ગુજરાતીઓને વેપાર-ધંધામાં રસ. પરદેશ જવામાં રસ, પણ વ્યાયામમાં રસ નહીં. ઝઘડાની વાત આવે તો આઘા ભાગે. આવા ગુજરાતીઓને નીડર બનાવવાની પ્રવૃત્તિ અને પ્રેરણાનો પાયો છોટુભાઈ પુરાણી. સમગ્ર ગુજરાતમાં અખાડાની આહલેક જગાવનાર પુરાણી બંધુઓ. મોટા તે છોટુભાઈ અને નાના તે અંબુભાઈ, જે પછીથી શ્રી અરવિંદના અંતેવાસી બનીને પોંડિચેરીમાં વસ્યા.
અંગ્રેજો સામે વિના શસ્ત્રે કાયદાથી લડનારી સંસ્થા કોંગ્રેસ અને છોટુભાઈ પુરાણી બંનેનો જન્મ એક જ વર્ષમાં ૧૯૮૫માં થયો. છોટુભાઈનો જન્મ મોસાળ ડાકોરમાં થયેલો. છોટુભાઈ વડોદરા કોલેજમાં ભણીને મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ. થઈને વડોદરા કલાભુવનમાં શિક્ષક બન્યા. ભણતા ત્યારે વડોદરામાં શ્રી અરવિંદ તેમના અંગ્રેજીના પ્રોફેસર. તેમના ત્યાગથી પ્રભાવિત થઈને તેઓ શ્રી અરવિંદને મળ્યા. કેવી રીતે દેશસેવા કરવી એમની સલાહ માગતાં જવાબ મળ્યો, ‘દેશને પરિવર્તનની જરૂર છે. ક્રાંતિ એ જ ઉપાય. મારા નાનાભાઈ બારીન્દ્રને મળો...’ આ બારીન્દ્ર ઘોષને અંગ્રેજોએ પછીથી ફાંસી આપેલી. ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજોએ જેમનું રાજ્ય ખાલસા કર્યું તે દરબાર ગોપાળદાસે બારીન્દ્ર ઘોષની યાદમાં પોતાના સૌથી નાના પુત્રનું નામ બારીન્દ્ર રાખેલું.
છોટુભાઈ અને બારીન્દ્ર ઘોષ મળ્યા. બારીન્દ્ર ઘોષે તેને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈ જવા આગ્રહ કર્યો. છોટુભાઈએ ત્યારે કહ્યું, ‘હું દેશસેવક યુવાનોને તૈયાર કરીશ.’
ક્રાંતિકારી પ્રવૃતિ માટે કસાયેલી કાયા, નીડરતા અને ફનાગીરી જોઈએ. છોટુભાઈના અભ્યાસકાળના મિત્ર યશવંત ગણેશ પંડિત સાથે મૈત્રીથી તેમને વ્યાયામમાં રસ પડ્યો હતો. આથી તેમણે ૧૯૦૯માં વડોદરામાં ગુજરાતમાં સૌપ્રથમ વ્યાયામ શાળા શરૂ કરી. લંગોટભેર દંડબેઠક અને વ્યાયામ કરતાં યુવાનોથી આસપાસની વસ્તીને અરુચિકર લાગ્યું. તેમણે શરૂમાં અખાડામાં એંઠવાડ, ગંદકી, કચરો નાંખવા માંડ્યો. મહેણાં-ટોણાં મારે, પણ સ્ત્રીઓની છેડતી કરતાં ગુંડાઓને ઠમઠોરીને સીધાં કરતાં વિરોધને બદલે વહાલ જન્મ્યું. યુવાનોના ઘડતર માટે અહીં ભાતભાતની પ્રવૃત્તિ થતી. છોટુભાઈની સાથે એમના નાના ભાઈ અંબુભાઈ જોડાતાં ગુજરાતમાં ઠેર ઠેર અખાડા પ્રવૃત્તિ શરૂ થઈ.
છોટુભાઈ વડોદરા છોડીને લાહોર કોલેજમાં જતાં પત્રો લખીને વડોદરાના યુવાનોને તેમને પાછા આવવા વિનંતી કરતાં છોટુભાઈ પાછા આવ્યા.
૧૯૪૨માં છોટુભાઈની પ્રેરણા અને આયોજનથી યુવાનોએ ઠેર ઠેર પોલીસથાણાં પર હુમલા કરીને શસ્ત્રો લૂંટ્યાં. ટપાલ લૂંટી. તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં. અંગ્રેજ સરકારના અમલદારોની હિંમત તૂટે માટે આ કરેલું. છોટુભાઈ ભૂગર્ભમાં ગયા. એમના માથા માટે ઈનામ જાહેર થયું, પણ ક્યારેય ના પકડાયા. સુભાષચંદ્ર બોઝ મ્યાંમારના રસ્તે થઈને ભારત આવે છે તે જાણતાં તેમને મળવાં છેક આસામ પહોંચ્યાં પણ ક્યાંય પકડાયા નહીં. સરકારે ૧૯૪૬માં ભૂગર્ભવાસીઓનાં વોરંટ રદ્દ કર્યા ત્યારે જ તે ઉપસ્થિત થયા હતા.
જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી, રામ મનોહર લોહિયા જેવા મોટા નેતાઓ છોટુભાઈને ‘ગુરુજી’ તરીકે સંબોધતાં.
છોટુભાઈ વિશે મહાત્મા ગાંધીએ લખેલું, ‘પુરાણીભાઈઓ ગુજરાતનાં રત્ન છે. તેમના માર્ગમાં આવતાં કાંટા, ઝાંખરાં દૂર કરવાનું આપણું કર્તવ્ય છે.’
સરદાર પટેલે ચંદુલાલ દેસાઈને લખ્યું, ‘ગમે તે સંજોગોમાં તમે છોટુભાઈને સાચવી રાખજો. જિલ્લો એમનાથી ઊજળો છે. એમના વિના અંધારું થઈ જશે.’
કનૈયાલાલ મુનશીએ લખ્યું, ‘પુરાણીના ચેલાઓ એટલે જીવતાજાગતા અખાડાઓ. એ જ્યાં જાય ત્યાં અખાડા પ્રવૃત્તિ શરૂ થાય.’
છોટુભાઈએ ૧૯૩૭માં અમદાવાદમાં કાંકરિયા પર વ્યાયામ વિદ્યાલય શરૂ કરેલું. તેની સાથે અંબુભાઈ પુરાણીનું નામ જોડાયું હતું. રાજપીપળામાં સૌપ્રથમ એમણે વ્યાયામ મારફતે ગ્રેજ્યુએટ થવાનો અભ્યાસક્રમ ધરાવતી કોલેજ સ્થાપી. ગુજરાતની એ સૌપ્રથમ વ્યાયામમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી આપતી કોલેજ. ૧૯૫૦માં છોટુભાઈના અવસાન પછી એનું નામ રખાયું, ‘છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય.’ વ્યાયામ મારફતે યુવાઘડતરથી સમગ્ર ગુજરાતના યુવાનોના પરિવર્તનના પ્રણેતા થયા.