કોલકાતામાં ચાના વેપારી જયંતિલાલને શાળાના આચાર્યે કહ્યું, ‘માફ કરજો! નલિનને એસ.એસ.સી.ની પરીક્ષામાં બેસવાનું ફોર્મ પ્રીલીમિનરી પરીક્ષામાં નાપાસ થયો છે માટે નહીં આપી શકાય. તેને છૂટ આપીએ તો અમારું રિઝલ્ટ બગડે.’
જયંતિલાલ પોતે નાપાસ થયા હોય તેવા ભાવથી ઉદાસ થયા. સાથે આવેલા પુત્ર નલિને પિતાનો દુઃખી ચહેરો જોયો. તેય દુઃખી થઈને ઉદાસ થયો. જયંતિલાલે આચાર્યને કહ્યું, ‘બીજો કોઈ રસ્તો ખરો?’
આચાર્યે કહ્યું, ‘દીકરાને લીધે તમને ઓફિસમાં બોલાવવાનું અમનેય સારું નથી લાગતું. તમને આ માટે જ બોલાવવાનું અમને નથી ગમતું. એક રસ્તો છે. નલિન બરાબર મહેનત કરે. તમે ધ્યાન રાખીને મહેનત કરાવો તો વિચારાય. અમારી શાળાની આબરૂ નલિનને કારણે ઓછી થાય. તમારી ય ઓછી થાય.’
જયંતિલાલ કહે, ‘સાહેબ! મારા પર વિશ્વાસ રાખો. હું બરાબર મહેનત કરાવીશ. એનું વર્ષ ના બગડે તેવું કરો.’ આચાર્યે જયંતિલાલની વિનંતી સ્વીકારી. નલિને આ વખતે પિતાના મોં પરની લાચારી જોઈ. પિતાને અત્યંત ચાહતા પુત્રને થયું. ‘મારા કારણે પિતાને શરમાવવાનું થાય તેવું હવેથી હું નહીં જ કરું.’
નલિન બદલાયો. ગઈકાલ સુધી નલિન માનતો ‘પાસ થવા માટે ૩૫ માર્ક્સ પૂરતા હોય તો વધારે માટે મહેનત શું કરવા કરવી?’ બાકી નલિન ઠોઠ ન હતો. મહેનતની જરૂર ન હોય તો મહેનત ન કરવી એમ એ માનતો. હવે નલિન ધરમૂળથી બદલાયો. જયંતિલાલે પણ કહેવાની જરૂર ન પડી. નલિને બરાબર મહેનત કરી અને એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં પાસ થયો. મા-બાપને આનંદ થયો.
નલિને એસ.એસ.સી. પછી સુરતમાં હીરાનું કામકાજ શીખવા ભરતભાઈ શાહ પાસે જવા માંડ્યું. મોટા ભાઈ દિલીપભાઈ ત્યારે સુરતમાં હીરાના વ્યવસાયી હતા. વચેટભાઈ કિરીટભાઈ મુંબઈમાં સ્થાયી થઈને હીરાનો વ્યવસાય કરતા હતા. સૌથી નાના નલિને અગિયારમા ધોરણથી જ હીરાની દલાલી શરૂ કરી હતી. બારમા પછી પૂરો સમય હીરા બજારમાં કાઢવા માંડ્યો. ૧૯૬૫માં જન્મેલો નલિન નાની વયે વેપારી બની ગયો.
૧૯૮૬માં સંગીતા સાથે સગાઈ થઈ. લગ્ન પછી સસરા રમણિકભાઈ કમાલિયા અને મોટા ભાઈ દિલીપભાઈનો સાથ મળતાં ૧૯૮૬માં સુરતમાં ઓફિસ કરી. ૧૯૯૨માં સાળા દિલીપભાઈ સાથે બેંગકોકમાં ઓફિસ કરી અને બેંગકોકમાં આવી ગયા. ૧૯૯૭માં બેંગકોકની ઓફિસ બંધ કરીને ધંધા માટે તાઈપેઈમાં ઓફિસ કરી અને બે વર્ષ પછી તાઈપેઈમાં રહેવાનું શરૂ કર્યું. ૨૦૦૦માં ચીનના શેન્ઝેનમાં ઓફિસ કરી અને આઠ વર્ષ પછી શાંઘાઈમાં ઓફિસ કરી. આમ ૧૯૮૬થી ૨૦૦૮ સુધીમાં એકમાંથી ચાર ઓફિસ થઈ. એમાંય વિદેશમાં ત્રણ!
નલિનભાઈના સાળા રાજુભાઈ અને પિયુષભાઈ મુંબઈથી માલ ખરીદે છે. હોંગકોંગ, ચીન, તાઈવાનમાં વેચે છે. તાઈવાનમાં ડાયમંડના આગેવાન વેપારી તરીકે તેમની ગણતરી થાય છે. આના કરતાં ય તાઈવાનના જૈન અગ્રણી તરીકે એમનું નામ વધારે જાણીતું છે.
તાઈવાનમાં માત્ર ૨૦ જેટલા જૈન પરિવાર છે. આ પરિવારોને નલિનભાઈની ધર્મનિષ્ઠા, સૂઝ અને પ્રામાણિકતામાં શ્રદ્ધા છે. આમને એકતાંતણે જોડીને લોકસહકારથી તેમણે જૈન દેરાસર કર્યું છે. આટલા ઓછા પરિવાર વચ્ચે જૈન દેરાસર કરવું એ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠા ના હોય તો શક્ય જ ન બને.
તાઈપેઈમાં બીજેથી ધંધાના કામે આવતા જૈન વેપારી અહીં દેરાસરમાં પૂજા અને દર્શન માટે આવે છે. આવા આગંતુકોને ઘેર બોલાવીને જમાડવામાં, નજીકના સ્થળોએ લઈ જવામાં, માર્ગદર્શન આપવામાં તેમનો પોતાનો ધંધો પડતો મૂકીને ય જાય છે. પત્ની સંગીતાબહેન આવા અતિથિઓને સમયે-કસમયે જાળવવામાં ક્યારેય પાછી પાની કરતાં નથી.
નલિનભાઈ નમ્ર અને વિતરાગ છે. પોતાની વાહ વાહ કરાવવામાં એમને રસ નથી. જોકે, આમ છતાં એમની સાચી સેવા કે સ્વભાવ લાંબો સમય ઢાંક્યાં રહે તેવું બનતું નથી.
નલિનભાઈ જૈન ધર્મની જીવદયા બરાબર પચાવી છે. જીવમાત્રને મદદ કરવા માટે એ સદા તત્પર રહે છે. પોતાના કર્મચારીઓને તેઓ સ્વજનવત્ સાચવે છે.
નલિનભાઈના દાદા મોહનલાલની અમદાવાદમાં દુકાન અને તેઓ ધીરધાર કરતા. આ મોહનલાલના પુત્ર જયંતિલાલ અને તેમના પત્ની કંચનબહેનનો સ્વભાવ પરગજુ અને ધર્મને માથે રાખીને જીવનાર. દાદા મોહનલાલ ગામડેથી અમદાવાદ આવ્યા. પુત્ર જયંતિલાલ એથીય દૂર કોલકાતા ગયા તો પુત્ર નલિન એથી ય દૂર તાઈવાનમાં જઈને વસ્યો. નલિનભાઈમાં વેપારીકુનેહ, ઘસવાની વૃત્તિ અને ધર્મની ઊંડી સમજ છે.
નલિનભાઈને મેં પૂછ્યું, ‘તમે દેરાસર છેક ૨૨મા માળે કેમ રાખ્યું?’ જવાબ મળ્યો. ‘અહીં બધે ચીનાઓની મોટી વસ્તી છે. દેરાસરમાં ધૂપદીપ થાય. આરતી થાય. તેની સુગંધ જૈનેતરોને ન ગમે. તેમને ભારતીય પ્રજા પ્રત્યે અભાવ જન્મે. એમનું દિલ દુભાય. જૈન ધર્મમાં કોઈનું દિલ દુભાય તે પણ હિંસા. અહિંસા પ્રધાન જૈન ધર્મ ધર્મકાર્ય નિમિત્તે બીજાને દુભવીને હિંસા કરે તો ધર્મના મૂળ સિદ્ધાંતનું શું? આથી અમે દેરાસર માટે ઉપલો મજલો પસંદ કર્યો છે.’ કોઈનું દિલ ન દુભવવાની, તથાસ્યાદવાદ એટલે કે બીજો પણ સાચો હોઈ શકે તેવી જૈન વિચારસરણી. આને લીધે જ મુસ્લિમ શાસનમાં ય જૈનોનાં દેરાસર તૂટ્યાં નથી. બીજાને ન નડવાની અને દુશ્મન ન વધારવાની જૈન નીતિ છે.