લંડનમાં ભણીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવક કૌશિક સાઉથ આફ્રિકામાં જ્હોનિસબર્ગની બેંકમાં ઊંચા હોદ્દા પર. બેંકમાં ગોરા ગ્રાહકો આવે, જેમના મોટા મોટા એકાઉન્ટ હોય. આ ઉપરાંત કાળા ધનકુબેર અને નોકરી-વેપારવાળા ગ્રાહકો ય આવે. કૌશિકની નમ્રતા, કાર્યનિષ્ઠા અને ત્વરિત નિવેડાથી ગ્રાહકો ખુશ. બેંકના ગોરા વડા ય ખુશ. કૌશિક બેંકમાં સ્વામિનારાયણી તિલક કરીને જાય. એક દિવસ ગોરા અધિકારીએ કહ્યું, ‘તમે તિલક-ચાંદલો કરીને બેંકમાં આવો તે તમારા હોદ્દાને શોભતું નથી. ગ્રાહકોને એમ લાગે કે તેઓ તમારાથી જુદા છે. આને કારણે ગ્રાહકો બેંકથી અળગા થાય.’
કૌશિકે કહ્યું, ‘આ તિલક મારા જીવનને દોરે અને પ્રેરે છે. તે મારી શ્રદ્ધાની નિશાની છે. તિલક-ચાંદલા વિના મારી જાતનું અસ્તિત્વ હું કલ્પી શકતો નથી.’ આ પછી ગોરા ઉપરીએ વાતને સહજ લેખી. ૧૯૯૧થી ૨૦૧૨ સુધીમાં તેમણે મહત્ત્વના હોદ્દા સાથે છ કંપનીઓમાં કામ કર્યું. બધે માન પામ્યા.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૌશિક પટેલ સાઉથ આફ્રિકન ટેલિકોમ્સમાં વાર્ષિક ૧૦ બિલિયન યુએસ ડોલરના કામવાળી કંપનીમાં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) હતા. આ કંપનીને ન્યૂ યોર્ક અને જ્હોનિસબર્ગ શેરબજારમાં લિસ્ટિંગ કરાવવામાં તે સફળ થયા હતા. આ કંપનીમાં જોડાયા ત્યારે તેના શેરની કિંમત ૨૮ ડોલર હતી અને કંપની છોડી ત્યારે ૧૬૮ ડોલર હતી. કૌશિકભાઈની હિસાબી ચોક્સાઈ, વહીવટી શક્તિ અને કરકસરથી નફો વધતાં, શેરની કિંમત વધી હતી.
જેએન્ડજે ગ્રૂપ નામની ઈન્વેસ્ટ કંપનીમાં તે નાણાં નિયામક છે. ૬૦૦ માણસો કામ કરે છે તેવી આ કંપનીનું વર્ષ ૧૦૦૦ લાખ ડોલરનું કામકાજ છે.
કૌશિકભાઈની કાર્યનિષ્ઠા, જાગૃતિ અને કંપનીના હિત જોવાની વૃત્તિથી એ જ્યાં જાય ત્યાં નફો વધે છે. આથી જ્યારે તેમણે નોકરી બદલી છે ત્યારે તેમને વધારે સગવડો અને વેતન મળતાં રહે છે.
કૌશિકભાઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનન્ય શ્રદ્ધા છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ પ્રત્યે તેઓ અત્યંત નિષ્ઠાવાન છે. જ્હોનિસબર્ગના બીએપીએસ મંદિર સાથે તે હૃદય અને પ્રવૃત્તિથી જોડાયેલા હોવાથી સંતોને લાવવા-લઈ જવાના હોય કે મંદિરનું કામ હોય તો તે ચોક્સાઈથી નિષ્ઠાપૂર્વક કરે છે. ઉપરાંત સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓ તો જ ખરી! ધર્મ, ધંધો અને પરિવાર - બધાંને એ સાચવે છે. આ માટે શરીરનો ઘસારો અને ઊજાગરા એમને કોઠે પડ્યા છે.
કૌશિકભાઈની સફળતામાં પત્ની જ્યોનિતાનો સાથ છે. ફૂડ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ જ્યોનિતા પતિના મહેમાનો, સગાં-સંબંધી, વિધવા સાસુમા અને પુત્રી દ્યુતિકા વગેરે સચવાય માટે નોકરી કરતાં નથી. સત્સંગના કાર્યક્રમ કે સમૈયામાં રસોઈ બનાવવામાં, સંતોની રસોઈ બનાવવામાં તે મંડી પડે છે. જ્યોનિતામાં સેવા અને ધર્મના સંસ્કાર વણાઈ ગયા છે. બીજાને સુખી જોવા-કરવામાં તે ધર્મ માને છે. ભારતમાંથી સાઉથ આફ્રિકા રોજીરોટી માટે આવેલા ૨૦ સત્સંગી યુવકોને તેમણે ધર્મબંધુ બનાવ્યા છે. રક્ષાબંધન પ્રસંગે તે ધર્મબંધુઓને ભાઈ તરીકે જમાડે છે, પણ કોઈની ભેટ વસ્તુ કે પૈસારૂપે સ્વીકારતાં નથી.
કૌશિકભાઈના દાદા મગનભાઈ ૧૯૩૮માં ધર્મજ છોડીને સાઉથ આફ્રિકા આવેલા. પિતા રજનીકાંત ડ્રાયક્લીનર્સ ચલાવે અને માતા પ્રભાબહેન શિક્ષિકા. પરિવારમાં બે દીકરા અને દીકરી. તેમાં ૧૯૬૨માં જન્મેલા કૌશિકભાઈ મોટા. ૧૯૬૯માં યોગીબાપાની તબિયત બગડતાં મુંબઈમાં આરામ કરવા સારું ઘર જરૂરી હતું. રજનીકાંતભાઈ પાસે જૂહુમાં સારું મકાન હતું. તે યોગીબાપાને આરામ માટે આપતાં, યોગીબાપા ત્યાં રહ્યા. તેમણે પરિવાર સત્સંગી બનશે તેવા આશીર્વાદ આપેલા.
યોગીબાપાના આશીર્વાદ ફળ્યા. ૧૯૭૪માં પ્રમુખસ્વામી મહારાજ સાઉથ આફ્રિકા આવ્યા. સાઉથ આફ્રિકામાં સત્સંગી ખુબ થોડા. સત્સંગ સમાજના પ્રમુખ ધર્મજના જશભાઈએ ત્યારે રજનીકાંતભાઈને સત્સંગમાં જોડ્યા. પરિવાર સત્સંગી બન્યો. ૧૯૮૦માં રજનીકાંતભાઈનું અવસાન થયું ત્યારે પુત્ર કૌશિકની વય માત્ર અઢાર વર્ષની હતી. શિક્ષિકા પ્રભાબહેને ટૂંકી આવકમાં સંતાનો સાચવ્યાં. બધાં સંતાન ઓનર્સ સાથે બી.કોમ. થયાં. કૌશિકભાઈ લંડન જઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. લંડનમાં સારી નોકરી મળી પણ કૌટુંબિક જવાબદારી ઊપાડવા સાઉથ આફ્રિકા પાછા આવ્યા. લંડનમાં સી.એ. થયા હોવાથી તેમને એક પછી એક સારી નોકરી અને પ્રમોશન મળતાં થયાં. આજે સારી નોકરી છે. એમની નિષ્ઠા, સેવાવૃત્તિ અને ધર્મશ્રદ્ધાને લીધે જ્હોનિસબર્ગમાં બીએપીએસમાં એમનું નામ અને કામ છે.