સપ્ટેમ્બરનો પહેલો અને રવિવારનો દિવસ હતો. લંડનના ઓલમ્પિયા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ ચાલનારો ઇન્ટરનેશનલ જ્વેલરી શો શરૂ થયો. નેશનલ એસોશિએશન ઓફ જ્વેલર્સના પ્રેસિડેન્ટ સાઈમન ફોરેસ્ટર અને ભારતીય હાઈ કમિશનમાંથી આ લેખકની બ્રેકફાસ્ટ પર રાઉન્ડટેબલ મિટિંગ થઇ - આ પહેલા ક્યારેય આવી દ્વિપક્ષીય રાઉન્ડટેબલ અહીં થઇ નહોતી. પ્રથમ વખત આવું આયોજન થયું તે માટે માત્ર હાઈ કમિશન જ નહિ, પરંતુ ભારતીય મૂળના બ્રિટિશ જેવેલર્સને પણ શ્રેય આપવો ઘટે. તેમાં પ્યોર જ્વેલ્સનાં જયંત રેનીગા સૌથી મોખરે હતા. ‘જ્વેલરી આઉટલુક’ મેગેઝીનના સ્થાપક અને તંત્રી ડેવિડ બ્રોઉએ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ શો યુકેનું સૌથી મોટું જ્વેલરી પ્રદર્શન ગણાય છે. જો ભારતમાં થતાં પ્રદર્શનની સાથે સરખામણી કરીએ તો એ ખુબ નાનું છે, પરંતુ દાગીનાની બાબતમાં ભારતની સરખામણી કોણ કરી શકવાનું? આખરે આપણે ત્યાં તો દરેક લોકોને જ્વેલરી પહેરવાનો શોખ ખરોને. અહીં તો સિમ્પલીસીટી અને એલિગન્સનું મિશ્રણ હોય તેવું જ પહેરાય, પણ આપણે ત્યાં તો અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના દાગીના અને જવેરાત પહેવાની પરંપરા છે.
બપોરે એક પેનલ ડિસ્કશન થયું જેનો વિષય હતો બ્રિટિશ એશિયન જવેલરી ગ્રાહકો અને તેમનો જ્વેલરી માટેનો અખૂટ પ્રેમ. તેમાં પેનલિસ્ટ તરીકે બૈર્ડ એન્ડ કંપનીના પોલ બિસલી, મિનાર જ્વેલર્સના પ્રવીણ પટણી, ડીમી ઇન્ટરનેશનલના મંજુ મુનોટ અને આમ્રપાલી જ્વેલ્સનાં સમીર લીલાની હતા. મોડરેટર તરીકે ડેવિડ બ્રોઉ હતા અને સમાપન સંદેશ મારા ભાગે હતો. પ્રશ્ન જવાબનું સેશન પણ રાખેલું. મહત્વની વાત એ છે કે બ્રિટિશ એશિયન ગ્રાહકો પર ફોકસ કરતું આવું પેનલ ડિસ્કશન પણ પ્રથમ વખત જ થયેલું.
સાંજે એવોર્ડ ફંક્શન હતું. પ્રથમ વખત લીડીંગ લાઇટ્સ એવોર્ડ્સ રાખવામાં આવેલા અને તેમાં અલગ અલગ શ્રેણીના એવોર્ડમાં કેટલાક ભારતીય નામો પણ ચમક્યા તે ખુશીની વાત છે. બેસ્ટ યુઝ ઓફ ટેક્નોલોજીની શ્રેણીમાં ત્રણ શોર્ટલિસ્ટ કરાયેલી કંપનીમાં એક જયંત રેનીગાની પ્યોર જ્વેલ્સ હતી. તેમણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓફલાઈન અને ઓનલાઇન માર્કેટનો ખુબ સરસ રીતે સમન્વય કર્યો છે. ત્યાર બાદ ફેશન ફ્યુઝન એવોર્ડમાં વિજેતા કસ્તુર જ્વેલ્સ થઇ જે ભારતીય મૂળના બ્રિટિશ જ્વેલરી ડિઝાઈનર રાજવી વોરાની કંપની છે અને તેણે ભારતીય સ્ટાઈલની જ્વેલરીનું મોડર્ન ફેશન સાથે ફ્યુઝન કર્યું છે. ત્યાર બાદ બ્લોગર ઓફ ધ યર એવોર્ડ દિલ્હી સ્થિત પ્રીતા અગરવાલને મળ્યો, જેમનો બ્લોગ વાંચકો માટે જ્વેલરી અંગે માહિતી અને શિક્ષણનું કાર્ય સુયોજિત રીતે કરી રહ્યો છે.
ભારતીય અને એશિયન લોકોનો સુવર્ણ પ્રેમ તો જાણીતો છે જ અને આપણા કારીગરોની જ્વેલરી મેકિંગમાં ખુબ બોલબાલા છે, પરંતુ તેમનું નામ યુકેની જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ સારી રીતે ચમકી રહ્યું છે તે ગૌરવની વાત છે. યુકેમાં સ્થિત આવા ઝવેરીઓ બંને દેશો વચ્ચે મહત્વનો સાંસ્કૃતિક અને વ્યાપારિક સેતુબંધ બની રહ્યા છે તેમ કહેવું જ પડે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)