સપ્ટેમ્બરની બાવીસમીએ રાત્રે તમામ ટીવી ચેનલો, તેના એંકરો અને ચર્ચા કરનારાઓ સહિત ગુજરાતીઓ ‘હાઉડી મોદી’ કાર્યક્રમને નિહાળી રહ્યા હતા. દેશઆખાની નજર ત્યાં હતી. કેટલાક રાજીના રેડ હતા, કેટલાક દૂધમાંથી પોરા કાઢવા તૈયાર હતા, કેટલાકની છાતી ગજ ગજ ફૂલતી હતી.
પ્રસંગ જ એવો હતો. ૫૦થી ૬૦ હજાર લોકો મોદીનાં વધામણા કરવા એકઠા થાય અને ત્રણ કલાકથી વધુ સમય સુધી ગાજતા-ગરજતા રહે, નાચતા રહે એ ઘટના પોતે જ ‘અમેરિકામાં ભારતીયો’ અને ‘અમેરિકામાં મોદી’નો નવો અંદાજ પૂરો પાડી રહ્યા હતા.
નવો અંદાજ એટલા માટે કે આવો કાર્યક્રમ પ્રથમ વારનો હતો. આ પહેલાં અમેરિકન પ્રમુખ અને ભારતીય વડા પ્રધાન આવા પ્રજાકીય કાર્યક્રમના મંચ પર સાથે હોય, એકબીજાને ભેટે, હસ્તધૂનન કરે, ખભે હાથ મૂકે અને ભાષણ આપે, એકબીજાને દોસ્ત ગણાવે એવું યાદ નથી આવતું. બેશક, કેનેડી જેવા ભારત-મિત્રો હતા, રુઝવેલ્ટ પણ એવી હરોળમાં આવે. નિકસન-શ્રીમતી ગાંધીની મુલાકાતની કડવી યાદ ઘણાને હશે. ઓબામા ભારત સાથેના સંબંધોમાં - કાળાગોરા ભેદની ભૂમિકાને લીધે - મજબૂત હતા. વાજપેયીજીના પોખરણ-વિસ્ફોટ અને શાસ્ત્રીજીના પાકિસ્તાનને વળતો જવાબ આપવાના પ્રસંગે અમેરિકાની આંખો લાલઘૂમ થઈ હતી.
મોદી-ટ્રમ્પ તો અનોખા દોસ્ત નીકળ્યા! ચૂંટણી અમેરિકામાં થશે ને સૂત્ર ભારતીય વડા પ્રધાન આપશેઃ અબ કી બાર, ટ્રમ્પ સરકાર! ‘પોસ્ટ ટ્રુથ’નો ખલનાયક છે ટ્રમ્પ - એવું ‘બુદ્ધિવંત’ લિબરલ્સ ઢોલ પીટી રહ્યા છે. (ભારતમાં પણ એવી એક પ્રજાતિ છે. જે લેખો - અહેવાલો - ટીવી ચર્ચાઓ – નિવેદનો - એવોર્ડવાપસીઓ – પરિસંવાદોમાં આ એકનું એક ગાણું ગાઈ રહ્યા છે. આવા લોકો છે તો દસ-બાર, પણ જગતના શ્રેષ્ઠ ચિંતકો - ઉદ્ધારકોની ભૂમિકાએ જ રમે છે!) તેમને ગળે ઉતરતું જ નથી કે ટ્રમ્પ કે મોદી સત્તા પર હોય!
હા, અમેરિકાના જેવી જગત-જમાદારીનો ભારતને કોઈ અભરખો નથી. સામ્રાજ્યવાદી માનસ પણ ભારતીયોએ કદી રાખ્યું નથી. તેને પોતાના દેશની અખંડિતતામાં રસ છે. અફઘાનિસ્તાનમાં રશિયાનો પ્રભાવ ન વધે એટલે અમેરિકાએ તાલીબાનો પાળ્યા - પોષ્યા અને પાકિસ્તાનને સાથે લીધું. હવે એ જ તાલીબાનો પાકિસ્તાનને નડી રહ્યા છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે પીએલ-૪૮૦ની દિવાલ ઊભી કરીને અમેરિકા ભારતને પાછું ચાલ્યા જવાની ગર્ભિત ધમકી આપી ચૂક્યું હતું. જોકે ૧૯૬૨ના ચીની આક્રમણ સમયે તેણે ભારતને મદદ કરી. હવે ચીન પાકિસ્તાનને રવાડે ચડ્યું છે, પણ સામ્યવાદી ક્યાંય ભરોસાપાત્ર રહ્યા નથી. નેહરુ સમયે કુશ્ચોફ – બુલ્ગાનીન ભારત આવ્યા ત્યારે ભાષણમાં કહ્યું હતુંઃ કોઈ પણ મુસીબત આવે, હિમાલય પર ચઢીને અમને સાદ પાડજો અમે આવીશું. ૧૯૬૨ના ચીની આક્રમણ દરમિયાન દબાતે અવાજે આ રશિયન નેતાઓ બોલ્યા હતાઃ ‘ભારત અમારું મિત્ર ખરું, પણ ચીન તો અમારો ભાઈ છે!’ એ વાત વળી જુદી, કે ચીનની અવળચંડાઈનો સરહદ-વિસ્તાર વિષે રશિયાને પણ કડવો અનુભવ થયો. રશિયન-નેતા વ્લાદિમીર પુતિન સામ્યવાદી નથી, રશિયા-વાદી છે, અમેરિકા કે ચીન - બધાને બાજુ પર રાખીને ધાક પેદા કરી રહ્યો છે. (પોલિટીકલ કેમિસ્ટ્રીના નિષ્ણાતો તારવી શકે કે માત્ર ટ્રમ્પ નહીં, પુતિન-મોદી વચ્ચે પણ આગવી દોસ્તીના આવાં કારણો છે. ભારતમાં મોદી ભાજપના - અને સરકારના - સર્વમાન્ય લોખંડી નેતા છે. પુતિનનું યે એવું જ છે.)
ટ્રમ્પ-મોદી ‘હાઉડી’ ઉત્સવ ખાલી રંગારંગ કાર્યક્રમ નહોતો. ‘શક્તિ પ્રદર્શન’ની તો હવે જરૂર પણ નથી. આતંકવાદ અને બજાર – આ બે મોટા મુદ્દે અમેરિકા-ભારત કેટલા કેવા નજીક આવી શકે છે તેનો અણસાર હવે આગામી દિવસોમાં મળશે. આતંકવાદ કાંઈ ભારતનો એકલાનો પ્રશ્ન નથી રહ્યો, સર્વત્ર ટ્રમ્પના શબ્દોમાં ‘ઇસ્લામિક આતંકવાદની કટ્ટરતા’ પ્રસરેલી છે. તેનો જડબાતોડ જવાબ આપવો હોય તો બધી સત્તાઓએ એક થવું પડે એવી મોદીની સલાહ અને આગ્રહ તો છેલ્લાં કેટલાંક વર્ષોથી અપાયાં છે.
તમે જુઓ કે ચીન આંશિક રીતે પાકિસ્તાનની સાથે હોય તે સ્વાભાવિક છે કેમ કે ભારતીય જમીન પર દાવાનો કેટલોક ભાગ કાશ્મીરમાં છે. લડાખ પર તો તેણે ૧૯૬૨માં આક્રમણ પણ કર્યું હતું. ‘પાકકબ્જાગ્રસ્ત કાશ્મીર’માં તેણે રસ્તા બાંધી આપ્યા છે, પણ ચીનમાં સરકારને સૌથી વધુ મુસ્લિમ તત્ત્વો નડે છે. તેનો સફાયો તેણે શરૂ કર્યો તે વિશે ઇમરાન ખાનને પત્રકારે સવાલ પૂછયો તો ‘મને તે વિશે કશી ખબર નથી’ એવા જવાબ આપ્યો હતો!
વિદેશનીતિ ભારત જેવાને માટે અને મહાસત્તાઓને ય લોઢાના ચણા ચાવવા જેવી છે. આપણા ખ્યાત આંતરરાષ્ટ્રીય પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ ૧૯૫૨માં એક લેખનું શીર્ષક બાંધ્યું હતું. ‘અગ્નિપરીક્ષા જેવી વિદેશનીતિ’ તેમની વાત સાચી. કાશ્મીર પરના પાકિસ્તાની આક્રમણ, પોખરણ ધડાકો, બાંગ્લાદેશ નિર્માણ, ૧૯૬૫નું પાકિસ્તાની આક્રમણ અને ૧૯૬૨માં ચીની આક્રમણ સમયે ભારતીય વિદેશનીતિ અને કુટનીતિની પરીક્ષા થઈ. ક્યાંક આપણે બચી ગયાં, ક્યાંક ઠેબાં ખાધાં. ૧૯૬૨ની પૂર્વે ‘એશિયન નેતૃત્વ’નું સપનું પંડિત જવાહરલાલ નેહરુએ જોયું હતું. ઇજિપ્તના નાસરને તેમણે સાથે રાખ્યા હતા. ચીની આક્રમણથી તે ધ્વસ્ત થઈ ગયું અને ‘બિનજોડાણવાદી’ નીતિ હાસ્યાસ્પદ પુરવાર થઈ.
હવે આખો મુદ્દો એશિયન નેતાગીરી અને બિનજોડાણવાદથી ખસીને કટ્ટર આતંકવાદની ખિલાફ એકના તરફનો રહ્યો છે. બજાર, શસ્ત્ર-ખરીદી, બેરોજગારી, પર્યાવરણ મહત્ત્વના મુદ્દા બની ગયા! ભારતમાં હવે હાલકડોલક સરકાર નથી રહી, ગઠબંધનની મજબૂરી પણ ના રહી. એટલે આ મોટા લોકતંત્રીય દેશ પ્રત્યે મહાસત્તાઓએ પણ દોસ્તીનો હાથ લંબાવવો એ સમયની માંગ છે.
આ સંજોગોમાં ‘હાઉડી મોદી’ના મંચ પરથી નરેન્દ્ર મોદીએ ઠીક કહ્યું કે ‘બધે બરાબર છે’ ઓલ વેલની આ આલબેલમાં વધુ દૃઢતાનો જ ટંકાર સાંભળવા મળશે!