વૈશાખ સુદ ત્રીજ (આ વર્ષે ૯ મે) એટલે અખાત્રીજ, અક્ષય તૃતિયા, અક્ષય-કારિણી જેનો કદી ક્ષય ન થાય એનું નામ અક્ષય. અખાત્રીજ, અક્ષય તૃતિયા એ પરમ સુખાકારી, મંગળકારી, સ્વયમ્ સિદ્ધા સુફળતા અને સફળતા અર્પતું મંગલમય મુહૂર્ત છે. આમાં પણ અક્ષય તૃતિયા રોહિણી નક્ષત્રથી યુક્ત હોય તો પરમ પાવક, સ્વયમ્ સિદ્ધા - સર્વસુખ દાતા મંગલકારી મુહૂર્ત બને છે.
ભારતીય પંચાગ શાસ્ત્રમાં જે ત્રણ ઉત્તમ મૂહુર્ત માન્યા છે તેમાંનું એક મુહૂર્ત કે જે વણજોયું મુહૂર્ત કહેવાય છે તે એટલે વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ અથવા અક્ષય તૃતિયા. આ દિવસે કોઈ પણ સારું કામ થઈ શકે છે. તે દિવસે લોકો સોના-સાંદી વગેરેની ખરીદી કરે છે. ।। નઃ ક્ષયઃ ઈતિ અક્ષયઃ ।। આ દિવસ એ અક્ષયપાત્રનો દિવસ હોવાથી આજના દિવસે ખરીદેલું ખૂટતું નથી. આ દિવસે લાવેલા સોના-ચાંદીમાં વધારો જ થાય છે તેવી માન્યતાથી લોકો આની ખરીદી કરે છે.
અખાત્રીજ આમ તો ધરતીપુત્રોનું પનોતું પર્વ છે. ધરતી ખેડવા માટેનો નવા વર્ષનો આજનો પ્રથમ દિવસ હોવાથી કૃષિ પરિવારમાં આનંદ હોય છે. વહેલી સવારે જ ખેડૂતો થાળીમાં સોપારી, કાચું સુતર, પૈસો, ગોળ અને કપાસિયા લઈને બળદને ચાંદલો કરી નવા વર્ષનું ખેત ખેડવાનું મુહૂર્ત કરવા નીકળી પડે છે અને કણમાંથી મણ આપનારી ધરતીમાતાનું પણ એ વખતે પૂજન થાય છે.
આમ બળદ લઈ નીકળેલો ખેડૂત ખેતરે જઈ હળના પાંચ ચાસ કાઢીને ખેતરમાં ખાડો કરી સોપારી અને પૈસો દાટી અને અનાજની દેવીનું આવાહન કરે છે. ઉલ્લાસ એટલો હોય છે કે આ દિવસે ખેડૂતો લગ્ન કરતાં પણ વધારે મહાલે છે. આ દિવસે ‘સોંતી’નું મુહૂર્ત પણ થાય છે. વસંતને વધાવવાનો ઉત્સવ અખાત્રીજ સુધી ચાલે છે અને વસંત પૂજાની અખાત્રીજે પૂર્ણાહૂતિ થાય છે. વૈશાખી વાયરા યુવક-યુવતીઓને હિલોળે ચડાવે છે. વણજોયું મુહૂર્ત હોવાથી વધુમાં વધુ લગ્નો અખાત્રીજે થાય છે. વળી પિયર આવેલી કન્યાને અખાત્રીજે આણું કરી વળાવી દેવામાં આવે છે.
અક્ષય તૃતિયાની લોકરૂઢિઓ બહુ છે. ખાસ કરીને ગુજરાતમાં ભાલપંથકમાં અખાત્રીજના જોગ (વર્તારા) જોવામાં આવે છે. આ વર્તારા મુજબ ખેડૂતો જે તે ધાન્યની વાવણી કરે છે. વળી, ખેડૂતો જૂની ગ્રામ્ય પ્રથા મુજબ વરસાદના વર્તારા પણ કરે છે. ગામના પાદરમાં કાચી માટીના ચાર ઢેફાં મૂકી અને અષાઢ, શ્રાવણ અને ભાદરવો અને આસો એવા નામ આપે છે. વળી, વચ્ચે ઘડો મૂકી માટીના ઘડા પર લાડવો મૂકે છે. આ પછી ઘડાને ફોડે છે. જે તરફ પાણી વધારે જાય તે માસમાં વરસાદ વધુ આવે તેવા વર્તારા કરવામાં આવે છે.
આજના દિવસે મારવાડની સુપ્રસિદ્ધ જોષી ‘ભડલી’એ વરસાદના વર્તારાની સાખીઓ રચી છે અને ભારતના શ્રદ્ધાવાન ખેડૂતો આ ભડલી વાક્યોમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે અને વરસાદ કેવો આવશે તે અંદાજ કાઢે છે. જેમ કે,
‘ડાબો ચંદો વિત્તર હરે,
જમણો અતિ સુગામ,
સામા સામો જો સંચરો,
તો ઓચિંતો પડે દુકાળ’ અક્ષય તૃતિયાના દિવસે પવનની ચાલ પણ જોવામાં આવે છે અને દિશા જોઈને વરસાદના વર્તારા થાય છે.
‘પશ્ચિમની પહેલી ઘડી,
પવન ફરુકા થાય,
વાડી જો સંચ્યા કરો,
સિંચે ન સુકાય.’ આમ કૃષિપ્રધાન અર્થતંત્ર પર ચાલતા દેશ માટે શ્રદ્ધા અને વિશ્વાસ પર વરસાદનો વર્તારો માપવામાં આવે છે.
સિદ્ધો અને તાંત્રિકો માટે આ અક્ષય તૃતિયાનો દિવસ એ ખૂબ જ મહત્ત્વનો હોય છે. જાતજાતના પ્રયોગો અને સિદ્ધિ માટેના મંત્રોની સાધના કરી અને તંત્ર-મંત્રના ઉપાસકો આ મુહૂર્તનો લાભ લે છે.
આ દિવસે કરવામાં આવેલાં દાન, તપ, જપ, હવન, તીર્થદર્શન વગેરેનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ દિવસે જવ, ઘઉં, ચણા, ચોખા જેવા અનાજના દાનનું વિશેષ ફળ છે. આ દિવસે ‘પિતૃભ્યસ્સંપ્રદાનેન મમ્ સન્તુ મનોરથા’ બોલીને પિતૃદેવના નામે કોઈ ગરીબને ‘પગરખા’ પહેરાવવાનો પણ ખાસ મહિમા છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ચંદન ચડાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે. તો આ દિને પરમ પાવક ભગવાન શ્રી પરશુરામના અવનિ પર અવતરણના આનંદમાં, ‘જામદગ્ન્ય મહાવીર ક્ષત્રિયાન્તકર પ્રભો। ગૃહાણાર્ધ્ય મયાદંત કૃપયા પરમેશ્વર’ના મંત્ર દ્વારા એની પૂજા-અર્ચનાનું પણ વિશેષ વિધાન અને ફળ છે. ટૂંકમાં, તે દિવસે દાન, તપ, જપ, કરવાથી અનેક ગણું ફળ પ્રદાન થાય છે એવું શાસ્ત્ર વિધાન છે.
આ દિવસે જૈનોને વર્ષી તપના પારણાનો, અઠ્ઠાઈ કે ત્રણ દિવસના કરવામાં આવતાં તેલાનો પણ પુનિત દિન મનાય છે.
આ દિવસ ભગવાન વિષ્ણુના અવતરણનો પણ પાવક દિવસ મનાય છે.
આ દિવસે તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી, પ્રચંડ પ્રભાવક એવા ભગવાન પરશુરામનું આતતાયીઓના અંત અર્થે અવનિ પર અવતરણ થયું હતું.
આ દિવસે ભગવાન બદ્રીનાથ એવમ્ પુણ્ય સલીલા યમુના - મહારાણી યમુનોત્રીના દિવ્ય દર્શનનાં દ્વાર ખુલે છે.
વર્ષમાં એક વાર વૃંદાવનમાં શ્રી બાંકે બિહારીજીના શ્રીચરણના દર્શન પણ આજના સપરમા દિવસે થાય છે.
આ મંગલમય દિનને ત્રેતા - સતયુગના આરંભનો દિન પણ મનાય છે.
આ દિવસે પુણ્ય સલીલા, પતિત, પાવની, પાપનાશિની ગંગામૈયામાં સ્નાન કરવાનું પણ અનેરું મહત્ત્વ અને મહાત્મ્ય છે.
કૃષિકારો અને સાગર ખેડૂઓનું પણ આ પુનિત પર્વ ગણાય છે.
હયગ્રીવના અવતરણનો પણ આ અનોખો દિવસ છે. પંજાબીમાં આને ‘અણ પૂછા’ મુહૂર્ત કહે છે.
સ્વયમ્ સિદ્ધ દિવસ હોવાના કારણે સૌથી વધારે વિવાહ સંસ્કાર પણ આજના દિવસે થાય છે. જોકે, આ વખતે શુક્ર અસ્ત હોવાના કારણે વિવાહ મુહૂર્ત નથી.
પંચમહાલ અને સાબરકાંઠાનો વિસ્તાર આજના દિનને ‘ખાતરી’ના દિન તરીકે ઉંમગભેર ઉજવે છે અને આને ‘ખાતરીયો’ મહિના પણ કહે છે.
આપણી જરૂરિયાત અને જીવાદોરી સમા સુવર્ણરંગી, ઘઉંનો પાક આ દિવસે ઉતારીને ઘરમાં ભરાય છે અને આ ભંડાર ભર્યો રહે યાને અક્ષય રહે એવી ભવ્ય ભાવના ભીતર ભરતો આ અનેરો દિવસ અન્નપૂર્ણાના ઓચ્છવનો મંગલમય દિન પણ મનાય છે. આ દિવસે કરવામાં આવતું કોઈ પણ કાર્ય અખંડ, અક્ષય રહે છે. જેથી એને અક્ષય તૃતિયા યાને અખાત્રીજ કહેવાય છે.
એવું કહેવાય છે કે, લક્ષ્મીની ઉત્પત્તિ દિપાવલીના દિવસે થઈ, પરંતુ આ ‘ચંચલા’ લક્ષ્મીને ‘અચલા’ યાને સ્થાયી અને સ્થિર રૂપમાં પ્રાપ્ત કરવા અને સ્થાયી અને સ્થિરતાની નિજ નિવાસમાં વાસ કરાવવા યાને પ્રતિષ્ઠા કરવા આ દિવસે ખાસ - ‘મહાલક્ષ્મી’ ત્રિપુરા સુંદરી અને શ્રીયંત્રનું પૂજન કરાય છે. આ દિન ‘શ્રી’ના પૂજન માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આજના દિવસે કરેલું પૂણ્ય ભવિષ્ય પુરાણના કથન અનુસાર ‘અક્ષય’ રહે છે. જેથી આજના દિવસે દાન, પૂજન, અર્ચન, તર્પણ વિગેરેનો વિશેષ મહિમા છે. આથી જ અક્ષય તૃતિયા યાને અખાત્રીજ એ ખરા અર્થમાં અનેરો, અનોખો, પાવક પર્વ અને દિવ્ય દિન છે.