અમદાવાદ: સરકારી ડેટા મુજબ રાજ્યમાં કોરોનાના દર્દીઓની ઘટતી સંખ્યા, વિવિધ બાર એસોસિએશન દ્વારા કોર્ટમાં ફિઝિકલ (પ્રત્યક્ષ) સુનાવણી શરૂ કરવાની માગ સાથે થયેલી અનેક રજૂઆતો બાદ હાઈ કોર્ટના ચિફ જસ્ટિસે પાંચમીએ નિર્દેશ આપ્યો હતો કે, અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં સ્થિત કોર્ટમાં પહેલી માર્ચ, ૨૦૨૧ના રોજથી ફરીથી નિયમિત રીતે ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવે. આ માટે કોર્ટના કામકાજનો સમય રાબેતા મુજબ સવારે ૧૦.૪૫થી સાંજના ૬.૧૦ સુધીનો રહેશે. હાઈ કોર્ટે તેના નિર્દેશમાં એ પણ કહ્યું છે કે, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેલી કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ થશે નહીં અને ત્યાં હાઈ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ જ્યુડિશિયલ કામગીરી ઓનલાઈન ચાલુ રહેશે. હાઈ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ થશે કે નહીં તે અંગે કોઈ ફોડ પાડયો નથી. હાઈ કોર્ટે સ્પષ્ટ રીતે નિર્દેશ આપ્યો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને રોકવા માટે જે માર્ગદર્શિકા બહાર પાડી છે, તેનું પાલન અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કોર્ટમાં ફિઝિકલ સુનાવણી સમયે કડકપણે કરવાનું રહેશે. ઉપરાંત, હાઈ કોર્ટે દરેક કોર્ટ માટે જે એસઓપી બહાર પાડી છે તેનું પણ પાલન કરવાનું રહેશે. દરેક કોર્ટના કેમ્પસ અથવા તો બિલ્ડીંગમાં પ્રવેશવા માટે એક જ પ્રવેશદ્વાર રાખવો. જો કે, પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસર્સ કોર્ટ કેમ્પસની જરૂરિયાત મુજબ પ્રવેશ કે બહાર જવા પર એક કરતા વધુ પ્રવેશદ્વારનો ઉપયોગ કરી શકે છે. દરમિયાન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત કમિટીના ચેરમેન અનિલ કેલ્લા સહિત અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખે હાઈ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે.