આ સપ્તાહે ગની દહીંવાલા
• જન્મઃ 17 ઓગસ્ટ 1908 • નિધનઃ 5 માર્ચ 1987
મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ. સવિશેષ ગઝલ લખે. ‘ભિખારણનું ગીત’ પ્રસિદ્ધ છે. સરળતા, વેધકતા, ઉર્દૂ શબ્દો, તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજી શકે. ‘ગાતાં ઝરણાં’ એમનો સંગ્રહ. ‘દિવસો જુદાઈના જાય છે’ એ સંચય સંપાદનરૂપે પ્રગટ થયો છે.
દિવસો જુદાઇના જાય છે
દિવસો જુદાઈના જાય છે, એ જશે મિલન સુધી;
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી;
અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી;
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકના છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચુંદડી!
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી.
•••