આ સપ્તાહે સાઉધમ્પટનમાં આવેલા વેદિક સોસાયટી હિન્દુ ટેમ્પલ જવાનું થયું. અહીં ભારતીય ઉચ્ચાયોગ દ્વારા જૂન મહિનામાં વિવિધ સેવાઓ આપવા સર્જરી - વર્કશોપ કરવામાં આવેલો. મારા જવાનું પ્રયોજન પણ ત્યાં કોમ્યુનિટી આઉટરીચ કરવાનું, લોકોને ભારતીય ઉચ્ચાયોગ દ્વારા આપવામાં આવતી સેવાઓથી વાકેફ કરાવવાનું અને તેમની સાથે સંપર્ક વધારવાનું જ હતું.
લંડનથી નીકળ્યા ત્યારે એમ કે કોઈ નાનું મંદિર હશે, પરંતુ ત્યાં જઈને જોયું તો સારી એવી મોટી જગ્યામાં આ મંદિર બનેલું છે. દિવાળી અને નવરાત્રી આવી રહી હોવાથી રંગરોગાનનો માહોલ હતો. લગભગ અડધું કામ પૂરું થઇ ગયેલું, પણ બીજી થોડીઘણી સજાવટ બાકી હતી. આ મંદિરમાં દરરોજ પૂજા-આરતી થાય છે. રવિવારે આરતી બાદ પ્રસાદ-ભોજન પણ હોય છે. નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં તો તેની રોનક કૈંક અનોખી જ હોય છે તેવું શ્રદ્ધાળુઓ અને સંસ્થા ચલાવનારા લોકોનું કહેવું છે.
સાઉધમ્પટન એક વખતનું ઈંગ્લેન્ડનું ધમધમતું બંદર હતું અને મોટા ભાગના જહાજો ત્યાં જ ઉતરતા. અહીં ઘણા લોકો સમુદ્રમાર્ગે ભારત કે પાકિસ્તાનથી આવેલા અને વસેલા. આજે આ વિસ્તારમાં કેટલાય ભારતીયમૂળના લોકો સ્થાયી થયેલા છે. તેમાં ગુજરાતી, પંજાબી, શીખ, મુસ્લિમ, પારસી વગેરે લગભગ બધાય લોકોનો સમાવેશ થાય છે.
સાઉધમ્પટનના સી-સિટી મ્યુઝિયમમાં ભારતથી આવેલા સમુદાય અને તેના યોગદાન અંગે એક વિન્ડો રાખવામાં આવી છે. તેના પર શરૂઆતમાં આવેલા એક શીખનો અને એક મહિલાનો ફોટો છે. ત્યાં રાખવામાં આવેલા પરિચય પત્રક પર લખ્યું છે કે ૧૯૫૦ના દશકામાં ભારતથી કેટલાક પુરુષો સ્થળાંતર કરીને કમાવાના ઈરાદાથી સાઉધમ્પટન બંદરે આવેલા. તેઓ થોડા ઘણા પૈસા બચાવીને દેશ પાછા ફરવા માંગતા હતા, પરંતુ ધીરે ધીરે તેમણે પોતાના પરિવારને પણ અહીં બોલાવ્યા અને સ્થાયી વસવાટ કર્યો. તેઓ મુખ્યત્વે કારખાનાઓ, બેકરી કે બંદરગાહમાં કામ કરતા હતા.
આ શહેરમાં ચાર ગુરુદ્વારા છે, એક હિન્દુ મંદિર છે અને કેટલીક મસ્જિદ તથા અન્ય ધર્મના લોકો માટે પૂજાસ્થળો છે. સાઉધમ્પટન શહેરમાં સર્વધર્મ સમિતિ પણ રચવામાં આવી છે જેમાં ઈસાઈ, મુસ્લિમ, હિન્દુ, યહૂદી, શીખ, બુદ્ધ અને બહાઈ ધર્મના પ્રતિનિધિઓ છે. આ ફેઈથ કાઉન્સિલ શહેરમાં સર્વધર્મ સમભાવ જળવાય રહે તેમ જ લોકો એકબીજાના ધર્મને સમજે તથા તેનો આદર કરે તે માટે જાગરૂકતા ફેલાવે છે. આ સમિતિ છેલ્લા પચીસેક વર્ષથી કાર્યરત છે.
આ મંદિરમાં ચાલતી પ્રવૃતિઓ દ્વારા ત્યાં વસતા ભારતીયમૂળના લોકોને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓથી પરિચિત કરાવાઈ રહ્યા છે. વેદિક શિક્ષણ ઉપરાંત બાળવિકાસની પ્રવૃતિઓ, હિન્દી ભાષા અને કેટલીક ભારતીય કલાઓનું શિક્ષણ પણ આપી રહ્યું છે. આ પ્રવૃતિઓ આજે પણ થેમ્સ-ગંગાના પાણી મળતા હોય તેવો સેતુબંધ બનાવી રહી છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)