‘અરે, કૈસે લોગ હો આપ? ગોવા ગયે ઔર ૩૧ ડિસેમ્બર કે દિન વાપીસ આ ગયે?’ ઓફિસમાં સખીએ કહ્યું.
‘હમ લોગ ગયે થે કેવલ ઔર કેવલ સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલ કે લીયે, અગર હમ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર મનાને ગયે હોતે તો જરૂર રુક જાતે...’ જવાબ મળ્યો, ને ઉમેર્યું, ‘છેલ્લા બે-ત્રણ વર્ષથી અમારી ઈચ્છા હતી આ મ્યુઝિક ફેસ્ટિવલ અટેન્ડ કરવાની. આ વર્ષે બધી અનુકૂળતા થઈ તો જઈ આવ્યા. મસ્તીથી ઝૂમ્યા ને ગોવામાં ગરમીમાં બીચ પર ફરીને આવી ગયા.’
આ સંવાદમાં કોણ ક્યાં અને કેમ ગયું ને કોણે શું પૂછ્યું એનું નહીં પરંતુ જવાબમાં રહેલી વિચારોની અને મનોજગતની સ્પષ્ટતા મહત્ત્વની છે. આપણે જવા ક્યાંક નીકળીએ અને ફંટાઈ કે રોકાઈ જઈએ ક્યાંક, ત્યારે અનેક પ્રશ્નો સર્જાય છે અને ક્યારેક આપણને જ અફસોસ થાય છે. આવું ન થાય માટે જરૂરી છે કે વિચારોમાં સ્પષ્ટતા હોય. શું કરવું છે? શા માટે કરવું છે? આ બાબતની જાગૃતિ હોય તો મોટા ભાગે જે તે કાર્યોમાં સફળતાની દિશામાં જરૂર આગળ વધાય છે.
વિક્રમ સંવતનું નવું વર્ષ આપણે ત્યાં દીવાળી પર્વથી શરૂ થાય અને ઈસવી સન જાન્યુઆરીથી શરૂ થાય. વર્ષ ૨૦૧૯ પૂરું થયું અને આરંભ થયો ૨૦૨૦નો. ક્રિકેટમાં ટ્વેન્ટી૨૦ની મેચ વર્લ્ડમાં રમાય છે. આ ફોર્મેટમાં રમનારાને એ વાતની ખબર છે કે એક એક બોલમાં થતાં રનનું અને એ બોલ દ્વારા પ્રાપ્ત થતી વિકેટનું મહત્ત્વ છે. ટ્વેન્ટી૨૦ મેચ રમનારાને ઓછા સમયમાં પોતાનું શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવાનું છે, અને એટલે જ ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં પસંદ થનાર ખેલાડીમાં શારીરિક ચુસ્તી અને સ્ફૂર્તિ, ઝડપ, સમયસૂચકતા, સાહસ જેવા ગુણો અતિ મહત્ત્વના ગણાય છે.
અત્યારે શરૂ થયેલા નવા વર્ષને પણ ટ્વેન્ટી૨૦ રૂપે જોઈએ તો આપણા માટે પણ આ વર્ષની એક એક પળ મહત્ત્વની છે. આરંભે શૂરા બનીને થોડા દિવસ આપણે આપણા સંકલ્પો પૂરા કરવા માટેની પ્રતિબદ્ધતા પૂરવાર કરીએ, પણ પછી ઢીલાઢફ થઈ જઈએ એ નહીં ચાલે. આયોજન-પુરુષાર્થ-અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. રોજેરોજ આપણે પોતે જ આપણા કાર્યોનો હિસાબ લેવો પડશે. હોતા હૈ... ચલતા હૈની મનોવૃત્તિ નહીં ચાલે. વહી જતા સમયને પોતાના ભાગે આવેલા શ્રેષ્ઠ કર્મથી જીવંત કરવો પડશે તો જ સફળ થવાશે.
નવા વર્ષના આરંભે એક નાનકડી વાર્તાનું સ્મરણ થાય છે. એક શિલ્પકાર હતો. ગામના પાદરે આવેલા ડુંગર પર મંદિર બનતું હતું ત્યાં મુખ્ય મૂર્તિ તરાશવાનું કામ લાંબા સમયથી એ કરતો હતો. રાત્રે તળેટીમાં આવી જાય અને સવારથી સાંજ મૂર્તિ ઘડે.
એક માણસ મંદિરના જ કોઈ કામે નિયમિતરૂપે ત્રણ-ચાર વાર ત્યાં ગયો. એણે નોંધ્યું કે આ મૂર્તિ તો તૈયાર થઈ જ ગઈ છે, છતાં શિલ્પું બહુ ઝીણું કાંતી રહ્યો છે. એ શિલ્પકારને મળ્યો અને કહ્યું કે, ‘દોસ્ત, આ મૂર્તિ તો બની જ ગઈ છે, અહીં ભક્તો પણ નિયમિતરૂપે મોટી સંખ્યામાં આવવાના નથી, કોઈને કાંઈ ખબર પણ નહીં પડે, તું મૂર્તિ સોંપી દે ને!’ ત્યારે શિલ્પીએ કહ્યું કે, ‘મને ખબર છે, પરંતુ મારી મૂર્તિ કોઈ જુએ કે ના જુએ, મારું કામ છે એટલે એ શ્રેષ્ઠ જ હોવું જોઈએ.’
આ વાર્તામાં પોતાના કર્તૃત્વભાવની શ્રેષ્ઠતાનો આનંદ સમાયેલો છે. આપણા કામથી આપણને આનંદ થવો જોઈએ. એ આનંદ આખરે વધુ સારા કામ અપાવે છે. ૨૦૨૦ના વર્ષમાં આપણે આપણા પ્રત્યેક કાર્યને આ રીતે મૂલવશું તો સરવાળે આપણને જ સિદ્ધિઓ મળશે.
•••
સંસ્કૃત શ્લોકમાં લખાયું છે,
આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ
અર્થાત્ અમને સર્વ દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ.
૨૦૨૦ના વર્ષના શુભારંભે આપણી આસપાસના વાતાવરણમાંથી આપણે શુભત્વ સ્વીકારીએ, પ્રેમ અને પ્રસન્નતાના વાહક બનીએ, બંધાઈએ નહીં, ગતિમાન રહીએ. કાર ચલાવતી વખતે પાછળનું દૃશ્ય બતાવતો કાચ નાનો હોય છે એમાં ક્યારેક જ જોઈએ છીએ, પણ સામેની, આગળની દિશા જે બતાવે એ કાચ વિશાળ હોય છે. વધુ ધ્યાન એના પર હોય છે. એમ જ ભવિષ્ય પર વિશેષ ધ્યાન આપીએ. જે કાંઈ કર્મ કરીએ એ શત - પ્રતિશત સમર્પિતભાવે નિષ્ઠાથી કરીએ ત્યારે સફળતાના અજવાળાં જરૂર રેલાશે.