘જન્મદિવસના ધન્યવાદ!’ તમે જ નક્કી કરજો. સૌરાષ્ટ્રનું એક ટપકાં જેવડું દેવકા ગામ તેમનું જન્મસ્થાન. (તેમના ભાઈ ગૌતમભાઈ આજે તો ત્યાં વિશાળ વિદ્યાલયને ઊભું કરીને જાળવી રહ્યાં છે.) ૧૩મા વર્ષે ભગવદ્ ગીતા અને અઢારમે શ્રીમદ્ ભાગવત પુરાણ કથાને તેમણે આત્મસાત કરીને પ્રસ્તુતિ કરી તો આસપાસના લોકો દંગ રહી ગયા. પણ આપણા સમાજમાં હજુ બ્રાહ્મણો પ્રત્યેનો આદર અને શ્રદ્ધા યથાવત છે એટલે કહ્યું હશેઃ બ્રાહ્મણનો દીકરો છે ને, એટલે આ શક્ય બને!
ભગવદ્ કથા એ ‘કથા’ જ માત્ર છે? અરે, ત્યાં તો બૃહદ્ જીવનની તમામ ફિલસૂફી અને પ્રકૃતિ પડ્યાં છે! વેદ વ્યાસે જ્યારે તેની રચના કરી ત્યારે પાત્રોના પડછાયે સમગ્ર બ્રહ્મસત્તાની ઝાંખી વ્યક્ત કરી. ભાગવત રોજેરોજની સમસ્યાઓનું યે સાચુકલું મૂલ્યાંકન કરે તેવું મનોવિજ્ઞાન પણ છે. રમેશભાઈ તેને આત્મસાત્ કરતા ગયા અને વાણીપ્રવાહ શરૂ થયો. ૧૯૮૩માં લંડનમાં જ થયેલી કથાના વ્યાખ્યાતા રમેશભાઈની છબી આ અંકમાં આપી છે, તેમના ચહેરા પર એ જ અસીમ ભક્તિનું સમર્પિત તેજ છે- ‘નર’થી ‘નારાયણ’, ‘અસત્યથી સત્યે’, ‘અંધકારથી ઉજાશ’ની આંતરયાત્રા!
રામાયણ - ભાગવત - ઉપનિષદ્... આ સર્વનું આચમન હવે તો તેમની અસંખ્ય ‘કથા’ દ્વારા મોટા જનસમુદાય સુધી વિસ્તર્યું છે. અને, સમાજધર્મી અધ્યાત્મ કેવું હોય તેનો યે પરિચય મળે છે. લાતુરનો ૧૯૯૩નો ભૂકંપ, ૧૯૯૯નું ઓરિસાનું વિનાશક વાવાઝોડું, ૨૦૦૧નો હાહાકાર મચાવતો કચ્છ-ગુજરાતનો ધરતીકંપ... આ દરેક સ્થાને તેમના દ્વારા સ્થાપિત ‘ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ન્યાસ’ પહોંચી ગયું અને અસરકારક રાહતકાર્યો શરૂ કરી દીધાં હતાં. અંજાર નજીકનું મેઘપર કુંભારડી હવે રાખમાંથી બેઠું થયેલું ‘રાધાનગર’ બની ગયું છે. એ જ રીતે માધાપર, ભૂજ, બળદિયા, કુંભારિયા, માનફેરા, ભચાઉ, નાની ખેડાઈ... નવનિર્માણનો ઘંટારવ ત્યાં સંભળાશે.
આભ ઊંચી પ્રવૃત્તિ
૧૯૮૯માં તેમણે ‘સંસ્કૃતિ ફાઉન્ડેશન’ની સ્થાપના કરેલી. મારી જાણ પ્રમાણે બ્રિટનમાં યે તે કામ કરે છે. એવી જ પ્રવૃત્તિ ‘વૈશ્વિક સંસ્કૃતિ પરિવાર’ની છે, તેનું એક ધ્યાનાર્હ કાર્ય સત્સંગ સભાનું છે. વિદ્યા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, ‘તત્વદર્શન’ સામયિકનું પ્રકાશન, તીર્થ વિકાસ ટ્રસ્ટ, (વૃંદાવનમાં તેમનો પ્રકલ્પ ‘ગોવર્ધન પરિક્રમા માર્ગ’નો છે.) વગેરે ભાઈશ્રીના પ્રેરણા-કાર્યો છે.
મંદિરનું નિર્માણ ન થાય તો સામુહિક ભક્તિ પ્રત્યાયન ક્યાંથી સંભવી શકે? એટલે ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર, ડર્બન - દક્ષિણ આફ્રિકામાં એકતા મંદિર (નર્મદાકિનારે રચાનારી સરદાર વલ્લભાઈની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નામ અપાયું છે તેનું યે સ્મરણ આ એકતા શબ્દ પરથી થઈ આવે. હમણાં તેના સ્થપતિ શ્રી રામ સુતારને તેમના નવી દિલ્હી સ્થિત સ્ટુડિયોમાં અગણિત પ્રતિમાઓની વચ્ચે એક આખો દિવસે મારે મળવાનું થયું હતું.) લિસ્બન, પોર્ટુગલ નામ પડતાં મારા ઇતિહાસ-જીવને જેઠીબાઈનું સ્મરણ થઈ આવે. દીવની આ બાંધણી-કલાકારે ધર્માંતરના મેલા પ્રયાસો સામે દાદ માગવા માટે દીવથી, એક હસ્ત-કલાકારીગરીની બાંધણીમાં લિસ્બનની રાણીને પત્ર મઢ્યો હતો. લિસ્બનની તેનાથી વિસ્મિત થઈ ગયાં. ‘પાન-દ-જેઠી’ નામે તે હજુ લિસ્બનમાં સુરક્ષિત છે!
આ લિસ્બનમાં રમેશભાઈએ ‘રાધા-કૃષ્ણના દેવાલય’ને રણઝણતું કર્યું! તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯૯૮માં થયો. પોર્ચ્યુગીઝ અધ્યક્ષ સેંપિઓ ત્યાં વિશેષ ઉપસ્થિત રહેલા. દીવ - દમણ - ગોવા મુક્તિ સંગ્રામ વખતે ત્યાં જનરલ સાલાઝારનું શાસન હતું, પણ પછી સમય બદલાયો. પ્રમુખના હસ્તે ગાંધી પ્રતિમા ત્યાં ખુલ્લી મુકાઈ છે. (લંડનમાં હમણા પાર્લામેન્ટ પરિસરમાં ગાંધીને સ્થાપત કરવામાં આવ્યા છેને?)
વિજ્ઞાન વત્તા અધ્યાત્મ
થોડાક દિવસ પૂર્વે વિદ્યાપુરુષ ડો. એ.પી.જે. કલામે વિદાય લીધી. ૨૦૦૬માં રાષ્ટ્રપ્રમુખ કલામ પોરબંદર આવ્યા. ‘સાંદીપની સાયન્સ ગેલેરી’ની ઝીણવટભરી મુલાકાત લીધી. ઋષિકુમારોએ ત્યારે ‘રાષ્ટ્ર સુક્ત’નું જે અદ્ભુત પઠન કર્યું તેનાથી કલામ આનંદસ્તબ્ધ થઈ ગયેલા, તે વાત હમણાં મને એક પત્રકારે કરી. રમેશભાઈએ ત્યારે ભારતીય સંસ્કૃતિનો મર્મ પ્રસ્તુત કર્યોઃ ‘વિજ્ઞાન ગતિ આપે છે અને ધર્મ દિશા. બન્નેના સમન્વયથી જ એક સંપૂર્ણ મનુષ્ય અને મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ થઈ શકશે.’
૨૦૦૬માં ‘સાંદીપની મંદિર મહોત્સવ’ સંપન્ન થયો. આજે તો આ બધું વિશાળ વટવૃક્ષમાં પરિવર્તિત થયું છે.
શબ્દ એ અગ્નિદિવ્ય છેઃ આ વાત હું મારા પત્રકારત્વ અને સાહિત્યના વિદ્યાર્થીના પ્રથમ વર્ગમાં જ કહું છું, તેનો પ્રાણ અંતરાત્મામાં વહે છે અને સમગ્ર બ્રહ્મસત્તા સાથે તેનું સંધાન રહે છે. ગુજરાતની પાસે - એકવીસમી સદીમાં - રમેશભાઈ કે મોરારીબાપુ જેવાં વ્યક્તિત્વોની અભિવ્યક્તિ હોય તે અ-સામાન્ય ભેટ છે. તેનાં અભિનંદન અને અભિવાદન કરીએ તેટલાં ઓછાં છે.